ઉત્સવ

લગ્ન થયાં અને માથે આભ તૂટી પડ્યું!

મહેશ્ર્વરી

ગુજરાતમાં અમે જે નાટકો કરતા હતા એમાં ગીત – સંગીતને ખાસ્સું પ્રાધાન્ય હતું. અચાનક એક દિવસ મને વિચાર આવ્યો કે ગીત – સંગીત માસ્તર સારું જાણે છે. એમને ગુજરાત સાથે લઈ જઈએ તો એમને કામ મળી રહે અને બંને બહેનોને એમના અનુભવમાંથી શીખવા મળે. એટલે હું અને મારી બહેન માસ્તરને મળવા એમના ઘરે ગયા. માસ્તરને સમજાવ્યા કે તમે અમારી સાથે ગુજરાત આવો. અમારા નાટકમાં ગીત સંગીતની જવાબદારી તમે સંભાળી લેજો. ફાવે તો કરજો, પછી તમારી મરજી. માસ્તર માની ગયા અને મહાલક્ષ્મી નાટક સમાજની અમારી ગુજરાતની ટૂરમાં જોડાઈ ગયા.

અમારું પહેલું નાટક વડોદરા જિલ્લાના ડભોઈ ગામમાં હતું. જોકે, અહીં જોઈએ એવો પ્રતિસાદ નાટકોને મળ્યો નહીં એટલે તરત અમારી નાટક કંપની પંચમહાલ જિલ્લાના બાલાસિનોર (૨૦૧૩થી મહીસાગર જિલ્લામાં છે) નગરમાં પહોંચી. આઝાદી પૂર્વે બાલાસિનોર રજવાડું હતું. અમે ૧૯૬૦ના દાયકામાં ગયા ત્યારે ‘સાપ ગયા પણ લીસોટા રહી ગયા’ જેવી અવસ્થા હતી. અનેક લોકો રાજાશાહીના કેફમાં જીવતા હતા. ડભોઈના મોળા પ્રતિસાદને પગલે ચંદ્રકાન્ત માસ્તરે અહીં અનોખો પ્રયોગ કર્યો. એ સમયની હિન્દી ફિલ્મો ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘મૈં ચુપ રહુંગી’, ‘આરતી’, ‘લૈલા મજનુ’ જેવી ફિલ્મો પરથી હિન્દી નાટકો તૈયાર કર્યા અને ભજવ્યા. આ નાટકોમાં ફિલ્મના કેટલાક લોકપ્રિય ગીત પણ રજૂ થાય. ચંદ્રકાન્ત માસ્તર જ નાટકના લેખક, દિગ્દર્શક અને ગીતો ગવાય ત્યારે હાર્મોનિયમ પણ વગાડે. નાટકના નામ પણ ફિલ્મના હોય એ જ રાખવામાં આવતા. નાટક શરૂ થતા પહેલા ઓડિયન્સને કહી દેવામાં આવે કે આ નાટક ફિલ્મ પર આધારિત છે. કેવો જોગાનુજોગ છે એ જાણવા જેવું છે. અગાઉ આ કોલમમાં મેં જણાવ્યું હતું કે ચાંદીવલી સ્ટુડિયોમાં ‘અકેલી મત જઈઓ’ના શૂટિંગ વખતે મીના કુમારીને હું મળી હતી અને મને એના માટે અનહદનો લગાવ થઈ ગયો હતો. એ વાતને કેટલોક સમય વીતી ગયા પછી મીના કુમારી સાથે ફરી અનુસંધાન થયું. ફિલ્મો આધારિત જે નાટકો કર્યા એમાં મીના કુમારીના રોલ મેં જ કર્યા હતા. કોઈ અદ્રશ્ય તંતુએ અમને જોડી રાખ્યા હતા. આ હિન્દી નાટકો માટે અમને સ્ત્રી પાત્રોની જરૂર પડતી અને એ માટે કંપની ચલાવતા નાયકોના જ કેટલાક છોકરાઓને સ્ત્રી પાત્ર ભજવવા તૈયાર કરી દેવામાં આવતા. નાટકમાં ગીત પણ આવે, ફિલ્મમાં હોય એ જ સેમ ટુ સેમ: ‘પિયા ઐસો જિયા મેં સમાય ગયો રે કે મૈં તન – મન કી સુધ-બુધ ગવાં બૈઠી.’ એ સમયે આ ગીત ખાસ્સું લોકપ્રિય
થયું હતું એટલે પ્રેક્ષકોને મજા આવતી. અને અમને પણ બહુ આનંદ આવતો હતો. પંચમહાલ જિલ્લામાં હિન્દીમાં નાટકો ભજવાય અને દર્શકો હોશે હોશે એ જોવા આવે એનું અચરજ થવું સ્વાભાવિક હતું. મીના કુમારીની ફિલ્મો અને એનાં ગીતોને એ સમયમાં મળેલી અસાધારણ સફળતા એને માટે કદાચ જવાબદાર હશે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે રાજાના ઠાઠથી રહેતા બાલાસિનોરના રાજવી પરિવારના
