ગણપતિ ન્યાય અને ગણપતિ મૂષકયોગ
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
મંગળવારે ભાદરવા સુદ ચોથ. જૈનોની સંવત્સરી અને દૂંદાળા (મોટી ફાંદવાળા) દેવ ગણેશજીના આગમનનો દિવસ. શંકર – પાર્વતીના પુત્ર ગણપતિ ગણેશ ઉપરાંત વિનાયક, ગજાનન, વિઘ્નહર, એકદંત, ચતુર્ભુજ વગેરે નામથી પણ ઓળખાય છે. ગજશીર્ષના આરોપણને લીધે તેઓ ગજાનન અને તેમનો એક દાંત પરશુરામ સાથેના સંઘર્ષમાં કપાઈ ગયો ત્યારથી તે એકદન્ત થયા. કોઈ પણ પૂજા કે અનુષ્ઠાનમાં સૌથી પહેલા ગણપતિનું સ્મરણ કરવામાં આવે છે. જો કોઈ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીના આશીર્વાદ લેવામાં આવે તો કોઈ વિઘ્ન નથી આવતું કે કોઈ અંતરાય નથી નડતો એવી માન્યતા છે. હંમેશાં પ્રથમ પહેલા ગણેશજીના સ્મરણ અને ઉચ્ચારણ સાથે શુભ કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. ભાષામાં પણ ગણેશજીનું વિશિષ્ટ સ્થાન છે. ગણપતિ બેસવા – ગણપતિ બેસાડવા એટલે ગણપતિની સ્થાપના થવી કે કરવી (શુભકામ, જેમ કે, લગ્ન શરૂ કરવા), આરંભ થવો કે કરવો. ભગવદ્ગોમંડલ અનુસાર ગણપતિના પૂજનની વિધિ ગણપતિકલ્પ તરીકે ઓળખાય છે. ગણપતિ ન્યાય એટલે યુક્તિથી કોઈ મોટું કામ જલદી થાય એવું દૃષ્ટાંત. એક વારે દેવોમાં વિવાદ ચાલ્યો કે બધામાં પૂજ્ય કોણ? બ્રહ્માએ કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા પહેલી કરી આવે તે શ્રેષ્ઠ. આથી બધા દેવો પોતપોતાનાં વાહન ઉપર ચાલ્યા. ગણેશજીએ ઉંદર ઉપર સવારી કરી, પણ બધાની પાછળ રહ્યા. એવામાં તેમને નારદ મળ્યા. તેમણે ગણેશજીને યુક્તિ બતાવી કે રામ નામ લખી તેની પ્રદક્ષિણા કરી જલદી બ્રહ્મા પાસે પહોંચી જાઓ. ગણપતિએ આ આ પ્રમાણે કર્યું અને દેવોમાં પ્રથમ પૂજ્ય થયા. આ રીતે જ્યાં થોડી યુક્તિથી ઘણું મોટું કામ થાય ત્યાં આ ન્યાયનો પ્રયોગ થાય છે. અલબત્ત આ દ્રષ્ટાંત ગણેશજીએ માતા પિતા (શિવજી અને પાર્વતીજી)ની પ્રદક્ષિણા કરી એ રીતે પણ પ્રચલિત છે. અન્ય એક ઓછો જાણીતો પણ સમજવા જેવો પ્રયોગ છે ગણપતિ મૂષકયોગ. મૂષક એટલે ઉંદર અને ગણપતિ મૂષકયોગ એટલે સારાનો નરસા સાથે સંબંધ. મોટા શરીરવાળા ગણપતિજીનું વાહન ઉંદર માનવામાં આવ્યું છે. ગણપતિને ઉંદરની સવારી કરતા કેમ દર્શાવવામાં આવ્યા છે એનો ભાવાર્થ જાણવા જેવો છે. મૂષક એટલે કે ઉંદરનો સ્વભાવ કાપવાનો છે. તે કોઈપણ વસ્તુના મહત્ત્વને જાણતો નથી. ઉંદર એટલે કુતર્ક – અવળા વિચારની બુદ્ધિ જ્યારે ગણપતિ એટલે સુબુદ્ધિના દેવતા. સુબુદ્ધિની હાજરી હોય તો એ કુબુદ્ધિને દબાવી દે છે એવી વિશિષ્ટ સમજણ ગણપતિ મૂષકયોગથી મળે છે.
