ગાંધીજી એક સફળ માર્કેટર

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી
આવતી કાલે ગાંધી જયંતીની દેશ વિદેશમાં ઉજવણી થશે. માર્કેટિંગની ભાષામાં કહીએ તો તેઓ એક વૈશ્ર્વિક બ્રાન્ડ છે. ગાંધીજી પાસેથી બ્રાન્ડના પાઠ શીખવા જેવા છે અને તેના પર હું આની પહેલા લખી ચુક્યો છું. આપણે જાણીએ છીએ કે, બ્રાન્ડ એ તેના ગ્રાહકોને આપેલું વચન છે કે તેઓ તેની પાસેથી શું અપેક્ષા રાખી શકે છે, બ્રાન્ડ વિશ્ર્વસનીયતા વિશે છે. ગાંધીજી ન તો પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હતા કે ન તો કોઈ ફિલ્મસ્ટાર, તેમ છતાં, તેઓ વિશ્ર્વભરમાં શાંતિ અને અહિંસાના પ્રેરિત તરીકે આદરણીય છે. તેમના ઉપદેશો અને સિદ્ધાંતો પોતે જ એક ધારણા છે જેણે ભારતની સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું. લોકતાંત્રિક ચળવળોના નેતાની સાથે તે સર્વકાલીન સૌથી મહાન માર્કેટર પણ છે. તેમના જીવનમાંથી જે માર્કેટિંગના આકર્ષક પાઠ શીખવા મળે છે તે કોઈપણ નવા-યુગના માર્કેટરને દિશા બતાવી શકે છે પોતાના પ્રોડક્ટ કે સર્વિસને પ્રમોટ કરવા માટે. આજે આપણે આ વિષયો પાર જાણવાની કોશિશ કરીશું.
ગાંધીજીને પોતાના ટાર્ગેટ ઑડિયન્સની ઊંડી સમજ હતી. તેમનું ઑડિયન્સ એટલે દેશવાસીઓ. આપણે જાણીએ છીએ કે ભારત વિશાળ દેશ છે અને અહીં અમુક કિલોમીટરે ભાષા અને રહેણીકરણી બદલાય છે. આવા સમયે ગાંધીજીએ પહેલું કામ આફ્રિકાથી આવી આખા દેશમાં ફરવાનું કર્યું, લોકોને મળ્યા, પોતાની આપવીતી કહી અને લોકોની સમસ્યા અને દેશની આઝાદી વિશેના વિચારો જાણ્યા. ત્યારબાદ પોતાની ચળવળ શરૂ કરી. કોઈપણ વેપાર માટે લોકલ બજાર, કોને માલ વેચવાનો છે અથવા તેમનું ટાર્ગેટ ઑડિયન્સ શું છે તેની જાણ હોવી આવશ્યક છે. તમારા ઑડિયન્સને મળી તેઓની આવશ્યકતા, સમસ્યાઓ જાણી તે મુજબના ઉત્પાદનો અને માર્કેટિંગ સંદેશા બનાવવા જરૂરી છે. આમ, ક્ધઝ્યુમરનો, ટાર્ગેટ ઑડિયન્સની ઊંડી સમજ કોઈપણ વેપાર અને બ્રાન્ડ માટે વ્યૂહરચનાનું મહત્ત્વનું પાસું છે જે આપણને ગાંધીજી પાસેથી શીખવા મળે છે. આના સંદર્ભમાં બીજી વાત હંમેશાં તેઓએ કરી છે તે એટલે ગ્રાહક રાજા છે કે ગ્રાહક ભગવાન છે. ગાંધીજીએ હંમેશા ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરવા પર ભાર મૂક્યો હતો. ગ્રાહક સાથે સારા સંબંધો નફાકારક વ્યવસાયમાં પરિણમે છે.
વેપારમાં કે જીવનમાં તમારા પ્રતિસ્પર્ધી વિશેની માહિતી હોવી આવશ્યક છે. તમારા પ્રત્યક્ષ અને પરોક્ષ બને પ્રતિસ્પર્ધીઓનો અભ્યાસ હોવો જરૂરી છે. તેમની વ્યૂહરચના, તેમની ભવિષ્યની રૂપરેખા વગેરે પર નજર તમને તમારી બ્રાન્ડને કે વેપારને સારી રીતે ચલાવવામાં મદદ કરશે. ઇંગ્લેન્ડમાં (કાયદાનો અભ્યાસ) અને દક્ષિણ આફ્રિકામાં (ત્યાં બ્રિટિશ શાસન સામે લડતા)માં ગાંધીજીને બ્રિટિશ માનસિકતા, વ્યૂહરચના – અને અગત્યનું, તેમની ક્ષતિઓ વિશે વ્યાપક આંતરદૃષ્ટિ આપી હતી. આમાંની એક વાત એટલે ઇંગ્લેન્ડની પોતાને એક સંસ્કારી, જવાબદાર રાષ્ટ્ર તરીકે જોવાની ઇચ્છા હતી – જે દેશોમાં તે શાસન કરે છે તેના વર્તનથી તદ્દન વિપરીત. ગાંધીજીએ આ સમજણના સહારે મુખ્ય મૂલ્યોને વ્યાખ્યાયિત કર્યા, જે ભારતે આખરે તેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અપનાવ્યા. કોઈપણ બ્રાન્ડ કે વેપાર માટે પોતાના મૂલ્યો સ્થાપિત કરી તે મુજબ વ્યવહાર કરવો અતિ જરૂરી છે. ગાંધીજીએ પોતાના પ્રતિસ્પર્ધીનું ઉપર જણાવેલું નબળું પાસુ જાણી દેશને સત્ય અને અહિંસાના મૂલ્યો આપ્યા. દેશ વિદેશના લોકોને અંગ્રેજોની આ માનસિકતા વિશે વારે વારે વાત કરી અને તેમને ઉઘાડા પાડ્યા. જે લોકો પોતાને જવાબદાર અને સંસ્કારી રાષ્ટ્ર તરીકે દાખવતા હતા તેઓ આવા હોઈ શકે તેના પર વાર કરી પ્રતિસ્પર્ધીને માત આપી. ફક્ત તેટલું નહિ નક્કી કરેલા મૂલ્યો પર અંત સુધી કાયમ રહેવા દેશવાસીઓને સમજાવ્યું. અર્થાત્ પ્રતિસ્પર્ધીને સમજી વ્યૂહરચના બનાવી, મૂલ્યો સ્થાપિત કરવા અને કંપનીમાં બધાને તેના પર કાયમ રહી કામ કરવા પ્રેરિત કરવા. આ એક સફળ માર્કેટરની આવડત દર્શાવે છે.
વિશિષ્ટ બ્રાન્ડ આઇડેન્ટિટી હોવી જરૂરી છે. બ્રાન્ડ પોતાના સિમ્બોલથી ઓળખાય છે. ગાંધીજીના બ્રાન્ડ અસોસિયેશન્સ પ્રતીકાત્મક રીતે જોઈએ જે ફક્ત જોવાથી ગાંધીજી ડિફાઇન થઈ જાય. તેમના ચશ્માં, સફેદ પોતડી, ગાંધી ટોપી, લાકડી અને સૌથી મહત્ત્વનું ચરખો. ગાંધીજીના ફોટા વગર પણ આમાંથી એકાદ પ્રતીક જો કોઈ ચિત્રમાં કે કેમ્પેઇનમાં વાપરવામાં આવે તો તરત જ ગાંધીજીની યાદ અપાવશે. બ્રાન્ડ માટે જેમ આઇડેન્ટિટી જરૂરી છે તેમ આવા નાના નાના બ્રાન્ડ અસોસિયેશન જો બિલ્ડ કરી શકે તો લાંબા ગાળે તેમને જરૂરથી રીકોલ વેલ્યૂ વધારવામાં મદદ કરશે. દરેક પ્રતીકોએ અંગ્રેજોને એક મજબૂત સંદેશો મોકલ્યો કે ભારત સ્વ-શાસન માટે સક્ષમ છે, અને આત્મવિશ્ર્વાસ જગાડ્યો કે સંયુક્ત પ્રયાસ દ્વારા, કંઈપણ અશક્ય નથી.
