ગાંધીબાપુનું ‘ટ્રિન ટ્રિન’ અનુપમ ખેરને!
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
‘ટ્રિન ટ્રિન ટ્રિન’ ટેલિફોનની ઘંટડી વાગતી રહી. ‘એલાવ હેલ્લો’ ટેલિફોનના એક છેડે રાબેતા મુજબનો અવાજ.
‘હેલ્લો હેલ્લો’.’ બીજા છેડેથી સરખો અવાજ.
‘હેલ્લો’, કોણ બોલે છે?’ એક છેડેથી પુછાયું.
‘તમે કોણ બોલો છો? ફોન તમે લગાવ્યો છે. તમને ખબર હશે ને કે તમે કોને ફોન લગાડ્યો છે?’
ટેલિફોનના પહેલા છેડાથી પુછાયેલા જવાબથી ટેલિફોનનો બીજો છેડો નારાજ થયો. તેની નારાજગી શબ્દોમાં ઝલકાતી હતી.
‘આપ, અનુપમ ખેર બોલો છો?’ ટેલિફોનના પહેલા છેડાએ સવિનય પૂછયું.
‘યેસ, આઇ એમ અનુપમ ખેર સ્પિકિંગ. હું આર યુ?’ અનુપમ ખેરે સામે પૂછયું.
‘હું બાપુ બોલું છું.’ સામેથી જવાબ આવ્યો.
‘કોણ બાપુ? કંઈ ગતાગમ પડી નહીં. સુશાંત રાજપૂત તો બોલતા નથી ને?’ અનુપમ ખેરે પૂછયું.
‘એ સજ્જન કોણ છે?’
‘એક મજાના -વર્સેટાઇલ ઍકટર હતા. એમણે બે વરસ પહેલાં આત્મહત્યા કરેલી’ અનુપમે જવાબ વાળ્યો.
‘ભાઇ, આત્મહત્યા તો કાયરતાપૂર્ણ કહેવાય. તેના પ્રાયશ્ર્ચિત માટે નકોરડા ઉપવાસ કરવા જોઈએ અને મનની શુદ્ધિ માટે અંત:કરણથી પ્રાર્થના કરવી જોઇએ.’ સામેના છેડેથી શુદ્ધીકરણ સૂચવાયું.
‘પણ આપ કોણ છો?’ અનુપમ ખેરે અકળાઈને પૂછયું.
‘મેં આપને મારો પરિચય તો આપ્યો. હું મો.ક.ગાંધી બોલું છું. હું મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધી બોલું છું.’ બાપુએ ખુદનો પરિચય આપ્યો.
બાપુને પરિચય આપવો પડે તેવો જમાનો આવ્યો છે. સિનેમાના નટ-નટીને આખું જગત ઓળખતું હોય છે.
‘ઓહ, હાઇલા. બાપુ મારાં ભાગ્ય ખૂલી ગયા કે ફાધર ઑફ નેશન મારી સાથે સંવાદ કરે છે. બાપુ હું આપનો બિગ ફેન આઇ મીન અનુયાયી છું.’ અનુપમના અવાજમાં અહોભાવ છલકાયો.
‘એમ? ઘણું સારું. અપરિગ્રહ અને બ્રહ્મચર્યના નિયમ પાળે છે? તકલી કાંતતો જ હોઈશ. રેંટિયો ચલાવવાથી મનના ઉદ્વેગ શાંત થાય છે. વસ્ત્ર માટે પરાધીન રહેવાના બદલે સ્વનિર્ભર અને સ્વાશ્રયી થઈ શકાય છે.’ બાપુએ યમનિયમના અમલ માટે પૃચ્છા કરી.
‘બાપુ, કસ્તૂરબાનું સ્વાસ્થ્ય કેવું છે?’ અનુપમ ખેરે પૂછયું.
‘તારી બાની તબિયત સારી છે. ક્યારેક ખાવાપીવામાં ધ્યાન રાખતી નથી એટલે તબિયત નરમગરમ રહે તો નકોરડા ઉપવાસ ખેંચી નાખે એટલે પાછી સાજી થઈ જાય. કિરણ અને સિકંદર મજામાં છે?’ બાપુએ સૌના હાલચાલ પૂછ્યા.
‘બાપુ તમે તો અત્યંત વ્યસ્ત હોવ છો, એ બધામાંથી સમય કાઢીને મને ફોન કર્યો. કોઈ વિશેષ પ્રયોજન ખરું?’ અનુપમ ખેરે મન કી બાત પૂછી.
‘ભાઈ, તને અભિનંદન આપવા ફોન કર્યો હતો.’ બાપુએ ફોનાશય જણાવ્યો.
‘બાપુ, મને શેનાં અભિનંદન? દાદા સાહેબ ફાળકે એવોર્ડ તો મિથુન ચક્રવર્તીને મળ્યો છે. મને ઑસ્કાર કે નેશનલ એવોર્ડ ક્યાં મળ્યો છે?’ અનુપમ ખેરે પ્રતિ પ્રશ્ર પૂછ્યો.
