વ્યંગઃ વાળ વિહોણાંઓ, વાળ વધારવા મેરઠ પહોંચો…!
-ભરત વૈષ્ણવ
‘ગિરધરલાલ, ઇલાજ મળી ગયો.. ઇલાજ મળી ગયો.. ઇલાજ મળી ગયો.! ’ રાજુએ આટલું બોલી મને ઊંચકી લીધો અને સર્કસના ઘોડાની માફક ગોળ ગોળ ફરવા લાગ્યો. ‘રાજુ, તું મને નીચે ઉતાર.. મને ચક્કરની એલર્જી છે. ચક્કરથી મને ચક્કર આવે છે.’ મેં રાજુને આદેશાત્મક વિનંતી કરી.
‘ગિરધરલાલ, તમારા વિશાળ લલાટમાં કેશ એટલે કે વાળ ઘટવા લાગ્યા છે. તમે કેશલેસ થવા લાગ્યા છો. વાળ વધારવાનો ઇલાજ મળી ગયો છે.’ રાજુએ કોઇ એક્સપર્ટ ડૉકટરની માફક દાવો રજૂ કર્યો. ‘રાજુ, ભગવાન કા દિયા હુઆ સબ કુછ હૈ, ધન દૌલત હૈ, જુગ્ગી જૈસી કોઠી-બંગલા હૈ, હાથણી જૈસી પતલી બીવી હૈ, બચ્ચે હૈ, કાર હૈ, પર સર પે બાલો કી છત નહીં હૈ. હું કેશપતિ નથી.’ મેં નાના પાટેકરના ડાયલોગ સ્ટાઈલથી મારી વ્યથા વર્ણવી . ‘તમે વાળાભિમુખ વ્યક્તિ અને વાળવિમુખ વ્યક્તિ વિશે સાંભળ્યું છે?’ રાજુએ ઉખાણું પૂછી નાખ્યું. ‘રાજુ, આ તું શું બોલે છે? મને કાંઇ સમજાતું નથી.’
‘કેટલાક લોકોને વિષુવવૃત્તના ટ્રોપિકલ- પ્રગાઢ જંગલ જેવા વાળ હોય. એ પણ વાંકડિયા- કર્લી હોય. આવા નસીબદારને વાળાભિમુખ વ્યક્તિ કહેવાય. જ્યારે ઉપર વાળ ન હોય અને તોલુ સફાચટ હોય તેવી વ્યક્તિને વાળવિમુખ વ્યક્તિ કહેવાય.’ રાજુએ વર્ષાભિમુખ અને વર્ષાવિમુખ પ્રદેશ જેવી ભૌગોલિક સંજ્ઞાથી વાળની સ્થિતિ સમજાવી.
‘રાજુ, જ્યારે કોઇના વાળ ખરવા માંડે, માથામાં ખાડો દેખાય કે એ માણસ વાળ વધારવાના ઝનૂનપૂર્વક પ્રયત્નો કરે છે. વાળમાં કુંવારપાઠું નાખે , દહીં નાખે, મધ નાખે, છાશ નાખે. મુલતાની માટી લગાવી વાળ ધોવે. એરંડિયું પણ ઠપકારે. વાળ અરીઠા- ગુલાબજળ-શિકાકાઇ, ચંદન-સુખડ ચૂર્ણથી ધોવે. એ તો સારું છે કે વાળ વધારવા માથું પેટ્રોલ, ડિઝલ, ગ્રીસથી ધોતા નથી. હા, કેટલાક તો વાળને સુંવાળા રાખવા બિયરથી માથું સુધ્ધાં ધુએ છે ! આમ છતાં, વાળ રિસાયેલી પ્રેમિકાની જેમ ‘લો ચલી મેં અપને દેવર કી બારાત લે કે લો ચલી મૈં’ની જેમ ખરતા જ રહે. પૈસાનું પાણી થાય એ નફામાં.’ મેં વાળની વસ્તુ-સ્થિતિ બ્યાન કરી.
