ગૂગલોપ્લેક્સ એક અનોખી દુનિયાનો અદ્ભુત નજારો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ગૂગલ એક એવી ટેકનો કંપની જેની દરેક પ્રોડક્ટ સામાન્ય માનવીની દૈનિક પ્રવૃતિનો એક ભાગ બની ચૂકી છે. મેપથી લઈને મેઈલ સુધી, સર્ચ કરવાથી માંડીને સાયન્સ જેવા વિષયને શીખવા સુધી. ક્રિકેટના સ્કોરથી લઈને ટુર સુધીની નાનામાં નાની વસ્તુ પર દુનિયાના લોકો ગૂગલ પર આધારિત છે. ગૂગલ વિશે સમયાંતરે આમ તો ઘણું લખાયું છે અને લખાઈ પણ રહ્યું છે. આજે રવિવારની મસ્ત મોર્નિંગમાં શબ્દોના સથવારે સફર કરવા આપણે પહોંચ્યા છીએ ગૂગલોપ્લેસમાં. નામ વાંચીને થોડું તો આશ્ર્ચર્ય થયું જ હશે? આ ગૂગલ કંપનીનું હેડક્વાર્ટર છે. જેનું નામ ગૂગલોપ્લેક્સથી ઓળખવામાં આવે છે. ગૂગલનું કોમ્પ્લેક્સ એટલે ગૂગલોપ્લેક્સ. જ્યાંના પાર્કિંગમાં પહોંચે એટલે એન્ડ્રોઈડની પ્રતિકૃતિ સ્વાગત માટે ઊભી હોય. ગ્રીનરી અને ગાર્ડન તો એવું કે, કંપનીના પાડોશમાં જમીન લઈને મકાન લેવાની ઈચ્છા થઈ જાય. આવો આજની આ સફરમાં એક અનોખી કંપનીમાં જઈએ.
ગૂગલના આ અદ્યતન હેડક્વાર્ટરમાં પગલાં પાડો એટલે પહેલા તો ગાર્ડન જ મનમોહી લે. ચારેય બાજું એવા ગ્રીન ઝાડ કે, જાણે ભારતનું નંદનવન અમેરિકાની ઘરતી પર પથરાયું હોય. ૨૬ એકરમાં ફેલાયેલી ઓફિસમાં ટેકનોલોજીના એવા અસાધારણ પ્રયોગ થાય છે. કર્મચારીઓને કરોડોમાં પગાર મળે છે. ગાર્ડનમાં ફરતાં ફરતાં ડરી ન જતા. કારણ કે, અહીંયા એક ડાયનોસોર પણ રહે છે. જેની સાથે મુલાકાતીઓ સેલ્ફી પડાવે છે. સાઉથ આફ્રિકાના આર્કિટેક્ટ ક્લિવ વિકિસને સમગ્ર કોમ્પ્લેક્સને ડીઝાઈન કર્યું છે. આ ભાઈની કંપનીએ ગૂગલ સાથે રહીને એવું મસ્ત કોમ્પ્લેક્સ તૈયાર કર્યું છે, જે માત્ર વર્ક કલ્ચરને જ નહીં માણસને ત્યાં મોડે સુધી રોકાઈ રહેવા માટે પણ અનુકુળ હોય. કામ કરતા કર્મચારીને કામના સંતોષ કરતા મન અને આત્મને હાશકારો મળી રહે એવો સરસ માહોલ તૈયાર કરાયો છે. કેન્ટીનથી માંડીને ટેનિસ કોર્ટ સુધી, થિએટર્સ જેવી સ્ક્રિનથી લઈને સોલાર પેનલ સુધી આખી ઓફિસ અતુલ્ય છે. ગ્લાસ વ્યૂ ધરાવતી કચેરી આખી વર્તુળાકારમાં છે. જ્યાં જીમથી લઈને મ્યુઝિક સ્ટુડિયોની માર્વેલ કહી શકાય એવી સુવિધા છે. ખાસ વાત એ છે કે, આખી ઓફિસમાં ગમે ત્યાં બેસીને કામ કરો કુદરતી અજવાળું એક પણ જગ્યાએ ઓછું નથી આવતું.
