ગૂગલ ડેટા સેન્ટર: સર્ચ થતી દરેક ચીજની અહીં છે જન્મકુંડલી
ટેક વ્યૂ -વિરલ રાઠોડ
મોબાઈલ ડિવાઈસનો સૌથી વધારે ઉપયોગ કરતા દેશની યાદીમાં ભારત પ્રથમ ક્રમે છે. ઉત્પાદનમાં ભલે હજું બીજા રાષ્ટ્રની ટેક્નોલોજી આગળ છે. વાત જ્યારે ડિવાઈસના તમામ ફીચર્સને વાપરવાની થાય છે ત્યારે ભારતના યુવાવર્ગે એ તમામ ફીચર્સનો વ્યાપક ઉપયોગ કર્યો છે. ગૂગલ સર્વિસના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે. જેની નોંધ અમેરિકામાં રહેલી કંપનીની મુખ્યકચેરી સુધી થઈ છે. ગૂગલ ક્રોમનું મોબાઈલ વર્ઝન આવ્યા બાદ દુનિયાના દરેક ખૂણેથી થતી સર્ચ સામગ્રી વધી ગઈ છે. આ હકીકત તો ડેટાનું વિશ્લેષણ કરનારી દરેક એજન્સી પહેલા પાને અંકિત કરે છે. ડેટાના વિરાટ અને વિશિષ્ટ સમુદ્રમાં નવી નવી સર્ચ સામગ્રીથી કેટલાય જિજ્ઞાસુ નાવિકોની નૌકા પાર થાય છે. આવી સામગ્રીના મૂળ ભલે સાત સમંદર પાર રહ્યા પણ એ સર્ચ કર્યા બાદ પરિણામના મૂળિયાં વિશે જાણવા જેવું છે. ગૂગલ સર્ચએપ્સ અને વેબસાઈટ બંન્ને ભેગા થઈ દર મિનિટે ૨ લાખથી વધારે અવનવા શબ્દોલક્ષી વિશાળ વિષય સામગ્રી સર્ચ કરવામાં આવે છે. વર્ષાંતે શું સૌથી વધારે સર્ચ થયું એની આખી યાદી કંપની બહાર પાડે છે. આ બધું મૂળ તો દુનિયાભરમાં રહેલા ગૂગલના ડેટા સેન્ટરમાંથી આપણા સુધી આવે છે. ગૂગલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પણ ગૂગલના ડેટા સેન્ટર સુધી પહોંચી શકતા નથી. આ પાછળનું કારણ સિક્યોરિટી છે. ગૂગલ કંપનીમાં ડેટા સેન્ટરને ડાયરેક્ટ એક્સેસ કરનારા લોકોની ટકાવારી માત્ર ૧ ટકા છે. સમયાંતરે કંપની આ ડેટા સેન્ટરમાં અન્ય કંપનીને એન્ટ્રી આપે છે અને પૈસા પણ ચૂકવે છે. કંપની આવું એટલા માટે કરે છે કારણ કે, તે પોતાના ડેટા પાછળની સિક્યોરિટી ટેસ્ટ કરી શકે અને ડેટાની રીચ તપાસી શકે, પરંતુ આ વસ્તુ એના કર્મચારી માટે નથી.
એક રિપોર્ટ એવું કહે છે કે, વર્ષ ૨૦૧૪માં ગૂગલ કંપની પાસે ૨.૬ મિલિયન સર્વર હતા. હાલના સમયે આ સંખ્યા ચારગણી થઈ રહી છે. ડેટા સેન્ટર એક એવી જગ્યા છે, જ્યાં સર્ચ થતી સામગ્રી એક સાથે અનેક કોમ્પ્યુટરમાં આવે છે. આ સામગ્રી કે ડેટા પર મોટી સંખ્યામાં કોમ્પ્યુટર પ્રોસેસ કરે છે પછી એનું પરિણામ આપણી સ્ક્રિન સુધી પહોંચાડે છે. વીજગતિથી આ કામ થતું હોવાથી આંખના પલકારામાં પરિણામ મળે છે. આ પાછળ ડેટા સેન્ટરનો સિંહફાળો છે. ટૂંકમાં કહીએ તો સર્ચ થતી દરેક ટર્મનું દિમાંગ આ ડેટાસેન્ટર છે. દૈનિક ધોરેણે ગૂગલ ૨૦ પેટાબાઈટ ડેટાને પ્રોસેસ કરે છે. આપણે જે કંઈ સર્ચ ગૂગલ પર સર્ચ કરીએ છીએ એ તમામ વસ્તુ ગૂગલના એક ડેટાબોક્સમાં સ્ટોર થાય છે. ભલે કોઈ પણ બ્રાઉઝરમાંથી હિસ્ટ્રીને ભૂંસી નાંખો પણ એની એક કોપી કંપનીના લોકલ સર્વરમાં સેવ હોય છે, જેમાં કોમ્પ્યુટરના આઈપી એડ્રેસ સાથે એ વિષય કોડેડ હોય છે. વર્ષ ૨૦૦૭માં સોલાર અને ૨૦૧૭માં પવનઊર્જાનો ઉપયોગ કરીને કંપનીએ એ માઈલસ્ટોન સેટ કર્યો જે અગાઉ કોઈએ વિચાર્યો પણ નહીં હોય. સોલાર અને