વાંકી આંગળીએ ઘી
ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ
હું તમને એમ કહું કે મારા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવા પોલીસ ઇન્સપેકટર સરકાર તમારા દ્વારે યોજના ‘તહત’ મારા ઘરે પાવનકારી પગલાં કર્યાં. તેમના વરદ્હસ્તે ફરિયાદ રજિસ્ટરમાં સ્વયં ફરિયાદ નોંધી ઋઈંછની નકલ તમને સુપરત કરશે એવું સાંભળીને ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો કે નહીં? સાચું કહેજો. દિલ પર હાથ રાખીને સાચો જવાબ આપજો! તમારો ફાટેલી આંખે આશ્ર્ચર્યચકિત પ્રતિભાવ આકાશકુસુમવત .અસંભવ. ન ભૂતો ન ભવિષ્યતિ. ઇમ્પોસિબલ ડયુડ!!
તમારા જેહનમાં ઈર્ષાની આગ ભડભડતી હશે અને તમે પૂછશો કે બોસ, અલાઉદીનનો ચિરાગ મળ્યો લાગે છે . તમે દીવો ઘસ્યો કે જીન પ્રગટ થયો . જીન ડ્રામેસ્ટિક સ્ટાઇલમાં ‘હુકમ મેરે આકા’ કહ્યું હોય. તમે કામ બતાવ્યું હોય. જીને ફટાફટ કામ પૂરૂ કર્યું હોય!! રાઇટ બોસ. આવું ઇન્ડિયામાં શક્ય ખરું? ભારતમાં મુમકિન ખરું! (આવી નમકીન કલ્પના પણ ક્રિસ્પી અને ક્રન્ચી લાગે.) યમીયમી!!
‘નો માય ડીયર .યુ આર એબ્સોલ્યુટલી રોંગ!’આ મારો જવાબ.
મને ખબર છે કે તમને આશંકા છે કે મારી પાસે મેજિક સ્ટિક છે. બોસ આવું બધું ફિકશન સ્ટોરીમાં હોય. રીલ લાઇફમાં હોય. રિયલ લાઇફમાં ન હોય.રિયલ લાઇફમાં પોલીસ જોડે કદી પણ પનારો ન પડે તેવી ડીજીપીને પ્રાર્થના!!
તમારા તર્ક કે દલીલો સાચા છે. ભગવાન પોલીસ જોડે કોઈનો પનારો ન પાડે. ભૂલેચુકે પોલીસ સ્ટેશન જાવ તો તમે ફરિયાદી નહીં પણ આરોપી હોવ તેવો તુમાખીયુક્ત વ્યવહાર થાય. કોઈના હૃદયના ટુકડા જેવી દીકરી ગુમ થઇ હોય મદદ માટે પોલીસ સ્ટેશને જાવ તો ખડુસ ફોજદાર કોઇ ઘટના બની જ ન હોય તેવો રૂક્ષ વ્યવહાર કરીને કહે કે બેત્રણ દિવસમાં ન મળે તો આવજો. બેત્રણ દિવસ પછી જાવ તો કહે કે મારે એક જ કામ છે? કોઇ સાથે લફરું હશે ને પ્રેમીપંખીડા ઊડી ગયા હશે!! અરે, ટોપા તારે ઘરે જુવાન દીકરી હોય , તે ગૂમ થઇ હોય, કોઇ આવું કહે તો તારા પર શી વીતે તે નજર સમક્ષ રાખીને વ્યવહાર કરને!! પોલીસ થયા એટલે નિર્મમ અને નિર્દયી થવાનું ?? સંવેદનશીલતા બૅન્કના લોકરમાં મુકી આવવાની??
પોલીસ તંત્ર નવાણુ ગુનેગારને બચાવવા લલિત મોદી, નિરવ મોદી, વિજય માલ્યા જેવો સેઇફ પેસેજ આપે અને એક નિર્દોષને બલિનો બકરો બનાવે. પોલીસ સ્ટેશનમાં મે આઇ હેલ્પ યુ નું સાઇનેજ લગાવી એવું વર્તન કરે કે આપણને એવું થાય કે આપણા ટેક્સના પૈસામાંથી તગડો પગાર લેનાર મે આઇ હેઇટ યુ ન કહેતા હોય!!
