ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સર્જકના સથવારે : ગઝલ ગુલશનનો રંગીન શાયર બદરી કાચવાલા

ગઝલને લોકો સુધી પહોંચાડીને સ્થાપિત અને પ્રસ્થાપિત કરનારા શાયરોમાં એક નામ બદરી કાચવાલાનું છે. મરીઝ, ઘાયલ, બેફામ, શૂન્ય, સૈફ અને ગનીભાઈના સમકાલીન બદરી કાચવાલા મુખ્યત્વે તો પત્રકાર અને ગઝલના આરાધક.

બદરી કાચવાલાનું સોહામણું વ્યક્તિત્વ અને જીવન જીવવાની જાહોજલાલી આકર્ષક હતી. શાયર
તરીકેની ખુમારી પણ તંતોતંત હતી એટલે એક શેરમાં કહે છે કે:

હૃદયના દ્વાર સુધી, છળકપટ ને પ્યાર સુધી
છું કાચવાળો હું જોઉં છુ આરપાર સુધી.

મૂળ નામ બદ્રુદ્દીન શમ્સુદ્દીન કાચવાલા અને તખલ્લુસ ‘બદરી’ રાખ્યું હતું. એમનો જન્મ વડોદરામાં 9-9-1905માં. અમદાવાદમાં પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરી. 1928માં ‘ઘનચક્કર’ નામનું દૈનિક શરૂ કર્યું હતું. જલન માતરીએ નોંધ્યું છે કે બદરીભાઈ 1927થી 1932 સુધી ‘કુમાર’ કાર્યાલયમાં દર બુધવારે યોજાતી કાવ્યસભામાં અવારનવાર હાજરી આપતા. 1935માં અમદાવાદ છોડી ફમુંબઈ આવ્યા.

ઈ. સ. 1941માં ‘વેણી’ સાપ્તાહિક શરૂ કર્યું. પછીથી એમણે ‘પારસ’ ગુજરાતીમાં, ‘શ્રેયસ’ હિન્દીમાં અને ફિલ્મ કેસરી મરાઠીમાં એમ ત્રણ ફિલ્મી સાપ્તાહિકો શરૂ કર્યા હતા. કવિ બદરીભાઈ સારા નવલકથાકાર પણ હતા. ‘તરડાયેલા ઝરૂખા’ અને ‘છપ્પન ઘાટ’ એમ બે લોકપ્રિય નવલકથાઓ પણ એમણે આપી છે.

એક નિવડેલા ફિલ્મી પત્રકાર હતા. ‘પારસ’માં ફિલ્મી જગતની અંતરંગ ઘટનાઓ ચટાકેદાર ધારદાર શૈલીમાં રજૂ કરતા. એમની લોકપ્રિય કટાર ‘ખૂન ટપકેગા તો જમ જાયેગા…’નું અનેરું આકર્ષણ હતું. ફિલ્મ જગતમાં એ વખતના નામવંત કલાકારો સાથે અંગત સંબંધોને લીધે એ જે કંઈ લખતા તેમાં મૌલિકતા રહેતી. પ્લેબેક સિંગર અમીરબાઈ કર્ણાટકી સાથે લગ્ન કર્યા હતા અને છૂટાછેડા પણ થયા હતા.

હરીન્દ્ર દવેએ ગુજરાતી ગઝલનો પ્રતિનિધિ સંગ્રહ ‘મધુવન’ 1960માં પ્રગટ કર્યો તેમાં બદરી કાચવાલાની ગઝલ લીધી હતી જે આ પ્રમાણે છે:

સંતાઈ રહેશે ક્યાં સુધી તું હવે તારા વાસમાં?
તુજને હું જોવા ચાહું છું, તારા અસલી લિબાસમાં
ધર્મને કર્મજાળમાં મુજને હવે ફસાવ ના
મુજમાં તું ઓતપ્રોત છે, હું તારા શ્ર્વાસેશ્ર્વાસમાં!
દર્શનની લાલસા મને, ભક્તિની લાલસા તને
બોલ હવે છે ક્યાં ફરક, તુજમાં ને તારા દાસમાં
તું તો પ્રકાશપુંજ છે, મુજને તો કંઈ પ્રકાશ દે
ભટકું છું હું તિમિરમહીં, લઈ જા મને ઉજાસમાં
મારો જગત નિવાસ છે, તારો નિવાસ મુજ હૃદય
હું તારા વાસમાં દુ:ખી, તું સુખી મારા વાસમાં?

