ઉત્સવ

સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ શું પ્રીત, સૂકે પણ મૂકે નહીં, એ સજજનની રીત !

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સજજન એટલે સારું માણસ, ઊંચા કુળનું અને સારી ચાલચલગત ધરાવતો મનુષ્ય એવી વ્યાખ્યા છે. આ સિવાય ખાનદાન માણસ, સદગૃહસ્થ, સદાચારી માણસ, સભ્ય માણસ એવા વ્યાવહારિક અર્થ પણ છે. એક સુભાષિત પણ સજજન વિશે માર્મિક વાત કરે છે: સજજન સબ જગ સરસ હે, જબ લગ પડ્યો ન કામ. મતલબ કે કામ પડે નહિ ત્યાં સુધી સૌ સારા કહેવાય છે. સજજનનું વર્ણન કરતું એક મધુર સુભાષિત છે: સજજન વનવેલી ભલી, કરે ઝાડ શું પ્રીત, સૂકે પણ મૂકે નહીં, એ સજજનની રીત. વનવેલી એટલે વનલતા જે એના આધારને વળગી જાય છે. વનનાં ઝાડ ઉપર ચડતી લતા સુકાઈ જાય, પણ એનાથી અળગી નથી થતી. સજજન માણસ એ છે જે કોઈ પણ પરિસ્થિતિ – અવસ્થામાં સાથ નથી છોડતો.

જૂનાગઢમાં આવેલો ગિરનાર એક પર્વત ઉપરાંત યાત્રાધામ તરીકે પણ મશહૂર છે. એની ઊંચાઈ વિશે કહેવાય છે કે ઊંચો ગઢ ગિરનારનો વાદળથી વાતું કરે. સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ અને ગુપ્ત વંશોનો ઈતિહાસ અત્યંત ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું હતું. મૌર્યકાળમાં ગિરનાર પર્વત ઉજર્જ્યત અને જુનાગઢ શહેર ગિરિનગરનાં નામથી ઓળખાતાં હતાં. જૂનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યું. ઈ.સ.૧૧૫૨ની આસપાસ રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ગિરનાર પર્વતની સામે જ અગિયારમી સદીથી અકબંધ ઊભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. આ કિલ્લાએ સોરઠનાં સત્તાપલટા અને ઘણી ચડતી પડતી જોઈ છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે, ‘ગોઝારા ગિરનાર, વળામણા વેરીને કિયો? મરતા રા’ ‘ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો?’ મતલબ કે હે ગિરનાર, તું વેરી એટલે કે દુશ્મનને વળાવે છે? રાજા હણાયો છે છતાં તું હજી અડીખમ ઊભો છે?

કહેવાય છે કે રાણીની વાણી સાંભળી ગિરનાર પડવા માંડ્યો. આ બધું જોઈ રાણકદેવીને બહુ ચિંતા થઈ અને તેને પડતો રોકવા માટે કહ્યું કે ‘મા પડ મારા આધાર! ચોસલાં કોણ ચડાવશે? ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે’. સારાંશ એ છે કે, ‘એ ગિરનાર! તું પડીશ નહિ, હવે તારાં ચોસલાં (મિષ્ટાન) પાછાં કોણ ચડાવશે? ચડાવનાર હતો તે તો ગયો અને હવે જીવતા હશે તેઓ તારી જાત્રા કરવા આવશે માટે તું પડી જઈશ નહિ.’ કહે છે કે
એ સાંભળી ગિરનાર સ્થિર થઈ ગયો અને આજે પણ તમે જોશો તો એની ઘણી શિલાઓ પડતા પડતા અટકી ગઈ હોય એવી
દેખાય છે.

