સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
સૌરાષ્ટ્રનો અર્થ સુરાષ્ટ્ર એટલે કે સુંદર દેશ એવો થાય છે. આ પ્રદેશ સૂર્યરાષ્ટ્ર, સુરાષ્ટ્ર, સુરરાષ્ટ્ર વગેરે અલગ અલગ નામથી ઓળખાયો છે, પણ એનું પ્રચલિત નામ તો સૌરાષ્ટ્ર જ રહ્યું છે. સૌરાષ્ટ્રની ભૂમિ વીરભૂમિ છે અને સંતો, ભક્તો અને દાતાની ભૂમિ તરીકે નામના પ્રાપ્ત કરી છે. સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય વીરરસથી તરબોળ હોય છે.
બાળગીતોના રચયિતા તરીકે લોકપ્રિયતા મેળવનારા શ્રી ત્રિભુવન વ્યાસે લખ્યું છે કે ‘ગામે ગામ ઊભા સ્તંભ પોકારતા, ‘શૂરના ગુણની ગાથ વરણી, ભારતી ભોમની વંદુતનયા ઘડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.’ વીરરસની ભૂમિ સૌરાષ્ટ્રમાં જ્યાં કાઠી લોકો વસ્યા એ વિસ્તાર કાઠિયાવાડ તરીકે ઓળખાયો છે. કાઠી ખમીરવંતી જાતિ. કોઈની સત્તા તેમને સ્વીકાર્ય નહીં. સમર્થ સામે પણ શીશ ઝુકાવે નહીં. આ ખુમારીનું વર્ણન કરતો દુહો છે: ભલે ઉગ્યા ભાણ, ભાણ તુમ્હારા ભાવણાં, જનમ મરણ લગ માણ, રાખો કશ્યપરાઉત. ભાણ એટલે સૂર્ય. માણ એટલે સ્વમાન, ગર્વ. સૂરજ શક્તિનું પ્રતીક છે.
સૂર્યોદયથી રાજી થયેલો કાઠિયાવાડી વીર કહે છે હે કશ્યપરાઉત (સૂર્ય) આયુષ્યમાં વીરતાના પ્રદર્શનમાં ક્યાંય ઊણા ન ઊતરીએ એટલી શક્તિ અમને આપજો. વીરકથામાં જૂનાગઢના રાજા રા’નવઘણ અને તેની માનેલી બહેન જાહલની કથા પણ જાણવા જેવી છે. સિંધના સુલતાનના સકંજામાં ફસાયેલી જાહલે ગભરાયા વિના શિયળની રક્ષા કરવા તેને ગળે એવી વાત ઉતારી દીધી કે પોતે માનતા માની છે કે છ મહિના સુધી કુંવારી રહેશે, તેમાંથી ત્રણ મહિના વીતી ચૂક્યાં હતાં અને ફક્ત ત્રણ જ મહિના બાકી હતા. સુલતાને જાહલની વાત માની લીધી અને આ તરફ જાહલે યુક્તિ વાપરી પત્ર રા’નવઘણને મોકલી ભાઈને પરિસ્થિતિ જણાવી. પત્ર મળતા જ રાજા સિંધ પહોંચી ગયો અને બહેન જાહલને ઉગારી લીધી. આ વાતને કેન્દ્રમાં રાખી એક સુંદર દુહો રચાયો છે કે સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. ભાઈ – બહેનની ગાથા પ્રદેશનું પ્રતીક બની ગઈ.
કાઠિયાવાડની ક્ધયા – ૧૪ વર્ષની ચૂંદડિયાળી ચારણ ક્ધયા હીરબાઈએ વાછડીની રક્ષા કરવા સાવજને કેવો ભગાડ્યો હતો એની વાત જાણીતી છે. આ નાર ખમીરવંતી છે અને રૂપ રૂપનો અંબાર છે. એનું વર્ણન કરતો એક દુહો છે: ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ, પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર. બીજો દુહો છે: કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ, ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ. કાઠિયાવાડની પરોણાગત મશહૂર છે. એવું કહેવાય છે કે ભગવાન પણ જો કાઠિયાવાડનું આતિથ્ય માણે તો થોડી વાર માટે સ્વર્ગ ભૂલી જાય. એ ભાવનાને સાર્થક કરતો દુહો છે કે કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન, થા તું મારો મહેમાન, તને સ્વર્ગ ભુલાવું શામળા. ભાષામાં કેવું ગજબનાક સામર્થ્ય અને સાથે માધુર્ય છે એનો પરચો સોરઠનું વર્ણન કરતા દુહામાં કેવો પ્રભાવીપણે વ્યક્ત થાય છે.
