ઉત્સવ

ઊડતી વાત : ચીની ઔર ચાયપત્તી કે ડિબ્બે મેં કયાં હૈ?

ભરત વૈષ્ણવ

`ખાલી ડબ્બા, ખાલી બોટલ લે, લે લે મેરે યાર, ખાલી સે નફરત ન કરના, ખાલી સબ સંસાર હોં હોંઓઓં.’

રાજુ રદી બેસૂરા એટલે કે પાડાસૂરે (કયાં સુધી ભેંસાસૂર ચલાવવાનું?) ગાતો આવ્યો. હકીકતમાં ખાલી ચણો વાગે તેમ ખખડતા ડબ્બા જેવો અવાજ કાનને ખૂંચ્યો પણ ખરો. રાજુ પ્યાલા બરણીવાળાની જેમ ચા-ખાંડના ડબ્બા, પ્લાસ્ટિક- સ્ટીલના ડબ્બા સાથે પ્રગટ થયેલો. સ્ટીલના એક ડબ્બાની અંદર સાત ડબ્બીમાં રાય, મેથી, જીરૂ, મરચું, હળદર, ધાણાજીરું જેવા મસાલા ભરવામાં આવે
તેને મસાલિયું કહેવામાં આવે છે. ટિફિનના ખાનાને પણ ડબ્બા કહેવામાં આવે છે.

રાજુ, આ બધું શું માંડ્યું છે?બખડજંતર’ ટીવી ચેનલની નોકરી છોડી પ્યાલા-બરણીનું સ્ટાર્ટપ કે ઇનોવેશન શરૂ કર્યું કે શું?’ મેં રાજુને ખખડાવ્યો.

ગિરધરલાલ, પ્રાણ જાય અરે,એનિમલ’ ફિલ્મનો વિલન બોબી દેઓલ જાય, પરંતુ `બખડજંતર; ચેનલની નોકરી કદાપિ ન છોડું.’ રાજુએ ભાવવિભોર થઇ સ્પષ્ટતા કરીને પૂછયું :

`ગિરધરલાલ, આ ડબ્બો શેનો છે તે તો કહો?’ રાજુએ એક નાનો લંબગોળ ડબ્બો દેખાડીને ઉખાણું પૂછયું.

`રાજુ, ડબ્બો સ્ટીલનો છે.’ મેં જવાબ આપ્યો. મારો જવાબ રાજુને જુલાબ જેવો લાગ્યો. એણે મોં મચકોડ્યું :

`અરે બુધ્ધુલાલ, એ તો મને ખબર છે, પણ ડિબ્બે કે અંદર કયાં હૈ? ડિબ્બે કે અંદર કયાં હૈ?’ રાજુએ કોકડું ગૂંચવ્યું.

`ડબ્બો હવાથી ભરેલો હશે.’ મેં અનુમાન લગાવ્યું.

`ના ડબ્બો ખાલી છે.’ રાજુએ જાદુગર કે. લાલની જેમ આબરા ડાબેરા જેવું અગડમ બગડમ કર્યું.

`રાજુ, આ ડબાયણ કેમ અને શા માટે?’ મેં સવાલ દોહરાવ્યો.

`ગિરધરલાલ, ડબ્બા આપણા જીવનનું અભિન્ન અંગ છે. આપણે ત્યાં ઘઉંના કે લોટના ડબ્બામાં ઘરેણા કે ગૃહિણીની ખાનગી બચતો રાખતી હોય છે. સામાન્ય રીતે ડબ્બા અપારદર્શક હોય છે. જો કે હવે, બજારમાં પારદર્શક ડબ્બા મળે છે. મીઠાઇના ડબ્બા મામા જેવા વ્હાલા લાગે છે. લગભગ નિરક્ષર પરંતુ અદ્ભુત કોઠાસૂઝ ધરાવતા મુંબઈના ડબ્બાવાળા લોકો આઈઆઇએમમાં એમબીએના વિધાર્થીને મેનેજમેન્ટના પાઠ ભણાવે છે. કોઇને બોઘો કહેવો હોય તો આપણે એને સાવ ડબ્બા જેવો કહીએ છીએ. કોઇ નિષ્ફળ ગયો હોય તો તેના ડબ્બાગૂલ થયા તેમ કહીએ છીએ, પરંતુ ખાલી ડબ્બો ખખડે કે નહીં કે બાબતે ખખડીને કાંઇ કરતા કાંઇ કહેતા નથી.’ રાજુએ ડબ્બા માહત્મ્ય કહ્યું.

આ પણ વાંચો : ત્રણ બોલાવ્યા તેર આવ્યા તો દે દાળમાં પાણી

`અલ્યા, તને ડબ્બા કે દાબડા પાર્ટી વિશે જાણકારી છે?’ મેં રાજુને અનપેક્ષિત સવાલ પૂછયો.

ગિરધરબાબુ, કેટલાક પક્ષના કાર્યકરો ડબ્બામાં જમવાનું ભરીને બેઠક કરે છે. સૌ સૌના ડબ્બા કે ટિફિનમાંથી વાનગી આરોગે અને પક્ષની બેઠકના એજન્ડા પર ચર્ચા કરે.' રાજુએટુ મિનિટ મેગી’ જેવો ઇન્સ્ટન્ટ આન્સર આપ્યો .

