ઉત્સવ

જી ૨૦ સમિટ ભારત ગ્લોબલ લીડર

કવર સ્ટોરી-વિજય વ્યાસ

દિલ્હીમાં વિશ્ર્વના ટોચના ૨૦ દેશોના બનેલા ગ્રુપ જી-૨૦ની બેઠકનો આજે બીજો દિવસ છે. ૯ સપ્ટેમ્બર અને ૧૦ સપ્ટેમ્બર એમ બે દિવસ માટે યોજાઈ રહેલી જી-૨૦ શિખર સંમેલનના નેતાઓની આ બેઠક પર આખા વિશ્ર્વની નજર છે કેમ કે, જી-૨૦ વિશ્ર્વના દેશોનું સૌથી મોટું પ્રતિનિધિ સંગઠન છે. અત્યારે ભયંકર સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા વિશ્ર્વને દોરવણી આપવા માટે આ સૌથી અસરકારક પ્લેટફોર્મ છે.
આ ઉપરાંત ગયા વરસે જી ૨૦નું પ્રમુખપદ ભારતને સોંપાયું પછી ભારતે જી ૨૦ની અલગ અલગ બેઠકો દ્વારા દુનિયામાં એક નવી આશા જન્માવી છે. ૨૦૦૮ અને ૨૦૦૯નાં જી ૨૦ સમિટ મળ્યાં ત્યારે વિશ્ર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. એ વખતે જી ૨૦ સમિટમાં જે નિર્ણય લેવાયાં હતાં તેનાથી વિશ્ર્વને મંદીમાંથી બહાર લાવવામાં મદદ મળી હતી.
જી ૨૦નાં એ પછીનાં શિખર સંમેલનો એટલાં સફળ નહોતાં રહ્યાં પણ ભારતે નેતૃત્વ સંભાળ્યું પછી હકારાત્મક અભિગમ દાખવીને દુનિયાના તમામ દેશોને સાથે રાખવામાં સફળતા મેળવી છે. જી ૨૦ એક અસરકારક પ્લેટફોર્મ બની શકે છે તેનો આખી દુનિયાને અહેસાસ કરાવ્યો છે તેથી આ સમિટ તરફથી સૌને બહુ બધી આશા છે.
ભારત માટે તો આ સમિટ વધારે મહત્ત્વનું છે કેમ કે ભારત એક ગ્લોબલ લીડર તરીકે ઊભરી રહ્યું છે તેનો પુરાવો જી ૨૦ની બેઠકો દ્વારા મળ્યો છે. જી ૨૦નું પ્રમુખપદ રોટેશન પ્રમાણે મળે છે. આ વખતે રોટેશન પ્રમાણે ભારતનો વારો હતો તેથી ભારતે ૧લી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સત્તાવાર રીતે જી ૨૦નું પ્રમુખપદ સંભાળ્યું પછી દુનિયા માટે મહત્ત્વના તમામ મુદ્દાઓ પર બેઠકો કરી છે.
મે મહિનામાં કાશ્મીરમાં પ્રવાસન પર યોજાયેલ જી ૨૦ની બેઠકનો ચીન અને સાઉદી અરેબિયાએ બહિષ્કાર કર્યો હતો. કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન બંનેનો દાવો હોવાથી ચીન અને સાઉદી અરેબિયાએ કાશ્મીરમાં યોજાયેલી બેઠકનો બહિષ્કાર કર્યો પણ ભારતે એ બધી અડચણોને પાર પાડીને વૈશ્ર્વિક નેતા તરીકેના પોતાના દમનો પરિચય આપ્યો છે. હવે જી ૨૦ સમિટમાં તેના પર મહોર મારશે તેથી ભારત માટે પણ જી ૨૦ સમિટ અત્યંત મહત્ત્વનું છે.
જી ૨૦ ગ્રુપના સભ્ય દેશો વિશ્ર્વના અર્થતંત્રમાં ૮૫ ટકાનો હિસ્સો ધરાવે છે જ્યારે વૈશ્ર્વિક વેપારમાં જી ૨૦ ગ્રુપના સભ્ય દેશોની ભાગીદારી ૭૫ ટકાની આસપાસ છે. વિશ્ર્વની કુલ વસ્તીમાંથી લગભગ ૬૬ ટકા વસ્તી જી ૨૦ ગ્રુપના સભ્ય દેશોમાં વસે છે. જી ૨૦માં યુરોપિયન યુનિયન અને ૧૯ દેશોનો સમાવેશ થાય છે.
આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુકે અને અમેરિકા એ ૧૯ દુનિયાના મોટા દેશો જી ૨૦ના કાયમી સભ્યો છે જ્યારે સ્પેનને હંમેશાં મહેમાન દેશ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.