રીન્યૂએબલ એનર્જી પેદા કરીને ગૂગલ કંપની ૧૦૦ ટકા કાર્બનમુક્ત પ્રોસેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એક ટકા પણ કંપનીમાં કોઈ જ એનર્જી વેસ્ટ થતી નથી. ડેટાસેન્ટરનું મહત્ત્વ સમજીને કંપનીએ ૭ બિલિયન ડોલરનો ખર્ચો માત્ર સેન્ટર ઊભું કરવામાં કર્યો હતો. જ્યાં દુનિયાભરનો ડેટા સચવાયેલો પડ્યો છે. પરિણામ માંગો તો પરિણામ મળે અને શું સર્ચ કર્યું એ માંગો તો એ શબ્દ પણ મળે. કોહીનૂરના હીરાને જે સુરક્ષા મળે છે એના કરતાં પણ ટાઈટ સિક્યોરિટી આ રૂમની હોય છે. રૂમ નહીં આખી ઈમારતની હોય છે. કારણ કે, અહીં ડેટા, ટેક્સ, મેસેજ, ફોટો વિડિયો એનિમેશન તમામ પ્રકારના રેડી અને રો બંન્ને ડેટા છે. ગૂગલના ડેટા સેન્ટરમાં ૬ સિક્યોરિટી લેયર છે, જેમાંથી પસાર થયા બાદ એનું મુખ્ય લેપટોપ એક્સેસ કરી શકાય છે. હવે લેપટોપ કે કોમ્પ્યુટરને તો એક રૂમમાં બંધ કરી તાળું મારી શકાય છે. ઓનલાઈટ ડેટા માટે તો ખાસ પ્રોવિઝન જોઈએ. એક જ વર્ષમાં ૪૦૦૦થી વધારે વેબસાઈટ અને લિંક હેક થાય છે. એની સામે બખતર જેવું કવચ તો જોઈએ . આ માટે ગૂગલ ‘બ્લોકચેન’ નામની એક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. હવે એ વાત તો સ્પષ્ટ અને પારદર્શક છે કે, કોઈ પણ લિંક કે વેબસાઈટને હેક કરવા માટે એમાં એનું હાર્ટ શું છે તેમજ ક્યાં એની હેક કરનારાને ખબર હોવી જોઈએ. આ બ્લોકચેન ટેક્નોલોજીમાં દરેક વિષય કે ડેટા સાથે એક ચોક્કસ પ્રકારની સિક્યોરિટી જોડાયેલી છે. જે રીતે મોબાઈલમાં કોઈ એપ્લિકેશન પર પાસવર્ડ સેટ કરેલો હોય તો એ એપ્લિકેશન પાસવર્ડનો જાણકાર જ ખોલી શકે. બીજી એપ્સ એક્સેસ કરી શકે પણ દિલ તો જડે નહીં. આ બ્લોકચેઈન ટેકનોલોજી એક પછી એક લિંક પર એને લઈ જશે. જેને હેકર ચતુરાઈપૂર્વક ક્રેક તો કરી શકશે, પરંતુ આ લિંકની માયાજાળ ખતમ જ નહીં થાય. ભલભલા ભેજાબાજની રણનીતિ ખતમ થઈ જશે પણ લિંક જનરેશન પૂર્ણ નહીં થાય. અંતે એ વિષય પર ખોટી રીતે એના મૂળ સુધી પહોંચવાનું ફરજિયાત ટાળવું પડશે.માત્ર ગૂગલ જ નહીં સ્વિસબેંક જેવી મોટી તથા ઈન્ટરનેશનલ બેંક પણ આ બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સ્વિત્ઝરલેન્ડની આ બેંક તો બિલકુલ ડેટા આપતી નથી. અરે! ડેટા તો શું કર્મચારીનું નામ પણ નહીં આપે જે ત્યાં વર્ષોથી કામ કરે છે. આ બધુ જે સ્થાન પર છે એ ડેટાસેન્ટરમાં અસામાન્ય સુરક્ષાની અભેદ દીવાલ છે, જેને ડિજિટલી તો તોડવી અસંભવ છે પણ કોઈ સાધનથી પણ એ રૂમના તાળા ઉઘડે એમ નથી. આ ડેટા સેન્ટરની સુરક્ષા એવી છે કે, એની ફેન્સિંગ એવી રીતે તૈયાર કરાઈ છે જેને કૂદી શકાતી નથી અને તોડી પણ શકાતી નથી. એમાં જે પેનલનો ઉપયોગ કરાયો છે એ સતત ગરમ રહે છે. જ્યારે ઉપરની તરફ કાંટા ચમચી જેવી રચના છે. હવે અંદર શું થાય છે એનો એક જ વાક્યમાં જવાબ છે. અટકી ગયેલી પ્રોસેસ કે પ્રોગ્રામને ફરીથી રન કરવામાં આવે છે.
છે ને આ ઈન્ટ્રસ્ટિંગ? આઉટ ઓફ ધ બોકસ:
સંયમનો ખો થાય ત્યારે સંબંધના વિનાશની શરૂઆત થાય છે.