ઉત્સવ

ગૂગલનું ફિલ્ટર: હવે મુશ્કેલ છે સર્ચ કરવું

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

ટેક્નોલોજીની દુનિયામાં પાયોનિયર ગણાતી કંપની ગૂગલે પોતાના સર્ચ એન્જિન પાછળ રહેલા કોડ તેમજ સર્ચ માટેના તબક્કાઓમાં ઘણા ફેરફાર કર્યા છે. એની અસર એ થઈ છે કે, એની વેબસાઈટ પર જે કંઈ પણ શોધ કરવામાં આવે છે એ સામગ્રી જુદા જુદા માપદંડમાંથી પસાર થઈને આવી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ચેટ જીપીટી જેવી સુવિધાઓ આવતા કંપનીએ મુખ્ય ટેકનિકલ ઉત્પાદન એવા ગૂગલ સર્ચમાં ક્રમશ: ફેરફાર કરી નાખ્યા છે. જેથી સર્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દો યોગ્ય રીતે ન લખાયા હોય તો પણ જે તે લિંકમાં રહેલા એ શબ્દોની માહિતી એ સ્ક્રિન પર લાવી આપે છે. આ એક પ્રકારનું ફિલ્ટર મૂકવાનો કંપનીનો હેતું અઈંથી બનેલી માહિતી સામે ટક્કર લેવાનો છે. ગૂગલ સર્ચ જ્યારે પણ કોઈ માહિતી સર્ચ કરીને આપે છે ત્યારે એ લિંકના પરિણામ રૂપે હોય છે, જે લિંકમાંથી સર્ચ કરનારે માહિતી લેવાની હોય છે.

ગૂગલની જુદી જુદી સર્વિસ પૈકી એક એવી ઈમેજ સર્ચમાં મોટી મર્યાદા લાગુ કરી દેવામાં આવી છે. હાઈ ક્વોલિટીવાળા ફોટો માટે જે તે સાઈટ પર જઈને હવે લોગઈન કરવું પડશે. એ પછી જ એ ફોટોને સરળતાથી સેવ કરી શકાશે. ઈમેજ પર કોપીરાઈટના વિવાદમાંથી પસાર થયા બાદ ગૂગલ કંપનીએ ઈમેજ પર નાનકડી એવી સૂચના પણ સાથે મૂકી દીધી. જેમાં જે તે ફોટો સાથે એ વેબસાઈટની એ લિંક આપી જેમાં જઈને એ ફોટોના ચોક્કસ રિઝોલ્યુશન સેટ કરીને ફોટો સેવ કરી શકાય.

આ કારણે વિકિપિડિયા સિવાય પણ ઘણી એવી વેબસાઈટ પર રાતોરાત ટ્રાફિક વધી ગયો. જેની પાછળ ગૂગલનું એક નાનકડું પણ મોટી અસર કરનારું ફિલ્ટર જવાબદાર છે. આ ઉપરાંત ટાઈમ, સાઈઝ અને કલર જેવા વિકલ્પો આપી દેતા સર્ચ કરવાનું તો સરળ બન્યું, પરંતુ કંપની તરફથી સ્ક્રિન પર આવતા પરિણામમાં સારી એવી લગામ ખેંચાઈ ગઈ. એના કારણે ઈમેજ સર્ચ કરનારાઓએ જે મળ્યું એમાંથી જ સંતોષ લઈ કામ ચલાવવું પડે છે.

ઘણી વેબસાઈટ, કોમ્યુનિટી, બ્લોગ અને વેબ પોર્ટફોલિયો એવા છે જેનો ટ્રાફિક ઈમેજ સર્ચ પર રહેલો છે, પણ ગૂગલ એ વગર ક્રેડિટ સાથે આપી દે છે એટલે આવી કોમ્યુનિટીવાળા તેમજ વેબવાળાએ કંપની સામે મોરચો માંડ્યો હતો. ફોટોગ્રાફરની મહેનત, સર્જનાત્મકતા અને ધૈર્યની પરીક્ષા બાદ આવેલું રિઝલ્ટ વગર ક્રેડિટે કોઈ પોતાના ઉપયોગ માટે લે એ તો ખોટું. પછીથી ગૂગલ ઈમેજે સૂચના સાથે પરિણામ આપ્યાં, જેમાં સ્પષ્ટતા હતી કે, આ ઈમેજ કોપીરાઈટ સંબંધી હોઈ શકે છે. પછીથી ફોટો માટે કોમ્યુનિટી ચલાવતી સાઈટ કે પોર્ટલ પર ટ્રાફિક વધ્યો, એમને પણ રેવન્યૂ કમાવવાનો ચાન્સ મળ્યો અને એમાં પણ ગૂગલ જેવી કંપનીને સારી એવી થેંક્યુવાળી ક્રેડિટ આપીને બન્નેના કામ પાર પાડ્યા.

