ઉત્સવ

કચરાનો સમય, સમાજનો કચરો: છોટી કહાનીયાં , બડી બાયેં

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: દરેક વાર્તા અધૂરી વેદના છે. (છેલવાણી)
કહેવાય છે કે લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ એમના લેખક મિત્રો સાથે ૧૦-૧૦ ડોલરની શરત લગાવી કે તેઓ માત્ર ૬ જ શબ્દોમાં જગતની સૌથી ટૂંકીવાર્તા લખી શકે છે! આ દાવા પર સૌ હસ્યા પણ પછી હેમેંગ્વેએ ખરેખર માત્ર ૬ જ શબ્દોમાં ટચૂકડી જા.ખ. રૂપે વાર્તા લખી કે-
‘ફોર સેલ: બેબી શૂઝ, નેવર વોર્ન!’ એટલે કે ’વેંચવાના છે: બાળકનાં જૂતાં, વપરાયા વિનાનાં!’ જનમ્યા પહેલાં જ મરી ગયેલ બાળકના મા-બાપની વેદના ફક્ત ૬ જ શબ્દોમાં હેમિંગ્વેએ લખી નાખી! આ કરૂણ ઘટના વિશે પાનાંને પાનાં ભરીને લખી શકાય પણ ટૂંકું લખવું બહુ જ અઘરૂં છે. આમ તો દુનિયાભરમાં લઘુકથાઓ કે આજકાલ ’માઇક્રો-ફિક્શન’ લખાય છે, પણ મોટેભાગે એ બધું ટૂચકા કે સનસનીખેજ ઘટના જ બની શકે છે.

હમણાં હિંદીના જાણિતા લેખક-નાટ્યકાર અસગર વજાહતનો ટૂંકીવાર્તાઓનો અદ્ભૂત સંગ્રહ આવ્યો છે: કૂડા સમય’ એટલે કે ’કચરાનો સમય’. તમને થશે કે આજના સમયને ’કચરાનો સમય’ કેમ કહ્યો? મંકી ઈન્ટરવ્યુ’ શ્રેણીની ટૂંકીવાર્તાઓ વાંચશો તો આપોઆપ સમજાઇ જશે:   વાંદરાઓને પૂછવામાં આવ્યું,’એવી કઈ કળા છે? જે માણસો જાણે છે ને તમે લોકો નથી જાણતા?’

વાંદરાઓએ કહ્યું, માણસ, માણસને મારવાની કળા જાણે છે. એ કળા અમે હજી જાણતા નથી!

….એવી જ રીતે વાંદરા ને માણસ વિશેની બીજી ટૂંકીવાર્તા છે:
વાંદરાઓને પૂછવામાં આવ્યું,’માણસો ધર્મમાં માને છે. તમે લોકો પણ ધર્મમાં માનો છો?

વાંદરાઓએ હસીને કહ્યું, માણસો ધર્મમાં માને છે અને અમે ધર્મનું પાલન કરીએ છીએ.

