ગાંધીનું ગુજરાત… નશાખોરીનું ગુજરાત બની રહ્યું છે?
ફોકસ -રાજેશ યાજ્ઞિક
ચૂંટણીમાં નેતાઓના ભાષણો, લોકોને લાલચ આપવાની વાતો વગેરેના સમાચારો તો તમે ખુબ વાંચ્યા હશે, પણ એક સમાચાર વારંવાર પ્રગટ થયા હોવા છતાં તેના ઉપર બહુ ધ્યાન નથી ગયું. એ સમાચાર છે ચૂંટણી પંચ દ્વારા સુરક્ષા તપાસના ભાગ રૂપે પકડાયેલ ડ્રગ્સના…
ચૂંટણી દરમિયાન સુરક્ષા અધિકારીઓએ માત્ર અઢી મહિનામાં રૂપિયા ૩૯૫૮.૮૫ કરોડનું ડ્રગ સમગ્ર દેશના વિવિધ ભાગોમાંથી જપ્ત કર્યું હતું. એમાં ચોંકાવનારી અને ચિંતાજનક વાત એ કે આ જપ્તીમાંથી ૩૦ ટકા અર્થાત રૂપિયા ૧૧૮૭.૮૦ કરોડનું ડ્રગ એકલા ગુજરાતમાંથી જપ્ત થયું છે!
ફેબ્રુઆરી ૨૦૨૪માં ભારતીય તટ રક્ષકોએ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતીય ઇતિહાસનું સૌથી વધુ ૩,૩૦૦ કિલો ડ્રગ પકડી પાડ્યું. કચ્છના જખૌ આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક સમયથી નિયમિત રીતે ડ્રગના બિનવારસી પેકેટો પકડવાના સમાચારો છાશવારે આવી રહ્યા છે. જૂનના ત્રીજા અઠવાડિયામાં ૧૩૯ પેકેટો મળી આવ્યા હતા. તે પહેલા દ્વારકા અને કચ્છના દરિયેથી ૧૦૦ પેકેટો મળી આવ્યા હતા….
અહીં સવાલ એ છે કે ગાંધીનું ગુજરાત ખરેખર નશામુક્ત છે ખરું?
જવાબ સ્પષ્ટપણે છે, ના!
સરકારી સ્તરે ભલે દારૂબંધી લાગુ હોય, પણ બધા જ જાણે છે કે, ગુજરાતમાં છાને ખૂણે ઠેકઠેકાણે દારૂ મળવો મુશ્કેલ નથી. ગુજરાત રાજ્યના મોનીટરીંગ સેલ દ્વારા જાહેર કરાયેલ વિગત મુજબ વર્ષ ૨૦૨૨ની સરખાણીએ ૨૦૨૩માં બમણો દારૂ ઝડપાયો હતો. આ તો માત્ર ઝડપાયા તેની વાત છે, જે હિમશિલાની માત્ર ટોચ જ છે. સુરતની મેડિકલ કોલેજમાંથી પણ દારૂની બોટલો ઝડપાયાના સમાચાર પણ જુના નથી તો કડાણાની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસો પણ પીધેલી હાલતમાં પકડાયા છે. જ્યાં વાડ જ ચીભડાં ગળતી હોય ત્યાં કોને કહેવા જવું? એવું માનવાની ભૂલ પણ કરવા જેવી નથી કે ગુજરાતના પુરુષો જ છાને ખૂણે રસપાન કરે છે. દારૂસેવન સ્ત્રીઓને પણ છોછ નથી. વડોદરામાં એક પીધેલી મહિલાએ રસ્તા પર તમાશો કર્યાનો વિડિઓ પણ ખૂબ વાઈરલ થયો હતો. રાજકોટમાં લગ્નપ્રસંગે દારૂ પીને છાકટા થયેલા ૭ જણને જેલભેગા કરવા પડેલા. ઘણા તો એવું પણ કહે છે કે દારૂબંધીને કારણે ગુજરાતમાં ગેરકાયદે વેપાર પણ કરોડો રૂપિયાનો થાય છે, અને તેમાં પોલીસ અને આબકારી વિભાગોની પણ સારી એવી કમાણી થતી હોય છે એટલે આંખ આડા કાન કરવામાં આવે છે.
આ બધાની આડ- અસર એ પણ છે કે નકલી દારૂનો ધંધો પણ ફૂલોફાલ્યો છે. નકલી દારૂને કે દેશી દારૂને કારણે લોકના મોત પણ ગુજરાતમાં વધુ સાંભળવા મળે છે.
આ બધી માહિતી-વાત એટલે કહેવી પડે છે કે આપણે સહુએ બેચાર વાતો વિચારવાની જરૂર છે. પહેલી એ કે દારૂબંધી એ ક્યાંક ગુજરાતીઓનો દંભ તો નથી ને? પ્રજાને દારૂ પીવો છે, પણ કાયદાકીય મજબૂરી છે અને સરકારને દારૂબંધી લાગુ રાખવી એક રાજકીય મજબૂરી છે. અહીં સત્તા પર આવેલી કોઈ પણ સરકાર ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાનું વિચારે તેવી અત્યારે તો કોઈ શક્યતા દેખાતી નથી.
જે સરકાર એવું કરવાનો વિચાર પણ કરે, તેના માથે વિપક્ષો માછલાં ધોવામાં બાકી રાખે તેમ નથી. ભલેને એ જ વિપક્ષોની અન્ય રાજ્યની સરકારો છૂટથી પ્રજાને દારૂ પીરસતી હોય. સત્તાવાર દારૂબંધીને કારણે ગુજરાતીઓ કેટલો દારૂ પીવે છે તેની આંકડાકીય માહિતી મળવી મુશ્કેલ છે,
પણ ડ્રગના સેવન વિશેના ગુજરાતના આંકડા ચોંકાવનારા છે.
૨૦૨૩માં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સભામાં નશાખોરીના જે આંકડા રજૂ કરવામાં આવેલા, તે મુજબ ગુજરાતમાં લગભગ ૨.૩%ના દરે ૬.૯ લાખ લોકો ઉપશામક (સેડેટિવ) દવાના શિકાર હતા. આ આંકડા સાથે ગુજરાત રાજ્ય નશાગ્રસ્ત લોકો વાળા પ્રથમ પાંચ રાજ્યોમાં સ્થાન ધરાવે છે, જે ખરેખર ચિંતાજનક છે. આ રિપોર્ટમાં જ જણાવ્યા મુજબ ગુજરાતમાં દર્દ નિવારક દવાનો નશો કરનારા ૭.૯ લાખ બંધાણીઓ અને
ગાંજાના ૪.૮ લાખ બંધાણીઓ નોંધાયા હતા. ગુજરાતમાં પાન મસાલાનો ઉપયોગ યુવાનોમાં વ્યાપક રહ્યો છે, ખાનગી ખૂણે દારૂનું પણ ભપૂર સેવન થાય છે અને સત્તાવાર આંકડાઓ તો આપણી ચિંતામાં વધારો કરે તેવા છે કે નશાનું પણ બંધાણ વ્યાપક છે.
જે રીતે વિદેશમાંથી નશીલી દાવાઓને ગુજરાતમાં ઘુસાડવાની કોશિશ અવિરત ચાલુ છે તે આપણા માટે ચેતવણીની ઘંટડી સમાન છે. આ તો માત્ર ગુજરાતની વાત છે. આ જ રીતે દેશના વિવિધ દરિયા કાંઠે, બંગાળ અને બાંગ્લાદેશની સરહદે, વિમાન માર્ગે દાણચોરીથી ડ્રગ ઘુસાડવાના પ્રયત્નો સતત ચાલુ જ છે. આ નશાખોરીનો ધંધો ન માત્ર આપણા યુવાધનને બરબાદ કરે છે, પણ દેશની સુરક્ષા માટે પણ મોટું જોખમ તોળાયેલું છે. સીમા રક્ષકો, નાર્કોટિક્સ સેલ તો તેમના પ્રયત્નો કરી રહ્યા છે અને બને તેટલી નશીલી દવાઓની ખેપ દેશમાં આવતી રોકી રહ્યા છે, પણ આપણા બાળકો આ રવાડે ન ચઢે તેના માટે આપણે શું કરી શકીએ?
અથવા તો શું કરી રહ્યા છીએ?
ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક વગેરે તમામ સ્તરે આપણે આ બદીઓને ડામવા માટે એક સશક્ત પ્રયત્ન કરવાની જરૂર છે, નહીં તો આવનારી પેઢીનું ભવિષ્ય કેવું હશે તેવો એક ચિંતાજનક પ્રશ્ન મનમાં ખડો થઇ રહ્યો છે. વ્યસન પાન-મસાલાનું હોય, બીડી-સિગારેટનું હોય, દારૂનું હોય કે અન્ય કોઈ નશાનું, પણ વ્યસન એ વ્યસન જ છે. બાળકો અને યુવાનોને એ સમજાવવું પડશે, વારંવાર સમજાવવું પડશે, કે કોઈપણ વ્યસન ન તો ફેશન છે, ન તો લાઈફ સ્ટાઇલ છે, ન તો સ્ટ્રેસ બસ્ટર છે, એ બધું માત્ર આરોગ્ય અને જીવનનાશક જ છે.