ઉત્સવ

ગુજરાતીઓ ધનનું દાન પણ એટલી જ ઉદારતાથી કરી જાણતા હતા

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા

ઓગણીસમી સદીના આરંભથી તે અંત સુધી મુંબઈના શાહ સોદાગારો ગુજરાતી ભણતા હતા અને તેઓ માત્ર ધન એકત્ર કરવામાં જ માનતા નહિ, પરંતુ ધનનું દાન પણ એટલી જ ઉદારતાથી કરી જાણતા હતા. સર જમશેદજી જીજીભાઈ હૉસ્પિટલ, શેઠ ગોકુલદાસ તેજપાલ હૉસ્પિટલ, રાજાબાઈ ટાવર આજે પણ એમની ઉદારતાની છડી પુકારે છે. ગુજરાતીઓ મુંબઈ આસપાસના પરિસરથી સમ્રાટ અશોકના સમયથી પરિચિત હતા, પરંતુ ઈ.સ. ૮૧૦ થી ૧૨૬૦માં શિલહાર સામ્રાજ્ય દક્ષિણ ગુજરાત સુધી સીમા ધરાવતું હતું ત્યારે ગુજરાતીઓનાં જહાજો મુંબઇ નજીક સોપારા બંદરથી પૂર્વમાં ચીન સુધી આફ્રિકા થઈને રાતા સમુદ્ર સુધીની સફર ખેડતાં હતાં. શિલહાર સામ્રાજ્યમાં પારસીઓ પણ સોપારા, કલ્યાણ બંદરેથી વેપાર ચલાવતા હતા.

જ્યારે ૧૫૩૦ના અરસામાં પોર્તુગીઝે મુંબઈ બેટ અને વસઈ ઉપર કબજો જમાવ્યો ત્યારે સ્થાનિક લોકો સાથે પ્રાદેશિક ભાષાની જાણકારી વિના મુશ્કેલી ઉપસ્થિત થઈ એટલે પોર્તુગીઝ અમલદારોએ ગુજરાતથી પારસીઓને લઈ આવીને વસઈ અને મુંબઈમાં વસાવ્યા. પારસીઓ ગુજરાતી, મરાઠી, કોંકણી, પોર્તુગીઝ અંગ્રેજી અને ફારસી ભાષાથી પરિચિત હતા. એટલે જ તો ૧૬૪૦માં ગુજરાતથી પોર્તુગીઝો દોરાબજી નાનાભાઈ નામના પારસીને મુંબઈ લઈ આવ્યા હતા અને મુંબઈના પટેલ તરીકે તેમની નિમણૂંક કરી હતી.

ઈ.સ. ૧૬૬૪માં છત્રપતિ શિવાજીની ‘સુરત લૂંટ’ પછી ગુજરાતી વેપારીઓને મરાઠા અને મોગલો બન્ને સતાવવા લાગ્યા એટલે મુંબઈમાં અંગ્રેજો સ્થિર થતાં જ ગુજરાતીઓએ મુંબઈને વ્યાપારી પાટનગર બનાવવાનો પ્રારંભ કર્યો. સત્તરમી સદીમાં મોગલો અને મરાઠાઓએ ગુજરાતમાં ગુજરાતી પ્રજાની પજવણી કરી ના હોત તો સુરત બંદર કદી ભાંંગી પડ્યું ન હોત. અને આજે પણ સુરત બંદરે ૮૭ બંદરોના જ નહિ, એના કરતાં બમણી સંખ્યાનાં બંદરોના વાવટા ફરકતા હોત. ગુજરાતી હિંદુ વેપારીઓ સાથે મેમણ, ખોજા અને વહોરા વેપારીઓએ પણ મુંબઈ આવીને સ્થાયી થવાનું પસંદ કર્યું. ચિત્રપાવન બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, પાથારે પ્રભુ, પંચકલશી વગેરે મરાઠી ભાષાઓએ પોર્તુગીઝ અને અંગ્રેજોની ઓફિસોના કર્મચારીઓ તરીકે કામ કરવાનું અધિક પસંદ કર્યું હતું. મનમોહન દેવીદાસ, મંગલદાસ નથુભાઈ, પ્રેમચંદ રાયચંદ, ગોકુલદાસ તેજપાલ, જીવરાજ બાલુ, ખટાઉ મકનજી, ગોકુલદાસ લીલાધર પાસ્તા, લક્ષ્મીદાસ ખીમજી, વગેરેએ ઓગણીસમી સદીના એટલે કે ૧૮૬૧ના અમેરિકન આંતરવિગ્રહ દરમ્યાન રૂની નિકાસથી મબલખ નાણાં પ્રાપ્ત કર્યાં હતાં. ગોકુલદાસ તેજપાલના (૧૮૨૧-૬૭) ના પિતાએ તો કચ્છથી મુંબઈ આવીને ફેરિયા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આત્મારામ ભૂખણ તો નાણાં ધીરવાનું કામ કરતા હતા અને અંગ્રેજ અધિકારીઓ અને અંગ્રેજ વેપારીઓ એમની પેઢીએ નાણાં લેવા પહોંચી જતા હતા. ૧૮૬૬ સુધી આત્મારામ ભૂખણની પેઢીનું નામ લંડનની પેઢીઓમાં, પોતાના સિક્કાની જેમ રણકતું હતું.

