ઉત્સવ

‘ગરીબ ક્ધયા’: દિલીપ કુમારની ફિલ્મની પ્રેરણા

સ્પોટ લાઈટ – મહેશ્ર્વરી

સોજીત્રામાં ‘સજ્જન કોણ’?, ‘માયાના રંગ’ જેવાં સામાજિક નાટકો કયાર્ં. દરેક કલાકાર કોઈપણ કથાવસ્તુ ધરાવતું નાટક સમર્થપણે રજૂ કરવા કાયમ થનગનતો હોય છે. નાટકમાં ઐતિહાસિક કથાવસ્તુ હોય કે પછી પૌરાણિક વાર્તા હોય કે સામાજિક, દરેક ભૂમિકા એક ચેલેન્જ હોય છે, એક પડકાર હોય છે. મને અંગત રીતે સામાજિક નાટકોમાં કામ કરતી વખતે વધુ આનંદ અને સંતોષ મળ્યા છે, કારણ કે જૂની રંગભૂમિનાં સામાજિક નાટકો જોવા આવેલા દર્શકનું મનોરંજન તો થતું જ હતું, સાથે સાથે નાટકના કોઈ તંતુ સાથે એનું જીવન તેને સંકળાયેલું લાગતું અને નાટક જોયા પછી પોતે કશુંક પામ્યો છે એવી લાગણી તેને થતી. કોઈપણ કળાનો ઉદ્દેશ માનવ જીવનને એક પગથિયું ઉપર ચડવામાં મદદરૂપ થાય કે નિમિત્ત બને એવો હોવો જોઈએ એવું કાયમ હું માનતી આવી છું. સોજીત્રામાં નાટકો કરી સંતોષનો ઓડકાર ખાઈ નાટક કંપની ખેડા પહોંચી. અહીં પહેલું નાટક અમે કર્યું ‘ગરીબ ક્ધયા’. ગયા હપ્તામાં મેં કહ્યું હતું ને કે જૂની રંગભૂમિનાં નાટકોની કથા ઘણી સશક્ત હતી એનું સમર્થન ‘ગરીબ ક્ધયા’ની કથા દ્વારા મળી જશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી હોય છે જેમનો પુત્ર એક વકીલ હોય છે. આ વકીલ પાશવી લોકોના સકંજામાં સપડાયેલી લક્ષ્મી નામની એક અનાથ યુવતીને બચાવી પોતાના ઘરે લઈ આવે છે. વકીલનું સગપણ થઈ ગયું હોય છે, પણ ઘરે આવેલી સૌંદર્યવતી ક્ધયા માટે તેને આકર્ષણ જાગે છે અને અનૈતિક સંબંધ બંધાય છે. ક્ષણિક સુખનો પ્રદેશ બાળકે પકડેલી આંગળી જેવો હોય છે. બાળકની પકડમાં આવી ગયા પછી એ તમને ક્યાંય પણ દોરી જઈ શકે છે, પણ તમારું પ્રમાણભાન ક્યાં જવાય અને ક્યાં જતા અટકી જવાય એ સમજાવે છે. વકીલ પ્રમાણભાન ગુમાવી બેસે છે અને ભાન આવે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. ક્ધયા ગર્ભવતી બનશે એ વિચાર વકીલને થથરાવી દે છે. એટલે એને અનાથ આશ્રમમાં મોકલી દેવાની વાત કરે છે. એ સમયે ઘરકામ કરતા એક મુરબ્બી તેને કહે છે કે ‘ક્ધયા તો એક ચુંગાલમાંથી ઊગરી ને બીજી ચુંગાલમાં ફસાઈ. શું ગરીબનું કોઈ બેલી નથી હોતું?’ ક્ધયાને અનાથ આશ્રમમાં મોકલી દેવામાં આવે છે જ્યાં તે એક બાળકને જન્મ પણ આપે છે. આ આશ્રમમાં જયંત નામના એક સુધારાવાદી અને ક્રાંતિકારી વિચાર ધરાવતા યુવાનને લક્ષ્મીની બેહાલીની જાણ થાય છે અને મામલો કોર્ટમાં જાય છે. પોલીસ અધિકારી વકીલ પુત્રને આદેશ આપે છે કે ‘એ છોકરીને ગુનો કબૂલ કરવા સમજાવ. પુત્ર લક્ષ્મીને સમજાવવા આવે છે ત્યારે લક્ષ્મી એને સંભળાવી દે છે કે ‘અનૈતિક સંબંધ બાંધ્યા પછી પણ જે માણસ પોતાનું મોઢું સંતાડી રહ્યો છે એવા કાયર અને ડરપોક માણસની મારા બાળકના પિતા તરીકે ઓળખાણ આપવા માગતી જ નથી. મને જે સજા કરવી હોય એ કરો.’ અંતે વકીલ કબૂલ કરે છે કે લક્ષ્મીના સંતાનનો પિતા પોતે જ છે, પોલીસ અધિકારી પિતા હોદ્દો છોડે છે અને લક્ષ્મી વકીલના જીવનમાં ગૃહલક્ષ્મી બની જાય છે. ન્યાયની દેવીની આંખો પર બાંધવામાં આવતી કાળી પટ્ટીનું અર્થઘટન અનેકવાર ખોટી રીતે થતું હોય છે. આંખો પરની પટ્ટીનો અર્થ એવો જરાય નથી કે એને કશું દેખાતું નથી. બલ્કે એનો અર્થ એવો છે કે ન્યાય તોળતી વખતે એ વ્યક્તિના સ્થાન, સંપત્તિ કે સત્તાને નજર અંદાજ કરી સત્યની પડખે રહી ન્યાય આપે છે. ‘ગરીબ ક્ધયા’માં પાવરફુલ પરિવારના પુત્રને દોષી ઠેરવી ગરીબ – નોધારી ક્ધયા સાથે સાચો ન્યાય થાય છે. મહિલા અધિકાર, સશક્તિકરણની આજે બહુ ચર્ચા થાય છે અને એને કેન્દ્રમાં રાખી નાટકો – ફિલ્મો બનાવવાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ૫૦ – ૬૦ વર્ષ પહેલા ગુજરાતી નાટકમાં આ વાત લક્ષ્મી જેવા સશક્ત પાત્ર દ્વારા કેવી પ્રભાવી રીતે કહેવામાં આવી છે. ‘ગરીબ ક્ધયા’ જેવાં નાટકો સામાજિક જીવન માટે પોષક દ્રવ્ય સાબિત થતા હતા. જાણવા જેવી વાત એ છે કે ૧૯૫૪માં રિલીઝ થયેલા મેહબૂબ ખાનના ‘અમર’ (દિલીપકુમાર, મધુબાલા અને નિમી) ચિત્રપટમાં પણ આ જ કથા હતી. મેં ‘ગરીબ ક્ધયા’ ૧૯૬૦ના દાયકામાં ભજવ્યું હતું, પણ એની પ્રથમ ભજવણી અનેક વર્ષો પહેલા થઈ હતી. આ નાટકની કથા જાણ્યા પછી ‘અમર’ની સ્ટોરી લખાઈ હોય એ સંભાવના ખરી. ‘અમર’ સિવાય દેશી નાટક સમાજની ઘણી કથા પરથી હિન્દી ફિલ્મો બની છે. આગળ જેમ જેમ નાટકની વાત આવશે એમ એમ જાણકારી વાચકોને મળતી રહેશે. ‘ગરીબ ક્ધયા’ નાટકની કથાની શ્રીમંતાઈ લોકોને આકર્ષી ગઈ અને એને સારો આવકાર મળ્યો. સળંગ વીસેક દિવસ સુધી એના શો થયા. આસપાસના ગામના લોકો પણ એ જોવા આવ્યા હતા. એના પછી અમે ‘ભાવના બી.એ.’ નાટક કર્યું જે પણ લોકોને ગમ્યું. આ બે નાટકોને મળેલા આવકારથી કંપની અને કલાકાર બંને હરખાયા અને પોરસાયા પણ. કોઈપણ કલાકાર માટે પ્રેક્ષકોનો ઉમળકાભર્યો પ્રતિસાદ સર્વોચ્ચ હોય છે. એમાં બે વાત છે. એક તો એ કે પ્રેક્ષકોની ઉપસ્થિતિ જ નાટકને સફળ બનાવે છે અને કલાકાર- કંપનીની આર્થિક જરૂરિયાત સંતોષાઈ જાય છે, પણ એથીય વિશેષ વાત એ છે કે રાજી થયેલા પ્રેક્ષકને સંતોષનો જે ઓડકાર આવે છે એનો રાજીપો વધારે હોય છે. ‘ભાવના બી.એ.’ના શો થઈ રહ્યા હતા એ અરસામાં શ્રી દેશી નાટક સમાજ કંપની એનાં નાટકોની ભજવણી માટે નડિયાદ આવી હતી. એ લોકોને ખબર પડી કે અમારી કંપની ખેડામાં નાટકો કરી રહી છે એટલે એક દિવસ દેશીના સિદ્ધહસ્ત કલાકાર માસ્ટર રમણ અને અન્ય કોઈ કલાકાર ખેડા આવ્યા અને અમારું ‘ભાવના બી.એ.’ નાટક જોયું. નડિયાદ અને ખેડા વચ્ચે બહુ કંઈ અંતર નહોતું એ ખરું, પણ આવા મોટા કલાકાર માત્ર નાટક જોવા ખેડા આવે એ માનવા હું તૈયાર નહોતી. જરૂર કોઈ વાત હોવી જોઈએ એના પડઘા મારા દિલ – દિમાગમાં પડતા હતા. મારું અનુમાન સાવ સાચું સાબિત થયું જ્યારે નાટકનો શો પૂરો થયા પછી માસ્ટર રમણ મને મળવા આવ્યા અને મને કહ્યું કે…

