નવરાત્રિમાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ ખાતે ગરબાજીવી રાજુ રદી હાહાકાર મચાવવા ત્રાટકશે
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ
કેટલાક લોકો આંદોલન જીવી હોય છે( સબૂર કરો. આ શબ્દ ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે. આમ તો સીએમ એટલે કોમનમનની યાદદાસ્ત સુખદ સ્વપ્ન જેવી ટૂંકી હોય છે!! અરે, આ વાક્ય હું એટલે ગિરધરલાલ ગરબડીયા કે રાજુ રદી બોલ્યા નથી!! આ વાક્ય કોણ બોલ્યા એ કેબીસીનો સાત કરોડ રૂપિયાનો ઇનામી સવાલ છે!!જવાબ ન આવડે તો હાથમાં બાબાજી કા ઠુલ્લુ!!!) જવાબ શોધ્યા કરજો!! (સાહેબનું નામ વચ્ચે ન આવવું જોઇએ. રામદેવ બાબાની નોનસ્ટોપ ફફડતી આંખના સોગન છે!!!)
આપણા લોકો પ્રારબ્ધજીવી છે. આપણા લોકો પુરૂષાર્થજીવી છે. કેટલાક લોકો બુદ્ધિજીવી હોય છે, જો કે, તે લઘુમતીમાં હોય છે!! બહુધા લોકો બુધ્ધુજીવી હોય છે. દેશની એકસો ચાલીસ કરોડની વસ્તીમાં એકસો ઓગણચાલીસ કરોડ નવાણું લાખ લોકો આ કેટેગરીમાં આવે છે!!
નવરાત્રિમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબા વચ્ચે હરીફાઈ રહે છે. શેરી ગરબા એ સરકારી દવાખાના જેવા છે. જ્યારે પાર્ટી પ્લોટ ગરબા એ મલ્ટી સ્પેશિયાલીટી કોર્પોરેટ હોસ્પિટલ જેવા છે!! એકમાં સાદગી છે. બીજામાં ભભકો છે. એકમાં કાંકરા ઊડવા જેવી વિશાળ હાજરી છે. જ્યારે બીજામાં હૈયે હૈયું દળાય તેટલી અલ્પમાપ હાજરી છે. શેરી ગરબા સાત્ત્વિક અને એમેચ્યોર હેમ રેડિયો એકટીવ જેવા હોય છે. જ્યારે પાર્ટી પ્લોટ ગરબા એ ગરબાનું વ્યવસાયિકરણ અને રૂપિયાનું રેડિયો એકટીવ ફયુઝનનુ ક્ધફયુઝન છે!!! વરસો અગાઉ શેરી ગરબા ભરયુવાનીમાં હતા ત્યારે માતાજીની ખરા અર્થમાં આરાધના થતી હતી. ગરબા ખેલતા ખૈલેયાઓ ગરબા ગ્રાઉન્ડમાં હાજર વડીલોની આમન્યા જાળવતા હતા. અત્યારે પાર્ટી પ્લોટ ગરબાએ દાટ વાળ્યો છે. માતાજી કોરાણે મુકાય છે. ડિઝાઇનર ગાયક, ડિઝાઇનર સ્ટેજ, ડિઝાઇનર ટ્રેડિશનલ વસ્ત્રો-અલંકાર ઝાકઝમાળ, ચમકદમકની બોલબોલા છે!!લોકો પ્રેમિકાની પ્રતીક્ષા કરે તેમ નવરાત્રીની પ્રતીક્ષા કરતા હોય છે. નવરાત્રીજીવી મહિલા નવે નવ રાત્રી પહેરવાના ચણિયાચોળી, ધોતી, સાફા, પાઘડી, મેચિંગ ઓર્નામેન્ટસ ખરીદવા કે ભાડે લેવા અશ્વમેધ યજ્ઞ કે રાજસૂય યજ્ઞ કરવા જેટલી કાળજી અને જહેમત ઉઠાવતી હોય છે!!
નવરાત્રિ. નવરાત્રિ એ આદ્યશકિતની આરાધનાનું આધ્યાત્મિક પર્વ છે. આપણી પ્રજા ઉત્સવ પ્રિય હોવાનું સંસ્કૃતમાં કહેવામાં આવેલ છે. નવરાત્રિ એ વિશ્ર્વનો મોટો નૃત્ય ઉત્સવ છે તેમ બેધડક કહી શકાય.( આમ પણ પાસ માટે બાઈ બાઇ ચાળણીની જેમ અત્ર તત્ર સર્વત્ર ભટકવું પડે છે. છતા હાથમાં બાબાજી કા ઠુલ્લુ આવે છે. સોનાની જાળ પાણીમાં નાખવાનું કષ્ટ ઉઠાવવું પડે છે.) બસો રૂપિયાનો ડેઇલી પાસ મેળવવા હજાર રૂપિયાનું પેટ્રોલ અને લાખ રૂપિયાનો જીવ બાળી નાખતી હોય છે, બોલો!! ( શું બોલે ? જય અંબે !!દે ઉસકા ભલા ન દે ઉસકા ભી ભલા!!) આ દિવસોમાં માતાજીના સ્વરૂપો, ગરબાનું શાસ્ત્રીય અને પૌરાણિક મહત્ત્વ, ઘટ-ઘડા સ્થાપનનું ચોઘડિયું, વિવિધ સ્થળોએ અવનવા ગરબાના વર્ણનનાં સમાચારથી સમાચારપત્રો છલકાઇ રહ્યા છે.