Records of the Government of Maharastra, Judicial Department, 1863 Vol 20માં જણાવવામાં આવ્યું છે કે ૧૮૫૫ના ઑગસ્ટ મહિનામાં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ મુંબઈના અડધા ટાપુ ઉ૫ર પારસીઓ ખરેખર માલિકી ધરાવતા હતા. દાદાભાઈ પેસ્તનજી વાડિયા ૧૮૫૦ના અરસામાં મુંબઈમાં લગભગ ૫૦ લાખ રૂપિયાની મિલકત ધરાવતા હતા અને તેનું વાર્ષિક ભાડું રૂા. ૧,૨૪,૦૦૦ હતું. ઈ.સ. ૧૮૫૧માં જો કે દાદાભાઈ આર્થિક રીતે ભાંગી પડ્યા હતા, પણ તે પહેલાં મુંબઈ ટાપુનો લગભગ ચોથો ભાગ એમની માલિકીનો હતો.

તૈયબજી ભાઈમિયાં અફીણનો વેપાર કરતા હતા અને અંગ્રેજ લશ્કરને તંબુ અને સીવેલાં કપડાં પૂરાં પાડતા હતા. તેમની ગણના પણ મુંબઈના લખપતિઓમાં થતી હતી.

મરાઠા લખપતિઓમાં જગન્નાથ શંકરશેઠ, ધાકજી દાદાજી, રામા કામાટી વગેરેની ગણના થતી હતી. કોંકણી મુસલમાનોમાં મુહમ્મદ અલી બીન મુહમ્મદ હુસેન,રોગે સર, કાવસજી જહાંગીર રેડીમની અને સર જમશેદજી જીજીભાઈ ચીન સાથે વેપાર ચલાવતા હતા અને મોતીશાહ વેપારી હતા. તેઓ પણ મુંબઈના એક અગ્રગણ્ય લખપતિ શેઠિયા હતા.

મુંબઈના આ શાહ સોદાગરો એટલા બધા નાણાંની લેવડ-દેવડ કરતા હતા કે ૧૮૪૦થી ૧૮૫૦ના માત્ર એક જ દાયકામાં મુંબઈમાં ચાર-ચાર બેન્કોની સ્થાપના થવા પામી હતી. ૧૮૪૦માં બેન્ક ઓફ બોમ્બેની સ્થાપના થઈ હતી. ૧૮૪૨માં બેન્ક ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા, ૧૮૪૫માં ઓરિયેન્ટલ બેન્ક અને ૧૮૪૫માં કમરશ્યલ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી. બેન્ક ઓફ બોમ્બેની સ્થાપના પાંચ લાખની થાપણથી થઇ હતી. અને વીસ લાખની ચલણી નોટ છાપવાનો તેને અધિકાર હતો.

મુંબઈમાં ત્રણ શ્રીમંતોનાં નિવાસસ્થાનો રાજમહેલ જેવાં ત્યારે હતાં. વાડિયાનો ‘લવજી કેસજી’ (બરેલ), સર જમશેદજી જીજીભાઈનો મઝગાંવ કેસટલ અને નાના શંકરશેઠનો પેશ્ર્વાઈ શૈલીનો મહેલ ગિરગાંવ ઠાકુરદ્વાર ખાતે આવ્યો હતો. નાના શંકરશેઠના મહેલ ફરતો વિશાળ બગીચો હતો અને તેમાં હરણાં અને અન્ય નિર્દોષ જાનવરો ઉછેરવામાં આવતા હતાં.

મુંબઈના ગવર્નર સર બાર્ટલે ક્રીઅરે જણાવ્યું છે કે ૧૮૬૦-૬૧ની અમેરિકન સિવિલ વોરનો લાભ લઈને મુંબઈના નામાંકિત વેપારીઓએ ૧૮૬૪-૬૫ દરમિયાન રૂા. ૩૧૦ લાખથી વધુ કિંમતના રૂની નિકાસ મુંબઈથી કરી હતી.

મુંબઈમાં રૂના વેપારથી દરરોજ લાખોના સોદા થતા હતા અને શ્રીમંતો લખલૂટ ખર્ચ કરતા હોવાથી
મોંઘવારી વધતા પામી હતી. પગારદારો જીવનનિર્વાહ ચલાવવામાં મુશ્કેલી અનુભવતા હતા, કારણ કે તેમનો પગાર કંઈ મોંઘવારીની સાથેસાથ તે સમયે વધતો નહોતો. તે સમયે ટપાલ લઈ જવા પગપાળા દોડતા માણસો હલકારા હતા. એમણે પગાર વધારવાની માગણી કરી તો મુંબઈના પોસ્ટ માસ્તર જનરલે પગાર વધારવાની માગણી કરતો પત્ર બ્રિટિશ સરકારને મુંબઈના ગવર્નર મારફતે મોકલ્યો. પગાર વધવાની વાત તો દૂર રહી, પણ મુંબઈના ગવર્નર અને પોસ્ટ માસ્તર જનરલને સાચી ભલામણ માટે જબરો ઠપકો મળ્યો. અંતે હલકારાઓ (છીક્ષક્ષયતિ) ૧૮૬૪માં હડતાળ ઉપર ઊતર્યા અને પગારવધારો કરી આપવો પડયો.

૧૮૬૧ થી ૧૮૬૪ના સમયગાળામાં મુંબઈની સમૃદ્ધિ એટલી બધી વધી ગઈ હતી કે ‘લંડન ટાઈમ્સ’ના જણાવ્યા અનુસાર રૂા. ૮૦ કરોડ મુંબઈને મળ્યા હતા. મુંબઈના આ સમૃદ્ધિકાળમાં શાહ સોદેગારો મુખ્યત્વે ગુજરાતીઓ હતા.

