મન મૂકીને ખૂંદવા જેવાં વિસ્તાર…
ગુજરાતનું સોનેરી ઘાસિયું મેદાન પટ્ટાઈનું વિશ્વનું સહુથી મોટું સામૂહિક રૂસ્ટિંગ રૂફ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી
ગુલાબી ઠંડીની મોસમ ખીલી છે ત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં વનરાઈ અને વગડો જાણે આપણને બોલાવી રહ્યો હોય છે. ધીરે ધીરે સાઈબિરિયન અને ઉત્તર ધ્રુવિય પ્રદેશોમાંથી ગુજરાત રાજ્યના કાઠિયાવાડ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ વધારે હોઈ પ્રાકૃતિક વારસો અદ્દલ સચવાયો છે અને સીમ – વાડી વિસ્તાર મન મૂકીને ખૂંદવા જેવા છે. આવા સીમ વિસ્તારથી ધેરાયેલ પ્રદેશમાં વિશાળ ઘાસનું મેદાન આવેલું છે જેમાં અઢળક યાયાવર પક્ષીઓ, સ્થાનિક વન્યજીવો, પ્રાણીઓ વગેરે કુદરતી માહોલમાં વસવાટ કરે છે. અહીંના જીવને એમના મિજાજમાં જોઈએ એટલે તેઓ આપણી સાથે ખરેખર સંવાદ કરતા હોય એવું દીસે. સૌરાષ્ટ્રના મુખ્ય મથક ભાવનગરથી આશરે 40 કિમિના અંતરે વેળાવદર નામના નાનકડા ગામની સીમમાં બ્લેકબક નેશનલ પાર્ક આવેલો છે જે વિશ્વભરના પટ્ટાઈઓનું શિયાળુ ઘર છે. અહીં પટ્ટાઈઓનો વિશ્વનો સહુથી મોટો સમૂહ દર વર્ષે શિયાળાના ઓક્ટોબર માસથી લઈને છેક માર્ચ મહિના સુધી જોવા મળે છે. 15મી ઓકટોબરથી દેશભરના રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રકૃતિપ્રેમીઓ માટે ખુલ્લાં મુકાયાં છે ત્યારે આ ઉદ્યાનની મુલાકાત લેવી જ રહી.
કાઠિયાવાડમાં આવેલા ભાવનગરના રાજવી પરિવારની જમીન આઝાદી પહેલાં શિકારના મેદાન તરીકે વપરાતી હતી અને મહારાજા સાહેબ ચિત્તાને સાથે રાખીને અહીં બ્લેકબક એટલે કે કાળિયારનો શિકાર કરાવડાવતા અને મોજ માણતા હતા. પ્રકૃતિ અંતે તો સહુ કોઈને પોતાના તરફ ખેંચીને હૃદયપરિવર્તન કરે જ છે.
આખરે રાજ પરિવાર સંરક્ષણ તરફ વળ્યો અને કાળિયારને રક્ષણ આપ્યું. આખરે આ સ્થળ સરકાર હસ્તગત કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અહીં વસતા વન્યજીવોને સંરક્ષણ પૂરું પાડ્યું. આજે અહીં અઢળક સંખ્યામાં કાળિયાર ઊછળતાં કૂદતાં જોવા મળે. દરેક કાળિયારના પગમાં જાણે કોઈ કુદરતી સ્પ્રિંગ ગોઠવેલી હોય એ રીતે ત્વરા અને જુસ્સાથી આશરે ચારેક ફૂટથીય પણ ઊંચો કૂદકો મારી શકે છે અને એ પણ સતત લાંબા અંતર સુધી. અહીં આશરે 5000 કરતાં વધારે કાળિયારની સંખ્યા 34 ચોરસ કિમિ વિસ્તારના ઉદ્યાનમાં જોવા મળે છે. માત્ર અભ્યારણ્ય વિસ્તાર જ નહિ, પણ આસપાસના વિસ્તારમાં પણ કાળિયાર દોડીને રખડતાં જોવા મળે છે. સૂર્યોદય સમયે વિશાળ લહેરાતા ઘાસનાં મેદાનમાં કાળિયારને જોવાં એ એક લહાવો છે. કાળિયાર પોતાના વિસ્તાર પર પ્રભુત્વ જમાવવા માટે બીજા નર સાથે લડાઈ કરે છે જે લડાઈમાં એક બીજાને ગંભીર રીતે ઘાયલ પણ કરે છે એ સિવાય સંવનન કાળ દરમ્યાન પણ કાળિયાર એકબીજા નર સાથે હરીફાઈના ભાગ રૂપે લડતા હોય છે. કાળિયાર સિવાય અહીં ઝરખ, વરુ, શિયાળ વગેરે જોવા મળે છે.
