ઉત્સવ

‘જાવ, ખાટલો ધોઇ નાંખો’-રાધારાણીનો વટહુકમ!

વ્યંગ -ભરત વૈષ્ણવ

ગિરધરલાલ ચા સાથે બ્રેકફાસ્ટમાં શું લેશો!’ રૂપાની ઘંટડી જેવા ટ્રિન ટ્રિન ટ્રિન અવાજે રાધારાણીએ પૂછયું. અમે તાજ્જુબ થઇ ગયા. કતલના દિવસ આઇ મીન લગ્ન દિવસથી આજદિન સુધી રાધારાણીએ મધ જેવા મીઠા અવાજે વાત કરી હોય તો રાધારાણીના પીપળાના થડ જેવા ગળાના સમ!

‘વણેલા ગાંઠિયા સાથે જલેબી. પછી કડક મીઠી ચા!’ અમે લગ્નજીવનમાં પ્રથમ વાર ફરમાઇશ કરી શકયા, એ ‘ઇસરો’ એ સફળતાપૂર્વક છોડેલ છેલ્લામાં છેલ્લામાં ‘ચન્દ્રયાન’ કરતાં પણ ઊંચી સિદ્ધિ હતી!

‘ગિધુ, ચા નાસ્તો કર્યા પછી મારું એક નાનું કામ કરવાનું છે.’ રાધારાણીએ બંધ પાના ખોલ્યા. અમારી આવભગત એક સ્કેન્ડલ હતું કે શું?’ અમારા મનમાં ક્રાઇમ પેટ્રોલ સિરિયલની જેમ સવાલ સળવળ્યો.

‘તારા બ્લાઉઝના હૂક કે આઇ હું ટાંકી દેવાનો નથી. કાપડનાં તાકા જેવા અંબ્રેલા ગાઉનને હું આયર્ન એટલે ઇસ્ત્રી કરી આપવાનો નથી. હું એ તંબુમાં અટવાઈ જઉં છું’ મેં ના પહેલી વાર પાડવાની હિંમત કરી. પહેલો ઘા રાણાનો અમથું થોડું કહ્યું હશે?

‘અરે, મારા ગીધુ, હું તમારી પાસે આવા કામ થોડી કરાવું? થોડો તો રાધારાણી પર તને ભરોસો નહીં કે?’ રાધારાણીએ ભરોસાનો દંડો પછાડ્યો.

‘ગિરધરલાલ, આમ તો હું તમારી પાંચિયા જેટલી ગરજ ન કરું એની તમને ખબર છે ને!આ તો, ધૂળજી ધૂળેટી કરવા ડુંગરપુર ગયો છે. એ હાજર હોય તો બળ્યા પાંચસો છસો રૂપિયા. તમારું ડાચું તો વતાવવું નહીં!’ રાધારાણીએ પાણી પહેલા પાળ બાંધી!

‘રાધુ, મને તારો ભરોસો નથી. તું દર વખતે કૂવામાં ઉતારી વરત એટલે દોરડું કાપી નાંખે છે!’ મેં મારી ફરિયાદને વાચા આપી .

‘ગિરધરલાલ, ખુરશીમાંથી ઉભા થાવ. ભૈસાબ તમારાથી તોબા તોબા. એટલા લપિયા છો કે વાત ન પૂછો. કોઇ વાતની છાલ છોડતા નથી!’

એની વે, મારે કંઇ ધૂંસરીએ જોતરાવાનું છે?’ અમે હથિયાર હેઠા મુકી શરણાગતિ સ્વીકારી.

‘તમારે ધોવાનું છે.’ રાધારાણીએ હિન્ટ આપી.

‘મારે મારું ડાચું વીંછળવાનું છે? ફળિયું ધોવાનું છે, ટાંકી ધોવાની છે? કપડાં ધોવાના છે? વાસણો ધોવાના છે?મીઠું ધોવાનું છે? લોટ ધોવાનો છે? શ્વાસ ધોવાના છે?’ એક સામટા સવાલોની ઝડી વરસાવી.

‘ગીધુ,તમારી સર્કિટ ઉડી ગઇ છે? મગજનો ફયુઝ ઉડી ગયો છે?’ રાધારાણીએ ડોળા કાઢ્યા.

‘આ ટમલર લો. આ ડોલ લો. ડિટરજન્ટ સાબુ લો. પાઉડરનું પાણી આપ્યું છે. કપડાં ઘસવાનો કૂચો લો. અગાસી ઉપર જાઓ.’ રાધારાણીએ આદેશ કર્યો.

‘હમ, શું મારે અગાસી ધોવાની છે? ઉત્તરાયણ તો હમણા ગઇ. હવે, અગાસી ધોવી જરુરી છે ?’અમે શંકા- કુશંકા રજૂ કરી.

‘ગીધુ, ચોખાના સારેવડા કરવાના છે. એટલે મે ગઇ કાલે જ અગાસી ધોઇ છે.’ રાધારાણીએ શ્ર્વેતપત્ર જારી કર્યુ.
‘રાધુ, મારે શું ધોવાનું છે?’ મેં અકળાઈને પૂછયું.

‘હની, તમારે અગાસીમાં પડેલ ખાટલો ધોવાનો છે!’ રાધારાણીએ પતા ખોલ્યા.

‘વોટ? વોટ? બટ વ્હાય?’ અમે અમારી મૂંઝવણ વ્યકત કરી.

‘આપણે બે હજાર દસની સાલમા ખાટલો ખરીદ્યો છે. ત્યારથી આજ દિવસ ખાટલો ધોયો નથી. ચૌદપંદર વરસે ખાટલો ધોવો પડે કે નહીં?’ ટૂંકમાં અમારી ખટિયા ખડી કરવાનું રાધારાણીનું ષડ્યંત્ર હતું.

