ઉત્સવ

ગણપતિ બાપ્પાના જીવનમાંથી પણ મળે છે ઈન્વેસ્ટમેન્ટનો બોધ

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

ગણપતિ બાપ્પાની પધરામણી શરૂ થઈ છે, આ ઉત્સવને ઉજવતી વખતે તેમાંથી શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટના પાઠ પણ શીખી શકાય છે. શેરબજાર એક દિવસ તૂટે, બીજે દિવસે ઉછળે ત્યારે રોકાણકારો મૂંઝાય છે. કયારે લેવાલી કરવી, કયારે વેચવાલી? ક્ધફયુઝન ચાલતું રહે છે. આવા સંજોગો વારંવાર ઊભા થતા રહે છે ત્યારે ગણપતિ બાપ્પાની જીવનકથા, તેમનાં ચોકકસ ગુણોમાંથી બોધપાઠ લઈને શેરબજારમાં સફળ થઈ શકાય છે, નવાઈ લાગી શકે, કિંતુ સમજો તો ઈશારા અને બોધપાઠ બધેથી મળે…

દરેક મહત્ત્વના કાર્યનો શુભારંભ આપણે ગણપતિ બાપ્પાના નામ કે પૂજા સાથે કરીએ છીએ, લોકો પૂછતા હોય છે કે શેરબજારમાં ઝંપલાવવાનો ખરો સમય-શુભ સમય કયો કહેવાય? વાસ્તવમાં શેરબજારમાં રોકાણનો પ્રારંભ કોઈ પણ સમયે થઈ શકે છે, પણ વિશેષ સમય મંદીનો ગણાય. જ્યારે પણ શેરબજારમાં ભાવો નીચે ઉતરી ગયા હોય ત્યારે પ્રવેશ કરવામાં સાર છે. શેરબજારમાં પ્રવેશવાનો કયો સમય ખરો, એ તેણે જ વિચારવાનું હોય છે, જેણે ટૂંકા ગાળા માટે
રોકાણ કરવું હોય. શેરબજારમાં લાંબા ગાળા માટે પ્રવેશવાનો દરેક સમય
શુભ છે.

પોર્ટફોલિયો ઘડવાનો બોધપાઠ
ગણપતિ બાપ્પા વિશેની કથા મુજબ જ્યારે તેમને ભાઈ કાર્તિક સાથે પુથ્વીની પ્રદક્ષિણાની સ્પર્ધામાં ઉતરવાનું કહેવામાં આવ્યું હોય છે ત્યારે કાર્તિક તો પોતાના અવકાશયાનમાં બેસી પૃથ્વીની પ્રદક્ષિણા માટે નીકળી પડે છે, પરંતુ ગણપતિજીએ માતા પાર્વતી અને પિતા શંકર ભગવાનની આસપાસ પ્રદક્ષિણા કરી બેસી જાય છે. અહીં એક જબરદસ્ત સંદેશ મળે છે કે માતા-પિતામાં જ સમગ્ર પૃથ્વી કે જગત આવી જાય છે. અહીં રોકાણકારોએ સમજવાનું કે તેમણે આખા બજાર પાછળ દોડવાને બદલે પસંદગીની ચોકકસ મર્યાદિત સ્ક્રિપ્સ આસપાસ જ રહેવું જોઇએ. માત્ર કોઈપણ વ્યક્તિ ટિપ્સ આપે એટલે શેરો ખરીદતા જવાને અને રોકાણનો પોર્ટફોલિયો મોટો કરતા જવાને બદલે મર્યાદિત રાખવો સલાહભર્યું છે.

