ઉત્સવ

ગુજરાત જળબંબાકાર… પ્રજા ત્રાહિમામ્ફિર વો હી કમબખ્ત કહાની..!

અનેક રીતે વિકાસમાં અગ્રેસર ગણાતા ગુજરાત પર કુદરત ધાર્યા કરતાં વધુ વરસાદની કૃપા દાખવે તો રાજય સરકાર ખુદ પાણીમાં બેસી જાય છે, કારણ કે અહીં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને જળસંચયનું યોગ્ય આયોજન કયારેય થયું નથી રાજ્યમાં ૨૭ વર્ષ સુધી એક જ પક્ષનું શાસન હોવા છતાં!

કવર સ્ટોરી -વિજય વ્યાસ

ગુજરાતમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો છે અને લોકોની હાલત બગાડી દીધી છે. ગુજરાતમાં લાંબાં સમય સુધી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નહોતો તેથી ચોમાસુ કોરુધાકોર જશે કે શું એવી ચિંતા સતાવતી હતી ત્યાં મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી કે, રાજ્ય સરકાર સહિત ત્યાના પ્રજાજનોના છક્કા છૂટી ગયા છે. ગુજરાતનો ભાગ્યે જ કઈ એવો પ્રદેશ છે કે જ્યાં તોફાની વરસાદ ના પડ્યો હોય ને લોકો પરેશાન ના થયા હોય. વડોદરામાં હાલત માત્ર ખરાબ નહીં-બદતર છે તેથી દેશભરનું ધ્યાન વડોદરા તરફ ખેંચાયું, પણ વાસ્તવમાં ગુજરાતમાં બધે આ હાલત છે. ઘણાં વિસ્તારોમાં તો દિવસમાં ૨૦ – ૨૦ ઈંચ વરસાદ ખાબક્યો તેમાં લોકોના બબૂડિયા બોલી ગયા છે. આ અતિ વર્ષાએ એવી હાલત કરી કે વરસાદને લગતી આપણી બોલીની બધી કહેવતો શુષ્ક લાગે! ગુજરાતમાં પડેલા સાંબેલાધાર વરસાદે ગુજરાતની વરસો જૂની સમસ્યાને પણ લોકો સામે છતી કરી દીધી છે. આ સમસ્યા ‘રેન વોટર મેનેજમેન્ટ’ એટલે કે વરસાદી પાણીના સંચાલનની છે. ‘ભાજપ’ ગુજરાત મોડલની વાત કરે છે. ગુજરાતમાં જોરદાર વિકાસ થયો હોવાના દાવા કરે છે. આવા દાવા સાવ પોકળ નથી. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો જરૂર થયો છે. ભરતીઓમાં ભ્રષ્ટાચાર બંધ થયો ને પારદર્શક ભરતી થવા માંડી એવાં સારાં કામ પણ થયાં છે., પણ વરસાદી પાણીના નિકાલને મુદ્દે ગુજરાત ઠેરનું ઠેર છે.

૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી સૌથી પહેલાં પંચશક્તિનો નારો આપેલો. આ પંચશક્તિમાં જળશક્તિ એક હતી. એ દિશામાં થોડા ઘણા પ્રયત્નો થયા ,પણ પછી બધું બાજુ પર ધકેલાઈ ગયું ને અત્યારે કેવી સ્થિતિ છે એ નજર સામે છે. અડધું ગુજરાત વરસાદી પાણીમાં ડૂબી ગયું ને લોકો ત્રાહિમામ્ છે. ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં દિવસોના દિવસો લગી પાણી ભરાઈ રહે છે, અતિવૃષ્ટિને લીધે ઠેર ઠેર રસ્તા પર ભૂવા-ગાબડાં પડી ગયા છે. ભારે વરસાદને કારણે રાજ્યના ૫૦૦થા વધુ રસ્તાઓ બંધ કરી દેવા પડયાં છે તેથી લોકો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો અને લોકોને જીવનજરૂરિયાતની ચીજો ના મળે એવી કફોડી હાલત થઈ ગઈ આ બધાને કારણે અકળાયેલા-રોષે ભરાયેલા લોકો ધારાસભ્યોને ભગાડી રહ્યા છે, સોશિયલ મીડિયા ને મીડિયામાં આક્રોશ ઠાલવી રહ્યા છે, કેમ કે આપણા શાસકોએ ૩૦ વર્ષમાં વરસાદી પાણીના નિકાલ માટે કશું કર્યું જ નથી. તેનું કારણ એ છે કે, આપણા શાસકોમાં એવી સૂઝ જ નથી. વરસાદી પાણી આવવાનું છે એ સનાતન સત્ય છે, પણ વરસાદી પાણીનો બે-ચાર કલાકમાં નિકાલ થઈ જાય ને ભવિષ્યમાં તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરી શકાય એવું લાંબા ગાળાનું આયોજન કરવામાં ગુજરાતના શાસકો સાવ નિષ્ફળ નિવડ્યા છે. આ નિષ્ફળતો માટે ભાજપ વધારે દોષિત કહેવાય કેમ કે છેલ્લાં ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીપદે ૧૩ વર્ષ રહ્યા એ પહેલાં સાડા ત્રણ વરસ લગી કેશુભાઈ પટેલ હતા. મોદી ગયા પછી આનંદીબેન પટેલ બે વરસ રહ્યાં. પછી વિજયભાઈ રૂપાણી પાંચ વરસ રહ્યા ને છેલ્લાં ત્રણ વરસથી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે. આ બધા મુખ્યમંત્રીઓનો શાસનકાળ ૨૭ વરસની આસપાસ છે. ૨૭ વર્ષ બહુ મોટો સમયગાળો છે. ૨૭ વરસમાં તો આખા રાજ્યની કાયાપલટ કરી શકાય પણ શાસક પક્ષ ગુજરાતમાં યોગ્ય પ્રમાણમાં વોટર મેનેજમેન્ટ થાય એવી સ્થિતિ નથી સર્જી શક્યો એ કડવી વાસ્તવિકતા છે.

ગુજરાતમાં ભાજપના શાસનની આ સૌથી મોટી નિષ્ફળતા છે. વધારે શરમજનક વાત એ છે કે, આટલો બધો વરસાદ પડે છે છતાં ગુજરાતમાં દર ઉનાળામાં પાણીની અછત તો પેદા થઈ જ જાય છે. વરસાદ પડવા માંડે ત્યારે એવો પડે છે કે, લગભગ આખું ગુજરાત જળબંબાકાર થઈ જાય છે. અચાનક પડતા પાણીનું શું કરવું તેની સૂઝ શાસકોને પડતી નથી અને રઘવાયા થઈ જાય છે. આભ ફાટ્યું હોય એવી હાલતમાં સેંકડો ગામો પાણીમાં ડૂબી જાય છે ને સંપર્ક વિનાનાં થઈ જાય છે. દિવસો લગી પાણી ભરાયેલાં રહે છે. આ પાણી ક્યારે ઓસરશે એની ખબર જ નથી હોતી કેમ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. ખાલી ડેમ છલકાઈ જાય છે ને પાણી ગામોમાં ઘૂસીને તબાહી વેરી જાય છે. આ સ્થિતિ ચોમાસાના થોડાક દિવસો સુધી રહે છે પણ જેવો શિયાળો બેસે છે કે તરત પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે.
ઉનાળો આવે ત્યાં લગીમાં તો એ હાલત થઈ જાય છે કે, પીવા માટે પણ પાણી રહેતું નથી. બહેન- દીકરીઓએ માથે બેડાં મૂકીને દૂર દૂરથી પાણી લાવવું પડે છે.