SYNDROME IDIOMS
રોગમાં એકીસાથે દેખાતા લક્ષણોનો સમુદાય, અભિપ્રાયો, લાગણીઓ વગેરેનો લાક્ષણિક એકત્ર સમૂહ અંગ્રેજીમાં સિન્ડ્રોમ SYNDROME તરીકે ઓળખાય છે. ભાષામાં આ સિન્ડ્રોમ કઈ રીતે વણાઈ ગયો છે એ આપણે જોઈએ. Stockholm Syndrome એ માનસિક અવસ્થા છે. આ અવસ્થામાં અપહરણ કરવામાં આવેલી વ્યક્તિને અપહરણકર્તા માટે તીવ્ર નફરત થવાને બદલે કૂણી લાગણી થઈ જાય છે. આ પ્રયોગ સ્વીડનના પાટનગર સ્ટોકહોમ શહેરની એક બેંકમાં થયેલી લૂંટફાટને પગલે અસ્તિત્વમાં આવ્યો હતો. લૂંટ દરમિયાન બાનમાં રાખવામાં આવેલા લોકોને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમના મનમાં પોલીસ માટે અભાવ જન્મ્યો હતો જ્યારે અપહરણકર્તા માટે કૂણી લાગણી જન્મી હતી. China Syndrome કાલ્પનિક ભય વ્યક્ત કરે છે. આ રૂઢિપ્રયોગ એક એવી અવસ્થા વ્યક્ત કરે છે જેમાં ઉત્તર અમેરિકા સ્થિત એક અણુ મથક પીગળી જતા પૃથ્વીના પેટાળમાં મોટું બાકોરું પડે છે અને એ બાકોરું ચીન સુધી લંબાય છે. જોકે, વાસ્તવમાં આ શક્ય નથી. અણુ મથકમાં ખરાબી થતા રેડિયો એક્ટિવ ગેસ વાતાવરણમાં ભળી જાય છે જે માનવજાત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. ટૂંકમાં અણુ શક્તિના ભયસ્થાન તરફ આંગળી ચીંધવામાં આવી છે. Imposter Syndrome એક એવી માનસિક અવસ્થા છે જેમાં વ્યક્તિને પોતાની ક્ષમતા, કાબેલિયત પર શંકા જાગે છે. મોટેભાગે આ સમસ્યા ઉચ્ચ સિદ્ધિ મેળવતી વ્યક્તિમાં જોવા મળે છે. સિદ્ધિનું સોપાન સર કર્યા પછી પોતે મળેલા માનપાનને લાયક છે કે કેમ એ વાત સતત તેમને મૂંઝવતી રહે છે. Down Syndrome સમસ્યાથી પીડાતી વ્યક્તિના શરીરમાં વધારાના રંગસૂત્ર કે ગુણસૂત્ર હોય છે. બાળપણમાં જ આ અવસ્થા અનુભવતી વ્યક્તિના શરીર અને મગજનો વિકાસ અસમતોલ હોય છે અને પરિણામે તેને ભવિષ્યમાં માનસિક અને શારીરિક પડકારોનો સામનો કરવો પડે છે. Derangement Syndrome અવસ્થા લાગણી તંત્ર સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈ વ્યક્તિનું નામ પડતા કે કોઈ હકીકતનો ઉલ્લેખ થવાથી અતિશય ક્રોધ ચડી આવે કે હતાશા ઘેરી વળે એ દર્શાવવા આ પ્રયોગ વપરાય છે. મોટેભાગે ચોક્કસ રાજકારણીના નામના ઉલ્લેખ સાથે એને સંબંધ હોય છે. હવે વાત કરીએ Peter Pan Syndrome વિશે. કેટલાક લોકોની શારીરિક ઉંમર વધી હોય પણ એમનામાં પરિપક્વતા આવે જ નહીં અને મોટેરા તરીકેની જવાબદારીથી દૂર ભાગે એમના માટે આ પ્રયોગ વપરાય છે. મોટી ઉંમરે પણ તેમનું વર્તન બાળક જેવું જોવા મળે છે.
गणपतीची आरती
ગણપતિ બાપ્પાનું આગમન થવાની તૈયારી છે ત્યારે તેમની મંગળ આરતીનું પઠન કરી તેના અર્થના ભાવ જાણીએ. सुखकर्ता दु:खहर्ता वार्ता विघ्नाची ।नुरवी, पुरवी प्रेम कृपा जयाची ॥सर्वांगी सुंदर उटी शेंदुराची ।कंठी झळके माळ मुक्ताफळांची ॥१॥ ગણેશજી સર્વ સુખ આપનારા અને સર્વ દુઃખ હરનારા એટલે કે દૂર કરનારા છે. તેઓ મુશ્કેલીનો પડછાયો પણ રહેવા નથી દેતા. આ દેવની કૃપા હોય તો પુષ્કળ પ્રેમ મળે છે. ગણપતિ સર્વાંગ સુંદર છે અને તેમના ઉપર સિંદૂરનું ઉબટણ લાગ્યું હોય છે. તેમના ગળામાં સુંદર મોતીનો હાર ઝળહળે છે. जयदेव जयदेव जय मंगलमूर्ती ।दर्शन मात्रे मन:कामना पुरती ॥धृ॥ આવા મંગળમૂર્તિ દેવનો જયજયકાર. તેમના દર્શનમાત્રથી જ બધી મનોકામના પૂર્ણ થાય છે. रत्नखचित फरा तुज गौरीकुमरा । चंदनाची उटी कुंकुमकेशरा ॥ हिरेजडित मुकुट शोभतो बरा । रुणझुणती नूपुरें चरणी घागरिया ॥ जय ॥२॥ હે પાર્વતીપુત્ર, તમને રત્ન ભરેલો થાળ અર્પણ કર્યો છે. ચંદન, કંકુ અને કેસર (સુગંધી દ્રવ્યો)નું ઉબટણનો લેપ તમારા શરીર પર કર્યો છે. હીરા જડિત મુગટ તમને શોભી રહ્યો છે. તમારા પગમાં પહેરાવવામાં આવેલા ઝાંઝરનો રણકાર કર્ણમધુર લાગે છે. लंबोदर पीतांबर फणिवर वंदना । सरळ सोंड वक्रतुंड त्रिनयना ॥ दास रामाचा वाट पाहे सदना । संकटी पावावे निर्वाणी रक्षावे सुरवरवंदना ॥ जय ॥३॥ વિશાળ ઉદર (લંબોદર) ધરાવતા, પીતાંબર ધારણ કરનારા અને શેષનાગ જેમને વંદન કરે છે એવા સીધી સૂંઢ ધરાવતા વક્રતુંડ એટલે કે વક્રમાર્ગે – ખોટા રસ્તે જનારને સાચા માર્ગે દોરી જાય છે એવા ગણેશજી તમને ત્રણ નેત્ર છે. ત્રીજું નેત્ર જ્ઞાનનું પ્રતીક છે. મતલબ કે ગણેશજી અજ્ઞાનનો નાશ કરનારા છે. હું – રામદાસ (રામનો દાસ, સમર્થ રામદાસ સ્વામી) મારા ઘરે તમારી વાટ જોતો બેઠો છું. સર્વોત્તમ દેવો જેમને વંદન કરે છે એવા હે ગણેશજી, સંકટ સમયે તમે મારી મદદ કરજો અને દેહ નિર્વાણ વખતે પણ મારું રક્ષણ કરજો એવી મારી પ્રાર્થના છે.
भरमानेवाले शब्द
14 સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી એ નિમિત્તે ક્રિકેટની રમતના કેટલાક અત્યંત પ્રચલિત શબ્દોને હિન્દીમાં શું કહેવાય એવો સવાલ સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર કર્યો હતો. કેટલાકે સાચા જવાબ આપ્યા તો કેટલાક જવાબ ખોટા પણ રમૂજી હતા. મજા તો એ વાતની આવી કે એક યુવતીએ તો સચિનએ નહોતો પૂછ્યો એ ક્રિકેટ શબ્દનું મજેદાર હિન્દીકરણ કરી લોકોને મોજ કરાવી દીધી હતી. ક્રિકેટ એટલે गोलगट्टम लकड़ पट्टम दे दनादन प्रतियोगिता એવું તેણે જણાવ્યું હતું. આજે આપણે શબ્દ રચનામાં અને સાંભળવામાં ખૂબ સરખા હોવાનો ભ્રમ ઊભો કરતા હિન્દી શબ્દો તપાસી તેમના અર્થમાં કેટલું મોટું અંતર છે એ જાણીએ. ભ્રમ પેદા કરતી શબ્દની પહેલી જોડી છે अंगीठी और अंगूठी। લખવામાં અને સાંભળવામાં કેવું જબરદસ્ત સામ્ય છે બંનેમાં. અલબત્ત ધ્યાનથી વાંચશો તો ફરક ધ્યાનમાં આવશે. પહેલો શબ્દ છે अंगीठी જેનો અર્થ થાય છે સગડી. કોલસા બાળી પ્રવાહી અને પદાર્થને ગરમ કરવાનું સાધન. બીજો શબ્દ છે अंगूठी જેનો અર્થ થાય છે વીંટી જે લગ્ન જીવનની વિધિમાં અલાયદું સ્થાન ધરાવે છે. બીજી જોડી अंबुज और अंबुद પણ ગજબનું સામ્ય ધરાવે છે. જોકે अंबुज એટલે કાદવમાં ખીલતું કમળ જે હાલની રાજકીય પરિસ્થિતિમાં ચિહ્ન તરીકે ખૂબ મહત્ત્વ ધરાવે છે. બીજો શબ્દ अंबुद કેવળ અંત્ય અક્ષરનો ફરક ધરાવે છે, પણ અર્થમાં સમૂળગો ફેરફાર છે. અંબુદ એટલે વાદળ. अथक और अथाह તેમજ अनल और अनिल પણ ગજબની થાપ ખવરાવી દે એવી જોડી છે. अथक એટલે ન થાકે એવું અને अथाह એટલે અગાધ, ખૂબ ઊંડું. એક વાત નક્કી કે છબછબિયાં કરવાથી ભાષાની ઊંડાઈનો ખ્યાલ ન આવે. એના માટે અથાક કોશિશ કરવી પડે, બરાબર? બીજી જોડીમાં તો માત્ર હ્રસ્વ ઈનો ફરક છે, પણ અર્થમાં ઉત્તર – દક્ષિણનું છેટું છે. अनल એટલે અગ્નિ અને अनिल એટલે પવન. અગ્નિ અને પવનના સંબંધ વિશે તો ‘મુંબઈ સમાચાર’ના સજાગ વાચકો સારી પેઠે વાકેફ હશે. (આ ભ્રમકથા આવતા સપ્તાહે આગળ ચાલશે)
ઉ