ઉછીનું મળશે? થોડી નવરાશ-થોડી ફુરસદ-થોડી નિરાંત!
કેન્વાસ -અભિમન્યુ મોદી
કોઈ ગ્રહણ વિશે કે તારા-ગ્રહની યુતિના સમાચાર ન્યૂઝમાં ન આવ્યા હોય તેવા આડા દિવસે એમ જ આકાશ તરફ છેલ્લે ક્યારે જોયું હતું?
છેલ્લે ક્યારે ધારી ધારીને ગ્લાસમાં રહેલા પાણીને જોઈને ધીમે ધીમે પાણી પીધું હતું?
નાહવા ગયા હો, બહાર ક્યાંય જવાનું ન હોય, રજાનો દિવસ હોય અને છતાં પણ બહારથી કોઈએ બૂમ ન પાડવી પડે કે ‘જલ્દી બહાર નીકળો’ – ત્યારે ટાઢકથી છેલ્લે ક્યારે પાણી-શાવર-ફીણ -ટમ્બ્લર સાથે રમ્યા હતા?
એ જ રીતે, જમીને ઊભા થઈએ અને પગમાં ખાલી ચડી ગઈ હોય એટલી શાંતિથી છેલ્લું ભોજન ક્યારે લીધું હતું? ઉત્તરાયણ ના હોય અને કોઈ કામ ન હોય તો પણ રાતે ધાબા ઉપર ચડીને શહેરની લાઈટો જોઈ હોય અને દૂર ક્ષિતિજ પાસે જઈ રહેલા હાઈ-વે ઉપરથી પસાર થતા ગતિમાન ટ્રકને જોયો હોય એવું છેલ્લે ક્યારે બન્યું છે? છેલ્લે ક્યારે એવું બન્યું હતું કે છાપાનો ખૂણેખૂણો ચોપાનિયા સહિત વાંચી કાઢ્યો હોય? છેલ્લે ક્યારે ઘરની એ જ પરિચિત જગ્યાએ બેસીને ઘરના એક અપરિચિત ખૂણાને તાક્યા કર્યું હોય અને મનમાં કશું જ વિચાર્યું ન હોય?
આમાંનું કંઈ છેલ્લા એક મહિના દરમિયાન થયું હોય તો પણ નવાઈ. આ દુનિયા આવી પ્રવૃત્તિઓને (ખરેખર તો નિવૃત્તિઓને) બેકાર માણસની દિનચર્યામાં ખપાવે છે. દુનિયામાં બિઝી-નેસનું કલ્ચર ચાલે છે. સતત પ્રવૃત્તિમય રહેવું એ જ આદર્શ સંસ્કૃતિ બની ગઈ છે. કઇંક ને કંઇક કર્યા કરવું અને એ કરતા રહેવામાં જ ભલાઈ છે એવો મૂક સંદેશો ફેલાવતા રહેવો એ આ દુનિયાનો હેતુ બની ગયો છે. ‘બિઝીમેન ઇઝ બેટર’ એવું આપણે સૂત્ર બનાવી નાખ્યું છે. જે વ્યક્તિની મુલાકાત લેવામાં સમય જાય એ વ્યક્તિ પરત્વે આ દુનિયાને આપોઆપ અહોભાવ બંધાઈ જાય છે. બાકી વર્ગ-ચારથી લઈને વર્ગ-એક સુધી બધા જ બિઝી- બિઝી…. સિગ્નલની પાંચ સેક્ધડ બાકી હોય એ પહેલા લીવર દાબી દેવાનો રોગ આ સોસાયટીને થઈ ગયો છે.
‘એક છોટા સા લમ્હા હૈ, વો ખત્મ નહી હોતા,મેં લાખ જલાતા હૂં, વો ભસ્મ નહી હોતા…’ આવી ક્ષણો જ હવે નથી રાખવામાં આવતી, જે બહુ લાંબી ચાલે.
આજની માનવજાત પાસે બધું છે ,પણ નવરાશ નથી. સમયની તંગી ઉપર ચાલતી આ દુનિયા આવનારો સમય બેહતર કરવા નીકળી પડી છે.
અત્યારે આગામી પાંચ મિનિટ પછી જે પ્રવૃત્તિ કરવાના હશો તેની પાસેથી થોડી નવરાશ ઉછીની લઈને એક કાલ્પનિક વિચાર કરો. જો આપણાં એકાદી વડદાદા આપણી જેમ જ સખત બિઝી રહેતા હોત અને એમને કોઈ ઝાડ નીચે, લાકડા પાસે બેસીને બે પથ્થર ઘસવાની નવરાશ ન હોત તો આગ શોધાઈ હોત ખરી? આગ ન શોધાઈ હોત તો આપણે અહીં સુધી પહોંચ્યા હોત? લાકડાને ગબડાવવાનો રમતભર્યો વિચાર ન આવ્યો હોત તો પૈડું શોધાયું હોત? પૈડા વિનાની દુનિયા કેવી હોત? અરે, આપણા વડવાઓ આપણી જેમ સતત ઓક્યુપાઇડ-વ્યસ્ત રહેતા હોત અને નવા ટ્રેન્ડ મુજબ માત્ર ચાર કલાકની જ ઊંઘ લેતા હોત તો આપણો જન્મ થયો હોત ખરો?
