હેપ્પીનેસ ઇન્ડેકસ કે હાસ્યાસ્પદ ઇન્ડેકસ!!!
શું ભારતની ગ્રોથ સ્ટોરી પશ્ર્ચિમના દેશોને ખટકે છે?
કરન્ટ ટોપિક -નિલેશ વાઘેલા
જગત આખું ભારતના ગૌરવવંતા વિકાસને નિરખી રહ્યું છે ત્યારે પશ્ર્ચિમના દેશો ભારતીય પ્રગતિ સાંખી શકતા ના હોય એવું જણાય છે. તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં અપાયેલા રેન્િંકગ અત્યંત અવિશ્ર્વસનીય અને હાસ્પાસ્પદ છે!
આ ઇન્ડેક્સમાં ખાવાના ફાંફા ધરાવતા અને ભિક્ષુ કક્ષાએ પહોંચેલા પાકિસ્તાન અને યુદ્ધગ્રસ્ત યુક્રેન, પેલેસ્ટાઇન કરતા પણ ભારતને પાછળ સ્થાન આપીને પોતાની પક્ષપાતી અને હિન માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભારતની આર્થિક વિકાસથી ઘાંઘા બની ગયેલા પશ્ર્ચિમના દેશોમાં ભારતને હિણું ચિતરવાનું મિશન બનાવ્યું હોય એવું લાગે છે!
સંયુક્ત રાષ્ટ્રસંઘના આંતરરાષ્ટ્રીય સુખાકારી દિવસ નિમિત્તે ૨૦ માર્ચ બુધવારના રોજ બહાર પાડવામાં આવેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૪માં ભારતને ૧૪૬ દેશોમાંથી ૧૨૬મા ક્રમે સ્થાન અપાયું છે. આ ઇન્ડેકસના હાસ્યાસ્પદ રેન્કિંગને જોતા જ સવાલ થાય છે કે શું ભારતની ગ્રોથ સ્ટોરી પશ્ર્ચિમના દેશોને આટલી હદે ખટકે છે?
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય આર્થિક સફળતાના મૂલ્યાંકનના સંદર્ભમાં પશ્ર્ચિમની ખામીયુક્ત પદ્ધતિનું ચિત્ર વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રકાશન ‘ધ ઈકોનોમિસ્ટ’ના એક લેખમાં પણ સ્પષ્ટ થાય છે.
આ લેખમાં ઉપરોક્ત સામયિકે ભારતના આર્થિક વિકાસની વાત કરવાને સ્થાને આર્થિક અસમાનતા અને સરકારની નીતિઓ અને વલણ અંગે પક્ષપાતી ચિત્ર ઉપસાવવાની કોશિશ કરી છે. જોકે આપણે વૈશ્ર્વિક સુખાકારી આંક અથવા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સના સ્પષ્ટ રીતે અતાર્કિક અને હાસ્યાપસ્પદ તારણની વાત કરીએ.
દુનિયાભરના દેશોને હેપ્પીનેસ ઈન્ડેક્સ પર તેની આંતરિક અવસ્થાને છ માપદંડના આધારે રેન્ક આપવામાં આવે છે. આ ઇન્ડેક્સ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટનો એક ભાગ છે. આ રિપોર્ટ ઓક્સફોર્ડ વેલબીઇંગ રિસર્ચ સેન્ટર, ગોલપ, યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક અને ડબલ્યુએચઆરના એડિટોરિયલ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ ડબલ્યુએચઆર સંપાદકીય બોર્ડના સંપાદકીય નિયંત્રણ હેઠળ તૈયાર કરવામાં આવે છે.
મૂળભૂત રીતે વિકાસ અને વૃદ્ધિના માપદંડ તરીકે હેપીનેસ એટલે કે આનંદ અથવા ખુશીની વિભાવનાની ભુતાન દ્વારા પહેલ કરવામાં આવી હતી. તે સમયે આ માપદંડ તદ્દન અલગ હતો અને પછી પશ્ર્ચિમે આ કોનસેપ્ટ પર કબજો જમાવી લીધો.
જોકે આ નવી વાત નથી, વિશ્ર્વના અન્ય ભાગોમાંથી હાઇજેક કરેલી અનેક બાબતોમાં અગાઉ પણ આવું જ થયું છે. પશ્ર્ચિમેે આ માપદંડમાં એવી ઘાલમેલ કરી છે કે તેના પરિણામ અત્યંત ‘હાસ્યાસ્પદ’ આવ્યા છે.
આ વર્ષનો અહેવાલ પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે આ અહેવાલ દ્વારા ભારતની સફળતાની ગાથાને ઝાંખી પાડવા માટે જ આવા હાસ્યાસ્પદ તારણો જાહેર કરવામાં આવ્યા છે. કોઇ આંકડાકીય અભ્યાસ કે પ્રત્યક્ષ નિરિક્ષણ કર્યા વગર માત્ર તર્કને આધારે પણ જોઇ શકાય છે કે આ ઇન્ડેક્સ વાહિયાત છે!
સ્પષ્ટ જણાય છેે કે, પશ્ર્ચિમ જગત જ્યારે જીડીપી ડેટા અને અન્ય પ્રમાણભૂત આર્થિક આંકડાઓ દ્વારા ભારતની ગ્રોથ સ્ટોરીને હંફાવવામાં નિષ્ફળ રહ્યું, ત્યારે તેણે ‘હેપ્પીનેસ ઈન્ડેક્સ’ જેવા શંકાસ્પદ કોનસેપ્ટનો ઉપયોગ કરવાનો માર્ગ અપનાવ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે.
હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ભારત પાકિસ્તાન, પેલેસ્ટાઈન અને યુક્રેનથી ઘણું પાછળ છે, એ હકીકતથી વધુ હાસ્યાસ્પદ શું હોઈ શકે! રશિયા સાથેના યુદ્ધ દરમિયાન યુક્રેન લગભગ નષ્ટ થઈ ગયું છે, પાકિસ્તાન નાદારીની આરે છે અને કેટલાક મૂળભૂત રાશન મેળવવાનો પ્રયાસ કરતી વખતે લોકો માર્યા જાય છે, તેની મોટાભાગની વસતિ વંશીય હિંસા, આંતરિક ઝઘડો, ખૂબ જ ઊંચા ફુગાવા અને લોકશાહી નિષ્ફળતાનો ભોગ બની રહી છે.
મોટાભાગના પાકિસ્તાનીઓ તેમના દેશની અને ખુદ તેમાં પોતાની અવદશાથી એટલી હદે કંટાળી ગયા છે કે તેઓ પોતાનો દેશ છોડવા માગે છે. આ તરફ ઈઝરાયેલના વળતા હુમલા પછી પેલેસ્ટાઈન એકદમ તબાહ થઈ ગયું છે.
પશ્ર્ચિમ એશિયાના આ પ્રદેશમાં ભાગ્યે જ કોઈ ખોરાક, દવા છે અને તે ઉગ્ર કટ્ટરપંથી લોકોથી ખદબદે છે, જેને ઘણા લોકો દ્વારા એક દેશ તરીકે માન્યતા મળી નથી. વાસ્તવમાં, પેલેસ્ટાઇન ઇસ્લામિક આતંકવાદીઓનું જાણીતું હબ છે અને અહીં હમાસ જેવા જૂથોની મજબૂત હાજરી છે.
હેપ્પીનેસ ઇન્ડેક્સના માપદંડોને જોતા, સામાન્ય સમજ ધરાવતી કોઈપણ વ્યક્તિ આ પ્રકારના રેન્કિંગ પાછળ કોઈ તર્ક શોધવામાં નિષ્ફળ જશે. આ છ પરિમાણોમાં માથાદીઠ જીડીપી, સામાજિક સમર્થન, સ્વસ્થ આયુષ્ય, સ્વતંત્રતા, ઉદારતા, ભ્રષ્ટાચારની સ્વતંત્રતાનો સમાવેશ છે.
૨૦૨૪માં બહાર પાડવામાં આવેલા આ ઈન્ડેક્સમાં ભારત ૧૨૬મા ક્રમે છે. લિબિયા, નાઈજર અને ઈરાક જેવા દેશોને ભારત કરતાં ઊંચો ક્રમ આપવામાં આવ્યો છે! આ દેશો બરબાદ થઈ ગયા છે અને દાયકાઓથી નાગરિક સંઘર્ષ, આતંકવાદ, નબળી આર્થિક વૃદ્ધિ અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે.
જ્યારે આ દેશોની સામે જોઇએ તો ભારત સૌથી વધુ સમૃદ્ધ લોકશાહી છે, વિશ્ર્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે તેમ જ, વર્તમાન વૈશ્ર્વિક પરિદૃશ્યમાં રાજકીય અને સામાજિક સ્થિરતાનું પ્રતીક છે.
આમ છતાં પશ્ર્ચિમના અદેખા તથાકથિત અભ્યાસુઓ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ભારતને હેતુપૂર્વક પાછળ ધકેલીને હીંણું ચિતરવાની ચેષ્ટા કરી રહ્યાં છે. અલબત્ત સત્યને કયારેય અંધકારમાં ગોંધી શકાતું નથી, એટલે વધુ ચિંતા કરવા જેવું નથી, પરંતુ વિધ્નસંતોષીઓની હિન માનસિકતા આડેનો દંભનો પડદો હટાવવો પણ આવશ્યક છે.