આજે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે અને એ મોબાઈલમાં ગૂગલનું આઈડી સેવ છે, જેનાથી ગૂગલની મોટાભાગની સર્વિસમાં એક જ ક્લિક પર બધું વાપરી શકાય છે. મોબાઈલમાં લોકેશન ઓપ્શન ભલે બંધ રાખવામાં આવે તો પણ ગૂગલ સર્ચ પર જ્યારે જે તે શબ્દો, માહિતી, ફોટો, મેપ કે લોકેશન સર્ચ થાય છે ત્યારે કંપનીની ટેક્નોલોજી જે તે મોબાઈલને પણ સર્ચ કરી લે છે. જે પછીથી તે કયા ઝોનમાં અને શું જાણવા માગે છે એના પર ધ્યાન કેન્દ્રીત કરે છે. પછી પરિણામ આપે છે એટલે જો ભારતમાંથી કોઈ વસ્તુ સર્ચ થાય તો એ સર્ચ કરવામાં આવેલો શબ્દ અમેરિકાની સાઈટમાંથી પણ મળશે તો પહેલા ભારતમાં રહેલી વેબસાઈટની લિંક જ આપશે. આના કારણે લોકેશન એક્યુરેસી સર્ચની બાઉન્ડ્રી વધારે નજીક આવી ગઈ. એટલે જો વિદેશની માહિતી સર્ચ કરવી હશે તો ભવિષ્યમાં એની કોઈ એક ચોક્કસ સાઈટ કે લિંકની જાણકારી અનિવાર્ય બની રહેશે.

વોલેટની સર્વિસ આપીને ગૂગલે દેશ-વિદેશની ઘણી કંપનીઓ સાથે ડાયરેક્ટ હાથ મિલાવી લીધા. ફાયદા સાથે ફૂલ ફ્રેમમાં આગળની રેવન્યૂ બન્ને પક્ષે લોક કરી નાખી. સારી વાત છે. ઈવેન્ટના બુકિંગથી લઈ સિનેમાહોલની ટિકિટ સુધી મોટાભાગની વસ્તુ આ નવી પ્રોડક્ટમાં આવરી લીધી. વાત જ્યાં મૂળ સર્ચ એન્જિનની કરવામાં આવે તો હજુ સર્ચ ટુલ્સ અપગ્રેડ થાય એવી પૂરી શક્યતાઓ છે. એઆઈ આવતા ડેટાની શોધ માટે જે આધાર ગૂગલ સર્ચ પર રાખવો પડતો એ હવે ઓછો થઈ રહ્યો છે. આ વાત કંપની અંદરથી તો સ્વીકારે છે. પણ જ્યાં સંદર્ભની વાત આવે ત્યાં ગૂગલ હજુ પણ ઘણા રિસર્ચ પેપર, યુનિ.ની લિંક અને કોઈ મીડિયા કંપનીઓના અહેવાલને પ્રાધાન્ય આપે છે. આ વિષય અઅઈં ની બાબતમાં ખોટો પડે છે. એની પાછળનું કારણ અઈંએ આપેલો ડેટા ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકાય એવો રહ્યો છે. ટૂંકમાં કહીએ તો કોપી પેસ્ટ.

જે રીતે ગૂગલ સર્ચ પર વિકલ્પો વધતા ગયા એમ સર્ચની ચોકસાઈ વધશે એવું માનવામાં આવતું હતું. પરિણામ એનાથી વિપરિત આવ્યું છે. લોગોથી લઈને લોકલ રેસ્ટોરાં સુધી પબ્લિક વ્યૂ અને પોઈન્ટ્સ ઉપર ફરતી સર્ચ એન્જિનની ગાડી ચોક્કસ પ્રાંત પૂરતું મર્યાદિત થઈ જશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. મોબાઈલથી સર્ચ કરેલી સામગ્રીના પરિણામ અને ટેબલેટ કે લેપટોપ સિસ્ટમમાંથી સર્ચ કરેલા પરિણામમાં પણ એક તફાવત જોવા મળ્યો હતો. જેનો પુરાવો અમેરિકાની એક કંપનીને ફોટો સાથે ઈ-મેલમાં આપ્યો હતો. ગૂગલનું પ્રોગ્રામિંગ તેમજ જુદી જુદી વેબસાઈટ પર ફરતું એનું સર્ચ એન્જિન હવે ખોટા અને સાચા બન્ને પરિણામ બતાવે છે. જે પછીથી સૌથી વધારે સર્ચ થયેલું હોય એ જ ખરું એવું માનીને તથા ચોક્કસ મીડિયા રિપોર્ટની લિંકના સંદર્ભથી કામ આગળ ચાલે છે. પણ સામાન્ય સર્ચ, સામાન્ય માણસ માટે પરેશાની ભર્યું બની રહ્યું. જેમાં સરળતાથી હાઈરીઝોલ્યુશનવાળા ફોટો માટે ઘણી મથામણ કરવી પડે એમ છે.

આઉટ ઓફ ધ બોક્સ
ગૂગલમાંથી ઘણા પ્રશ્ર્નોના જવાબ મળી જાય. કરિયર અને કામ બન્નેમાં એ કામ આવી જાય, પણ ગીતાનો ગ્રંથ તો સુપર ગૂગલ છે. એમાંથી મળેલું જ્ઞાન જીવનમાં ઊતરી જાય તો જીવન ધન્ય ધન્ય થઈ જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button