કર્મચારીઓના રીફ્રેશમેન્ટ માટે એક નાનકડું ગેમઝોન પણ તૈયાર કરાયું છે. અહીંયા પણ વ્યક્તિના લોજીકની કસોટીઓ થાય અને બ્રેઈન શાર્પ થાય એવી ગેમ્સ છે. એટલે નથિંગ ઈઝી ઈન ગૂગલ ઓફિસ. આ સાથે નાનકડો પણ આપણા સૌ માટે મોટો કહી શકાય એવો સ્વિમિંગ પૂલ પણ છે. એકલા બેસીને કામ કરવામાં જેને આનંદ આવતો હોય એ લોકો માટે સિંગલ બોક્સ નામનું એક બેડ અને સિટિંગ એમ બન્ને મોડ સેટ કરી શકાય એવો મિનિ ગ્લોબ બનાવાયો છે. જેમાં ઉપરનું છાપરૂ બંધ કરીને એક મસ્ત પાવર નેપ પણ લઈ શકો. હા, પાવર નેપ એટલે કામના સ્ટ્રેસથી કે સતત કામ કરીને કંટાળો આવે તો ૧૫થી ૨૦ મિનિટ સૂઈ જવું તે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં આખી બપોર લોકોની પાવરનેપ લેવામાં જાય છે..હા..હા..હા…
કેલિફોર્નિયા સિટી જ એવું મસ્ત છે કે, ન પૂછો વાત. ડિજિટલના પ્રભુ એવા ગૂગલની ઓફિસ એવા મસ્ત એરિયામાં છે કે, આસપાસથી પણ પ્રકૃતિના ખોળે રમતા હોય એવી ફીલ આવે. કંપનીના પરીસરમાં જ ટેનિસ કોર્ટ, ફૂટબોલ જેવી ગેમ રમી શકો એવડાં મેદાન છે. અહીંયા રમવા માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. બધું જ મફત. પણ શરત એટલી કે, કામ પતાવીને હો…
વેલકમ ટુ મેડિકલ ઝોન. કામ કરતા કર્મચારીને અચાનક કંઈ થાય તો મેડિકલ ઝોનોમાં યુદ્ધના ધોરણે ખસેડવામાં આવે છે. જ્યાં પ્રાયમરી સારવાર બાદ કંપની જે તે કર્મચારીને કંપની ખર્ચે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે. સતત અને સખત કામને કારણે નખ કે વાળ કાપવાનો કે દાઢી પરના વાળ છોલવાનો સમય નથી મળતો. ફિકર નોટ. ગૂગલના કોમ્પ્લેક્સમાં એક સલુન પણ છે. જ્યાં મેકઅપથી માંડીને મેકઓવર સુધી બધુ જ કરી શકો. હા, ચાર્જિસ ખરા હો. આ મફત તો નહીં જ હોય. અચ્છા, કપડાં ધોવાનો ઘરે કંટાળો આવે છે. અહીંયા એક લોન્ડ્રીઝોન પણ છે. ત્યાં કપડાં ધોવાઈને તો શું ઈસ્ત્રી કરીને પણ તૈયાર કરી શકો. ખાસ નોંધ એ લેવાની કે, આ બધુ જે તે વ્યક્તિએ પોતે કરવાનું રહે છે. અહીંયા રામુકાકા કે બાબુ પટ્ટાવાળા જેવી કોઈ વ્યક્તિ નથી. હી..હી..હી..
ગૂગલ બાઈક પર રખડો: તમે ગૂગલના કોઈ પણ ઝોનમાં બાઈક પર જઈ શકો. આ બાઈક એટલે સાયકલ. ટોટલી પુરૂષાર્થ કરો અને કરોડો કમાવ. સર્વે એવું કહે છે કે, અમેરિકામાં આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કામ સિવાયના કલાકોમાં સાયકલ લઈને રાઈડ પર નીકળી પડે છે. ખાસ વાત એ છે કે, સમગ્ર કોમ્પ્લેક્સના ધાબે એટલે કે, અગાશીએ વિશાળ કદની સોલાર પેનલ મૂકવામાં આવી છે. વીજળીથી લઈને તમામ વસ્તુ સોલાર પર અહીં ચાલે છે. ગાર્ડનમાં શાકભાજી અને ફ્રૂટની ખેતી થાય છે. સારી અને શીખવા જેવી વાત એ છે કે, આ શાકભાજી કે ફ્રૂટને કોઈ પોતાની જાતે તોડીને ઘરભેગું નથી કરતું. ચોંકી જવાય એવી વાત તો એ છે કે, અહીંયા એક ફોનઝોન છે. જ્યાં બેસીને મનફાવે એમ અને મનફાવે એવો ફોન યુઝ કરી શકો. બાકી કામ ટાણે નો-ફોન.
આઉટ ઓફ ધ બોક્સ
ઓછી તક હોવા છતાં પણ વધુ પ્રયત્ન કરી બતાવવાનો મોકો જ માઈલસ્ટોન બની શકે