વિશ્વભરમાંથી પક્ષીવિદો ખાસ અહીં પટ્ટાઈઓને જોવા અને અભ્યાસ કરવા માટે આવે છે. અહીં પુષ્કળ પ્રમાણમાં ઘાસ પાર બેસ્ટ તીડ જોવા મળે છે અને એ તીડને ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય માટે અહીં પટ્ટાઈઓ આવે છે. પટ્ટાઈ એ એક વિશિષ્ટ પ્રકારનું શિકારી પક્ષી છે જે ખૂબ જ ત્વરાથી હવામાં શિકાર કરી જાણે છે. અહીં વિશ્વમાં ક્યાંય ન જોવા મળે એટલી પટ્ટાઈઓ એકસાથે જોવા મળે છે. દિવસ દરમ્યાન પાર્ક છોડીને પટ્ટાઈઓ સીમ વિસ્તારમાં ફરતા હોય છે અને ઢળતી સાંજે ફરી તેઓ આકાશમાં એકસાથે વિશાળ ચક્કર મારીને પાર્કમાં સુરક્ષિત રીતે આરામ ફરમાવે છે અને આ ક્રમ દર વર્ષે શિયાળા દરમ્યાન ચાલુ જ રહે છે. વેળાવદર નેશનલ પાર્કના વગડામાં પાન પટ્ટાઈ, પટ્ટી પટ્ટાઈ, ઊજળી પટ્ટાઈ જેવી અનેક જાતો જોવા મળે છે. પટ્ટાઈઓ સિવાય અહીં 250 કરતાં પણ વધુ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે જેમાં સ્થળાંતર કરતાં પક્ષીઓનો મોટો મેળાવડો આખા શિયાળા દરમ્યાન જામે છે. ક્યારેક અહીં આકાશમાં જ નાનકડાં સ્થાનિક પક્ષી અને શિકારી પક્ષી વચ્ચે અસ્તિત્વને ટકાવી રાખવાની લડત જોવા મળે છે. કંઈક નોખું કે અનોખું જોવા માટે સહુથી નજીક અને શાંત સ્થળ એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર.
વેળાવદર નેશનલ પાર્ક પહોંચવા માટે ભાવનગરથી પહોંચી શકાય છે. અહીં સફારી માટે ડાયરેક્ટ પાર્ક વિન્ડો પરથી જ બુકિંગ કરી શકાય છે અને જીપ્સી તથા પોતાના વાહનમાં સફારીનો આનંદ લઈ શકાય છે. પક્ષીઓને સારી રીતે માણી શકાય માટે સવારના છ વાગે પાર્ક ખૂલે છે એટલે વહેલી સવારે જવું જ હિતાવહ છે. અહીં પાર્ક અંદર પ્રવેશતાં જ ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે જ્યાં અહીં દેખાતાં દરેક પક્ષીઓ અને પ્રાણીની પ્રતિકૃતિ, તસવીરો, અભ્યાસ ઉપયોગી માહિતી, તેઓનું વર્તન વગેરેની સંપૂર્ણ સમજ દર્શાવેલી છે. અહીં નાનકડાં તળાવો છે જે અહીંના વન્યજીવો માટે આશીર્વાદ સમાં છે. આ પાર્ક જલ પ્વલિત ક્ષેત્ર એટલે કે વેટલૅન્ડ અને ગ્રાસલૅન્ડ એમ બે વિસ્તારોમાં વહેંચાયેલો છે. વેટલૅન્ડ વિસ્તારમાં પાણીમાં વસતાં પક્ષીઓ શિયાળુ મુલાકાત લે છે જેમાં હંસ, રાજહંસ, ગાજહંસ, કાજિયાઓ, ગુલાબી પેણ વગેરે જોવા મળે છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં અહીં પક્ષીઓ આવવા લાગે છે અને માર્ચ મહિનાના અંત સુધી તેઓ અહીં જ વસવાટ કરે છે. ગ્રાસલૅન્ડ વિસ્તારમાં નાનકડાં પક્ષીઓ જેવાં કે સાઇબિરિયન સ્ટોનચેટ, યુરેશિયન રોલર, વર્ષા લાવરી, ચંડુલ, લટોરો, દેવચકલી જેવી અઢળક જાતો અહીં જોઈ અને સાંભળી શકાય છે, શિકારી પક્ષીઓમાં ફાલ્કન, સાપમાર ગરુડ, શકરો, બાજ, શાહી ઝુમ્મ્સ, ઇગલ આઉલ વગેરે શિકાર કરતાં જોવા મળે છે. અહીં કુદરતે દરેકને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તેવા યોગ્ય વાતાવરણની રચના કરી છે.
બ્લેકબક નેશનલ પાર્ક સામાન્ય રીતે 15મી ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે છે જે 15 જૂન સુધી ખુલ્લો રહે છે. સવારે 6-30 થી 11 સુધીની પહેલી સફારી હોય છે ત્યાર બાદ બપોરે 2-30થી સૂર્યાસ્ત સુધી બીજી સફારી કરી શકાય છે જોકે પાર્કમાં આખો દિવસ પણ વિતાવી શકાય છે, અહીંનું મુખ્ય આકર્ષણ વરુ અને ઝરખ છે. શાંત રહીને ધીરજથી શોધીએ તો સોનેરી ઘાસમાં વરુને ક્યારેક શિકાર કરતું તો વળી ક્યારેક રસ્તા પર મહાલતું જોઈ શકાય છે. આ સિવાય સૂર્યોદય પછી બધાં જ કાળિયાર એક તરફથી બીજી તરફ જતાં હોય ત્યારે એમને હજારોની સંખ્યામાં એકસાથે જોવાં એ સુવર્ણ તક છે. અહીં રહેવા માટે એક સામાન્ય સુવિધાઓ સાથે વનવિભાગ તરફથી ડોર્મેટરીની વ્યવસ્થા છે જે નજીવા ખર્ચે બુક કરાવી શકાય છે અને અહીં રહીને જ એક-બે દિવસ પાર્કનો આનંદ લઈ શકાય. આ સિવાય આસપાસ એક-બે રિસોર્ટ્સ છે જ્યાં રહીને પણ પાર્કને માણી શકાય. બ્લેકબક નેશનલ પાર્કને સારી રીતે જોવા માટે આશરે બે દિવસ ઘણા છે, પણ હું જેટલી વાર આ પાર્કમાં ગયો છું મને હંમેશા કંઈક ને કંઈક નવું મળ્યું જ છે.
ગુજરાત રાજ્યના નૈસર્ગિક વાતાવરણમાં ખૂબ સુંદર સ્થળ તરીકે ઓછા જાણીતા એવા આ સ્થળની મુલાકાત બાળકોમાં જિજ્ઞાસા અને પ્રકૃતિપ્રેમની ભાવના અચૂક જગાવી શકે છે. આ સ્થળે કોઈ પણ જાતનાં આગોતરાં બુકિંગ કે પ્લાનિંગ વગર પણ જઈ શકાય છે. વધારે દૂર ન જતાં પરિવાર સાથે આ સ્થળને માણ્યું હોય તોપણ એક અલગ આનંદનો અનુભવ મેળવી શકાય. ટૂંકમાં પ્રકૃતિથી નજીક જવાના દરેક રસ્તાઓ સરળ છે જો આપણે પ્રયત્નો કરીએ તો અને તો જ…