ગરબા ઑક્સિજન છે દુબઈમાંરહેતા આ બન્ને બંધુઓ માટે

મુંબઈ સમાચારે તાજેતરમાં જ ગરબા વર્કશોપ અને બૃહદ્ મુંબઈ નવરાત્રિ મહાસ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં વાચકો સહિત મુંબઈની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો અને ઈનામો પણ જીત્યાં. આ આયોજન મુંબઈ સમાચાર સાથે મળીને જેમણે કર્યું હતું તે બે ભાઈઓ છે દુષ્યંત સોની અને અમિત સોની.
મુંબઈ સમાચાર ટીમ
મુંબઈ સમાચારે તાજેતરમાં જ ગરબા વર્કશોપ અને બૃહદ્ મુંબઈ નવરાત્રિ મહાસ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં વાચકો સહિત મુંબઈની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો અને ઈનામો પણ જીત્યાં. આ આયોજન મુંબઈ સમાચાર સાથે મળીને જેમણે કર્યું હતું તે બે ભાઈઓ છે દુષ્યંત સોની અને અમિત સોની. યુવાનવયે તેમણે બે અલગ અલગ ક્ષેત્રોમાં મથામણ કરી છે અને બન્નેમાં સફળતાના પંથે ચાલી રહ્યા છે. મૂળ બગસરાના આ બન્ને ભાઈઓનો જન્મ અને ઉછેર આપણા મુંબઈમાં. તેમના પિતા કુવૈત હતા અને ત્યાંથી મુંબઈ આવી વસ્યા હતા. કુવૈતથી મહેનત કરી લાવેલી કમાણી ધંધામાં નાખી પણ પાર્ટનરના બદઈરાદા કામ કરી ગયા ને હાથમાંથી મૂડી ગઈ ને ધંધો પણ. જોકે હારે એ બીજા. બન્ને ભાઈઓ કિશોરાવસ્થામાં જ સોનીકામમાં લાગી ગયા. દુબઈમાં લગભગ પાંચેક વર્ષથી તેમણે પાર્ટનરશિપમાં ફેક્ટરી ચાલુ કરી જે સોનાના ઘરેણા બનાવી અન્ય શૉ રૂમને સપ્લાય કરે છે. આ કામ આસાન ન હતું. આ માટે બન્ને ભાઈઓએ ૧૮-૧૮ કલાકની મહેનત કરી છે. દિવસરાત એક કર્યા છે અને એટલો જ ભોગ આપ્યો છે પરિવારે. પરિવારની વાત કરીએ તો બન્ને ભાઈઓની પત્ની સંબંધોમાં સગી બહેનો છે. દુબઈમાં નવું કામ પણ વિકસે અને પરિવાર સાથેનું કનેક્શન પણ જળવાઈ રહે તે માટે બન્ને ભાઈઓએ બે બે મહિનાનો વારો કાઢ્યો છે. એક પરિવાર દુબઈ રહે ત્યારે બીજો પરિવાર મુંબઈમાં બાળકોનું ધ્યાન રાખે તે રીતે તેમણે બાળકોને ભણાવ્યાં. હવે ત્યારે બાળકો મોટાં થયાં ત્યારે આખો પરિવાર દાદી-દાદી સાથે દુબઈમાં રહે છે. પરિવાર સાથેનો આ અતૂટ નાતો તેમને બળ આપે છે, હિંમત આપે છે અને ગમે તે પરિસ્થિતિમાં ઝઝૂમવાની ખુમારી આપે છે. આ રીતે પરજિયા સોની ભાઈઓએ પોતાના પરંપરાગત ધંધામાં જમાવટ કરી છે, જોકે હજુ ઘણું કરવાનું બાકી છે તેમ અમિતભાઈ કહે છે.