`તને મહિલાઓની કિટી પાર્ટી વિશે ખબર છે?’

`ગિરધરલાલ, હું તમને કયાં એન્ગલથી સ્ત્રી લાગુ છું?’ રાજુ નારાજ થઇ ગયો. નારીની જેમ મોં ફૂંગરાવ્યું. મને લાગ્યું કે આ રાજુ પણ રાણી કૈકેયીની જેમ હાથપગ પછાડતો પછાડતો કોપભવનમાં સિધાવશે.

`રાજુ, શહેરમાં ગૃહિણી ટાઇપની મહિલાઓ એમની જિંદગીની બોરિયત ઓછી કરવા અને આનંદ પ્રમોદ કરવા દસ બાર સભ્યોનું ગ્રુપ બનાવે છે. મહિનામાં એક કે બે વાર બપોરે કે સાંજના સમયે કોઇના ઘરે કે રેસ્ટોરેન્ટમાં કિટી પાર્ટી કરે છે, જેમાં વાતોના વડા, ગોસિપ, ખોદણી કરે છે. સાસુ-સસરાનું વાંચ્યા કે લસોટયા કરે. બજારમાં કપડાંની કંઇ ફેશન છે, કયાં સેલ છે, તેની ચર્ચા કરે છે. હીરો હીરોઇનના એકસ્ટ્રા મેરિટલ અફેર્સની રસભરી વાતો કરે છે. હાઉસી કે તીનપતી રમે છે. કોલ્ડ કે હોટ ડ્રિંક ગટગટાવે છે. વાનગીની જયાફત ઉડાવે છે. જેના ઘરે કિટી પાર્ટી હોય તે માનુની ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ છવાઇ જવાના હવાતિયા મારતી હોય છે. પોતાના ઘરે બટેટાપૌંઆ બનાવે અને કૂકડીની જેમ બાંગ પોકારે…’ અમે કિટી પાર્ટીની કુંડળી કાઢી.

`ગિરધરલાલ, કિટી પાર્ટીએ એક મહિલાની જિંદગીનું વહાણ ખોરંભે ચડાવી જિંદગી ધૂળધાણી કરી નાંખી.’ રાજુએ સસ્પેન્સની રમત ચાલુ કરી.

`એ કેવી રીતે ?’ મારી જિજ્ઞાસા વધતી ગઇ.

અમદાવાદના મણિનગરમાં એક ભાઇ બસ ડ્રાઇવર છે. રાત્રે પણ બસ ચલાવવાની હોય. એ ભાઇની પત્ની એકલતાથી કંટાળેલી. એ મહિલાએ આજુબાજુની કોઇ કિટી પાર્ટી જોઇન કરી. હાઇ એજયુકેટેડ સોસાયટીની મહિલાઓ એકાદ પેગ લગાવે તો કોઇ હંગામો બંગામો થતો નથી. મદિરાપાન કરવું એ સ્ટેટસ કહેવાય છે. એ એકલવાયી મહિલાને પણ કિટી પાર્ટીમાં છાંટો પાણી કરવાની લત લાગી ગઇ.મોહે રંગ દે રંગ દે’ ગીતની જેમ મદિરાપાનની લત કુટેવ બની ગઇ. હવે તે મહિલાને રોજ શરાબપાન કરવું પડે તેવી નોબત આવી. પતિ અને પુત્રીથી છુપાવીને પહેલી ધારનો પીવા લાગી. ઘરમાં દારૂની બોટલ છુપાવવા માટે ભેજું લડાવ્યું. ચા-ખાંડના ડબ્બામાં બોટલ છુપાવવા માંડી’ રાજુએ વાત પરથી પડદો ઉઠાવ્યો .

`એટલે પીને વાલો કો બોટલ છુપાને કી જગહ ચાહિયે. રાજુ, હવે તો તે મહિલાનો પતિ ગીત ગાઇને પૂછતો હશે કે ચીની કે ડિબ્બે મેં કયાં હૈ? ચાયપતી કે ડિબ્બે મેં કયા હૈ?’ મેં કાવ્યાત્મક પૃચ્છા કરી.

ગિરધરલાલ એ મદ્યાંગના કહેતી હશેચીની કે ડિબ્બે મેં મેરી વ્હીસ્કી કી બોટલ, ચાયપતી કે ડિબ્બે મેં વાઇન કી બોટલ, યહ ના દૂંગી ગોરધનજી, ગોરધનજી’ એમ લથડિયા ખાતા ખાતા કહેતી હશે.

` રાજુ, એ બાટલીબાનુ કહેતી હશે કે મુજકો પતિદેવ માફ કરના મેં નશે મેં હૂં.’

ગિરધરલાલ, મદિરા પીવાનો માત્ર પુષોનો જ થોડો હક્ક છે? હમારે દેશ કી મહિલા મર્દો સે કયાં કમ હૈ? હવે મહિલા પુરુષ સમોવડી બની ગઇ. પુરુષના ખભે ખભા મિલાવીને નહીં. પરંતુ, ગ્લાસ સે ગ્લાસ ટકરાવીનેચિયર્સ’ કહી મદિરાપાન કરવા લાગી છે… સાચે જ મેરા દેશ બદલ રહા હૈ.’ રાજુએ તારણ કાઢ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button