चोरावर मोर
દરેક ભાષામાં એવી પણ કહેવતો હોય છે જેના શબ્દાર્થથી કહેવતનો અંદાજ આવી જાય છે પણ એનો અસલ અર્થ સ્પષ્ટ નથી થતો. “चोरावर मोर” या म्हणीतील चोर रूढार्थाने चोरी करत नसेल. म्हणजे कुणाच्या संपत्तीचा अपहार करीत नसेल कदाचित, पण तो लबाड असतो. ચોરાવર મોર કહેવતમાં ચોર તરીકે સંબોધવામાં આવેલી વ્યક્તિ રૂઢ અર્થમાં ચોરી નહીં કરતી હોય, કોઈને સંપત્તિ પચાવી નહીં પાડતી હોય, પણ એ વ્યક્તિ લબાડ જરૂર હોય છે. એની વૃત્તિમાં ખોટ હોય છે. યુક્તિ – પ્રયુક્તિથી કે જાળ પાથરી અનેક લોકોને ફસાવવાની યોજના બનાવવામાં આવતી હોય છે. જોકે, ક્યારેક એ યુક્તિ – પ્રયુક્તિ મજાક મસ્તી માટે કરવામાં આવી હોય અને એ નિરુપદ્રવી હોય છે, પણ ક્યારેક એ ગંભીર સ્વરૂપની અને કોઈનું નુકસાન કરનારી પણ હોય છે. ક્યારેક કોઈની બદનામી થાય એવું પણ જોવા મળે છે. આવા અનેક ‘ચોર’ સમાજમાં સભ્યતાનો બુરખો પહેરી આપણી જાણ બહાર આપણી આસપાસ ફરતા હોય છે. ઢોંગ કરવામાં ઉસ્તાદ હોય છે અને ઘણી વાર ‘નાટકબાજી’માં તેમને સફળતા મળે છે. જોકે, ક્યારેક ગાફેલ રહેવાથી કે તેમને કોઈ વધુ કાબેલ – હોશિયાર માણસ સાથે પનારો પડતા બીજાને માટે બિછાવેલી જાળમાં તેઓ જ ફસાઈ જાય છે. આ જ ભાવાર્થ મરાઠી કહેવત शेरास सव्वाशेर દ્વારા પ્રગટ થાય છે. या म्हणीत माणूस लबाड किंवा फसवणारा असेलच असे नाही, पण गर्विष्ठ असतो. આ કહેવતમાં માણસ લબાડ નહીં પણ અભિમાની હોય છે. મળેલી સફળતાથી છકી ગયો હોવાથી અન્યોને તુચ્છ ગણે છે. જોકે, શેરને માથે સવાશેર હોય એ નાતે એના કરતા વધુ કુશાગ્ર વ્યક્તિ એની સાન ઠેકાણે લાવી દે છે.
COMA AND COMMA
અંગ્રેજી ભાષામાં એવા અનેક શબ્દો છે જેના બંધારણમાં એટલે કે સ્પેલિંગમાં રાઈના દાણા જેટલો તફાવત હોય, પણ અર્થમાં ઊંડી ખીણ કરતાં પણ મોટો ફરક હોય. જો સરખું ધ્યાન ન આપ્યું હોય તો અર્થનો અનર્થ થઈ જાય. COMA and COMMA are two such words. The difference is only of extra M but their meanings are poles apart. ફરક માત્ર એક એમ અક્ષરનો છે, પણ અર્થમાં એટલો ફરક છે કે એમ! ઉદગાર મોઢામાંથી સરી પડે. A coma is either a medical condition or a part of a celestial object. Comaએટલે તબીબી અવસ્થા અથવા નભમંડળનો પદાર્થ, જ્યારે Comma means something which is used by writers to punctuate sentences.. બે એમ અક્ષર ધરાવતા કોમા શબ્દનો અર્થ થાય છે અલ્પવિરામ જે વાક્યમાં વપરાતું વિરામચિહ્ન છે. ભાષાનો ઉપયોગ લખાણમાં કરતી વખતે કયો કોમા શબ્દ ક્યાં વાપરવો એની મૂંઝવણ થતી હોય તો યાદ રાખવું કે Since comma and grammar both have a double m, you should have no trouble reserving comma for discussions of grammar and sentence structure. અલ્પવિરામ અર્થ ધરાવતા કોમા શબ્દમાં બે એમ આવે છે અને વ્યાકરણ – ગ્રામર (Grammar)માં પણ બે એમ આવે છે એ યાદ રાખવાથી વાત સરળ બની જશે. બંને કોમા સમાવી લેતા એક વાક્યના ઉદાહરણ પરથી ઘણું સ્પષ્ટ થઈ જશે. Not everyone will wake up from a coma. In order to learn about how commas function, you have to check the punctuation lesson.દરેક વ્યક્તિ કોમા (તબીબી અવસ્થા)માંથી જાગૃત અવસ્થામાં આવી જાય એ જરૂરી નથી અને કોમા (અલ્પવિરામ)નું કાર્ય જાણવું અને સમજવું હોય તો વિરામચિહ્નના પાઠનો વિગતે અભ્યાસ કરવો
જરૂરી છે.
જો શરીર કોમા (Coma)માં સરી પડે તો જીવનમાં Comma નહીં Full Stop આવી શકે છે. મતલબ કે કોમામાં ગયેલી વ્યક્તિ જીવંત ન રહે એવી સંભાવના પણ હોય છે. હવે Comma – અલ્પવિરામનો પ્રભાવ જાણીએ. Woman without her man is nothing. પુરુષ વિના સ્ત્રીનું (પતિ વિના પત્નીનું) કોઈ જ મહત્ત્વ નથી એવો એનો અર્થ થાય છે. હવે બે કોમા – અલ્પવિરામ મૂક્યા પછી એ જ વાક્ય અર્થમાં કેવો પલટો મારે છે એ જુઓ. Woman, without her, man is nothing. મહિલા વિના પુરુષ (પત્ની વિના પતિ) શૂન્ય બરાબર છે એવો એનો અર્થ થાય છે. પહેલામાં પુરુષના જ્યારે બીજામાં સ્ત્રીના ગુણગાન ગવાયા છે. આ અલ્પવિરામની કમાલ છે.
गुजराती कहावत हिंदी में
ગુજરાતી કહેવતો હિન્દીમાં ક્યારેક સરખા સ્વરૂપમાં નજરે પડે છે તો ક્યારેક એનો ભાવાર્થ જાળવી નવું સ્વરૂપ ધારણ કરે છે. આજની પહેલી કહેવત છે કંગાળ હોવું કે અતિ દરિદ્ર હોવું. આ કહેવત હિન્દીમાં दाने दाने को मोहताज होना બની જાય છે. એક એક દાણા માટે વલખા મારવા એ એનો ભાવાર્થ છે. संजोगोने ऐसी करवट ली की परिवार दाने दाने को मोहताज हो गया. કોઈ વાત અત્યંત આસાન કે સરળ હોય ત્યારે ડાબા હાથનો ખેલ કહેવાય છે જે હિંદીમાં बाएं हाथ का खेल કહેવત દ્વારા પ્રગટ થાય છે. શબ્દશઃ અનુવાદ પણ અર્થ જાળવીને. આપસી સંબંધોમાં કે પછી કમિટીમાં કે બીજી કોઈ વ્યવસ્થામાં જાતને ઊંચેરી સાબિત કરવા અધિકાર સ્થાપવામાં આવે જે હિન્દીમાં झंडा गाढ़ना તરીકે પ્રચલિત છે. કોઈ બાબત કે વિસ્તારમાં વિજય મળતા વિજયી જૂથ કે દેશ પોતાનો ઝંડો ફરકાવે એવી વાત છે. મહેનત – પરિશ્રમ તો લગભગ બધા જ કરતા હોય છે, પણ કેટલાકના નસીબમાં રાત દિવસ ગદ્ધા વૈતરું કરવાનું લખાયું હોય છે. આ કહેવત હિન્દીમાં कोल्हू का बैल તરીકે જાણીતી છે. કોલ્હુ એટલે ઘાણી. ઘાણીનું તેલ કાઢવા બળદે બહુ પરિશ્રમ કરવો પડે છે. ઘણા લોકો હવા અનુસાર સઢની દિશા ફરે એવા હોય છે. એમને કોઈ સિદ્ધાંત નથી હોતા. એમની વિચારધારામાં સ્થિરતા નથી હોતી. આ જ વાત હિન્દીમાં थाली का बैंगन રૂઢિપ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે. થાળીમાં રાખેલું રીંગણ કઈ બાજુ ઢળી પડે એ નિશ્ચિત નથી હોતું એના પરથી આ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો છે.