હવે કરીએ બીજા ક્ષેત્રની વાત. એક કામ હોય છે જે તમે તમારું ને પરિવારનું પેટિયું રળવા કરતા હોવ છો અને બીજું કામ એ તમારું સ્વપ્ન હોય છે કે તમારો શોખ કે પેશન. ઘણીવાર એવું બને કે આ બન્ને એક જ હોય એટલે કે તમારું પેશન કે શોખ જ તમારી કમાણીનું મુખ્ય સાધન બને ત્યારે ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવે કે તમારે સપના છોડી હકીકત સ્વીકારવી પડે ને શોખ કે જેની તલબ હોય તે પાછળ છૂટી જાય. દુષ્યંત સોની સાથે પણ આવું જ કંઈક બન્યું. અભિનેતા થવાના સપના જોયા ને તેને સાકાર કરવાની મહેનત પણ કરી પણ પરિસ્થિતિએ સાથ ન આપ્યો ને જવાબદારીઓ માથે આવી. જોકે તેઓ ડગ્યા નહીં. જેવી તક મળી કે તરત ઝડપી અને કામધંધા સાથે ફરી કલાજગતમાં ડગ માંડ્યા અને આનું નિમિત્ત બન્યું મુંબઈ સમાચાર. દુષ્યંત એ સમયને યાદ કરતા જણાવે છે ૧૯૯૭માં મુંબઈ સમાચારે ગરબા હરીફાઈનું આયોજન કર્યું હતું અને તેમાં તેઓ વિજેતા બન્યા. દુષ્યંત-અમિતનું ગરબા સાથેનું આ જોડાણ ૩૦ વર્ષથી છે અને ૨૫ વાર તો તેમણે સ્પર્ધાઓ જીતી ટ્રોફી પોતાને નામ કરી છે. મુંબઈમાં તે સમયે યોજાતા તમામ ગરબા ગ્રાઉન્ડ પર આ બન્ને ભાઈઓ રમ્યા છે, વર્ષો સુધી પહેલા જ ક્રમાંકે ઈનામો જીત્યાં છે અને આ તમામ ગરબા ગ્રાઉન્ડમાં તેઓ જજ તરીકે પણ સેવા આપી ચૂક્યા હશે. આવું જવલ્લે જોવા મળતું હોય છે. હવે તેઓ જજ તરીકે કાર્યરત છે અને પાંચ વર્ષથી ગરબા વર્કશોપ કરી નવી જનરેશનને ગરબા શિખવાડે છે એ પણ ફ્રી ફ્રી ફ્રી. મુંબઈમાં તો ખરા જ પણ તેઓ દુબઈના ઈન્ડિયા કલબમાં પણ તેઓ ગરબા શિખવાડે છે અને યુવનો મોટી સંખ્યામાં આવે છે. તેઓ નવરાત્રિ દરમિયાન સ્પર્ધાઓનું પણ આયોજન કરે છે. કોરોનાની મહામારીના સમયમાં જ્યારે આખા વિશ્ર્વમાં સોંપો પડી ગયો હતો ત્યારે સ્વાભાવિક છે કે કલાજગતમાં પણ શાંતિ છવાઈ હતી. આ વખતે ઓટીટી પ્લેટફોર્મ આવ્યું. ત્યારે દુષ્યંત અને અમિતે પણ ગરબાને ઓટીટી જેવું પ્લેટફોર્મ આપ્યું. તેમણે ઑનલાઈન ગરબા કોમ્પિટિશનનું આયોજન કર્યું. ડિજિટલ ગ્લોબલ ગરબા. ઘરેથી જ ગરબા રમતો વીડિયો અપલોડ કરવાની આ કોમ્પિટિશનમાં ૨૫૦૦થી ૩૦૦૦ જેટલી એન્ટ્રી આવી અને ૩૩ જ્યુરીએ તે જોઈ ૨૦૦ વિનર્સ પણ જાહેર કર્યા. વર્ષ ૨૦૨૦ ને ૨૦૨૧માં આ આયોજન કર્યુ. આ સમય દરમિયાન તેમના બે ગીત પણ ટી સિરીઝ પર રિલીઝ થયા. પોતાને જેમ પોતાની ધર્મ અને સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યેની લાગણી તેમને અન્યોને પણ હોય તે સમજી બન્ને ભાઈઓ તેમની ફેક્ટરીના મહારાષ્ટ્રીયન વર્કસ માટે ખાસ ગણેશોત્સવનું ધામધૂમથી આયોજન પણ કરે છે.
આજે પણ દુષ્યંત સોનીની આંખોમાં અભિનય અને કલાજગત સાથે જોડાવવાનું સપનું રમતું દેખાય છે અને તેને સાકાર કરવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે.
દુષ્યંત
સોની સાથે પણ આવું જ કંઈક બન્યું. અભિનેતા થવાના સપના જોયા ને તેને સાકાર કરવાની મહેનત પણ કરી પણ પરિસ્થિતિએ સાથ ન આપ્યો ને જવાબદારીઓ માથે આવી. જોકે તેઓ ડગ્યા નહીં. જેવી તક મળી કે તરત ઝડપી અને કામધંધા સાથે ફરી કલાજગતમાં ડગ માંડ્યા