આવી વ્યંગ-કથાઓમાં વાંદરાઓની માણસ સાથેની સરખામણી કમાલની કાતિલાના છે. વાંદરાઓ વિશેની બીજી વાર્તા જુઓ:
વાંદરાઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો,’તમે લોકો કપડાં કેમ નથી પહેરતા?’
‘માણસો કપડાં પહેરે છે ને?’, વાંદરાએ પૂછ્યું
‘હા, માણસો પહેરે છે.’
‘પણ જો માણસ કપડાંડ-બપડાં પહેર્યા પછી પણ નગ્ન જ હોય છેને? તો પછી અમારે શા માટે કપડાં પહેરવાની મગજમારી કરવી?
માણસજાતની નગ્નતાને અહીં કેટકેટલા અર્થમાં જોઇ શકાયને?
આવી ચોટદાર નાનકી વાર્તાઓ ખલિલ જિબ્રાન, ઝેન સાધુઓ અને ઇજિપ્તનાં નજીબ મહેફૂઝે પણ લખેલી અને ખૂબ લોકપ્રિય થયેલી. આમ તો અસગર વજાહતે, ઇંદીરા સરકારની ૧૯૭૫ની કટોકટી દરમ્યાન પણ આવી વાર્તાઓ લખેલી, જો કે આજના સમયમાં ફરી એમાં હાથ અજમાવ્યો.
ઇંટરવલ:
ભલેને તારી કથામાં અસીમ દર્દ હતું,
સવાલ એ જ છે મહેફિલ રડી પડી કે નહીં? (મરીઝ)
વજાહતની આ વાર્તાઓ ક્યારેક આપણને ’પંચતંત્ર’ની કથાઓ જેવી લાગે તો ક્યારેક સૂફી પરંપરાની લાગે. એક સાવ ઘરેલુ વાર્તા છે:
તું બહુ બગડી રહી છે, રાનુ!
કેમ પપ્પા?
આજકાલ સવાલો બહુ પૂછવા માંડી છે. હોં!
પણ પપ્પા, સવાલો પૂછવા ખોટી વાત છે?
હા, બહુ સવાલો પૂછવા સારા નહીં!
તો પછી, ટીચર અમને ક્લાસમાં કેમ સવાલો પૂછે છે? જરા વિચારો કે આ વાર્તામાં ’બાળકી’, જો ’પ્રજા’નું પ્રતિક હોય તો એના કેટકેટલા અર્થ નીકળે?
હિંદીના વરિષ્ઠ લેખક-વિવેચક સુધાંશુ ગુપ્ત, ’કૂડા સમય’ની કથાઓ વિશે કહે છે: ’આજનાં સમયામાં જ્યારે જગતભરમાં કટ્ટરતા ને હિંસા ફેલાઇ રહી છે, તાનાશાહી ને મૂર્ખતાને માન આપવાની હરીફાઈ ચાલે છે, ઈતિહાસને વિકૃત કરીને નવો ઈતિહાસ લખવાનો ’આગ્રહ’ થાય છે, સત્ય-અસત્ય વચ્ચેનું અંતર સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે સમાજનાં આવા કચરાને સાફ કરવા માટે વજાહતે નાનકડી વાર્તાઓ લખી છે, જે અર્થના મામલામાં બહુ મોટી છે!’
રાજકારણ વિશે ’ભયનું દર્શન’ નામની વાર્તા જુઓ:
એક રાજા, ગુરૂને પૂછે છે, ’ગુરુજી, મારી લોકપ્રિયતા ઘટી રહી છે. પ્રજા મારી વાત સાંભળતી જ નથી.’
‘રાજન, તું લોકો સાથે કેવી રીતે વાત કરે છે?’
જેમ તમારી સાથે વાત કરું છું.
ના, આ રીતે કોઈ તારી વાત સાંભળશે નહીં.
તો શું કરું?
લોકો ત્યાં સુધી તને નહીં સાંભળે, જ્યાં સુધી એમને ડરાવીશ નહીં.
ડરાવવા માટે શું કરું?
રાજન, ડરાવવાનો ફક્ત એક જ સિદ્ધાંત છે.
કયો?
પહેલાં એ જાણવું પડે કે લોકોને શું સૌથી વધુ ગમે છે?
એનાથી શું થશે, રાજગુરુ?
બધું એના દ્વારા જ થશે, રાજન. બધું એના દ્વારા જ.
હવે આ વાર્તાની સાથે એવી જ બીજી વાર્તા જુઓ, એટલે પહેલી વાર્તાનો તાળો આપોઆપ મળી જશે-
ગુરૂ, રાજાને પૂછે છે,રાજન, તને સૌથી વધુ શું પ્રિય છે?
મને મારી શક્તિઓ સૌથી વધુ પ્રિય છે.
જો તને ધમકી આપવામાં આવે કે તું તારી શક્તિ ગુમાવીશ તો?
તો હું ગભરાઈ જઈશ.
બસ, આ જ સિદ્ધાંત છે. આટાલામાં સમજી જા!
’સત્તા’ સાથે જોડાયેલ ’ભય’ની વાતમાં લેખકે, રાજા ને પ્રજા વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ કેવી બારીકાઇથી આલેખ્યો છે. ગાંધીજ અને વર્તમાન સમય વિશે ’ગાંધીજીના પૂતળાં સીરીઝ’માંની વાર્તાઓ અસગરે બહુ મજાની લખી છે. જેમ કે-
ગાંધીજીને સ્વર્ગમાં પૂછવામાં આવ્યું,
‘જેમણે તમને ગોળી મારી એ લોકો તમને શત્રુ માને છે!’
’એમાં કોઇ નવાઇની વાત નથી’ ગાંધી બોખૂં હસ્યા.
’પણ એ જાણીને તમને કેવું લાગે છે?’
મને સારું લાગે છે. ગાંધીજીએ કહ્યું,
સારું કેમ લાગે છે ?
કારણ કે અંગ્રેજો પણ મને શત્રુ માનતા હતા…કમસેકમ મારા દુશ્મનોને એક મિત્ર તો મળ્યો! ગાંધીજીએ કહ્યું.
કેટલી સરળતાથી આ લઘુકથા, ગાંધીજી અને તેમના દુશ્મન પાછળનો ઊંડો અર્થ સમજાવે છે. અસગર વજાહતનું પુસ્તક કૂડા સમાજ’, સમાજના આવા જ વિચિત્ર કે ’એબ્સર્ડ’ કચરાને દર્શાવે છે. જે ખૂબ જ ઓછા શબ્દોમાં, ઘણો કચરો સાફ કરવાની કોમળ કલમ-કારીગરી કરી જાય છે.
એન્ડ-ટાઇટલ્સ:
આદમ: એક વાર્તા કહું?
ઇવ: ના, આ તો સાંભળી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…