( ૮૨ )
વર્ષાઋતુ માત્ર પૃથ્વીને જ તરબોળ કરતી નથી. માણસોનાં હૈયાંને પણ ભીંજવી જાય છે અને એટલે જ મુંબઈનાં વારસાદની મૌસમને યાદોની મૌસમ તરીકે ઓળખવામાં આવે છે. જિયોલોજીસ્ટ માને છે કે મુંબઈમાં માણસોનું આગમન પથ્થરયુગ દરમિયાન થયું હતું. સુરત અને ખંભાત એ ગુજરાતનાં પ્રાચીન બંદરો મુંબઈથી નજીક હોવા છતાં કચ્છી દરિયાખેડૂઓ મુંબઈથી ઘણા જ પ્રાચીન સમયની પરિચિત હતા. કચ્છી વહાણવટીઓ મુંબઈથી ખેરનાં ઝાડનાં લાકડાંઓ વહાણોમાં ભરીને કચ્છ લઈ જતા હતા. ત્યાં ઘરો બાંધવામાં થાંભલા તરીકે ઉપયોગમાં લેતા હતા તથા કચ્છી વહાણોમાં સઢ ચઢાવવાના થાંભલા-કૂવાથંભ આ ખેરનાં લાકડાંના બનાવવામાં આવતા હતા. દક્ષિણ ગુજરાત અને સુરતથી ગુજરાતીઓ તો પોર્તુગીઝ રાજ દરમિયાન સોળમી સદીમાં વસઈ આવ્યા અને સત્તરની સદીમાં બ્રિટિશરાજ દરમિયાન મુંબઈ આવ્યા. કચ્છી દરિયાખેડૂઓની અવરજવર મુંબઈમાં ઈ.સ.૧૪૯૦ થી વધી ગઈ હતી. પોર્તુગીઝને કરિયાણું પૂરું પાડનારા કચ્છીઓ હતા. ઘડિયાળ-ગોદીથી માંડી કોલાબા બેકબે સુધી એક જમાનામાં ખેરનાં જંગલો હતાં. આ ખેરમાંથી લોકો ‘કાથો’ મેળવતા હતા અને આ કાથાની દેશ-પરદેશ હેરફેર કરનારા કચ્છી વહાણવટીઓ અને વેપારીઓ હતા. જ્યારે ઘડિયાળ-ગોદી (પ્રિન્સેસ ડોક) બાંધવા દરિયામાં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે પાણીની સપાટીથી ૩ર ફૂટ નીચેથી ખેરનાં ઝાડો મળી આવ્યાં હતા. ખેરનાં ઝાડ પછી તાડનાં ઝાડો વધુ પ્રમાણમાં હતાં અને ભંડારીઓ તેમાંથી તાડી મેળવતા હતા. આ દૃષ્ટિએ ઈસ વીસન પૂર્વે ૮૦૦ વર્ષો પહેલાં પણ મુંબઈના ટાપુઓ પર લોકો વસતા હતા.

ઈસવી સન ૮૧૦-૧૨૬૦ના સમયગાળામાં શિલહાર રાજમાં વાલકેશ્ર્વરનું મંદિર બંધાયું અને મલબારના ધર્મપરાયણ લોકો માટે મુંબઈનું આકર્ષણ વધી જતાં તેમણે મુંબઈની અવર જવર વધારી દીધી હતી. વાલકેશ્ર્વરનું આ પ્રાચીન મંદિર મુસલમાન કે પોર્ટુગીઝ આક્રમણ વખતે નષ્ટ થયું હતું. ડૉ. ફાયરે આ મંદિરના ખંડેરોનો ઉલ્લેખ ૧૬૭૨માં કર્યો છે.

મુંબઈ પર ગુજરાતના સુલતાનનું શાસન ઈ.સ. ૧૩૪૮માં સ્થપાયું હતું. ત્યારે સાલસેટ-સાષ્ટિ અને માહિમ તથા મલબાર હિલ પરિસરમાં નાગરદેવ નામે રાજાનું શાસન હતું. નાગરદેવ વાલકેશ્ર્વર હતો ત્યારે ગુજરાતના સુલતાનના સૈન્યે માહિમ ઉપર આક્રમણ કર્યું હતું. માહિમના કિલ્લામાંથી નાગરદેવની રાણીએ વીરતાભર્યો સામનો કર્યો પણ યુદ્ધમાં તેનું મરણ નીપજ્યું. આ આક્રમણની ખબર મળતાં જ નાગરદેવ વાલકેશ્ર્વરથી લશ્કર લઈને માહિમ આવવા નીકળ્યો. ભાયખલા ખાતે બન્ને લશ્કરોનો સામનો થયો અને એ લડાઈમાં નાગરદેવ માર્યો ગયો. મુંબઈ ઉપર ગુજરાતના સુલતાનોનું રાજ ઈ. સ. ૧૩૪૮ થી ૧૫૩૪ સુધી રહ્યું.
મહારાણી વિક્ટોરિયાનું રાજ થયા પછી શાહી પરિવારના સભ્ય તરીકે મુંબઈની પ્રથમ મુલાકાત લેવાનું માન રાજા એડવર્ડને જાય છે. ૧૮૭૫માં પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે તેમણે મુંબઈની મુલાકાત લઈ ઘડિયાળ-ગોદીનો પાયો નાખ્યો હતો. ૧૯૧૧માં રાજા જ્યોર્જ પાંચમાં અને રાણી મેરી મુંબઈમાં એપોલો બંદર ખાતે ઊતર્યા હતાં. એ યાદમાં આજે ત્યાં ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ છે.
( ૮૩ )
મુંબઈમાં આજે અનાજ, કરિયાણા અને કાગળના વેપારમાં કચ્છી માડુઓની બોલબાલા છે. રેશનિંગની દુકાનો એટલે કચ્છીની દુકાનો કેવો પ્રભાવ પ્રવર્તે છે. મેડિકલ અને જનરલ સ્ટોર્સમાં પણ સાવલા, છેડા, ગાલા, રાંભિયા વગેરે જ અગ્રતા ધરાવે છે. આજકાલ બિલ્ડરો ‘ફોર્મ’માં છે તો બિલ્ડરોની જમાતમાં પણ કચ્છીઓનો તોટો નથી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડી પાર્લામેન્ટ સુધી મુંબઈના કચ્છીઓ બિરાજમાન છે. આ થઈ વીસમી સદીની વાત, પણ જ્યારે ઓગણીસમી સદીમાં અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સામાજિક તથા ધાર્મિક કુરૂઢિઓનો જબરદસ્ત પ્રભાવ પ્રવર્તતો હતો ત્યારે મુંબઈમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાન્તિનો શંખનાદ ગજાવનાર પણ એક કચ્છી માડુ હતો -શ્યામજી કૃષ્ણ વર્મા.

શ્યામજી ગળથૂથીમાં ગરીબી લઈને જન્મ્યો હતો, પણ મુંબઈએ એનું એવું ઘડતર કર્યું કે એ કેટલાયે દેશી રજવાડાંનો દીવાન બન્યો અને એ સમૃદ્ધિ ત્યાગીને ભારતીય સ્વતંત્રતા માટે ક્રાન્તિની મશાલ પ્રગટાવવા યુરોપ પત્ની સહિત પહોંચી ગયો. બંને પતિ-પત્નીના જીવનદીપ પણ જીનિવામાં ઓલવાઈ ગયા, પણ સ્વાતંત્ર્ય મેળવ્યા વિના મુંબઈ તો પાછા ન જ ફર્યાં. શ્યામજીનું મૃત્યુ પણ ધીમે પગલે એવે ટાંકણે પધાર્યું કે જ્યારે ૧૯૩૦ના એપ્રિલ મહિનામાં ગાંધીજી દાંડીકૂચે નીકળ્યા હતા અને સરદાર ભગતસિંહ અને તેમના ક્રાન્તિકારી સાથીઓ લાહોર જેલમાં હતા અને તેઓની સામે અદાલતી ખટલો ચાલી રહ્યો હતો. શ્રીમતી ભાનુમતી વર્માનું અવસાન ત્રણ વર્ષ પછી ૧૯૩૩માં થયું. બંનેના અગ્નિસંસ્કાર સેન્ટ જ્યોર્જ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા અને અસ્થિ પણ ત્યાં જ દફનાવવામાં આવ્યાં હતા. શ્યામજી વર્માને સાચી શ્રદ્ધાંજલિ તો લાહોરની અદાલતમાં ટ્રાયલ વખતે સરદાર ભગતસિંહે અને તેમના સાથીઓએ ‘શ્યામજી કૃષ્ણ વર્મા અમર રહો’ એવું સૂત્ર પોકારીને આપી હતી.
શ્રીમતી ભાનુમતી વર્માએ જીનિવા યુનિવર્સિટીને દસ હજાર સ્વીસ ફ્રાન્ક પોતાના પતિની સ્મૃતિમાં દર વરસે સમાજશાસ્ત્રને લગતો મહાનિબંધ (થિસિસ) પ્રગટ કરવા માટે આપ્યા હતા. એવી જ રીતે બીજા દસ હજાર સ્વીસ ફ્રાન્ક જીનિવા હૉસ્પિટલમાં ગરીબ દર્દીઓની સહાય માટે આપ્યા હતા. શ્રીમતી ભાનુમતી પણ મુંબઈનાં હતાં. ભાનુમતીના પિતા તે જમાનાના મુંબઈના એક અગ્રગણ્ય શ્રીમંત શેઠિયા છબિલદાસ લલ્લુભાઈ હતા.