આ ગઝલ ઈશ્ર્વરને સંબોધીને લખાયેલી છે. ઈશ્ર્વર સામેની પ્રેમી ભક્તની બગાવત છે એટલે કહે છે કે તું અસલી લિબાસમાં કેવો લાગે છે તે મારે જોવું છે. પરમાત્માથી છૂટા પડેલા આત્માની ફરીથી એક થઈ જવાની આરત દેખાય છે. પ્રભુને પણ ભક્તિની લાલસા છે. બદરીભાઈ જલનમાતરીની જેમ ઈશ્ર્વર સાથે સંવાદ સાધે છે અને કહે છે ઈશ્ર્વર તારા જેવી હવસ અમારામાં નથી. કેટલાક શેર જોઈએ:

અમને તો ત્યાગમાંયે પ્રભુ રસ પડ્યો
તારા સમી અમારા જીવનમાં હવસ નથી.


જાવું તું નર્કમાં અને જન્નત મને મળી
તોયે ફરિશ્તો દૂરથી ધમકાવતો રહ્યો


અમારી જિંદગી છે જીવવા માટે, મરણ માટે
અમારો પ્યાર છે ઈશ્ર્વર ફક્ત તારા શરણ માટે


દુઆઓનુંય ભાષાંતર જરૂરી છે પ્રભુ માટે
છે એના કોરાના પાનાઓ પણ શુધ્ધીકરણ માટે


આ સ્વર્ગ-નર્ક બદરી બધા તર્ક ધર્મના
મારો ખુદા મળે, મને અવકાશમાં મળે

બદરીભાઈએ જીવનને નજદીકથી જોયું અને જાણ્યું હતું તેથી એમની ગઝલોમાં અનેક વિષયો વણી લેવાયા છે. પ્રેમ, પ્રેમિકાના સૌન્દર્યનું વર્ણન, વિરહ વેદના, સાંસારિક વ્યથાઓ, મદીલી આંખોના કામણ અને કહેવાતા સંત અને દરવેશોના પાખંડની વાતો સાથે સાથે કુદરતની કરામતની દાસ્તાન એમની ગઝલોમાં જોવા મળે છે. પ્રણયનાં સ્પંદનો ઝીલતી ગઝલો મળી છે. થોડાક શેર જોઈએ:

છે નયનમાં તેજ એવું કે વસે છે વીજળી
કેવાં ભોળા છો અને કેવા ભૂલકણા છો તમે


ઝાકળનો સ્પર્શ ભીંજવી દિલને જશે જરૂર
ઉષ્માને માટે રોજ કિરણ શોધવાં રહ્યાં


નિજની શરાબી આંખને કહેતા નથી કંઈ
કેવળ હરામ કહે છે અમારી શરાબને


પ્રીતિમાં પરાજય તણું લાવણ્ય છે ‘બદરી’
રાખું છું હંમેશાં હું વિજય આપના માટે


પાંપણો ઝૂકતી ગઈ પ્યારનો બોજો લઈને
આંખ સામે એ હતાં આંખ ઉઠાવી ન શક્યો

Also Read – કેન્વાસ : હવે પતિ સશક્તિકરણનો યુગ લાવવો પડશે?

જીવનમાં ઘણી વખત મૌનનો સહારો કામ આવે છે. ક્યારેક આંખ બંધ કરીને બેસી રહેવું પડે છે. કવિ જે અનુભવે છે અને વ્યક્ત કરે છે તે વાત બધાનો આમ અનુભવ બની જતી હોય છે. મૌનની માગણી અને મૌન છોડવાની વાત બન્ને કેવી રીતે આવી છે તે જોઈએ:

પક્ષીઓના કલરવ તો છે મીઠાં ને મધુરા
પણ મૌનના પડઘા હવે સંભળાય તો સારું


ભીંતો જો તજે મૌન તો પ્રગટે નવી વાચા
ઈચ્છાઓ હવે આપની બદલાય તો સારું

જીવનમાં ક્યારે ચૂપ રહીને જોયા કરવું પડે છે. મૌન જ કામ આવતું હોય છે. એમની એક આખી ગઝલ ચૂપ રહેવા વિશે છે,


જીવીને ડૂબ્યો છું, ડૂબીને જીવ્યો છું
ઘણીવાર જીવનમાં ચૂપ હું રહ્યો છું
તમન્નાઓનું રક્ત સીંચીને હરદમ
પ્રફુલ્લિત કર્યા છે હૃદયનાં મેં ઝખ્મો
ઘણાંયે ઘરને આબાદ થતાં જોયાં
ફરી એજ વસ્તી ઉજડતી મેં જોઈ
હૃદય પકડીને ત્યારે બેસી ગયો છું
ઘણી વાર જીવનમાં ચૂપ હું રહ્યો છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button