‘જો અનુપમ, હું સિનેમા, નાટક ચેટક જોતો નથી. એક વાર વિજય ભટ્ટે દુરાગ્રહ કરેલો ત્યારે એમણે બનાવેલ ‘રામરાજ્ય’ નામનું એક ચલચિત્ર જોયેલું. મને સિનેમા કરતાં શેરીની રામલીલા સારી લાગેલી. જોકે મેં તને ખાસ ઉદ્દેશ માટે અભિનંદન આપવા આ ફોન કર્યો છે.’
‘મતલબ?’
‘જો ભાઈ. આઝાદીની લડાઈ લગી બધું ઠીક હતું. હવેના નેતા અને એમના ભક્તોને હું આંખના કણાની જેમ ખૂંચું છું. મને ચાહનાર કરતાં મારો તિરસ્કાર કરનાર, મને ધિક્કારનાર વર્ગની સંખ્યા વધતી જાય છે. મારા દરેક કાર્યમાંથી પાણીમાંથી પોરા કાઢવામાં આવે છે. હું હિન્દુ વિરોધી હતો તેમ ગાઈ-વગાડીને કહેવામાં આવે છે. મારી હત્યાને લોકો મારા વધ તરીકે ખપાવે છે.’ બાપુએ વ્યથિત થઈ કહ્યું.
‘બાપુ, તમે બિનસાંપ્રદાયિક હતા એ ઘણાને પસંદ નથી.’ અનુપમે કહ્યું.
‘એ દૃષ્ટિનો ભેદ છે. આ દેશમાં મને ચલણી નોટ પર બેસાડ્યો છે તે ગમતું નથી. એમનું ચાલે તો મને નોટમાંથી ઉતરડીને પોતે ત્યાં અડિંગો જમાવી દે. સાચું કહું તો મને પણ નોટ પર છપાવું ગમતું નથી. ચોવીસ કલાક હસીને મારા મોઢાની ડાકલી દુખી ગઈ છે. ક્યારેક તો હોઠ ભીડવાની ઇચ્છા થાય છે. લોકોને ગાંધી પસંદ નથી. ક્ધિતુ, ગાંધી છાપ નોટોનો એતરાજ નથી. મને પણ થાય છે કે રૂપિયાની નોટ પર સરદાર, નહેરુ, સરોજિની નાયડુના ફોટા છપાય. આમ પણ હું અકિંચન અને અર્ધનગ્ન ફકીર છું. કેટલાક લોકોને ચલણી નોટો પર પોતાના, સાવરકરભાઈ અને બીજાના ફોટા છાપવા છે, પરંતુ તેમની હિંમત ચાલતી નથી.’ બાપુએ લાંબી વાત કહી.
‘વેઈટ, એક મિનિટ. બાપુ આ સો, બસો અને પાંચસોની નોટ પર તો તમારો હસતો નૂરાની ચહેરો છે. તો પછી મને શેનાં અભિનંદન?’ અનુપમ ખેરે પૉઈન્ટ ઑફ ઑર્ડર ઉઠાવ્યો.
‘જો ભઈ, જ્યાં મારો સાબરમતી આશ્રમ છે એ અમદાવાદ શહેરના માણેક ચોકમાં બનાવટી કે જાલી નોટ છાપવામાં આવી છે. મહાદેવભાઈ દેસાઈ હિસાબકિતાબમાં પાકા છે. તમે તેમના હિસાબમાં એક આનાની આઘીપાછી શોધી શકો નહીં. એ કહેતા કે ૧,૬૦,૦૦,૦૦૦ રૂપિયાની જાલી નોટ છપાઈ છે. અત્યાર સુધી જેટલી બનાવટી નોટ છપાઈ તેમાં મારો અસલી ફોટો છપાતો હતો. પહેલી વાર જાલી નોટમાં મારા ફોટાને બદલે તમારો ફોટો છપાયો છે. તમે, અભિનંદનને પાત્ર છો. તમે અભિનંદનના હક્કદાર પણ છો. સરકાર તો ચલણી નોટમાંથી મારો ફોટો હટાવી શકી નહીં, પરંતુ ગઠિયાઓએ ચલણી નોટ પર તમારો ફોટો છાપીને મારો ચલણી નોટ મોક્ષ કરાવી દીધો. આ એક ટેસ્ટ કેસ હતો. હવે, અસલી નોટ પરથી પણ મારો ફોટો હટાવી દો એટલે ગંગા નાહ્યા.’ બાપુએ નો બકવાસ સીધી વાત કહી.
‘હેં હેએઅં’ અનુપમ ખેરે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.
‘ચાલ, અનુપમ મારો પ્રાર્થના કરવાનો સમય શરૂ થાય છે. એટલે વાત ટૂંકાવું છું’ બાપુએ કહ્યું.
‘અરે…બાપુ…બાપુ…મારી વાત તો સાંભળો…’
સામેથી ફોન કટ!