મોભી કલાપ્રેમી હતા. વિશાળ પાયે નાટ્યશાળા ચલાવતા હતા. એમને નાટક જોવાની ઈચ્છા થાય ત્યારે એમના વિસ્તારમાં જઈ નાટકો કરવા પડે. રાજવી પરિવારના લોકો અમારા શો હોય ત્યાં નાટક જોવા ન આવે એ સમજી શકાય એવી વાત હતી. એટલે જ મેં આગળ લખ્યું છે કે ‘સાપ ગયા પણ લિસોટા રહી ગયા.’ ખેર. અમે એમના વિસ્તારમાં જઈને નાટકો કરી આવતા. ટૂંકમાં કંપનીનું ગાડું ગબડ્યે જતું હતું.આ રીતે નાટ્ય પ્રવાસ ચાલી રહ્યો હતો. માસ્તર અમારા સંગીત ગુરુ કહેવાય. એટલે એમનો મોભો જાળવવા અમે એમને ગુજરાતી નાટક કંપનીના નાયક લોકો સાથે નહોતા રાખતા. અમારી સાથે જ એક અલગ રૂમમાં તેમની વ્યવસ્થા કરી આપી હતી. મહારાષ્ટ્રના લોકોમાં સંગીત ગુરુને આદર – સન્માનથી રાખવાની એક અનોખી પરંપરા છે અને અમે એ જાળવવાની કોશિશ કરતા હતા. માસ્તરને પણ કદાચ એ અપેક્ષિત હતું અને તેમને પસંદ પણ હતું. સાવ નજીક રહેતા હોવાથી રિહર્સલ અને શો સિવાયના સમયે પણ માસ્તર સાથે હળવા મળવાનું વધી ગયું. જીવન સરિતાના વહેણ જેવું હોય છે. સીધા વહેણમાં વહેતા
પાણીની દિશા અચાનક ક્યારે અને કેમ બદલાઈ જાય, ખબર પણ ન પડે. હું અભિનય કરતી હતી અને માસ્તર નાટક બેસાડતા, સંગીત આપતા હતા. માસ્તર પપ્પાને (ગુજરાતના પ્રવાસમાં મમ્મી – પપ્પા અમારી સાથે જ હતા) પણ મળતા અને એમની વચ્ચે વાતચીત થયા કરતી હોય એ સ્વાભાવિક છે. જોકે, શું વાતચીત થતી એની મને ખબર નહોતી. જાણવાની ઉત્સુકતા પણ નહોતી. એવામાં એક દિવસ અચાનક જ …
એક દિવસ અચાનક જ પપ્પાએ મને પૂછ્યું કે ‘તું માસ્તર સાથે લગ્ન કરીશ? એ આપણી સાથે જ રહેશે’. અચાનક મારા લગ્નની વાત પપ્પાએ કેમ કરી એ હું વિચારતી હતી અને મને ખ્યાલ આવી ગયો કે એ માટે પેલો મોડાસાનો પ્રસંગ જવાબદાર હતો. સ્થાનિક ગુંડાએ આખું થિયેટર બુક કરી છોકરીઓને ઉઠાવી જવાનો પ્લાન બનાવેલો એ પછી પપ્પા બહુ ડઘાઈ ગયા હતા. અંદરથી હચમચી ગયા હતા. બંને બહેનોની સલામતીની તેમને બહુ ચિંતા થતી હતી. નાટકો કરવા બંને બહેનો દર વર્ષે ગુજરાતના પ્રવાસે જવાની એવું લગભગ નિશ્ર્ચિત થઈ ગયું હતું. અમે એકલા ન પડી જઈએ એ માટે સાથે કોઈ પુરુષની સતત હાજરી હોવી જોઈએ એવું પપ્પાનું માનવું હતું. એમની એ માન્યતામાં માસ્તર ફિટ બેસતા હતા. મોડાસાના પ્રસંગ પછી હું ને મારી બહેન પણ ધ્રુજી ગયા હતા. એથી વધુ મહત્ત્વની વાત એ હતી કે મારી સૌથી નાની બહેન અને ભાઈ ભણી ગણી લે એ જરૂરી હતું. અમે બંને બહેનો સતત નાટકો કર્યા કરીએ અને આજીવિકા મળતી રહે એ જરૂરી હતું. આ બધો વિચાર કરી પરિવારને પ્રાધાન્ય આપી મેં પપ્પાની વાત સહર્ષ સ્વીકારી લગ્ન માટે હા પાડી દીધી. દરમિયાન અમારી નાટક કંપની ગામે ગામ ફરતી ફરતી ફરી મેઘરજ પહોંચી. મેઘરજમાં વિધિસર મારાં લગ્ન થયાં.

મારા કહેવાથી માસ્તર કેટલાક મહિનાના ગુજરાતના પ્રવાસે જોડાયા હતા અને હવે હું માસ્તર સાથે જીવનભર માટે જોડાઈ રહી હતી. આ વાત છે ૧૯૬૩ના જૂન મહિનાની અને ત્યારે મારી ઉંમર હતી ૨૧ વર્ષ. આ પ્રસંગે મારા મમ્મી – પપ્પા અને બહેન એટલાં જ કુટુંબીજન હાજર હતાં. બીજા કોઈને અમે જણાવ્યું નહોતું અને કોઈ સાથે અમારે સંબંધો પણ નહોતા. હા, ગામના લોકોની હાજરી હતી. જોકે, મારાં લગ્ન થઈ ગયાં છે અને માસ્તર મારા પતિ છે એવી કોઈ ભાવના એ સમયે મારામાં જાગી જ નહોતી અને તમે માનશો! હું એમને માસ્તર કહીને જ બોલાવતી.

વરસાદની મોસમ શરૂ થાય એ પહેલા જૂનમાં આમ પણ નાટક કંપની બંધ થાય. એટલે લગ્નના ચારેક દિવસ પછી અમે મુંબઈ આવવા નીકળ્યાં એ પહેલા લગ્નના બીજા જ દિવસે માસ્તરે મને એવી વાત કરી કે મારા દિલમાં ધ્રાસકો પડ્યો, મગજ બહેર મારી ગયું, શૂન્યમનસ્ક થઈ ગઈ. મારા પર જાણે આભ તૂટી પડ્યું. પપ્પાને આ વાત કેવી રીતે કરવી અને કહીશ તો એમની શી પ્રતિક્રિયા હશે એ વિચાર માત્ર કંપાવનારો હતો.

‘ભર્તૃહરિ’ને સફળતા: વૈરાગ્યની લાગણી
‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના મુંબઈમાં ૧૮૭૮માં થઈ હોવાની નોંધ ઈતિહાસના ચોપડે છે. સૌરાષ્ટ્રમાં મોરબીમાં ‘શ્રી આર્ય સુબોધ નાટક મંડળી’ નામે નાટક કંપની સ્થાપવામાં આવી. આ કંપની ૧૮૭૮થી ૧૮૮૨ સુધી પ્રવૃત્ત રહી હતી. મોરબીના રહેવાસીઓ વાઘજીભાઈ તથા મૂળજીભાઈ આશારામ ઓઝાએ એ મંડળીના નામ આગળ ‘મોરબી’ શબ્દ ઉમેરી નવા નામે નાટય પ્રવૃત્તિ શરૂ કરી હતી. ‘સીતાસ્વયંવર’ અને ‘ભરથરી’ જેવા નાટકોથી કંપનીને ખ્યાતિ મળી.

રંગભૂમિના માધ્યમથી લોકરંજનની સાથોસાથ નીતિબોધનો આદર્શ પણ પાર પડે એવા શુભ આશય સાથે આ કંપનીએ એ સમયના કાઠિયાવાડ પ્રદેશ, સમસ્ત ગુજરાત તથા મુંબઈ શહેરમાં નાટકો ભજવી ભારે નામના મેળવીને ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.

આ મંડળીએ ભજવેલા ‘ભર્તૃહરિ’ નાટકને મળેલી સફળતાને પગલે અનેક લોકોને વૈરાગ્ય આવ્યો હોવાનું કહેવાતું હતું. ૧૯૨૪માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ઓઝા બંધુઓની મોરબી આર્યસુબોધ નાટક મંડળીને ખરીદી લીધી હતી. પ્રાણસુખ ‘એડિપોલો’ તરીકે જાણીતા બનેલા પ્રખ્યાત નટ માત્ર આઠ વર્ષની ઉંમરે ૧૮૯૧માં ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’માં બાળનટ તરીકે જોડાયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…