સવારે લખાણ, બપોરે રિહર્સલ, સાંજે રજૂઆત

બીજા વિશ્ર્વયુદ્ધ પછીના સમય વિશે ગુજરાતના સમર્થ નાટ્યકાર અને નાટ્યવિદ ચંદ્રવદન મહેતાએ તેમના પુસ્તક ‘રેડિયો ગઠરિયા’માં ‘ન્યૂઝ – પ્લે’ના સંદર્ભમાં એક સરસ વાત રજૂ કરી છે. ચં. ચી.એ લખ્યું છે કે ‘ફૌજી અંગ્રેજ જવાનોને રમાડવા, હસાવવા, પટાવવા, એમનો જીવ બહેલાવવા ઈંગ્લેન્ડથી કલાકારો આવે અને પહેલા બ્રોડકાસ્ટિંગ મથક પર પહોંચી જાય. કવિઓ અને લેખકો પણ આવતા. આકાશવાણી પર અડ્ડો જમાવે અને ગોષ્ઠિ કરે. એક દિવસ રોજ રાત્રે ૧૫ મિનિટનો ‘ન્યૂઝ – પ્લે’ કરવાનો ઠરાવ રજૂ થયો અને તાબડતોબ પાસ પણ થઈ ગયો. રોજ સવારે પોણા નવ વાગ્યે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરના કોઈ ચાળા અથવા એમના લશ્કરી વ્યૂહ પર કે પછી એમના જૂઠાણાંની શૈલી પર નાટક લખવાની શરૂઆત થઈ જાય. બપોરે ત્રણ કે ચાર વાગ્યા સુધીમાં લખાઈ જાય એટલે રિહર્સલ શરૂ કરી દેવામાં આવે અને સાંજે રજૂ કરી રેકોર્ડ પણ કરી લેવામાં આવે. પછી એના ગુજરાતી અને મરાઠી ભાષામાં અનુવાદ થવાની શરૂઆત થઈ. રશિયાથી ભરચક સામગ્રી ટાઈપ થઈને આવતી. આ સિવાય છાપાં તેમજ ચોપાનિયાં આવતા, જાતજાતની વીર કથા આવતી જેને આધારે ‘ન્યૂઝ -પ્લે’ના પ્રયોગો ચાલતા રહ્યા. એક ફેરફાર એ થયો કે વિલિયમ શેક્સપિયરની અનેક ઉક્તિઓ રેકોર્ડ કરી રાત્રે ૧૧ વાગ્યે રજૂ કરવામાં આવતી જે ‘એપિલોગ’ તરીકે પ્રખ્યાત થઈ.’ (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો