ઉત્સવ

આકાશ મારી પાંખમાં : બજેટનાં લેખાં-જોખાં

કલ્પના દવે બૅન્કમાંથી નિવૃત્ત થયેલા મેનેજર અશોકભાઈ ભટ્ટ પહેલાંની જેમ આજે પણ બજેટ આવે ત્યારે તેનું ખાસ વિશ્લેષણ માટે જાણીતા છે. વર્તમાનપત્રમાં એ વિશે લખવું, કોઈ સંસ્થામાં એ વિશે લેકચર પણ આપે છે. અતિપ્રવૃત્તિમય જીવન પછી નિવૃત્તિમય જીવને અશોકભાઈના જીવનને કસોટીની એરણે ચઢાવ્યું છે. ઘરનું બજેટ સંભાળતી પોતાની વ્યવહાર કુશળ પત્ની મીના કૌટુંબિક- સામાજિક સંબંધો જાળવવા કેવા પડકારો ઝીલે છે, ઘરનું બજેટ સાચવવા મથતી મીના પોતાની અંગત ઇચ્છાને હસતા મુખે કેવી રીતે કોરાણે મૂકે છે, ને તેમ છતાં ય તે સદા ખુશ રહે છે. એ નિવૃત્ત થયેલા અશોકભાઈએ જોયું… તે દિવસે રૂપાલીનો ફોન આવ્યો. મમ્મી-પપ્પા અમે યુ.એસ.ની ટૂરમાં જઈએ છીએ, તમે પણ ચાલો, આપણે સાથે જઈશું. બેટા,બધી વિગત મોકલ પછી જણાવું. અશોકભાઈએ કહ્યું. ફોન મૂકતાં જ અશોકભાઈએ કહ્યું- `ચાલ, મીના આપણે જઈએ. દીકરી-જમાઈ સાથે હોય તો મજા આવશે. હવે નિવૃત્તિમાં તો મજા જ કરવાની.’ `પણ, એનો ખર્ચ તો બહુ થાય.’

`તું પૈસાની ચિંતા ન કર. એફ.ડી. તોડીશું.’

`પપ્પા, એફ.ડી. શા માટે તોડવી છે? તમારી દીકરી પણ આપી શકે.’ દીકરા નિમેષે ટોણો માર્યો.

`ના, ભાઈ અમે દીકરીના પૈસા ન લઇએ.’ મીનાબેને કહ્યું.

`મમ્મી, હવે જમાનો બદલાયો છે. રૂપાલીનું કુટુંબ પૈસાદાર છે અને એ પોતે પણ સારું કમાય છે.’ નિમેષે કડક અવાજે કહ્યું.

ડાઈનિંગ ટેબલ પર બેસીને કૉફી પી રહેલી જયોતિ વહુ બોલી- `નિમેષ રહેવા દે, ખોટી ચર્ચા ન કર. મમ્મી દીકરીના પૈસા થોડા લે- તું બેઠો છે ને ફાંયનાન્સર- આપણે ગધ્ધામજૂરી કરવાની.’

`જયોતિ જે મનમાં આવે તે કહેવાનું? અમે પણ આખી જિંદગી મહેનત કરી છે, રહી વાત પૈસાની તો અમે અમારી વ્યવસ્થા કરીશું.’ અશોકભાઈએ કહ્યું.

`પણ, મમ્મી હમણાં રાહુલ અને ઈશીતાની સ્કૂલ ચાલુ હોય, જયોતિને ઓફિસમાં જવાનું હોય, તમે ન હો તો અમે બધું કેવી રીતે મેનેજ કરીએ?’ નિમેષે કહ્યું.

`તો, એમ જ કહેને કે તમારે ઘરકામ માટે અને છોકરાંને સાચવવા આયા જોઈએ છે. મમ્મી જાય તો આ બધું કોણ કરે? જયોતિએ શું કહ્યું તે સાંભળ્યું?’

`આવી રીતે પૈસાની વાત કરવાની- અમારે તારા પૈસા નથી જોઈતા, હું મારી રીતે મેનેજ કરીશ. સમજ્યો?’ અશોકભાઈએ આકરા શબ્દોમાં સ્પષ્ટ કર્યું.

`જુઓ, બધા પોતપોતાના કામે વળગો ખોટો કંકાશ ન કરો.’ મીનાબેને કહ્યું.

`મમ્મી, હજુ દર મહિને આપણે બૅન્કની લોન આપવી પડે છે. છોકરાઓની ટ્યુશન ફી, ઘરખર્ચ માટે તમને આપવા. બધું કેવી રીતે કરવું.’ જયોતિએ કહ્યું. અને તમે ચાલુ સ્કૂલે ટૂર પર જાઓ તો હું શું કં-મને કાંઈ પંદર દિવસની રજા ન મળે.

`જો, જયોતિ હજુ કંઈ નક્કી નથી. હું પણ મારી જવાબદારી સમજુ છું. હવે પપ્પા રીટાયર થયા છે. એમની ઈચ્છા હોય તો જઈશું. અમે આખી જિંદગી કૌટુંબિક ફરજ બજાવી -સામાજિક સંબંધો જાળવ્યા છે.’ મીનાબેને કહ્યું.