રાધુ, તું હંમેશાં મને ભેખડે ભરાવે છે. દર વરસે તપેલામાં કોસ્ટિક સોડાવાળુ ગરમ ગરમ પાણી આપી અનાજ ભરવાની કોઠી ધોવડાવે છે.મારા હાથની ચામડી બળી જાય છે. કોઠી ધોયા પછી દિવેલ દીધેલ ઘઉં કોઠીમાં ભરે છે. જો કોઠીને ધોયા પછી દિવેલ મોયેલા ઘઉં કોઠીમાં ધાબેડવાના હોય તો શા માટે દર વરસે કોઠી ધોવડાવે છે?’ મે ધોખો કર્યો
આખા વરસના ઘઉં ભરવાના હોય એટલે કોઠી ધોવી જ પડે.!’ રાધારાણીએ મારો પોઇન્ટ ઓફ ઓર્ડર ખારિયા કરી ફેંસલો સુણાવ્યો!

‘રાધુ, બે હજાર દસમા ખાટલો લીધા પછી છેક આજે ખાટલો ધોવાનું સફાઇજ્ઞાન આજે કેમ લાધ્યું?’ અમે વિપક્ષની જેમ ઉંબાડિયું ચાંપ્યું..

‘જાગ્યા ત્યારથી સવાર.’ રાધારાણીએ આટલું કહી ઇશારો કરી ખાટલો ધોવાનો આદેશ પારિત કર્યો.સકકરમીની જીભ અને અકરમીના ટાંટિયા કહેવત અમારી લાચાર સ્થિતિના સંદર્ભમાં જ કહેવાય હશે!અમે મૂળ તો ખાવિંદ તરીકે ગાયના પોદળા જેવા ઢીલા . રાધારાણી હાંકોટો કરે એટલે વિપક્ષમાંથી રાજીનામું આપી દઇએ. ધાર્યું ધણીયાણીનું થાય એ રૂઢિપ્રયોગના કેન્દ્રસ્થાને છીએ!

આજની યંગ જનરેશને ખાટલો ફિલ્મોમાં જોયો હશે. પલંગ, પેટી પલંગ, શેટી, દિવાન, કાઇચ, સોફા કમ બેડથી પરિચિત હોય. ખાટલો, આટલાની ઇશ-ઉપરણું, પાંગત શબ્દ એમના માટે એલિયન જેવા પરગ્રહવાસી લાગે!લોખંડ કે લાકડાનો ખાટલો આવે. તેમાં પ્લાસ્ટિકની પાટી કે કાથી એટલે કે વાણ ભરવામા આવે. ખાટલો ભરવો એ રોકેટ સાયન્સથી કમ નથી. જેમ નનામી બાંધવી એ કલા કમ વિજ્ઞાન છે તેમ ખાટલો ભરવો એ પણ રાજકારણની આંટીઘૂંટીથી કમ નથી. ખાટલાની પાંગત ઢીલી થાય એટલે પાંગત ખેંચવી પડે!એમ તો જમતી વખતે ગોઠણ નીચે મૂકવાનું ઢીંચણિયું પણ આઉટ ઓફ ડિકસનરી લાગે છે!

અમે અગાસી પર જઇને ખાટલા પર પાઉડરવાળું પાણી નાંખ્યું. આ શું પાણી બધું વહી ગયું . તમે ચાળણીને છલોછલ ભરી ન શકો! અમને રહી રહીને ડહાપણની દાઢ ઉગી ખરી! અમે ટમલરમાં પાઉડરવાળું પાણી બનાવ્યું, પ્લાસ્ટિકના કૂચાને ટમલરમા બોળ્યું. પછી ટમલરમાંથી કૂચો કાઢી ખાટલાના
વાણને ઘસવા લાગ્યા. દરિયાનું મોજું રેતીને પૂછે કે તને ભીંજાવું ગમે કે કેમ? સ્ટાઇલથી ખાટલાના વાણને પૂછીને કૂચો ઘસતો હતો!

રાધારાણીએ આમ પપલાવીને ખાટલો ન ધોવાય એવું ગાઇ વગાડીને કહ્યું ! કૂચાને વાણ પર જોરથી ઘસવા કહ્યું. વરસોનો મેલ, ધૂળ સાબુના એક પોતારાથી દૂર થાય ખરો? જાહેરાતમાં સાબુ લગાડે કે શર્ટનો કોલર નવા જેવો જ દેખાય. જે નવો જ હોય છે! મેલા કપડાંમાં પાવડરની મિસાઇલ દાગ, ધબ્બા પર મેજિકલ સ્ટ્રાઇક કરે અને મેલના વાટ લાગી જાય તેવું તો જાહેરાતમાં બને! બાકી, એસઆરકે એટલે શાહરૂખ ખાન નહીં પણ સ્ટેન રિમુવર કિંગને ગમે તેવા ગાભા આપીએ અને એને ચોખા કરી શકે એ મુશ્કિલ નહી પર નામુમકીન હૈ!

અમે ખાટલો ધોવા, પાઉડર, સાબુ, લિકવિડ વગેરે વાપર્યું. લીંબુ અને ઇંટના ઢેખાળાનો ભુકો પિતામ્બરી. આમલી , દહીં, છાશ પણ અજમાવી . આ પ્રક્રિયાના અંતે શું થયું?
તમને થશે કે ખાધું, પીધું ને રાજ કર્યું જેવો હેપી એન્ડિંગ આવ્યો હશે, ખરું કે નહીં?

અરે, રામ રામ ભજો. ખાટલો કાળો હતો એના કરતા વધુ કાળો થયો! ખાટલો ચડસથી ગાતો રહ્યો:
‘હમ કાલે હૈ તો કયા હુઆ દિલવાલે હૈં!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