ગિરધરલાલ, વાળ એ વ્યામોહ છે, વાળ આસક્તિ છે. પુરુષના વાળ ખરતા હોય તે પુરૂષ માનવા તૈયાર ન હોય કે રાત્રિના સમયે આકાશમાં ઉલ્કા વર્ષા થાય છે તેમ એના માથામાંથી ઓશિકા પર ખરતા વાળની વર્ષા થાય છે. વાળ દિવસે ન ખરે તેટલા રાતે ખરે… અરીસા સામે ઊભો રહી વાળને આમતેમ ઉથલાવી સ્વગત બબડે કે વાળનો જથ્થો સલામત છે, પણ અનાવૃષ્ટિગ્રસ્ત પ્રદેશની જેમ કપાળમાંથી વાળ ઉચાળા ભરવા માંડે છે. છેલ્લે તો બે કાન પાછળ અને બોચી પર જે વાળ બચે છે તેને વાળંદ લોકો વાળની ઝાલર કહે છે. એ પણ વાંકડિયા શ્ર્વેત વાળથી સુશોભિત લાગે છે..’ રાજુએ વાળના ખરવા પર પ્રકાશ નહીં પણ વાળ પાડ્યા.
‘રાજુ, એક મિત્રે કોઇ કારણસર નાનપણથી વાળનો અસબાબ ગુમાવેલો. વાળના વિકલ્પે એ વિગ પહેરતા હતા. એના લગ્ન નક્કી થયા. નવપરિણીતા પત્નીને વિગ પહેરવા વિશે વિગતે વાત કરેલ નહીં. પરિણામે સુહાગરાતના દિવસે ગંજા પતિને જોઇને પત્ની વિફરી. જો કે બંનેનું દામ્પત્યજીવન પ્લેનના વ્હીલ અને બળદગાડાના પૈડા જેમ રગડદગડ ચાલ્યું પરંતુ, દામ્પત્યજીવનમાં પ્રેમ, ઉષ્મા અને માધુર્ય વાળની જેમ ખરી પડયા,’ મેં વિફલ્યગાથા ઉજાગર કરી.
‘હમ્મ, સરસ્વતી નદીની જેમ જેમના વાળ માથા પરથી લુપ્ત થયા હોય તે વિગ બનાવી પહેરે છે. જો કે વિગ પહેરી છે તેનો ખ્યાલ આવી જાય છે. વિગમાં રહેલા વાળને ધોઇ શકાય નહીં, શેમ્પૂ કરી શકાય નહીં, વાળમાં કાંસકો ફેરવી શકાય નહીં…..જોકે, હવે લોકો જેમ ખેતરમાં વાવેતર કરવામાં આવે તેમ માથામાં હેર વિવિંગ કરાવે છે.’ રાજુએ વાળની વૈકલ્પિક વ્યવસ્થા વર્ણવી.
‘રાજુ, પુરુષ ટાલિયો હોય છે. ટાલિયો નર સદા સુખી એવું પણ કહેવાય છે. કહેને મેં કયાં હર્જ હૈ? કોઇ ગંજાને પૂછો તો ખબર પડે કે એ કેટલો દુ:ખી છે! પુરુષોના મુકાબલે મહિલાઓ ગંજી એટલે ટાલિયણ હોતી નથી. કદાચ એટલે કે ટાલિયણ સદા સુખી એવી કહેવત પડી નથી.’ મે સ્ત્રી-પુરુષનો તફાવત કહ્યો.
‘આપણા દેશમાં લાચાર લોકોની હાલતનો ગેરલાભ લેવા માટે ધૂર્ત લોકો લાળ પાડતા તત્પર હોય છે. ખરતા વાળ અટકાવવા, વાળ વજ્ર જેવા મજબૂત કરવા, ખોડો દૂર કરવા બજારમાં શેમ્પુ, તેલ, કંડિશનર, ટેબ્લેટ ધડાધડ મળવા માંડે છે.
વાળ ખરવા માટે કાંસકો જવાબદાર હોય કે ન હોય કાંસકો બદલવાની સલાહ આપવામાં આવે છે. કાંસકાના ઢાંકણવાળું તેલ પણ મળે છે. વાળમાં તેલ નાખી ગરમ પાણીથી ભીંજવેલા ટુવાલથી મસાજ કરવાને નામે રૂપિયા પડાવવામાં આવે છે. વાળનો ગ્રોથ વધારવા નસ્ય કે શિરોધારા જેવા આયુર્વેદિક ઉપચાર કેટલા કારગર રહેતા હશે તે ભગવાન ધન્વંતરિ જાણે!’ વાળ વધારવાના બખડજંતર પર રાજુએે વેધક પ્રકાશ પાડ્યો.
‘રાજુ વરસો પહેલાં ‘અનુપ’ તેલના નામે પાનીઢંક વાળ વધારવાનો દાવો કરાયેલ. તે સમયે પગલૂંછણિયા પર તેલનું ટીપું પડી જાય તો પગલૂંછણિયાને ચોટલો ઊગે તેમ મજાકમાં કહેવાતું હતું. આજકાલ ‘આદિવાસી તેલ’ના નામે લોકોને ઠગવામાં આવે છે.’ મેં ઉમેર્યું . ‘ગિરધરલાલ, ટાલિયા લોકોની મજબૂરીનો લાભ લેવા ઉત્તર પ્રદેશના મેરઠમાં એક બદમાશે એવું ધુપ્પલ ચલાવ્યું છે કે અંશત: ટાલિયા, ચોરસ ટાલિયા, લંબગોળ ટાલિયા, ત્રિકોણ ટાલિયા, સેમી ટાલિયા, ફૂલ્લી ટાલિયાઓના સહરાના રણ જેવા બંજર માથામાં વાળના લહેરાતાં વન એ ઉગાડી આપશે! જે વ્યક્તિને વાળ ઉગાડવા હોય એમણે બચાકુચા વાળ પણ ઉતારીને આવવા કહ્યું. લોકોની ભીડ એકત્ર થઇ ગઈ ત્યારે આવો કરનારા સલમાન નામના માણસે વાળ ઉગાડવા માટે એક સોડાની કિંમત એટલે કે વીસ રૂપિયામાં દવા બજાડી દીધી.
લોકો માથા પર વાળ લગાવવાની સંજીવની લગાડી ઘટાટોપ વાળનું રિ-ચાર્જ થાય તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. એ લોકોના વાળ તો સોયની અણી જેટલા વધ્યા નહીં, પરંતુ લોકોને એલર્જી થઇ ગઇ. લોકોને ખંજવાળ આવવા લાગી એમાં ભંડાફોડ થયો. હવે એ શખસ જેલના સળિયામાં ધકેલાઇ જતાં વાળ ખંજવાળે છે.’ રાજુએ ધુપ્પલનો ઘટસ્ફોટ કર્યો.
Also read: હેં… ખરેખર?! : ઉત્તરાખંડના ચોપતામાં દુનિયાનું સૌથી ઊંચાઈ પરનું શિવ મંદિર
મેરઠના ટાલિયાઓ વાળ વધારવાની ગેંગનો શિકાર થયા. એમાં મેરઠના વાળંદ માલામાલ થઇ ગયા. કેટલાક લોકોએ તો પોતાનો જૂનો ધંધો છોડીને વાળ મુંડવાનો નવો ધંધો જોઇન કરી લીધો… તો વાળવંચિતો કોની રાહ જુઓ છો? જે વાહન મળે તેમાં મેરઠ ઊપડી જાવ. વીસ રૂપિયામાં પગની પાની ઢંકાય તેટલા વાળ વધારી લાવો. તમારે વાળ સિવાય કશું ગુમાવવાનું નથી!