એવું જીવો જાણે કાલે મરવાના છો. શીખો એવી રીતે જાણે તમે હંમેશ માટે જીવવાના છો. આ મહાત્મા ગાંધીના પ્રખ્યાત અવતરણોમાંથી એક છે જે દરેક સફળ માર્કેટરને લાગુ પડે છે. અંતિમ પરિણામ અથવા નફા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, વ્યક્તિએ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી હંમેશાં નવું નવું શીખતા રહેવું જોઈએ. આજના સમયમાં ખાસ જયારે દુનિયા ડગલે ને પગલે નવી વાતો, વિચારો અને ટેક્નોલોજીમાં બદલાતી રહી છે.
તમારા ગ્રાહક સાથે લાગણીનો સંબંધ બાંધો. તેમની દરેક ક્રિયા ભાવનાત્મક પ્રતિભાવ જગાડવા માટે બનાવવામાં આવી હતી. ભલે તે મીઠાના સત્યાગ્રહની દાંડી કૂચ હોય કે મૃત્યુ સુધીના ઉપવાસ, ગાંધીજી હંમેશાં તે લોકોની લાગણીઓ વિશે વાત કરતા હતા જેમને તેઓ સંબોધતા હતા. તેવી જ રીતે, તમારા માર્કેટિંગ અને જાહેરાતના પ્રયત્નોમાં પણ, તમારા પ્રેક્ષકોની લાગણીઓને છંછેડો જેથી તેઓ તમારી પ્રોડક્ટ અથવા સેવાને ધ્યાનમાં લે, યાદ રાખે, શેર કરે અને ખરીદે. લાગણીનો સંદેશો હંમેશાં ગ્રાહક પ્રતિસાદ મેળવે છે. એડવર્ટાઇઝિંગ મેસેજમાં સાતત્યતા હોવી જરૂરી છે. એકની એક વાત અલગ અલગ રીતે કહેવામાં આવે તો લોકોના મગજમાં તે સ્થિર થાય. ગાંધીજીએ જયારે જયારે લોકો સાથે વાત કરી ત્યારે સત્ય, અહિંસા, એકતા જેવા મુદ્દાઓને વારંવાર લોકો સમક્ષ દોહરાવ્યા. લોકોને જણાવ્યું કે આના સહારે આપણે સ્વતંત્રતા મેળવવાની છે.
માર્કેટિંગમાં તમારા ગ્રાહકો સાથેનો તમારો સંબંધ પારદર્શક અને નૈતિક હોવો જોઈએ. પ્રતિસ્પર્ધી તમારી બ્રાન્ડની છબીને ખરડાવવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ જો તમે સાચા મનથી કામ કરશો અને તમારી આંતરિક શક્તિને મજબૂત કરશો તો કોઈ તમારી પ્રતિષ્ઠાને બગાડી શકશે નહીં. ગાંધીજી આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સત્યના પ્રયોગો તેમની પારદર્શિતાની સાબિતી આપે છે તો બીજે છેડે પોતે જે વચન આપ્યું છે તેને નિભાવ્યું છે. સત્ય, અહિંસા, અસ્તેય જેવા વિચારોને અંત સુધી છોડ્યા નથી.
કોઈપણ બ્રાન્ડ માટે જે વાયદાઓ કર્યા છે તેના પર કાયમ રહેવું આવશ્યક છે.
આમ, ગાંધીજીના જીવનને માર્કેટિંગની દૃષ્ટિથી જોશું તો જણાશે કે તેમનું જીવન એક રેડિમેડ માર્કેટિંગ ગાઈડ છે જે એક સફળ બ્રાન્ડ બનાવવા માટે મદદરૂપ થશે જે લોકોના દિલો દિમાગ પર વર્ષોના વર્ષ રાજ કરશે, ગાંધીજીની જેમ.