નવરાત્રિમાં ઇનામ મળે, ટ્રોફી મળે તે માટે શરીરના ત્રણ નહીં પણ ત્રણ કરોડ ટુકડા કરી નાખે છે! કેટલાક ખેલૈયા માથા પર તપેલી પહેરી, થાળી ચમચી વગાડીને શાકભાજી શરીરે લગાડી લોકોનું ધ્યાન ખેંચવા કોશિશ કરે છે. ગરબા ગાવામાં તલવાર તાણવાની આવશ્યકતા હોતી નથી. પરંતુ, લોકો તલવાર ડાન્સ કરતા હોય છે.
નવરાત્રિ ગરબાના ખેલૈયા, આયોજકો, સ્પોન્સરો, કલાકારો , વિવિધ ધંધાર્થી માટે લાભનો લાભકારી પ્રસંગ છે!! કોઇને ક્રિકેટ,હોકી, સંગીત, ગાયન, નૃત્યમાં રસ ન હોય. અમારા જેવા માટે સાયગલ ગાંગરે અને અમે સાંભળીએ તેવો ઘાટ થાય!!આપણને વિચિત્ર વીણા અને વીણા- વાયોલિન અને વીણાનો ભેદ ખબર ન હોય, તાલ, હડતાલની ખબર ન હોય એ પ્રાકૃતિક અને સાહજિક હોય છે. ખેલૈયા માટે જાતજાતની કેટેગરીમાં કાંઇને કાંઇ ઇનામો હોય છે પરંતુ, દેખૈયા-જોનાર માટે એક પણ ઇનામ કે ઇનામડી કે ઇનામડું અપાતું નથી. દેખૈયા એટલે કે ખુરશી પર બેસી ખેલૈયાના તાલે માનસિક ગરબા રમનાર, ખેલૈયાના ચપ્પલ, પાણીની બોટલ, નાસ્તાના ચોકીદારી કરવાની ડ્યૂટી બજાવે છે. ખેલૈયાને જોઇ મોઢામાંથી લાળ ગંગા સ્વયંભૂ પ્રાકટ્ય કરતી હોય છે. ગરબાના આયોજક શ્રેષ્ઠ દૈખેયા, કનિષ્ઠ દેખૈયાનો એવાર્ડ આપવો જોઇએ!! કેમ કે, નવરાત્રિના આયોજનની સફળતા આયોજક, ખેલૈયા, ગ્રાઉન્ડ, લાઇટ, લાઇન્ડ, સ્પોન્સરર, પાર્કિંગ વ્યવસ્થા, ફૂડ ઝોન, સિક્યોરિટી નહીં પણ બગલાની અગર ઘુવડની જેમ ઉદ્ગ્રીવા કરીને ગરબા અને ગરબા ગાનારીઓને અપલક અને અનિમેષ નજરે ત્રાટક કરી નિહાળતા દેખૈયાને આભારી છે!!! એમને પણ ઇનામ આપો. જરાક નવતર અને અનુસરણીય અભિગમ કહેવાશે, તેની આયોજકો સોશિયલ મીડિયામાં વાહવાહી બટોરી શકશે!!
નવરાત્રીમાં ઉરાંગઉટાંગ સ્ટેપ કરી લોકોનું ધ્યાન ખેંચવા માટે ગરબાની તાલીમ આપવા માટે શેરીએ શેરીએ ગરબા ક્લાસ ખુલી જાય છે. જે ગરબાનો ગ ન જાણનારને ગરબાપતિ (વિધા વાચસ્પતિ જેવો શબ્એગ વિધા વાચસ્ટપતિ પીએચડીનું અંગ્રેજી છે!!) બનાવી દે છે.!!
