ઉત્સવ

ઘાસ કાપવાનો કોર્સ: આજના સમયની જરૂરિયાત!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

હવે એ સમય પાકી ગયો છે કે શાળાઓ ને કોલેજોમાં ઘાસ કાપવા વિશે શીખવવાનું શરૂ કરવામાં આવે. શાળા-કોલેજોમાં ઘાસ કાપવાનાં ક્લાસ શરૂ કરી દેવા જોઈએ. હોમ સાયન્સના ક્લાસમાં વિદ્યાર્થિનીઓ રોટલી બનાવવામાં અને ભજિયા તળાવમાં નિપુણતા મેળવી રહી છે. આનાથી ચોક્કસ દેશને ફાયદો થયો જ છે. જો કે ખેતી કરનારા પુરૂષો અને રોટલી વણવાવાળી સ્ત્રીઓ તો આ દેશમાં યુગોથી છે જ. વળી અગાઉ ડિગ્રી વગર પણ લોકો સરસ ખેતી કરતા જ હતા અને એમની પત્નીઓ હોમ સાયન્સ ભણ્યા વિના પણ સરસ ખાવાનું બનાવતી જ હતીને?

જો કે મને ભણતરમાં નવા નવા કોર્સ વિશે આઇડિયા આવે છે. મેં એક વાઈસ ચાન્સેલરને કહ્યું: ‘કોલેજોમાં સેક્સ-વિજ્ઞાનનાં વિષય તો ફરજિયાત હોવો જોઈએ જેથી યુવાનોનું લગ્ન જીવન સારું રહે! ’ ત્યારે વાઇસ-ચાન્સેલર મારા પર ખૂબ ભડકેલા. મેં સમજાવ્યું: ભણેલી સુંદરીઓનું નટખટ હાસ્ય અને નજરોના તીર મારવાથી પ્રેમમાં પાગલ થયેલા લોકોનો અનુભવ જો ભણવાનાં કોર્સમાં હશે તો ખોટું શું છે?

