હજામતથી હૈયાની સારવાર…!
આ મોર્ડન માનસિક થેરપી અજમાવવા જેવી છે *
*શરતોને આધિન …
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઈટલ્સ: વાળ ને ગાળ એકવાર નીકળી જાય પછી કંઇ ના થાય (છેલવાણી)
એક ટકલો માણસ સલૂનમાં ગયો, પણ એનાં માથા પર માંડ ૨૦-૨૫ વાળ હતા.
વાળ કાપનારે પૂછ્યું : તમારા આટલા વાળનું શું કરું એને કાપું કે એને ગણું?!
મારે તો એના પર કલર કરાવવો છે!’ ટકલાએ કહ્યું.
આ જોક પાછળ ફિલોસોફી એ છે
કે જીવનમાં જે કંઈ બચ્યું છે એની ભરપૂર મજા લો! ’
હમણાં કેશકર્તન કળા વિષે કમાલની કથા વાંચી કે જીવનથી હારેલી થાકેલી લિમા નામની સ્ત્રી ગયા વર્ષે આફ્રિકાના ટોગો શહેરની ધૂળભરી ગલીઓમાં રોજ અકારણ
દિશાહીન ભટકતી રહેતી.. પછી એને થયું કે પોતે જો આમ અથડાતી કૂટાતી રહીને
ખરેખર ઉંડા ડિપ્રેશનમાં જતી રહેશે તો એના બે બાળકની સંભાળ કોણ રાખશે?
હકીકતમાં લિમા એક અવિવાહિત કુંવારી માતા હતી, જેનો એકમાત્ર ભાઈ થોડા સમય પહેલાં જ ગુજરી ગયો હતો અને લિમાની બેકરીની મામૂલી નોકરી પણ છૂટી ગઈ હતી. રસ્તે રખડતાં રહીને જીવનમાં કોઇ રસ્તો દેખાતો નહોતો. પોતાની માનસિક સારવાર માટે મનોચિકિત્સક પાસે જવા પૈસા પણ નહોતા.
...પણ એવામાં એકવાર લિમાનાં પાડોશમાં રહેતી હેર-ડ્રેસર સિલ્વેઈરાનું ઉદાસ લિમા પર ધ્યાન ગયું. પછી એણે લિમાને પોતાના સલૂનમાં બોલાવી, જ્યાં વાળ કપાવતાં કપાવતાં લિમા પોતાનાં દિલની વાત કહી શકે...
પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના
શહેરોમાં હેરડ્રેસર સિલ્વેઈરા જેવી લગભગ ૧૫૦ મહિલા છે, જેમણે લોકોનાં
માનસિક સ્વાસ્થ્ય સુધારવાની ટ્રેનિંગ લીધી છે, જે આખી વાત જ કોઇ હસીનાનાં
વિખરાયેલા ઝુલ્ફ જેવી સુંદર છે,
જેમ કે સિલ્વેઈરાએ પેલી ડિપ્રેસડ લિમાના વાળને ડ્રાયરથી સૂકવતી વખતે
હળવેકથી અમુક સવાલ પૂછ્યા અને થોડાંક પ્રોત્સાહન આપતા સારા શબ્દો કહ્યા. પછી એણે જીવનમાં નાનું પણ નવું કામ શરૂ કરવાની મામૂલી સલાહ લિમાને આપીબસ, માત્ર આટલા સધિયારાથી લિમાને નવી જ દિશા મળી અને એ ગર્દિશના દિવસોમાં
ડિપ્રેશનથી બચી ગઇ. આજે લિમા આને લાઈફ સેવિંગ થેરેપી’ કહે છે. બીજી તરફ, હેરડ્રેસર સિલ્વેઈરાનું કહેવું છે: ’ ’ ’દુનિયામાં અનેક ઉદાસ લોકોને બચાવી લેવા માટે માત્ર એમની વાતો સાંભળવાની કે પછી એમની સાથે વાતો કરવાની જરૂર છે, બસ…ધેટ્સ
ઓલ !’
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ના અહેવાલ મુજબ આફ્રિકન દેશોમાં આત્મહત્યાનો દર સૌથી વધુ છે,
કારણ કે ગરીબીને લીધે ત્યાંના લોકો જગતમાં સૌથી વધુ માનસિક તાણમાં જીવે છે એટલે પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં અમુક હેરસલૂનનોમાં આવી માનસિક સારવાર સાવ મફતમાં પૂરી પાડવામાં આવે છે. એક તો આવા પાર્લરમાં જવાનું સસ્તું અને એમાં યે
સ્ત્રીઓ માટે તો એ મનગમતી જગ્યા. ત્યાં વાળ કાપતાં કે રંગતા સરસ પોઝિટિવ વાતો કરીને અનેક લોકોને બચાવવા માટે અત્યાર સુધી ૧૫૦ હેરડ્રેસરોએ મેંટલ હેલ્થ એંબેસેડર’ની માનદ પદવી કે ડિગ્રી મેળવી છે.
ઇંટરવલ:
કિસ ને ભીગે હુએ બાલોં સે યે ઝટકા પાની?
ઝૂમ કે આઇ ઘટા, ટૂટ કે બરસા પાની! (આરઝુ લખનવી)
જેમ વાળ કાપતાં કાપતાં કોઇને ડિપ્રેશનમાંથી બચાવી લેવું એ એક કળા છે તો એ જ કળા ક્યારેક કાતિલાના પણ બની શકે છે.
એક ભારતીય પહેલીવાર
આફ્રિકાના સલૂનમાં એક કાળાં- ઊંચા ને તગડા પુરૂષ પાસે વાળ
કપાવતો હતો. એટલામાં એક સુંદર ગોરી છોકરીએ આવીને પેલાનાં
હાથ-પગના નખ કાપીને પોલીશ કરવા માંડી. દેશીભાઇએ મૂડમાં
આવીને છોકરીને પૂછ્યું, સાંજે મારી હોટેલ રૂમ પર આવીશ?’
સોરી, મારા હસબન્ડને એ નહીં ગમે.’ છોકરીએ કહ્યું.
તો વરને કહી દેજે કે બહેનપણીને મળવા જઉં છું.’ દેશીભાઇએ કહ્યું.
ત્યારે છોકરીએ કહ્યું,તમે જ કહી દોને, મારો વર જ તમારા વાળ કાપી
રહ્યો છે!’
બીજી જ મિનીટે વાળ કાપનારા તગડા પુરૂષે દેશીભાઇના
ગળાની નસ પર બે મિનિટ સુધી અસ્ત્રો મૂકી રાખ્યો! ત્યાર પછી પેલાએ
ક્યારેય વિદેશી સલૂન તો છોડો પણ વિદેશ જવાની પણ હિમ્મત નથી
કરી…!
યારોં, લોકો ભલે ને માથામાં ઉગતા વાળ કપાવવાને કેશકર્તન
કળા કહે, પણ એ માથાંનો દુ:ખવો જ છે. આમ જોઇએ તો વાળ વિશે
આપણે ત્યાં પણ અનેક કથા છે. જેમ કે- ૨૦૦૪માં જ્યારે કોંગ્રેસ
સરકાર આવી ત્યારે બી.જે.પી.નાં સુષ્મા સ્વરાજે કહેલું: જો સોનિયા
જેવી વિદેશી મહિલા દેશની પી.એમ. બનશે તો હું મુંડન કરાવી
નાખીશ! પણ પછી તો સુષ્મમાના સારા નસીબે મોહનસિંહ પી.એમ. બન્યા, જે લાંબા વાળ સાથે પાઘડી પહેરતા.
ચાણક્યએ પ્રતિજ્ઞા લીધેલી: જ્યાં સુધી હું નંદોનો નાશ નહીં કરું ત્યાં સુધી હું મારી શિખા (ચોટલી) નહીં બાધું! ’
મહાભારતમાં દ્રોપદીએ વસ્ત્રહરણ પછી પ્રતિજ્ઞા લીધેલી: જ્યાં સુધી હું
દુર્યોધનની જાંઘના લોહીમાં મારા વાળ નહીં બોળું ત્યાં સુધી હું વાળ
બાંધીશ નહીં! ’
એકવાર મેં ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘઈને પૂછેલું કે તમારી સૌદાગર’
ફિલ્મમાં બે દિગ્ગજ કલાકાર રાજકુમાર અને દિલીપકુમાર સાથે કામ
કરતી વખતે સૌથી અઘરું શું લાગ્યું? ત્યારે સુભાષજીએ કહ્યું : ’જ્યારે
હિમાચલના મનાલી હિલ-સ્ટેશનમાં શૂટિંગ ચાલતુ ત્યારે બપોરે દોઢ વાગે લંચ-બ્રેક થાય એટલે રાજકુમાર એમના વાળની વિગ સૂકવવા
મનાલીથી છેક કુલુ શહેરની હોટેલમાં જતા અને પછી ૪ વાગે કુલુથી
પાછા આવતા ને ત્યાં સુધીમાં તો મનાલીના પહાડી વિસ્તરમાં અંધારૂ
થઇ જતું… આમ એક વાળની વિગને કારણે રોજ શૂટિંગ અટકી જતું અને ખર્ચો વધ્યા જ કરતો.!
જો કે વાળ કપાવવાની ક્રિયા આપણને નમ્ર બનાવે છે, કારણ કે રાજ હોય કે રંક ત્યાં
બધાએ માથું નમાવવું જ પડે છે. ખેર, જેમ વિતેલો સમય પાછો નથી આવતો એમ એકવાર ગયેલાં વાળ પણ પાછા નથી આવતા.
એંડ-ટાઇટલ્સ:
આદમ: તેં વાળ કપાવ્યા?
ઈવ: ના, વધાર્યાં..