આખરે મીનાબેન અને અશોકભાઈ સ્વખર્ચે રૂપાલી સાથે યુ.એસ. ટૂરમાં ગયા. જયોતિએ એના મમ્મીને બોલાવ્યા જેથી ઘર સચવાઈ જાય.

`જુઓ, આખરે મારાં મમ્મીએ જ ઘર સાચવ્યું. આપણે ધસરડા કરીને ઘર ચલાવીએ, સાથે રહેવા મોટો ફ્લેટ લીધો, તેના માટે લોન લીધી પણ એ આપણે એકલા એ જ ચૂકવવાની- વળી નામ તો પપ્પા અને મમ્મીનું. તમારું શું.’ જયોતિએ કહ્યું.

`કેમ, પપ્પાનું છે તે મારું જ છે. હું એકનો એક દીકરો છું.’

`તું તો સાવ બુદ્ધુ છે. આ દીકરી-દીકરી કરતાં જાય છે. એ વીલમાં જોજે કેટલું આપી દેશે. આખી જિંદગી ધસરડા આપણે કરીએ.’

`જો, જયોતિ મારા પપ્પા એવું કરે નહીં.’

`હું તો જે જોઉં છું તે કહું છું. હવે મમ્મી કંઈ સમજે નહીં. પપ્પા તો ભારે આકરા કોઈની વાત ન સાંભળે. જરા હોંશિચારી રાખજો.’
આ વાત નિમેષના મનમાં ઠસી ગઈ.

મીનાબેન ગમે એટલું કામ કરે પણ નિમેષ અને જયોતિને કંઈ કદર નહીં. એક જ ઘરમાં સાથે રહેતા હતા, છતાં ય ઘરમાં એક ભેદી મૌન છવાઈ ગયું. જયોતિ આઈ.ટી કંપનીમાં ઊંચો હોદ્દો ધરાવે છે, પણ સાસુમાની વૃધ્ધાવસ્થાની સમસ્યા સમજી શકતી નથી.

તે દિવસે જયોતિ ફિસથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ઘરે આવી ન હતી. નિમેષ તો બેડરૂમમાં સૂઈ ગયો હતો. બંને છોકરાંઓ પણ બીજે દિવસે સવારે સ્કૂલે જવાનું હોઈ સૂઈ ગયા હતા. પણ, મીનાબેન ચિંતામાં ડૂબેલા હતા. આ જયોતિ હજુ સુધી કેમ ન આવી? નિમેષને પૂછ્યું હતું-તો કહ્યું કે `આવશે તું સૂઈ જા.’

પણ, જયોતિ ઘરે ન આવી હોય તો ઊંઘ કેવી રીતે આવે- એક તો ભાયંદર સ્ટેશને ઊતરીએ તો ઝટ રીક્ષા મળતી નથી. રાતનો ટાઈમ. મીનાબેને ફોન કર્યો તો જયોતિનો ફોન સ્વીચ ઓફ હતો.

એમણે બેડરૂમમાં જઈને અશોકભાઈને કહ્યું- `જુઓ,ને આ જયોતિ હજુ સુધી નથી આવી. એનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. નિમેષને મેં દસ વાગે પૂછયું હતું, તો કહે તું સૂઈ જા. હવે રાત્રે અગિયાર વાગે ચિંતા ન થાય!’

`જો, મીના આજના યુવાનિયાઓને કશું કહેવાય નહીં, પૂછાય નહીં. સાચી સલાહ પણ અપાય નહીં. જો, નિમેષને છે કંઈ ચિંતા, તું શા માટે આટલી બધી ચિંતા કરે છે?’

આ પણ વાંચો : ફોકસ: કૅન્સર, જ્યાં વિજ્ઞાન પણ ઘૂંટણ ટેકી દે છે

`ઘરની વહુ રાત્રે અગિયાર વાગ્યા સુધી ન આવે તો ચિંતા ન થાય. જમાનો કેવો ખરાબ છે. તમે એક વાર ફોન કરો ને.’
અશોકભાઈએ ફોન કર્યો પણ સ્વીચ ફ.

મીનાબેન અને અશોકભાઈ ચિંતિત થઈ બારીની બહાર રસ્તા પર જોવા લાગ્યા.

દસ મિનિટ પછી એક કાર સોસાયટીના ગેટ પાસે આવીને ઊભી રહી અને તેમાંથી પાર્ટી વેરના ડે્રસમાં સજ્જ સોહામણી જયોતિ હસતે મુખે ઊતરી અને હાથ હલાવતાં બાય, બાય કહેતી હતી.

બારણું ખોલતા વેંત મીનાબેને કહ્યું- `કેટલું મોડું કર્યું. અમને ચિંતા ન થાય?’

મેં નિમેષને કહ્યું હતું. `અમે બધા ફ્રેન્ડસ સાથે હતા તે ચિંતા શું કરવાની.’ જયોતિએ ચંપલને સ્ટેન્ડમાં મૂકતાં અકળાતાં કહ્યું.