SCIENCE IDIOMS

ભાષા અને વિજ્ઞાન એકબીજા સાથે તાંતણે જોડાયેલા છે. ભાષાનું એક ચોક્કસ વિજ્ઞાન હોય છે. સાયન્સ ઓફ લેન્ગવેજ લિંગ્વિસ્ટિક્સ તરીકે ઓળખાય છે. ભાષાને વિવિધ બાજુ અને વિવિધ સ્તરથી સમજવાનો પ્રયાસ. એ જ રીતે વિજ્ઞાનની પણ એક ભાષા હોય છે. રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર વગેરેની ચોક્કસ ભાષા હોય છે. મીઠુ સોડિયમ ક્લોરાઇડ કહેવાય છે તો ઈંડાં મૂકી પ્રાણીને જન્મ આપતા પ્રાણી ઓવિપેરસ કહેવાય છે. આજે આપણે વિજ્ઞાન સંબંધિત કહેવત – રૂઢિપ્રયોગ જાણીએ. It’s not rocket science કહેવત સમજવા જેવી છે. કોઈ વસ્તુ, બાબત કે પ્રક્રિયા બહુ મુશ્કેલ નથી, આસાન છે એવો એનો અર્થ છે. ટૂંકમાં સહેલાઈથી સમજી શકાય એવી વાત. રોકેટ સાયન્સ સમજવું બહુ સહેલું નથી, અઘરું છે એના પરથી આ કહેવત અસ્તિત્વમાં આવી છે. To be on the same wavelength કહેવતનો અર્થ સમજતા પહેલા વેવલેન્થનો અર્થ જાણવો જોઈએ. ઉર્જાના બે મોજા વચ્ચેનું અંતર વિજ્ઞાનમાં વેવલેન્થ તરીકે ઓળખાય છે. જોકે, To be on the same wavelength અલગ અર્થ ધરાવે છે. વિવિધ વ્યક્તિ, લોકોની વિચારસરણીમાં સામ્ય હોય કે પછી એકબીજાને સારી રીતે સમજી શકતા હોય ત્યારે આ કહેવત વપરાય છે. Push one’s buttons પ્રયોગને વીજળી કે ચાંપ – બટન સાથે કોઈ નિસ્બત નથી. કોઈ પણ મશીન હોય એને ચલાવવા કે બંધ કરવા એકથી વધુ બટનની જરૂર પડતી હોય છે. જોકે, To push one’s buttons એટલે ઇરાદાપૂર્વક કોઈને ઉશ્કેરવું કે છંછેડવું. To reinvent the wheel પ્રયોગને પૈડાં કે વાહન સાથે કોઈ સંબંધ નથી. જે કામ થઈ ગયું હોય એ ફરીથી કરવું એ સમય અને શક્તિનો બગાડ છે એ અર્થ અહીં પ્રેરિત છે. To blow a fuse કહેવતને પ્રકાશ કે અંધકાર સાથે કોઈપણ પ્રકારની લેવાદેવા નથી. કોઈ કારણસર વ્યક્તિ ક્રોધે ભરાય કે પિત્તો ગુમાવી બેસે ત્યારે આ કહેવત વાપરવામાં આવે છે.

विस्मृतीत गेलेल्या म्हणी

મનુષ્યના સાંસારિક જીવનમાં અનેક ઘટના બનતી હોય છે.  જીવનમાં અવસ્થા – પરિસ્થિતિ કાયમ એક સરખા નથી રહેતા. સમય સાથે બધું બદલાતું હોય છે. તડકા પછી છાંયડો આવે એમ દિવસો અને એને પગલે માનવીની અવસ્થા – પરિસ્થિતિ પણ બદલાય છે. જીવનની અવસ્થાનું નિરૂપણ ભાષા બહુ સહજતાથી અને સરળતાથી કરાવી શકે છે. આ સંદર્ભમાં મરાઠી સુભાષિત જાણવા જેવું અને સમજવા જેવું છે. આ સુભાષિત અંતમાં સરસ મજાનો બોધ પણ આપે છે. प्रयत्ने वाळूचे कण रगडीता तेलही गळे | तृषार्ताची तृष्णा मृगजळ पिऊनही वितळे || सशाला दिसे विपिन फिरता शृंगही जरी | परंतु मूर्खाचे हृदय धरवेना क्षणभरी. ચાર શ્લોકને ક્રમવાર સમજીએ. प्रयत्ने वाळूचे कण रगडीता तेलही गळे | મતલબ કે ખૂબ પ્રયત્ન કરવાથી – રેતી લસોટવાથી એમાંથી તેલ મળી શકે. तृषार्ताची तृष्णा मृगजळ पिऊनही वितळे ખૂબ તરસ્યા માણસની તરસ મૃગજળથી પણ છિપાઈ જાય. सशाला दिसे विपिन फिरता शृंगही जरी જગલ ખૂંદી વળતા સસલાના શીંગડાં પણ મળી આવે. આ ત્રણેય અશક્ય બાબત છે જે શક્ય બની શકે એવી કાલ્પનિક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ રજૂઆત કર્યા પછી માર્મિક મુદ્દો આવે છે परंतु मूर्खाचे हृदय धरवेना क्षणभरी. મતલબ કે ક્યારેય મૂર્ખ વ્યક્તિની વાત ગળે નહીં ઉતરે. મૂરખ માણસમાં ડહાપણ ક્યારેય ન જોવા મળે એ આ સુભાષિતમાં સમજાવાયું છે. પ્રયત્નો કરવા, પણ એનો અર્થ ભીંત આગળ માથું ભટકાવવું એવો જરાય નથી થતો એવી વાત છે.