કચ્છના માંડવી બંદરેથી મુુંબઈ સુધીની શ્યામજીની સફર પણ એક દર્દનાક કથા છે. જ્યારે ૧૮૫૭ની ક્રાન્તિની આગ ઓલવાઈ રહી હતી, ત્યારે ૧૮૫૭ના ઑક્ટોબરની ૪થી તારીખે માંડવી ખાતે એક ગરીબ પરિવારમાં શ્યામજીનો જન્મ થયો હતો. શ્યામજીનાં જન્મ વખતે એના પિતા તો પેટિયું રળવા મુંબઈ ગયા હતા. શ્યામજીના માતા પોતાના પુત્રને ભણેશ્રી બનાવવા આતુર હતાં. એટલે માંડવીથી ભૂજ જઈને ત્યાંની ઈંગ્લિશ હાઈસ્કૂલમાં શ્યામને સાત-આઠ વર્ષની વયે મૂકી દીધો. શ્યામ ઝાઝું સમજતો થાય તે પહેલાં તો ૧૮૬૭માં શ્યામની માતાનું અવસાન થયું. શ્યામની માતાનાં માતા (આજીબા) શ્યામના પિતાની ગરીબાઈ જાણતાં હતાં એટલે શ્યામને પોતાની પાસે ભૂજમાં રાખી અભ્યાસમાં અવરોધ આવવા દીધો નહિ. શ્યામ ભણવામાંયે અત્યંત તેજસ્વી હતો.
શ્યામના પિતાએ એક દિવસ પોતાના બુદ્ધિશાળી પણ માતા વિનાના પુત્રની વાત શ્રીમંત ભાટિયા શેઠ મથુરદાસ લવજીને કરી. મથુરદાસે શ્યામના ભણવાનો તમામ ખર્ચ પોતે ઉપાડી લેવાની તત્પરતા દેખાડી. શ્યામને મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. શેઠ મથુરદાસ ધાર્મિક વિચારના હતા એટલે સાથેસાથે સંસ્કૃતમાં અભ્યાસ માટે સંસ્કૃત પાઠશાળામાં મૂક્યા. વિલ્સન હાઈસ્કૂલમાં બીજી ભાષા તરીકે શ્યામજીએ સંસ્કૃત ભાષા લીધી હતી. સંસ્કૃત ભાષામાં શ્યામજી એટલા પ્રવીણ નીવડ્યા કે એમને ગોકુલદાસ કહાનદાસ પારેખ સ્કોલરશીપ મળી. ભાટિયા શાળામાં રહીને અભ્યાસ કરતા શ્યામજીએ અભ્યાસમાં જરાયે અવરોધ ઉપસ્થિત થવા દીધો નહોતો.
હવે શ્યામજી એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યાં શ્રીમંતોના પુત્રો આવતા હતા. શ્યામજીના વર્ગમાં શેઠિયા છબીલદાસ લલ્લુભાઈના પુત્ર રામદાસ ભણતા હતા. એક વખતે છબીલદાસે રામદાસને તેના વર્ગના સહુથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વિદ્યાર્થી વિશે પૂછ્યું. રામદાસે તરત જ વિના સંકોચે શ્યામજી વર્માનું નામ જણાવ્યું. છબીલદાસે શ્યામજીને ઘરે લઈ આવવા જણાવ્યું. અને શ્યામજી વર્માનો પરિચય પ્રાપ્ત કર્યો. છબીલદાસને શ્યામ ગમી ગયો અને પોતાની પુત્રી ભાનુમતીની સંમતિથી ૧૮૭૫માં શ્યામજી વર્માનાં લગ્ન ભાનુમતી સાથે કરવામાં આવ્યાં. શ્યામજી ત્યારે અઢાર વર્ષના હતા. તો ભાનુમતીની વય તેર વર્ષની હતી. એક ગરીબ યુવાન લગ્નથી રાતોરાત લાખોપતિનો જમાઈ બની ગયો. પણ શ્રીમંત સસરાનો એ ગરીબ જમાઈ સંસ્કૃતનો પંડિત હતો તો અંગ્રેજીનો પ્રથમ દરજ્જાનો સ્કોલર હતો. ઓક્સફોર્ડ જઈને ‘એમ.એ.’ થનાર ભારતીય હતો. એમ. એ.ની પદવી મેળવવાની સાથોસાથ શ્યામજી બેરિસ્ટર પણ બન્યો હતો.

શેઠ મથુરદાસે યુવાન શ્યામજીનો પરિચય મુંબઈના સામાજિક સુધારાવાદી વર્તુળમાં કરાવ્યો. એમાં ભાટિયા જ્ઞાતિમાં ઓગણીસમી સદીમાં પ્રથમવાર વિધવા સાથે વિવાહ કરનાર માધવદાસ રઘુનાથદાસ, વિષ્ણુ પરશુરામ શાસ્ત્રી, પંડિત ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે, કરસનદાસ મૂળજી વગેરેનો સમાવેશ થતો હતો.

ઈસવી સન ૧૮૭૪માં સ્વામી દયાનંદ સરસ્વતી પ્રથમવાર મુંબઈ આવ્યા તો સંસ્કૃતમાં પ્રવચન કરનાર આ સ્વામી પ્રત્યે સંસ્કૃતના પંડિત શ્યામજી વર્મા આકર્ષાય એ સ્વાભાવિક છે. સ્વામી દયાનંદે એમને વૈદિક ધર્મ, હિન્દુ ધર્મ વિશે અધ્યયનથી સ્વતંત્ર રીતે વિચારવાની દિશા દેખાડી. સ્વામી દયાનંદ સરસ્વતી બીજીવાર મુંબઈ આવ્યા અને ૧૮૭૫ના એપ્રિલની ૧૦મી તારીખે આર્યસમાજની સ્થાપના કરી. સ્વામી દયાનંદે વેદો ઉ૫રથી પુરવાર કરી દેખાડ્યું કે વેદોમાં મૂર્તિપૂજા નથી, જાતિભેદ નથી, વિધવા-વિવાહ પર પ્રતિબંધ નથી. સ્વામીએ વલ્લભાચાર્ય પંથ ઉ૫ર આકરી એવી ટીકા કરી હતી, પણ એ પંથના ધર્મગુરુઓ પોતાની વાત પુરવાર કરી શક્યા નહોતા. મૂર્તિપૂજાની વાતમાં પંડિત ગટુલાલ પણ સ્વામી સામે પરાજય પામ્યા હતા. શ્યામજીને નવી દિશા નિહાળવા મળી અને સ્વામી દયાનંદના અનુયાયી બની ગયા.

૧૮૭૫ના જૂન મહિનાની ૧૨મી તારીખની વાત છે. મુંબઈમાં પ્રથમ વરસાદનું આગમન થયું છે અને ઉનાળાનો ઉકળાટ મંદ પડી ગયો છે. રૂઢિવાદી પંડિત કમલનયન આચાર્ય સ્વામીએ શાસ્ત્રાર્થ માટે સ્વામી દયાનંદ સરસ્વતીને જાહેરમાં પડકાર્યા છે. ધોબીતળાવ ખાતે ફરામજી કાવસજી ઈન્સ્ટિટયૂટમાં જાહેર શાસ્ત્રાર્થ યોજવામાં આવ્યો છે. પંડિત કમલનયન આચાર્ય સ્વામીના ડઝનેક શાસ્ત્રીઓ સંસ્કૃતના ઢગલાબંધ ગ્રંથો, પુરાણો, પોથીઓ લઈને આવી પહોંચ્યા હતા. સ્વામી દયાનંદે માત્ર એટલું જ કહ્યું કે વેદોમાં મૂર્તિપૂજાની પ્રથા છે, એ તમે મને વેદોમાંથી શોધી બતાવો. શાસ્ત્રીઓ એ કરી શક્યા નહિ અને દયાનંદને જ્વલંત વિજય પ્રાપ્ત થયો. શ્યામજી વર્માએ ૧૮૭૫-૧૮૭૬માં મુંબઈ અને નજીકના પરિસરમાં આર્યસમાજનો સક્રિય પ્રચાર કર્યો. શ્યામજીને એ વાત અધિક આકર્ષી ગઈ કે સ્વામી દયાનંદ માત્ર ધાર્મિક સુધારાની જ વાત કરતા નહોતા, પણ સામાજિક સુધારા માટે ભારોભાર આગ્રહ ધરાવતા હતા. સ્વામી દયાનંદે શ્યામજી ઈંગ્લેન્ડ ઉચ્ચ અભ્યાસ માટે જાય તે સંબંધમાં પણ સંપૂર્ણ ઉત્તેજન આપ્યું હતું.