રાજુ રદી નવરાત્રી આવે એટલે કેમે કરીને ઝાલ્યો ન રહે.નવરાત્રીમાં ચકળવકળ ડોળે દુકાળિયો જેમ મીઠાઇની દુકાનના કાચના ડિસપ્લેમાં ગોઠવેલ મીઠાઇને અપલક નજરે જુએ તેમ મહિલા ખેલીઓને મીઠાઇકૂટ માની જોયા કરે!! રાજુ રદીએ નવરાત્રીમાં રોલો પાડવા, છાકો પાડવા, વટ પાડવા માટે ઓમ ધબાય નમો કલાસ જોઇન કર્યા છે! (નમો શબ્દ વાંચી ભળતીસળતી કલ્પના કરવાની સખ્ખત છૂટ છે!!) લલિતકલાના દુશ્મન ઔરંગઝેબ જેવો રાજુ ગરબા ક્લાસમાં ક્યાં ગુલ ખિલાવતો હશે તે જાણવાની મને ભયંકર ઉત્સુકતા થઇ!! આ વરસે પાર્ટી પ્લોટમાં ચેમ્પિયન ઓફ કે
ચેમ્પિયન કે બેસ્ટ ખેલૈયાનો એવોર્ડ મેળવનાર છે તેમ અઠ્યાસીસ ઇંચની ખોખલી છાતી ઠોકીને ઉધરસ ખાતા ખાતા રાજુએ દાવો કર્યો છે!!રાજુની ચેસ્ટ તમામ એવોર્ડ મૂંછે લટકતા લીંબુની જેમ લટકશે!!
રાજુ રદીગરબા કલાસમાં દોઢિયું, એક તાલી, હૂડો, ત્રિતાલી વગેરે શીખે છે.પુષ્પા ફિલ્મનો કમર ડાબી-જમણી બાજુ કમર મટકાવવાનો પુષ્પા ડાન્સ પણ શીખે છે..”રાજુ ઝૂકેંગા નહી હૈ! તેમ વારંવાર દઢોચ્ચાર કે છે. રાજુ રદી કલાસમાં શીખવા માટે ઊતરે છે, ત્યારે મલ્લયુદ્ધમાં મલ કુસ્તી કરવા માટે ઊતરે અને ખુદની જાંધ પર થપાટ મારે તેમ રાજુ રદી તાબુત જેવી જાહલ જાંઘ પર થપાટ મારી ગરબા કલાસમાં એન્ટ્રી લે છે. રાજુ રદી પીધેલાની જેમ ગરબે ઘૂમે છે. જંગલમાં મૃગલી ચાલતી હોય કે રેમ્પ પર મોડેલ કેટવોક કરે તો મનોરમ્ય લાગે. પરંતુ, રાજુ રદી નીલગાય કે અડીબાજ ગદર્ભ ઠેકડા મારે તેમ રાજુ હનુમાન કૂદકા મારે છે. એના હાથના ઠુંસા,,પગની લાતથી બીજા શીખવા આવેલા ખેલૈયા જેમ વૃક્ષ ધરાશાયી થાય તેમ ધરાશાયી થાય છે. કલાસમાં રાજુ રદી વિશ્ર્વ વિજેતા સિકંદરની જેમ એકલો ઊભો રહે છે!! ક્લાસ સંચાલક માથે હાથ મુકી પોંકે પોંકે રડે છે. મહાભારતનું યુદ્ધ સંપનન થયા કુરુક્ષેત્રમાં પછી સ્મશાન શાંતિ, સન્નાટા, પ્રવર્તતો હતો તેવો જ સન્નાટો ગરબા કલાસમાં પ્રવર્તતો હતો!!રાજુ રદીએ લાતિયું, ફેટ્યું, કોણિયું એવા નવતર ડાન્સ સ્ટેપનો પ્રાદુર્ભાવ કર્યો છે. આ સ્ટેપની પેટન્ટ બુક કરવા પણ અરજી કરી છે!!!
રાજુ રદી લો ગાર્ડન જઇ વીસ ટ્રેડિશનલ ડ્રેસ, ઓર્નામેન્ટ,ડાંડિયા સાફા, ટોપીઓ, મોજડી લઇ આવવાનો છે!!ગરબામાં ઇન્ટરવલ પડે એટલે કેડિયું ચોળણી બદલી નાખવાનું મહત્ત્વાકાંક્ષી આયોજન છે!!રાજુ રદી ટ્રેડિશનલ ડ્રેસ પાછળ પાણીની માફક પૈસા વહેડાવવાનો છે!!રોજ નવા જૂતા! રોજ નવા સાફા! જાનપદી હૈયાના ધબકારામાં તરણેતર મેળામાં જુવાનિયા જુવતી ભરત ભરેલ છત્રી લઇને સોટો પાડે છે. રાજુ રદી તેર હજારમાં આવી છત્રી લઇ આવ્યો છે!! દેવાપૂજક વરરાજાની જેમ રાત્રીના સમયે રેબેનના બ્લેક ગોગલ્સ ઠઠાડવાનો છે!!
પાર્ટી પ્લોટમાં ગરબાજીવી રાજુ રદી પરફોર્મન્સ દ્વારા કેવો હાહાકાર મચાવે છે કે જોવા માટે નવરાત્રિ સુધી રાહ જોવી જ રહી!!!સર્વે વાંચકોને નવરાત્રિની આગોતરી શુભેચ્છા અને માતાજી આપની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા!!!જય માતાજી!!