પોર્ટફોલિયોમાં મહત્તમ દસ જેટલી સ્ક્રિપ્સ રાખવી આદર્શ છે. સંખ્યા ઓછી હશે તેમ તેનો અભ્યાસ કે રિવ્યુ કરવાનું કામ સરળ અને ધ્યાનપૂર્વકનું બનશે. પચાસ સ્ક્રિપ્સ ભેગી કરીને અમુકમાં કમાવાનું અને અમુકમાં ગુમાવવાનુ રાખી સરવાળે કંઈ ખાસ પામવાનું જ ન રહે એવું બનતું હોય છે. અર્થાત તમને જે શેર વધુ લાભદાયી કે વુદ્ધિલક્ષી લાગે તો તેને એક-એક-બે-બે ની સંખ્યામાં પણ જમા કરી શકાય. કેટલાક લોકો શેરના ભાવોને જોઈ તે શેર ખરીદવાનું નકકી કરે છે, એટલે કે શેર રૂપિયા ૨૫-૫૦ની અંદરનાં ભાવે મળતો હોય તો લોકોને એ શેર સસ્તો અને સારો લાગે છે અને કોઈ શેરનો ભાવ રૂપિયા ૫૦૦થી ૧૦૦૦ આસપાસ કે વધુ બોલાતો હોય તો લોકોને તે મોંઘો લાગે છે, પરિણામે લોકો તેનાથી દુર રહે છે. હકીકતમાં પેલો રૂપિયા ૨૫-૫૦નો શેર ભવિષ્યમાં ૪૦ કે ૩૦ રૂપિયા થઈ જાય એમ બની શકે અને રૂપિયા ૧૦૦૦નાં ભાવવાળો શેર રૂપિયા ૧૨૦૦ કે ૧૫૦૦ થઈ ગયો હોય એવું પણ બની શકે છે. તો પછી ખરીદવા માટે લાયક શેર કયો કહેવાય? ઈન શોર્ટ, રિલાયન્સ, એચડીએફસી, ટીસીએસ, લાર્સન, વગેરે જેવી સ્ક્રિપ્સ નાની-નાની સંખ્યામાં પણ જમા કરવામાં પણ શાણપણ છે. આને તમે તમારા પોતાના સ્ટોક એસઆઈપી કહી શકો.

જ્ઞાનનો ભાર નહી રાખવાનો બોધપાઠ
મને તો શેરબજારમાં બધી જ ખબર પડે, હું ધારૂં છું એમ જ અહીં થાય છે, હું તો ખોટો પડું જ નહીં, વગેરે જેવા ભ્રમમાં કે અભિમાનમાં રહેનારા માટે ગણપતિ બાપ્પાનો સંદેશ એ જ છે કે તમારી વિવેક બુધ્ધિથી વ્યવહાર કરો. કોઈપણ કામ જયારે શુભ હેતુથી થતું હોય ત્યારે તે નાનું કે મોટું હોતું નથી અને એટલે જ ગણપતિ બાપ્પા પોતે જ વ્યાસમુનિ પાસે બેસી મહાભારતનાં લહિયા બની ગયા હતા. તેમણે ઉંદર જેવા નાનકડા જીવને પણ અનોખું સ્થાન આપ્યું. તેથી જ્યાં પણ ગણપતિજીની હાજરી હોય ત્યાં મૂષકની હાજરી હોય જ છે. મિઠાઈ તરીકે બાપાએ મોદકને પણ અનોખી ઓળખ આપી છે. આમ ફરી મેસેજ એ જ છે કે શેરબજારમાં શીખવા સમજવા માટે દરેક નાની-નાની કે નવી બાબતો પણ મહત્ત્વની હોય છે.

પ્રોફિટ બુકિંગનો બોધપાઠ
ગણપતિ બાપ્પાને લાડુ કેટલા વહાલા છે એ તો જાહેર છે, શેરબજારમાં લાડુ ખાઈ લેવાનો અર્થ પ્રોફિટ ઘરમાં લઈ લેવાનો થાય છે. શેરબજારમાં સમયાંતરે તેજી કે મંદી આવતી રહે છે. રોકાણકારે ચોકકસ સમયે સારો નફો મળતો હોય તો એ લઈ લેવો જોઈએ. અર્થાત વળતર બાબત સંતોષ રાખી નફો બુક કરી લેવામાં સાર છે. અલબત્ત, આ નિર્ણય સમજી-વિચારીને લેવો જોઈએ, ઉતાવળે નહી. બાકી તો સારા સ્ટોકસ લાંબા ગાળાના હોય છે, પરંતુ ક્યાંક આંશિક પ્રોફિટ લઈ લેવામાં શાણપણ
હોય છે.

બજારમાં નહીં ગભરાવાનો બોધપાઠ
ગણપતિજીની કથા કહે છે કે જયારે માતા પાર્વતી ઘરમાં સ્નાનગૃહમાં જાય છે ત્યારે બહાર ગણપતિને ઊભા રહી ચોકી કરવાનું કહે છે અને કોઈને અંદર નહીં આવવા દેવાની સૂચના આપે છે. એ સમયે ભગવાન શંકર ત્યાં આવે છે તો ગણપતિ તેમને પણ ભીતર જવાની ના ફરમાવે છે અને એ વખતે ભગવાન શંકર પોતાના આ પુત્ર વિષે અજાણ હોવાથી ક્રોધમાં આવી ગણપતિનું માથું ધડથી અલગ કરી દે છે. ત્યારબાદ માતા પાર્વતીને આ વાતની જાણ થતા ભગવાન શંકર અને માતા પાર્વતી વચ્ચે વાર્તાલાપ થાય છે અને ભગવાન શંકર બહાર જઈ માર્ગમાં પહેલા જે કોઈપણ મળે તેનું માથું લઈ આવી ગણપતિનાં ધડ પર બેસાડવાનું નકકી કરે છે , જેમાં સૌપ્રથમ તેમને રસ્તામાં હાથી મળે છે તેથી ભગવાન શંકર હાથીનું માથું કાપી લઈ ગણપતિનાં ધડ પર મૂકે છે. આ કથાનો બોધ શેરબજારમાં એ રીતે લઈ શકાય કે રોકાણકારમાં શેરો કે સંજોગો પ્રત્યે ક્ધવીકશન હોવું જરૂરી છે અને તે આવે છે અભ્યાસ તેમ જ વિશ્ર્વાસ પરથી. જો આપણે સિલેકટ કરેલા શેરોમાં વિશ્વાસ ધરાવતા હોઇશું તો આપણા નિર્ણયને વળગી રહી શકીશું, અન્યથા કોઈપણ વ્યકિત કે વલણ-વહેણ આપણા નિર્ણયને બદલાવી નાખે કે આપણને ડરાવી નાખે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આમ રોકાણકારે બજારની ઉથલપાથલ વખતે પેનિકમાં આવી જવું જોઇએ નહીં. બજારમાં આપણને ગેરમાર્ગે દોરનારા કે ગભરાવનારા વર્ગો રહેવાનાં જ છે. સાચી સ્ક્રિપ્સ જાળવી રાખી હશે તો મોટેભાગે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

વિસર્જનમાંથી બોધપાઠ
શેરબજારમાં રોકાણ કરવું એટલે બજાર પર જ ધ્યાન રાખવું પડે, પણ કાયમ બજારના જ વિચાર કરતા રહેવું પડે એ સ્થિતિ આદર્શ ન ગણાય કે સતત બજારમાં લે-વેચ કરતા રહેવી પડે એ પણ સારી નિશાની નથી. ગણપતિ બાપ્પા વરસમાં એક જ વાર આવે છે અને ઘર-ઘરના કે સાર્વજનિક ઉત્સવોમાં દોઢથી લઈ મહત્તમ દસ દિવસ રહે છે, ત્યારબાદ પુઢચ્યા વરસી લૌકર યા કહેવામાં આવે છે. આમ ગણપતિ બાપ્પા આપણા જીવનમાં ભલે સદા રહે, પરંતુ ઉત્સવ તરીકે દસ દિવસ માટે જ પધારે છે. તેઓ જયાંસુધી હોય છે ત્યાસુધી તેમની સેવા-કાળજી બરાબર લેવાની હોય છે. અર્થાત રોકાણકાર આનો સંકેત એવો લઈ શકે કે, તેઓ બજારમાં સતત ચોંટી ન રહે. બજારમાં લાંબા ગાળાનો અભિગમ રાખે અને સમયાંતરે તેની સમીક્ષા કરે. પોતાની સ્ક્રિપ્સ પર બરાબર ધ્યાન આપવા સાથે યોગ્ય સમયે બજારમાંથી વિસર્જન પણ કરવાનું હોય, તેમાં જ સંપત્તિસર્જનનો માર્ગ રહેલો છે. અહીં વિસર્જન એટલે બજારમાંથી નીકળી જવું નહીં, બલકે બજારથી દૂર રહેવું. જેમ વોરેન બફેટ કહે છે, તમે જે દિવસે શેરોમાં રોકાણ કરો ત્યારપછી પાંચ વરસ સુધી બજાર બંધ રહેવાનું છે એમ સમજીને રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button