શ્યામજી વર્મા મુંબઈમાં રાજકીય ક્ષેત્રે દાદાભાઈ નવરોજી, સર ફિરોજશાહ મહેતા, બદ્દરૂદીન તૈયબજી, બાળ ગંગાધર ટિળક વગેરેના સંપર્કમાં આવ્યા અને સ્વાતંત્ર્ય-સંગ્રામની મશાલ પ્રકટાવવા કટિબદ્ધ થયા.
શ્યામજી આટલી સુંદર સેવા બજાવતા હોવા છતાં જ્યારે ઓક્સફોર્ડ ઉચ્ચ અભ્યાસ કરવા જવા નીકળ્યા તો નાણાકીય સહાય માટે કોઈ આગળ આવ્યું નહોતું. શ્યામજીએ પોતાની પત્ની, ડૉક્ટર અને શ્રીમતી ડી’કુન્હા પાસે ઉછીના પૈસા લઈને ૧૮૭૯ના માર્ચના અંતિમ અઠવાડિયે ‘એમ. એસ. ઈન્ડિયા’ સ્ટીમરમાં મુબઈથી ઊપડ્યા હતા. ૧૮૮૫ના જાન્યુઆરીમાં અભ્યાસ પૂર્ણ કરીને તેઓ મુંબઈ પાછા ફર્યા હતા.

શ્યામજીને ભૂતપૂર્વ વાઈસરોય લોર્ડ નોર્થબ્રુકની ભલામણથી ઉચ્ચ સરકારી નોકરીની દરખાસ્ત થઈ, પણ શ્યામજીએ રતલામ રાજ્યના દીવાન બનવાનું પસંદ કર્યું. ૨૮ વર્ષની ભરયુવાન વયે શ્યામજી રતલામના દીવાન બન્યા. અહીં એમને ઝાઝું ફાવ્યું નહિ અને ૧૮૮૮ના મે મહિનામાં રાજીનામું આપીને છૂટા થઈ ગયા અને પાછા મુંબઈ આવી પહોંચ્યા. આવી રીતે ૧૨ વર્ષો સુધી વિવિધ દેશી રજવાડાના દીવાન રહ્યા અને છેલ્લે જૂનાગઢથી ૧૮૯૭માં છૂટા થયા અને લંડનમાં સ્થાયી થવા પત્ની સહિત ઊપડી ગયા અને પાછા ફર્યા જ નહિ. ત્યાં અધ્યયન અને આરામમાં થોડાંક વરસો વિતાવી ૧૯૦૫માં ૪૮ વર્ષની પરિપકવ વયે ભારતની સ્વાતંત્રતાનો સંગ્રામ આદર્યો તે જીવનના અંત સુધી જારી રાખ્યો. શ્યામજીએ યુરોપમાં મેડમ ભીખાઈજી રૂસ્તમજી કામા, વીર સાવરકર, હરદયાલ, સરદારસિંગ રાણા સાથે ભારતીય ક્રાન્તિનો અવાજ વિશ્ર્વભરમાં ગાજતો કર્યો. મેડમ ભીખાઈજી કામા પણ મુંબઈનાં હતાં.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત