ઊડતી વાત : માખીને ડ્રોનની જેમ કોણ ઉડાડતું હશે? એક માખીતુલ્ય સવાલ….
-ભરત વૈષ્ણવ
`ગિરધરલાલ, પહેલાં માણસ કે માખી?’ રાજુને સવાલ પૂછ્યો. રાજુને પ્રશ્ન પૂછવાનું ગજબનું ગાંડપણ છે. સુથારનું ચિત બાવળિયે તેમ રાજુનું ચિત સવાલે. દેવો અને દાનવોએ જોઇન્ટ વેન્ચરનાં ભાગરૂપે મે પર્વતનો રવૈયો અને શેષનાગનું દોરડું-રાંઢવું બનાવી સમુદ્રમંથન કરેલું, જેમાં ચૌદ રત્ન નીકળેલા તેમ રાજુના મગજ વગરના મસ્તિકમાં મનોમંથન ચાલી
રહ્યું હતું.
`રાજુ, પહેલાં મરઘી કે ઇંડું? આ સવાલના જવાબમાં તારા પ્રશ્નનો જવાબ આવી જાય છે.’ મેં જા બિલાડી મોભામોભનું વલણ અપનાવી સવાલની મિસાઇલ રાજુ તરફ ડાયવર્ટ કરી.
ગિરધરભાઇ, શું માખી સ્થિતપ્રજ્ઞ હોય છે?'
આસ્થા’ ચેનલ પર
આવતા કોઇ જિજ્ઞાસુ સાધકની જેમ રાજુએ આધ્યાત્મિક શંકાને સબળ વાચા આપી.
`આપણે દુર્ગંધ અને સુગંધ વચ્ચે સમતા રાખી શકીએ છીએ?? આપણે સુખ અને દુ:ખને ડાબી-જમણી આંખનો ભેદ કર્યા સિવાય સ્વીકારી
શકીએ છીએ? આપણે સુખમાં હરિનામ સ્મરણ કરીએ છીએ? તારો
જવાબ નકારમાં જ હશે. જગતમાં માખી જ એવો આત્મા છે કે મીઠાઇ
પર બેસવામાં જે લિજ્જતનો આસ્વાદ લે છે તેવો જ આનંદ મળ કે વિષ્ટા પર બેસીને ચિદાનંદ ઉઠાવે છે. માખી મીઠાઇ કે ફરસાણ વચ્ચે પંક્તિભેદ કરતી નથી. લોટ, ભોટ, વોટ, ઠોઠ કે નોટ વચ્ચે તફાવત કરતી નથી. દુગ્ધાલય કે મધુશાલા તેના માટે સમાન છે. મંદિર કે સ્મશાનને હરખશોક અનુભવતી નથી. માખી આનંદી કાગડા જેવી છે. માખી મોજીલી મહારાણી છે. માખી ગમે તેના પર બેસી ડોકું હલાવતા આગળના બે પગ ઘસીને પદાર્થ પર કશુંક ભભરાવતી હોય છે. સ્લીપવેલના ગાદલા વિના વળગણી દોરી પર આરામથી ઊંઘી જાય છે!’ મેં માખીની ખાસિયતો વર્ણવી.
`ગિરધરભાઇ,ભગવાન વિષ્ણુએ કાચબા, વરાહ, નરસિંહ ઇત્યાદિ અવતાર ધારણ કર્યા તો માખાવતાર કેમ ન ઘારણ કર્યો?’રાજુએ
સંશય કર્યો.
`વેલ, એના વિશે હું કાંઇ ન કહી શકું. અલબત, ભગવાને વૃક્ષોમાં
હું પીપળો છું. હાથીમાં ઐરાવત છું. એવું બધું કહ્યું છે, અપિતું,
જીવજંતુમાં હું માખી છું એમ કહ્યું નથી. દેવી -દેવતાઓએ મોર,ગરૂડ, હંસ, ઉંદર, વાઘ, પાડાને આઉટસોર્સિંગ કે રેગ્યુલર પે મેટ્રિકસમાં વ્હીકલ તરીકે હાયર કર્યા છે. શનિએ ઇવન કાગડાને પણ ટુ વ્હીલર તરીકે કિફાયતી રેંટથી હાયર કર્યો છે. માખી બુલેટ ટે્રન કરતા ઝડપી યાતાયાતનું માધ્યમ છે, છતાં માખીને અડધી કિમતે વાહન તરીકે હાયર કરવામાં આવતી નથી એ સમગ્ર માખી સમાજનું અપમાન છે. માખીઓ બણબણ કરીને ચૂંટણીમાં ભલભલાને ધૂળ ચાટતા કરી દેશે.’ અમે માખી સમાજની અવહેલનાનો વિરોધ કર્યો.
`ગિરધરભાઇ માખી અને ઘરવાળીમાં શું સામ્ય છે?’ રાજુએ સનાતન સવાલ કર્યો.
રાજુ. આપણે વર્તમાનપત્રમાં સમાચાર વાંચતા હોઇએ, ટીવી જોતાં હોઇએ કે મનગમતી પ્રવૃત્તિ કરતા હોઇએ તો માખી છાપા પર, ચશ્માંની ડાંડલી પર માન ન માન મેં તેરા મહેમાનની માફક ચોંટી જાય છે. માખીને ઉડાડીએ તો પણ મૂળસ્થાને આવી જાય છે. ટૂંકમાં, માખી આપણને સતત ઇરીટેટ કરે છે. ઘરવાળીનું પણ એવું જ છે. ફોન પર કોઇ છમકછલ્લો સાથે રસીલી વાતચીત થતી હોય, માત્ર દસ ફૂટ દૂર કોઇ વિશ્વસુંદરી પર આંખના કેમેરાનો લેન્સ ફોકસ કર્યો હોય એ અવસરને ઘરવાળી આફતમાં પલ્ટી નાંખે છે. આમ માખી અને ઘરવાળીને રંગમાં ભંગ કરવાની મજા આવે છે.' મેં રાજુને વણનોતરી આફત વિશે સાદી સમજ આપી.
ગિરધરભાઇ,આપણે નવરા હોઇએ તો માખી મારીએ છીએ એમ
કહીએ છીએ. માખી મારવી એ સરળ ટાસ્ક છે?’ રાજુએ પેટા પૂરક પ્રશ્ન પૂછ્યો.
ભઈલા, ઝેર તો પીધા છે જાણી જાણી એમ કહેવાય છે. બસ, આવું જ કામ કે કસોટી માખી મારવામાં છે. માખી મારવી એ રોકેટ સાયન્સ કરતાં કપરું કામ છે. માખી મારવી એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. માખી મારવા માટે જગતની કઇ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં ક્યાંય ડિપ્લોમા, ડિગ્રી કે પીએચડી કોર્સ ચાલતા નથી. ભાષા ભવનમાં ભાષા ભણાવવામાં આવે છે, પરંતુ માખીભવનમાં માખીનો મ પણ ભણાવવામાં આવતો નથી. રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં માખી મારવાનું વચન વચન કે ગેરંટી આપવામાં આવતી નથી. માખી મારવી એના કરતા લોખંડના ચણા ચાવવા સહેલા પડે. પહેલો ઘા રાણાનો કરી માખીવઢ ઘા કરો એટલે ગર્લફ્રેન્ડની માફક બીજે ઉડી જાય છે. મહેલમાં માખીનો ત્રાસ અધિક માત્રામાં હતો. વનમાં માખીનો ત્રાસ ઓછો હશે તેમ વિચારીને વનમાં ગયા હતા. ભગવાન પરશુરામ પણ માખીના ત્રાસથી હેરાન હેરાન થઇ ગયેલા. પૃથ્વીને માખીમુકત કરવા માખી વિદ્ધ માખીસંગ્રામ કરવા કૃતનિશ્ચયી બનેલા. તેમાં વચ્ચે ક્ષત્રિયો આવી ગયા અને ઇતિહાસ બદલાઇ ગયેલ તેમ જાણભેદુઓ કહે છે.
મેં ઐતિહાસિક તથ્યો હેલોજન જેવો પ્રકાશ પાડ્યો.
`ગિરધરભાઇ પુરાણોમાં ભ્રામરી દેવીનું વર્ણન આવે છે તે માખીને મળતું આવે છે. માણસ ચંદ્ર મંગળ પર ચડાઇ કરે છે. રોબોટ-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવે છે. પરમાણુ બોમ્બ બનાવે છે. પરંતુ, મચ્છર , માંકડ વંદા, માખીનો ખાત્મો બોલાવી શકતો નથી..મન હોય તો માળવે જવાય પરંતુ, મન હોય તો માખી મરાય એમ કોઇ કહેતું નથી.’ રાજુએ માણસોની નિષ્ફળતા બ્યાન કરી.
`રાજુ. માખીના ભાણા પર મંડરાતી માખીને કોણ ઉડાડતું હશે ?’ મેં રાજુને અઘરો સવાલ પૂછ્યો.
તમે માનશો? રાજુ માથું ધુણાવતો માખીની જેમ ઊડીને વળગણીએ ટીંગાઇ ગયો. માનો કે વૈતાળ વૃક્ષ પર ઊંધો લટકી ગયો.