પોલીસવાળા પોલીસ કે તંત્રના માણસો સાથે પણ આવું જ વર્તન કરે.એક વાર હોમ સેક્રેટરી ક્યાંક કામે નીકળ્યા હશે. ચોમાસા પછી નીકળેલા. વેળાવદરમાં પ્રકૃતિએ સોળે શણગાર કરેલા. પોતાના કેમેરાથી ફોટો પાડતા હતા. એક જડસુ જમાદારે ફોટા લેવાની ઉધ્ધતાઇથી ના પાડી. સાહેબે પરિચય આપીને કહ્યું કે પોતે હોમ સેક્રેટરી છે. જડસુ જમાદારને મન તો ડીએસપી કે ડીજીપી ઓફિસર. એની ઉપર કોઇ હોય તેવું તેના નાના મગજમાં હોય જ નહીં. સાહેબે લાંબી જીભાજોડી કર્યા સિવાય ચાલતી પકડી.
બીજા દિવસે એસપી ફફડી ગયા. ડીજીપીએ ફાયરિંગ આપ્યું . “પેલાં ડોફા ડાભીને સેક્રેટરી હોમ સાહેબ પાસે મોકલજે અને કહેજે કે કે સેક્રેટરી હોમ ડીજીપીનો બાપ કહેવાય!!
જડસુ જમાદાર સવારે ૧૦.૩૦ વાગ્યે સચિવાલયમાં હોમ સેક્રેટરીની ચેમ્બર આગળ ફિલ્ડિંગ ભરવા માંડ્યા.પટાવાળાએ કહ્યું કે સાહેબે સૂચના આપી છે કે તમારે આખો દિવસ તડકામાં લોબીમાં ઊભું રહેવાનું છે. તડકો જેમ ખસે તેમ તડકામાં ખસીને ઊભું રહેવાનું છે. સાહેબ સારા છે નહીંતર ટોપી અને બેલ્ટ ઊતરી જતે!જડસુ જમાદાર તડકામાં ઊભા રહીને હોમ સેક્રેટરી શું કહેવાય તેના પાઠ ભણ્યા!!
બન્યું એવું કે મારો મોબાઈલ ઘ-પ થી સચિવાલય વચ્ચે ચોરાઇ ગયો. હું પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયો. જમાદાર ભરવાડે ગલ્લાંતલ્લાં કર્યા. મને કહે કે ફરિયાદ નહીં લખાય.થાય તે કરી લો.જેને ફરિયાદ કરવી હોય તેને કરો. હોદાની તુમાખી . ભરવાડના વર્તનમાં કોઇના પીઠું હોવાનું ગુરૂર છલકાયું.તે સમયે ઇમોબાઇલ કમ્પ્લેઇન્ટ નોંધવાની સગવડ ફગવડ નહીં!! મેં પોલીસ સ્ટેશનમાંથી એસપી યાદવને ફોન લગાડ્યો.
“અરે પંડ્યા સાહેબ . વોટ એ પ્લેઝન્ટ સરપ્રાઇઝ!! મેરે ભાગ્ય ખુલ ગયે કે હ્યુમન રાઇટસ કમિશનમાં જાને કે બાદ આપને પહેલી દફા મુજે ફોન ક્યા. બતાઇયે માલિક ક્યા આપકી ખિદમત કરું? યાદવે દિલ્હી સ્ટાઈલથી મને પાણી પાણી કરી નાખ્યો!!
મેં યાદવને માંડીને વાત કરી. યાદવે ભરવાડને ડિપાર્ટમેન્ટલ ભાષામાં ગાળો કાઢી . સ્ટાર , બેલ્ટ, ટોપી ઉતારવાની ધમકી આપી. પુરોહિત સાહેબને ઘરે જઇ મોબાઈલ ચોરીની ફરિયાદ દર્જ કરવા તાકીદ કરી.
ભરવાડે વીલા મોંએ નીચી મૂંડીએ ફરિયાદ નોંધી.
દરેક વખતે સીધી આંગળીએ ઘી ન નીકળે તેવું શક્ય ન બને !!! ક્યારેક વાંકી આંગળીએ ઘી કાઢવું પડે છે!!!!