‘તમે તાત્કાલિક આ રૂમમાંથી બહાર નીકળો!.’ વી.સી. બરાડ્યા.
‘હું તો જાઉં છું પણ તમે આના વિશે સિરિયસલી વિચારો.’ મેં કહ્યું. પછી હું તો બહાર આવી ગયો અને વાઇસ ચાન્સેલરે મારો અભિપ્રાય પણ બારી બહાર બહાર ફેંકી દીધો. જવા દો એ સેક્સ-વિજ્ઞાનને… પણ દેશમાં પુષ્કળ ઘાસ છે અને ઘાસ કાપવાની ટેલેંટ ધરાવતા ઘણાં લોકો, ક્યાંક સરકારી અધિકારી, મંત્રી કે લેખક-કવિ બની ગયા છે. જો નસીબે સાથ આપ્યો હોત તો આજે એ બધા ઘાસ જ કાપતા હોત, કારણ કે અત્યારે ઘાસ કાપવા જેવું જ કામ કરે છેને? વિચારો, ઘાસ કાપવાનો કોર્સ કેમ ન હોઈ શકે? ઘાસ કાપવાના કોર્સમાં કેટ-કેટલા ટોપિક્સ હોઇ શકે! જેમ કે-ઘાસ શું છે? ઘાસની વ્યાખ્યા શું છે?ઘાસ, ક્યાં ઊગે છે ને ક્યાં નથી ઊગતું? ને જ્યાં એ નથી ઊગતું તો કેમ નથી ઊગતું? સૂકું ઘાસ ને લીલા ઘાસ વચ્ચે શું બારીક તફાવત છે? બગીચાની લોન અને પશુઓનાં ઘાસચારાના ઘાસ વચ્ચે શું ફરક છે? ઘાસમાં કેટલા જંતુઓ ને સાપ ફરતા હોય છે? જો સાપ ડંખે તો એનો ઉપચાર, મંત્ર શું છે ?જો ઘાસ કાપતી વખતે ચિત્તો હુમલો કરે તો શું કરવું જોઈએ?, ઘાસમાં કેટલા પ્રકારના વિટામિન હોય છે અને પ્રાણીઓ ઘાસ કેમ ખાય છે?,જો શાકભાજીની જેમ ઘાસને પણ ઉકાળીને પ્રાણીઓને ખવડાવવામાં આવે તો એમની તબિયત પર શું અસર થશે? કે પછી પ્રાણીઓ લંચ અને ડિનરમાં ઘાસ ખાય છે અને નાસ્તામાં પણ ઘાસ ખાય છે, તો દેશને કેટલા ઘાસની જરૂર છે? ઈત્યાદિ -ઈત્યાદિ
ઇન શોર્ટ, આ કોર્સમાં, ઘાસ કાપવાની પરંપરાગત શૈલીઓનો અભ્યાસ, ઘાસ કાપવાનાં સાધનો, જેમ કે દાતરડું ને એની જાળવણી. વળી દાતરડાંનું રાજકારણમાં સ્થાન. લાલ ઝંડા પર દાતરડાંનું સિમ્બોલ બનાવ્યા બાદ ઘાસમાં ફેલાતી અસલામતીની લાગણી! રશિયન ક્રાંતિ પછી રશિયામાં દાતરડાંથી ઘાસ કાપવાના કામમાં થયેલી પ્રગતિ. રશિયામાં ઘાસ કાપવા માટે દાતરડાંનો બહિષ્કાર અને નવા ઘાસ કાપવાના મશીનનો આવિષ્કાર. ઘાસની ગંજી બનાવવાની કળા. ઘાસનો સંગ્રહ કરવાની અને આગથી બચાવવાની કળા. લીલા ઘાસ અને સૂકા ઘાસ વચ્ચેનો તફાવત. ઘાસ કાપવાની વિદેશી પદ્ધતિઓ અને દેશી પદ્ધતિઓની વચ્ચે સરખામણી. ઘાસ વેપારનું ગણિત કે અર્થશાસ્ત્ર, વળી ઘાસમા છુપાયેલ આધ્યાત્મિકતા : ‘મનુષ્ય તિનકે કે સમાન હૈ’ અને ‘ડૂબતે કો તિનકે કા સહારા’ જેવી ઊંડી કહેવતોનું વિગતવાર વિશ્ર્લેષણ… ઘણાં ટોપક છે. વળી સાહિત્યમાં – કવિતામાં ઘાસ અને ઘાસ પર કવિતા પર કિતાબો લખાઇ શકે કે પીએચ.ડી. કરી શકાય. ‘લીલા ઘાસ પર એક ક્ષણ’ એવી હિંદી કવિતાનું પઠન, પછી એની સમજૂતી અને એના કવિ અજ્ઞેય વિશે ભાષણ આપી શકાય. ઘાસ પર બેસીને રોમાંસ કેવી રીતે થાય? એના પર નિબંધ લખાય! પ્રાણીઓને ખવડાવવા, કવિતા રચવા અને ગર્લફ્રેન્ડ સાથે સૂવા ઉપરાંત ઘાસના બીજા ઉપયોગો શું શું? એ ઉપરાંત, ઘાસ કાપતી વખતે ગવાતાં લોકગીતો અને મહાન ઘાસ વેચવાવાળાઓનાં જીવનચરિત્રો! કે પછી- ઘાસ પર મહાપુરુષોએ આપેલાં લીલાં નિવેદનો.

આમ આ ઘાસ કાપવાનો કોર્સ, ૪ વર્ષનો હશે, જેમાં વિદ્યાર્થીઓએ નિયમિત રીતે ઘાસ કાપવું પડશે. જ્યારે એ ઘાસ કાપવાની ડિગ્રી મેળવશે, તો દેશનું ઘાસ કાપી શકશે. સારા વિદ્યાર્થીઓને ફોરેન મોકલવામાં આવશે, જ્યાં ઘાસ કાપવાની મોડર્ન પદ્ધતિઓ શીખીશકશે. વિવિધ દેશોમાં ઘાસ કાપનારાઓનાં વિચારોનું આદાનપ્રદાન થશે અને ઘાસ કાપવા પર સરકારી પૈસે સેમિનાર યોજાશે. એ પછી દેશમાં, ઘાસ કાપવાનું કામ એને જ મળશે જેની પાસે ઘાસ કાપવાની ડિગ્રી હશે એટલે યુવાનો, બેકારી ટાળવા ઘાસ કાપવાની ડિગ્રી લેશે. આમ ઘાસ કાપવાનાં કોર્સને લીધે, સમાજ અને દેશનો વિકાસ થશે રોજે રોજ વધતાં ઘાસની જેમ જ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button