ગુલઝારને ‘જ્ઞાનપીઠ’ મળ્યો ને તે ‘સંપૂર્ણ’ થઇ ગયો !
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
દેશનું સૌથી જૂનું અને સૌથી શ્રેષ્ઠ સાહિત્યિક સન્માન, ભારતીય જ્ઞાનપીઠ, આ વર્ષે ગીતકાર, કવિ, ફિલ્મ નિર્દેશક ગુલઝારને ઉર્દૂ ભાષામાં ઉત્કૃષ્ઠ કામ કરવા બદલ આપવામાં આવ્યું છે
(સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્યની સંસ્કૃત ભાષામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે).
આ પસંદગી ઉચિત જ છે. ખાસ કરીને, ગુલઝાર તો એના હકદાર પણ છે. એમણે જે રીતે એમનાં સર્જનમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ કર્યો છે તેવો ભાગ્યે જ વર્તમાનમાં કોઈ કરે છે.
આ સમાચાર મળ્યા ત્યારે ૮૯ વર્ષીય ગુલઝારે મુંબઈમાં કહ્યું : ‘મારી હવે એ ઉંમર નથી રહી કે હું ઉત્સાહથી ઉછળીને તાળીઓ પાડું, પણ મને ખૂબ આનંદ થયો છે. ‘જ્ઞાનપીઠ’નું સન્માન સંતોષજનક છે અને મને ખુશી છે કે ઉર્દૂમાં મારા કામ બદલ તે મને આપવામાં આવ્યું છે. મેં બહુ લાંબા સમયથી હિન્દુસ્તાની ભાષામાં લખ્યું છે અને ઉર્દૂ ભાષા હિન્દી, ફારસી અને આપણી અન્ય ભાષાઓનું મિશ્રણ છે. લોકો જયારે મને પૂછે છે કે હું આટલું બધું ઉર્દૂમાં કેવી રીતે લખી શકું છું ત્યારે મને આશ્ર્ચર્ય થાય છે. હકીકત એ છે કે હિન્દી અને ઉર્દૂનો પાયો એક સમાન છે. એ વિદેશી ભાષા નથી- એ અહીં હિન્દુસ્તાનમાં પેદા થઇ હતી અને હું તો લખતો થયો ત્યારથી એમાં જ કામ કરું છું….’
ગુલઝાર કેવી રીતે (હિન્દી-ઉર્દૂ મિશ્રિત) હિન્દુસ્તાની જબાનનો ઉપયોગ કરે છે તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જે. પી. દત્તાની ‘ગુલામી’ ફિલ્મનું, લતા મંગેશકર- શબ્બીર કુમારના અવાજમાં ગવાયેલું આ લોકપ્રિય ગીત છે. તેમાં ગુલઝારે ફારસી કવિ અમીર ખુસરોએ ખડી બોલીમાં લખેલા ગીતમાંથી શરૂઆતની પંક્તિ લઈને આખું ગીત લખ્યું હતું. ખુસરોએ લખ્યું હતું :
જિહાલ-એ-મિસ્કીન મકુન તગાફુલ, દુરાયે નૈના બતિયાં
કિ તાબા-એ- હિજરા, ન દારેમ એ જાં, ન લેહુ કાહે લગાયે છતિયાં…
ગુલઝારે એમાં ફેરફાર કરીને લખ્યું :
ઝીહાલે મુસ્કીન મકુમ બ-રંજીશ, બ-હાલે-હિજરા બેચાર દિલ હૈ
સુનાઈ દેતી હૈ જિસકી ધડકન, તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ…
દિલચસ્પ વાત એ છે કે શબ્દોના આ સર્વોતમ કારીગર, સંપૂર્ણ સિંહ કાલરા ઉર્ફે ગુલઝાર મુંબઈમાં સંઘર્ષના દિવસોમાં કાર મિકેનિક હતા. દેશના વિભાજનમાં એમનો પરિવાર વિખરાઈ ગયો હતો અને આર્થિક ઉપાર્જન માટે એ મુંબઈ આવ્યા હતા. ત્યાં આમતેમ ભટક્યા પછી, જૂની મોટરકારના ગરાજ ‘વિચારે મોટર્સ’માં પેઈન્ટરનું કામ મળ્યું હતું. તે દિવસે તૂટેલી-ફૂટેલી મોટરોને રંગવાનું કામ કરતા હતા અને રાતે શબ્દોના સાથિયા પૂરતા….
સ્કૂલમાં હતા ત્યારે એ ટાગોરનાં પુસ્તકોના અનુવાદ વાંચ્યા હતા અને તેમાંથી લેખનમાં એમને રસ પડ્યો હતો. પિતા મખન સિંહ કાલરા, લેખનને ‘ફાલતું’ કામ ગણતા હતા એટલે સંપૂર્ણ સિંહે પિતાથી છુપાવા માટે ગુલઝાર ‘દીનવી’ (ગુલઝાર એટલે રોનક, ખીલેલું, પ્રફુલ્લિત અને દીનવી એટલે દુન્વયી) ઉપનામથી લખવાનું ચાલુ કર્યું હતું. પાછળથી ‘દીનવી’ વિખૂટું પડી ગયું.
રાજ્યસભા ટીવી સાથે એક ઈન્ટરવ્યૂમાં ગુલઝારે કહ્યું હતું કે, ‘મારામાં રંગોને મિક્સ કરવાની સારી સમજ હતી. એમાં સમય ખૂબ મળતો હતો, કારણ કે રંગને સુકાતાં વાર લાગે. એ દરમિયન હું પુસ્તક વાંચતો કે કશુંક લખી લેતો હતો. શનિવારે પીડબલ્યુએ (પ્રોગ્રેસિવ રાઈટર્સ મૂવમેન્ટ)ની બેઠકોમાં વરિષ્ઠ લેખકોને સાંભળવા
જતો હતો. એ શીખવાનો સમય હતો.’ કેવું કહેવાય કે ગુલઝાર જ્યાં અલગ-અલગ રંગોને મિક્સ કરવાની કળાથી જીવન નિર્વાહ કરતા હતા ત્યારે એ હિન્દી-ઉર્દૂ અને ફારસી ભાષાના શબ્દોને મિક્સ કરીને ખુદની એક આગવી ભાષાનું નિર્માણ કરી રહ્યા હતા…! બહુ પાછળથી, એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે, ‘હું જે ગલી-મોહલ્લા, દેશ અને સંસારમાં રહું છું એની ધડકનો આ ટેબલ પર સાંભળું છું. ઉર્દૂના વિદ્વાન હોવામાં મને કોઈ રસ નથી. મારે આ વૈશ્ર્વિક સમાજનો હિસ્સો રહેવું છે.’
એટલા માટે જ એમની કવિતાઓ અને ગીતોમાં એવા એવા પ્રયોગો કર્યા છે કે ‘શુદ્ધ’ સાહિત્યકારો ગુલઝારને સાહિત્યકાર તરીકે સ્વીકારવા પણ તૈયાર નથી.
ગુલઝાર કહે છે, ‘મારી ટીકા પણ થઇ છે. ‘હમને દેખી હૈ ઇન આંખો કી મહેકતી ખુશ્બુ’ (ખામોશી, ૧૯૭૦) યાદ છે? એ મારું ગમતું છે. મેં મારી પત્ની સાથે એના પર રોમાન્સ પણ કર્યો છે, પણ એ લખ્યું ત્યારે જાણકારોને ગમ્યું ન હતું. એમને થયું હતું, આંખોમાંથી કેવી રીતે ખુશ્બુ આવે? ‘નામ ગુમ જાયેગા…’ માં વ્યાકરણને લઇને રાહી માસુમ રઝા નારાજ થઇ ગયા હતા. ઈજાજતમાં ‘મેરા કુછ સામાન…’ માટે પણ મને બહુ ટપલા પડ્યા હતા…’
પોતાની ફિલ્મ- ગીતોની પ્રક્રિયા અંગે ગુલઝાર કહે છે, ‘હું જ્યારે ગીત લખું છું ત્યારે ત્યારે મારા મનમાં ફિલ્મની સ્ક્રિપ્ટ જ હોય છે. સ્ક્રિપ્ટમાં જે પરિસ્થિતિ અને પાત્રો હોય, તે પ્રમાણે હું કલ્પના કરું છું. પાત્ર મુંબઈનો પીધેલો ગેંગસ્ટર હોય તો તે શાયરી ના કરે, એ ‘ગોલી માર ભેજે મેં’ એવું જ બોલે…!’
સામાન્ય લોકોની ભાષામાં જ (અને સાથે સસ્તું ના લાગે તે રીતે) લાગણીઓને વ્યક્ત કરવાની એમની લાક્ષણિકતાના કારણે જ ગુલઝાર દેશના હજારો સિનેમા અને કવિતા રસિકોમાં એક અનોખું સ્થાન મેળવી શક્યા છે.
ગુલઝારને લોકો કેટલા ચાહે છે તેનો એક પ્રસંગ છે. થોડા મહિના પહેલાં, ગુલઝારના સમકાલીન ગીતકાર જાવેદ અખ્તરના જીવનચરિત્ર્ય ‘જાવેદનામા’નું મુંબઈમાં વિમોચન થયું હતું. તેમાં ગુલઝારને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગુલઝાર સાર્વજનિક કાર્યક્રમોમાં બહુ જતા નથી, એટલે જાવેદે ગુલઝારને ‘ઈદ કા ચાંદ’ ગણાવીને કહ્યું: ‘ઈદના ચાંદની તો ઓછામાં ઓછી વર્ષમાં એકવાર દેખાવાની ગેરંટી હોય છે, પણ એવી ગેરંટી ગુલઝાર સા’બ પાસેથી મળતી નથી.’
એ બંને વચ્ચે ૫૦ વર્ષ જૂની દોસ્તી છે. ગુલઝારે એમના વક્તવ્યમાં એ દોસ્તીને યાદ કરીને જાવેદ કેટલું સરસ લખે છે તેની તારીફમાં એક નઝમ વાંચી હતી. આ નઝમ પાછળનો બીજો હેતુ એ કહેવાનો હતો કે શૅર-ઓ-શાયરીના ચાહકો બંને વચ્ચે ભેળસેળ કરી નાખે છે. અમુક લોકો ગુલઝારને જાવેદ સમજી બેસે છે અને અમુક જાવેદને ગુલઝાર….
જાવેદ અખ્તરે ભેળસેળનો ઉલ્લેખ કરીને એક પ્રસંગ કહ્યો. એકવાર એરપોર્ટ પર જાવેદ બેઠા હતા ત્યાં એક ચાહક મળવા આવ્યો અને તેમને ‘સલામ, ગુલઝાર સાબ’ કહ્યું.
જાવેદને આવી ભેળસેળની ટેવ હશે એટલે કોઈ ખુલાસો કર્યા વગર એમણે પણ સામે દુઆ-સલામ કહ્યા.
ગુલઝાર સા’બ, આપ યહાઁ? ચાહકે પૂછ્યું.
જાવેદે પણ ચલાવ્યું, ‘હાં, વો જાવેદ સા’બ આ રહે હૈ તો રિસીવ કરને આયા હું’
ચાહક નારાજ થઈ ગયો : આટલા મોટા સર્જક સાવ જાવેદ જેવા માટે થઈને એરપોર્ટ પર આવે?
જાવેદે કહ્યું : ‘જી, જાવેદ જબ ભી આતે હૈ મેં હંમેશાં રિસીવ કરને આતા હું..’
‘ઠીક હૈ, ગુલઝાર સાબ’ કહીને બિચારો ચાહક જતો રહ્યો.
ગુલઝારે આવી જ એક ચાહક છોકરીનો સંદર્ભ લઈને જાવેદ અખ્તરની તારીફમાં નઝમ વાંચી હતી. એમણે પહેલાં તો જાવેદ અખ્તરના સુપ્રસિદ્ધ ગીત ‘એક લડકી કો દેખા તો ઐસા લગા…’નો ઉલ્લેખ કર્યો (ગુલઝારે રમૂજ કરી કે આ ગીતમાં દરેક પંક્તિ પર એવું લાગે કે જાવેદ એક નવી છોકરીની વાત કરે છે- યે વો પહેલે વાલી નહીં હૈ!) અને પછી કહ્યું, ‘એક લડકી કો મેં ભી મિલા થા’ બધાના ખડખડાટ હાસ્ય વચ્ચે, ગુલઝારે એમનું અનુકરણ ન થઈ શકે એવી લાક્ષણિક શૈલીમાં આગળ ચલાવ્યું: એક લડકી કો મેં ભી મિલા થા બડા અચ્છા લગા મિલકર મેરી મદ્દાહ થી, મેરી એક ફેન થી.. વો મેરી શાયરી કી ખુબીયાં પહેચાનતી થી મેરે મિસરે, મેરી તશ્બીહે ઉસકે દિલ કો છૂતી થી
મુજે મિલકર અચાનક બૌખલાને લગ ગઈ થી
બડી નર્વસ હસીં હસકર કહા-
‘મુજે ડર હૈ મેં અપના નામ હી ન ભૂલ જાઉં..’
બગલગીર હો કે મોબાઈલ પર સેલ્ફી ભી લે લી
ગઈ તો નામ લે કર શુક્રિયા કહ કર ગઈ વો-
વો મેરા નામ ન થા..
(પછી ગુલઝારસાહેબે જાવેદ અખ્તર તરફ ઈશારો કરીને છેલ્લી પંક્તિ પૂરી કરી)
‘હંમેશાં સે યહી ડર થા વો કમબખ્ત મુજ સે અચ્છા લિખતા હૈ!’
(મિસરે- શૅર, મદ્દાહ- પ્રશંસક, તશ્બીહ- અલંકાર, બગલગીર- બાજુમાં આવીને)
આશરે ૧૧૧૧ શબ્દ