ઉત્ક્રાંતિ એ નવરાશની નીપજ છે. ક્રાંતિ કરવા માટે નવરાશ જોઈએ. સુટેડ-બુટેડ અને ફિક્સડ શેડયુલવાળા વ્યસ્ત યુવાનો ભગતસિંહ – આઝાદ બની ન શકે. નવરાશ જોઈએ – જે આજના યુવાનો પાસે પણ નથી અને વડીલો પાસે પણ નથી.
જે કંપનીનું પરફોર્મન્સ નબળું હોય એ કંપની તેના નોકરિયાતોને ઘડિયાળના કાંટે દોડાવતી હશે એ નક્કી જાણવું. જે કંપની એના કર્મચારીઓને છૂટથી ટહેલવા દે એ કંપનીનું આઉટપુટ ઉત્તમ હશે. ‘એમ્પ્લોયી ઓફ ધ મંથ’ એટલે જે આખા મહિનામાં સૌથી વધુ વ્યસ્ત રહ્યો છે તે લાચાર માણસ. સતત બિઝિ રહેવામાં માણસની ઉત્પાદકતા ઘટે છે, ક્ષમતા ઘસાય છે, ફળદ્રુપતા બુઠ્ઠી થાય છે.
મગજ મશીન જેવાં બનતા જાય છે, કારણ કે મગજ પાસે ઠહેરાવ છે જ નહીં. ઠહેરાવ સાથે કામ કરવાનો કે વિચારવાનો અનુભવ જ મગજને નથી માટે નવા આઈડિયાઝ કે નહી સ્ફુરણા થાય જ નહિ. લેથ મશીનની જેમ રોબોટનુંમાં કામ ચાલુ રહે. નવરાશ વિનાની જિંદગી એ બીજા માટે જીવેલી જિંદગી બની જાય છે. કહેવાય છે કે આજના જમાનામાં અમૂલ્ય ચીજ હોય તો એ સમય છે એટલે કોઈને આપવો હોય તો સમય આપો, પણ પોતાની જાતને એ અમૂલ્ય ભેટ છેલ્લે ક્યારે આપી હતી? વિચારો…
નવરાશને લઈને અને સતત વ્યસ્તતાની મગજ ઉપર થતી અસરના સંશોધનો અને પ્રયોગો ઘણા થયા છે. આજનો માણસ નવરો બેસવા ટેવાયેલો જ નથી. તેની મસલ મેમરીમાં નિષ્કામ બેસવાનો મહાવરો જ નથી. કોઈ પણ ક્રિયા સાથે જેમ વધુ સમય પસાર કરો એમ એનો રસ વધુ ઘૂંટાય અને પરિણામ વધુ ઉત્કૃષ્ટ આવે. નજર સામે સેન્ડવીચ બને અને એ સેન્ડવીચ બનવાની પ્રક્રિયા જોવાની તક મળે તો એ સેન્ડવીચ બંધ પાર્સલમાં આવેલી સેન્ડવીચ કરતા વધુ ભાવે માટે જ સારી રીતે ડિઝાઇન કરેલી રેસ્ટોરન્ટમાં ધીમું અને ધીરું સંગીત વાગતું હોય છે જે સમયને ધીરો પડવાની ભ્રામિક અનુભૂતિ આપે અને માણસ પોતાનો ખોરાક વધુ સારી રીતે માણી શકે. આજની પેઢીને ફક્ત પાંચ મિનિટ પલાંઠી વાળીને કંઈ કર્યા વિના માત્ર બેસવાનું કહી જોજો. ભમરો ચડ્યો હોય એમ હલનચલન કરવા માંડશે. સ્થિરતા રહી જ નથી. આ દુનિયાએ નવરાશને બહુ બદનામ કરી નાખી છે જ્યારે એ જ મોટી મૂડી છે.
તમારે તમારા દેશમાં શ્રેષ્ઠ કલાકારો જોઈએ છે? તો કલાકારોને ભરપૂર નવરાશ આપો. અતિ વ્યસ્ત આર્ટિસ્ટ ક્રાફટ આપે છે, ઓર્ગેનિક આર્ટ નહીં.
આર્ટિસ્ટની વાત તો દૂર રહી, આજનો સામાન્ય માણસ રજાના દિવસે તો આડા દિવસ કરતાં પણ કામનું વધુ મોટું લિસ્ટ બનાવીને નીકળી પડે છે. થિયેટરમાં પિકચર જોઈ લેવું કે નવી પર્યટન જગ્યાની મુલાકાત લઈને ત્યાં લીધેલી સેલ્ફી ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મૂકી દેવી તેને બ્રેક ગણવામાં આવે છે! આટલું મિકેનિકલ છે વર્ક-લાઇફ બેલેન્સ?
પ્લે-પોઝનું બટન હંમેશા એક જ હોય છે. થોડી નિરાંત એટલે પણ જરૂરી હોય છે કે અંતિમ ક્ષણોમાં આંખ સામે થોડોક તો થોડોક સંતોષ તરવરે. શરીરને આરામ, મનને આરામ એમ જિંદગીને પણ થોડો આરામ આપવો પડે. એના માટે ફુરસદ જોઈએ. નિરાંતની અમુક પળો જોઈએ. નવરાશ સાથે પ્રેમ જોઈએ.
છેલ્લે ક્યારે પ્રિયપાત્ર સાથે કશું જ બોલ્યા વિના એક કલાક સુધી તેનું માત્ર અસ્તિત્વ માણતા માણતા એ સમય માણ્યો હતો?
‘બાતે હૈ સમંદર જીતની, ઔર વક્ત હૈ ચુલ્લુ ભર, ઇસ લિએ જબ મિલને આઓ તો કુછ બોલના નહી!’