ઉત્સવ

આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી (2)

-શોભિત દેસાઈ

સૌ પહેલાં તો કવિશ્રી અનિલ જોશીના વિદાય લેખમાં એમની કવિતાની Punch Line ની ગરબડ સુધારી લઉં. આખા કાવ્યની દરેક પંક્તિનો અંત ‘દે તાલ્લી’થી થાય છે, માત્ર છેલ્લી બે પંક્તિમાં પહેલી પંક્તિ તો ‘દે તાલ્લી’થી જ પૂર્ણ થાય છે, પણ આખરી પંક્તિની પૂર્ણાહુતિ તો કવિતાને ચાર ચાંદ લગાડે છે. જુઓ તો ખરા!

કે ચોકથી પીછું ખઇરું ને લોક દોઇડા, દે તાલ્લી!

કે લેણદાર એટલાં વઇધાં કે ગામ છોઇડા, લે તાલ્લી!

ખઇરું, દોઇડાં, વઇધા, છોઇડાં અનિલભાઇની બોલીના લહેકામાં તમારા માટે ખાસ ‘મુઇકું’ છે.


ત્રણ અઠવાડિયાના વિલંબ પછી બીજો ભાગ ક્ષમા સાથે…. પહેલા ભાગનો સાર એ હતો કે બુદ્ધની એટલે કે ગૌતમની વધતી જતી કીર્તિ અને પ્રતિભા ઉપર કાતર ચલાવવાના હેતુથી પુરોહિતો, પંડિતો , ધર્માધિકારીઓ સુંદરી નામની એક સ્ત્રી Plant કરે છે… હવે આગળ….

ધર્મનાં સ્થાપિત હિતોએ બુદ્ધને બદનામ કરવા વિશાળ ધનરાશિનો લોભ આપીને સુંદરી નામની પરિવ્રાજિકાને રાજી કરી દીધી. સુંદરી આ બધા સાથે ષડયંત્રમાં સંલગ્ન થઇ ગઇ છે. એ નિત્યસંધ્યા ગૌતમ અને એમના સમગ્ર ગણનાં નિવાસ જેતવન જતી’તી અને પરિવ્રાજિકાઓના (Followers ના) સમૂહમાં રહીને પ્રાત : શ્રાવસ્તીમાં પ્રવેશ કરતી અને જયારે નગરવાસીઓ પૂછે કે કયાંથી આવે છે. ત્યારે એ કહેતી કે રાતભર શ્રમણ ગૌતમને રતિનાં રમણ કરાવી જેતવનથી આવી રહી છું.

આમ ભગવાનની (ગૌતમની) બદનામી ફેલાવા માંડી. પણ ભગવાન ચૂપ રહ્યા તે ચૂપ રહ્યા. ભિક્ષુઓ બધા આવી આવીને એમને કહે પણ ભગવાન તો હસે અને ચૂપ જ રહે. ધીરે ધીરે આ એક જ વાત સમસ્ત શ્રાવસ્તી નગરીની ચર્ચાનો વિષય બની ગઇ. લોકો રસ લઇ લઇને અને વાતને વધારી વધારીને ફેલાવવા માંડયા. હવે ભગવાન પાસે આવનારાઓની સંખ્યા રોજ રોજ ઓછી થવા માંડી. હજારો આવતા’તા, એમાંથી સેંકડો થયા અને પછી આંગળીથી ગણી શકાય એટલા જ લોકો બચ્યા. અને ભગવાન હસે અને બોલે ‘જુઓ સુંદરી પરિવ્રાજિકાનું અપૂર્વ કર્મ, કચરો કચરો બળી ગયો અને સોનું ઓનું બચી ગયું. ભગવાનની શાંતિને અવિચળ જોઇને એ તથાકથિત ધર્મગુરુઓએ ગુંડાઓને રૂપિયા આપીને સુંદરીને મરાવી નાખી, ફૂલોના એક ઢગલામાં જેતવનમાં જ છુપાવી દીધી એની લાશ. ભગવાનની શાંતિથી સુંદરી એના કુકૃત્ય પર પસ્તાવા માંડી હતી. ભગવાને એને એક શબ્દ પણ નહોતો કહ્યો અને જેતવનના એના આવવા જવા ઉપર કોઇ રોક પણ નહોતી લગાડી. સુંદરીનો અંતરાત્મા જ એને કાપવા માંડેલો. આ કારણે એની હત્યા આવશ્યક બની ગઇ હતી. સુંદરી દ્વારા સત્યની ઘોષણાનો ડર પેદા થઇ ગયો’ તો. વળી આ હત્યા ષડયંત્રને વધુ ઘેરું બનાવવાનો ઉપાય પણ હતો. સુંદરીની હત્યા પછી એ ધર્મગુરુઓએ નગરમાં ખબર ફેલાવી કે માલૂમ પડયું છે કે ગૌતમે પોતાના પાપના ભયથી સુંદરીને મરાવી નાખી છે. એમણે જઇને રાજાને પણ કહ્યું કે મહારાજ! અમે સુંદરી પરિવ્રાજિકાને નથી જોઇ રહ્યાં. દાળમાં કંઇક કાળું છે. એ શ્રમણ ગૌતમ પાસે જેતવનમાં જ રાતો પસાર કરતી હતી. રાજાએ જેતવનમાં સુંદરીની તલાશ કરવા સિપાહી મોકલ્યા ત્યારે મળી સુંદરીની લાશ…

આ ક્ષણે અહીં અટકીએ. આજે માંડણી અને સમાપન ધાર્યા કરતાં એટલા માટે સારાં થયાં કે ઓશોના અનુયાયીઓની ભાષા અને કહેણી બન્ને શ્રેષ્ઠ. હું તો માત્ર અનુવાદક લહિયો….

આજે આટલું જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button