`તારો ફોન કેમ સ્વીચ ફ છે- જો મેં અને મમ્મીએ કેટલા ફોન કર્યા છે.’ અશોકભાઈએ કહ્યું.

એમ શા માટે ફોન કરવાના?’

તું ન આવી હોય તો અમને ચિંતા ન થાય-

મારી ચિંતા કરવાની નહીં, કહેતી એના બેડરૂમમાં જતી રહી.

મીનાબેન બબડવા લાગ્યા- આપણી લાગણીને સમજતાં નથી. આવું તોછડું વર્તન મારી દીકરી કરે તો બે લાફા માં પણ, આને કંઈ કહું તો બધા સાથે ઝઘડા થાય. હવે શાંતિ રાખ. સૂઈ જા.

પણ, હવે આ સહન થતું નથી. આ ઘર આપણું છે. આપણે કંઈ વધારાના નથી. આખી જિંદગી મોજથી રહ્યા. કોઈએ આવું અપમાન કર્યું નથી.

હવે તો આવું વારંવાર થતું. અશોકભાઈએ વિચાર્યું કે થોડા દિવસ મીનાને લઈને દિલ્હીમાં રહેતી પોતાની પ્રજ્ઞાબેનને ઘરે જાય. થોડા દિવસ ત્યાં રહીશું તો મીના ખુશ થશે.

દિલ્હીના એરપોર્ટ પર ઊતર્યા ત્યારે રાજેશ અને જૂઈ તેડવા આવ્યા હતા. રાજેશ ફોઈ- ફુવાને ભેટ્યો અને પગે લાગ્યો. જૂઈ તરત ફોઈજી અને ફુવાજીને પગે લાગી. મોટી બેગ ટ્રોલીમાં ગોઠવીને જૂઈ ફોઈને કાર તરફ દોરી ગઈ. રાજેશ કાર ડ્રાઈવ કરતો હતો, ફુવા એમની બાજુમાં ગોઠવાયા. જૂઈ તો બરાબર રૂપાલી જેવી જ બોલકી અને પ્રેમાળ એની વાતો તો ખૂટે જ નહીં. એરપોર્ટથી ઘરે પહોંચતા સુધીમાં તો જૂઈ અને રાજેશે ઘણી વાતો કરી.

મીનાબેન ખૂબ ખુશ થયાં અને વિચારવા લાગ્યાં મારી જયોતિ કેમ અમારી સાથે વાત નથી કરતી, અમારો મનમેળ કેમ નથી?

મીનાબેને જોયું કે જૂઈ પણ કૉલેજમાં લેકચરર છે, રાજેશે પિતાનો ધંધો સંભાળી લીધો છે. પ્રજ્ઞાબેન પોતે પણ સામાજિક સંસ્થામાં કામ કરે છે. જૂઇને આઠ વર્ષની દીકરી છે માનસી- બધાની લાડકી.

એક સાંજે પ્રજ્ઞાબેન, અશોકભાઈ અને મીના ત્રણે જણા જ્યારે ઈવનિંગ વોક માટે ગયા ત્યારે મીનાએ પોતાની મૂંઝવણ જણાવી.

આજની યુવાપેઢી આપણને કેમ સમજી શકતી નથી, એ લોકો જે સંઘર્ષ કરે છે, તેવા સંઘર્ષ આપણે પણ કર્યા છે. આપણે કુટુંબ માટે બધું જ કર્યું છે. તો આપણા સંતાનો આપણને કેમ સમજી ન શકે. આપણે કંઈ કહીએ તો સાંભળવાનું નહીં ને અણછાજતું વર્તન કરે છે. પ્રજ્ઞા આપણે આખી જિંદગી સ્વમાનથી રહ્યા, મારી જયોતિ તો મને કામવાળી જ સમજે છે.

પ્રજ્ઞાએ ભાભીનો હાથ પોતાના હાથમાં લઈને પસવારતાં કહ્યું-બહેન, હું જાણું છું તમે ખૂબ સમજુ અને પ્રેમાળ છો. પણ, આજની યુવાપેઢી ખુબ સ્માર્ટ છે, આજના યુગમાં આગળ વધવા એમને ભારે સંઘર્ષ કરવો પડે છે. એટલે મૈત્રી કેળવીને એને સમજવાની જરૂર છે. જૂનવાણીના ચશ્માં કાઢીને તેમને આધુનિક દૃષ્ટિએ સમજવાના છે.

દર વર્ષે નાણાકીય બજેટ બહાર પડે છે તેવી રીતે દર વર્ષે લાગણીઓનું-સંબંધોના લેખાં-જોખાં કે બજેટ કરવા જોઈએ. સંબંધોનો ગ્રાફ ઊંચો લાવવા કવિ ઉમાશંકર જોષી કહે છે તેમ-

જિંદગીમાં ભર્યું શું, અણસમજ અને ગેરસમજ?
હિસાબો જિવ્યા ના થાય તો કરી જોજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button