આ સ્થિતિ એટલા માટે છે કે ગુજરાતમાં ભાજપ શાસન બે મોરચે સદંતર નિષ્ફળ ગયું છે. પહેલું વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને બીજું જળસંચય. વરસાદી પાણીના નિકાલ માટે મજબૂત ગટર વ્યવસ્થા, ખંભાતી કૂવાનું નિર્માણ, ગામેગામ વરસાદી પાણીને સંગ્રહી શકે એવાં જળાશય જરૂરી છે. એ માટે આખા ગુજરાતમાં જળાશયો ઊંડા કરવાનાં કામ કરાવવાં પડે, પણ આટલાં વરસોમાં ભાજપ એ નથી કરી શક્યો ભાજપ જળસંચય મોરચે પણ કશું કરી શક્યો નથી. ગુજરાતમાં ભારે વરસાદ પડે ત્યારે સૂકીભઠ્ઠ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ જાય છે પણ તેનાં પાણીને રોકીને ભવિષ્યમાં ઉપયોગ કરવાની સૂઝ શાસકોમાં નહોતી તેથી મુખ્યમંત્રીઓએ નવા બંધ બનાવ્યા જ નહીં. ગુજરાતમાં ક્યો બંધ ક્યારે શરૂ થયો ને ક્યારે પૂરો થયો તેનો ડેટા વેબસાઈટ પર છે.ભાજપ શાસનમાં થોડા બંધ પૂરા થયા ખરા પણ નવો કોઈ બંધ શરૂ નથી થયો. મોટા ભાગના બંધ કૉંગ્રેસના શાસનમાં શરૂ થયા ને પૂરા થયા. કડાણા, કાકરાપાર, ઉકાઈ સહિતના બીજા મોટા બંધો કૉંગ્રેસ શાસનમાં જ બન્યા. ભાજપ શાસનમાં નવા બંધ બન્યા હોત તો વરસાદી પાણીનો સંગ્રહ ત્યાં કરી શકાય પણ એવું કશું ૨૭ વરસમાં થયું નથી.

શાસકો વિકાસના નામે બાંધકામો કરાવ્યા કરે છે, ઉદ્યોગોને લાવે છે પણ તેના કારણે પાણીની જરૂરિયાત વધે એ પૂરી કરવા કોઈ આયોજન કરતા નથી. રાજ્ય સરકારના અહેવાલ મુજબ ગુજરાતમાં ૬૦ ટકા ખેતી વરસાદ આધારિત છે. ગુજરાતમાં ભાજપ ૨૭ વર્ષથી સત્તામાં છે ને છતાં ૬૦ ટકા ખેતી વરસાદ આધારિત હોય તેનો અર્થ એ થાય કે શાસક પક્ષે ગુજરાતમાં સિંચાઈની એવી વ્યવસ્થા ઊભી નથી કરી શક્યો કે જેના કારણે વરસાદ પરની નિર્ભરતા ઘટે.

દર વર્ષે ગુજરાતમાં સિંચાઈ માટે કેટલું પાણી જોઈશે તેની ગણતરી અને તેની વ્યવસ્થા કઈ રીતે કરવી તેની ગતાગમ નેતાઓને આટલાં વરસે પણ નથી પડતી. પરિણામે કોઈ આગોતરું આયોજન થતું નથી ને ગુજરાતમાં વરસાદ બહુ પડે છે છતાં પાણીની અછત રહે છે. આ સ્થિતિ-સિનારિયો બદલવા રાજ્ય સરકારે ગંભીરતાથી જળસંચય ઝુંબેશ શરૂ કરવી પડે, વરસાદી પાણીના નિકાલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. ભાજપના શાસકો ગુજરાતની સરખામણી અમેરિકા સહિતના ધનિક દેશો સાથે કરે છે, પણ સરખામણી કરવાથી અમેરિકા ના બનાય. એમને ખબર નથી કે, અમેરિકા સહિતના દેશો પાસે વરસાદી પાણીના નિકાલની એવી જડબેસલાક વ્યવસ્થા છે કે, એક ટીપું પાણી પણ નકામું નથી વેડફાતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button