गुजराती प्रयोग हिंदी में

બે ભાષાની સરખામણી અથવા તુલના કરતી વખતે શબ્દાર્થ ઉપરાંત વિશેષ મહત્ત્વ હોય છે ભાવાર્થનું. હિન્દી ભાષામાં એવા અનેક ઉદાહરણ રૂઢિપ્રયોગ અને કહેવતોમાં જોવા મળે છે જે ગુજરાતી જેવો કે એને મળતો શબ્દ દેહ ધરાવી ભાવાર્થ જાળવી રાખે. સાથે સાથે એવા પણ ઉદાહરણ છે જ્યાં શાબ્દિક કાયાપલટ થઈ ગઈ હોય પણ આત્મા યાને કે ભાવાર્થ અકબંધ હોય. ઉદાહરણની મદદથી આ વાત સમજાઈ જશે. ક્રોધમાં કે ગુસ્સામાં આવી કઠોર કે અસહ્ય વચન બોલવા હિન્દીમાં अंगार उगलना સ્વરૂપમાં વ્યક્ત થાય છે. ધગધગતો અંગારો ગરમ અને લાલચોળ હોય જે દઝાડે. એ જ રીતે ગુસ્સામાં લાલચોળ બની ગયેલી વ્યક્તિ જે કંઈ બોલે એ દઝાડે, મતલબ કે ઠેસ પહોંચાડે. જોકે, अंगार बरसना એટલે ખૂબ તાપ પડવો. આકાશમાંથી અગન ગોળા વરસતા હોય એવું લાગવું. શબ્દ અંગાર જ છે, પણ સાથી શબ્દના ફેરફારને કારણે ભાવ કેવો બદલાઈ જાય છે. હવે એક એવા રૂઢિપ્રયોગ વિશે જાણીએ જેનો ભાવાર્થ કર્તા પર આધારિત છે. अंगूठा चूमना એટલે અંગુઠો ચુસવો. સામાન્યપણે આ હરકત કે વૃત્તિ અણસમજુ બાળકોમાં જોવા મળે છે. રડતા નાનકડા બાળકને શાંત પાડવા હાથનો અંગૂઠો મોઢામાં ચૂસવા આપી દેવાની પ્રથા હતી. જોકે, આવી વૃત્તિ સમજદાર વ્યક્તિના નામ સાથે જોડાય ત્યારે એ ખુશામત કરે છે એવો અર્થ નીકળે છે. આ જ વાત હિન્દીમાં तलवे चाटना પ્રયોગથી પણ જાણીતી છે. ગુજરાતીમાં પણ તળિયા ચાટવા પ્રયોગ જાણીતો છે જે આ જ અર્થ ધરાવે છે. બહુ આજીજી કરવી પડે, વધુ પડતી વિનવણી કરવી પડે એ માટે પાલવ પાથરવો કે ખોળો પાથરવો જેવા પ્રયોગ જાણીતા છે. હિન્દીમાં આ જ ભાવના अंचल पसारना રૂઢિપ્રયોગથી વ્યક્ત થાય છે જેમાં નમ્રતાની ભાવના વીંટળાયેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button