આ વખતે બાંગ્લાદેશ, ઇજિપ્ત, નાઇજિરીયા, ઓમાન, મોરેશિયસ, સિંગાપોર, નેધરલેન્ડ, યુનાઇટેડ આરબ અમિરાત પણ સમિટમાં મહેમાન દેશો છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એલાયન્સ, એશિયન ડેવલપમેન્ટ બૅંક સંસ્થાઓ પણ મહેમાન છે.
સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્ર્વ બેન્ક, વિશ્ર્વ આરોગ્ય સંસ્થા, વિશ્ર્વ વેપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, આફ્રિકન યુનિયન સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિમંડળો પણ હાજર છે તેથી જી-૨૦ના વ્યાપ બહુ મોટો છે. આ કારણે દુનિયાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જી-૨૦ જ સૌથી મોટું અને અસરકારક પ્લેટફોર્મ છે.
ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન આ જી-૨૦ સમિટમાં હાજરી આપવાના નથી પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડન, યુ.કે.ના વડા પ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડા પ્રધાન ટ્રુડો સહિતના દિગ્ગજો હાજરી આપી રહ્યા છે ત્યારે જી ૨૦ વિશ્ર્વને નવી દિશા બતાવશે એવી સૌને આશા છે.
વિશ્ર્વ અત્યારે ઘણી બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે. જી-૨૦ સમિટમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા કશું નક્કર થશે એવી સૌને આશા છે. એક તરફ દુનિયાના મોટા મોટા દેશોમાં આર્થિક મંદીનો માહોલ છે ત્યારે બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે દુનિયામાં ફરી કોલ્ડ વોર શરૂ થઈ ગઈ છે.
અમેરિકા અને ચીન વચ્ચે પણ ઘર્ષણ ચાલી રહ્યું છે ને તેના કારણે પણ તણાવનો માહોલ છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ વિશ્ર્વમાં શાંતિ રહે અને વિકાસ થાય તો જ આવે તેથી વિશ્ર્વના મોટા દેશોના આગેવાનો જી-૨૦ સમિટમાં વિકાસના મુદ્દા પર મનોમંથન કરી રહ્યા છે.
આ ઉદેશને પાર પાડવા માટે જ જી-૨૦ સમિટમાં દેશોના વડાઓ વચ્ચે ચર્ચાની મુખ્ય થીમ ‘ટકાઉ વિકાસ’ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રાખવામાં આવી છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે સભ્ય દેશોના પ્રમુખો વચ્ચે વન-ટુ-વન બેઠક પણ થઈ રહી છે. અમેરિકી પ્રમુખ જો બાઇડન અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વન ટુ વન બેઠક સાથે શરૂ થયેલી આ બેઠકો આજે પણ ચાલુ રહેશે.
આ બેઠકોમાં શું નીપજ્યું તેની ખબર આજે જી-૨૦ સમિટ સમાપ્ત થશે પછી પડશે પણ અત્યાર સુધી જી-૨૦ની બેઠકોમાં જે પ્રકારની ચર્ચાઓ થઈ છે એ જોતાં આ સમિટ પાસેથી દુનિયાભરનાં લોકો અપેક્ષા રાખે તેમાં કશું ખોટું નથી. ભારત પાસે ૩૦ નવેમ્બર સુધી જી ૨૦નું પ્રમુખપદ રહેવાનું છે પણ એ પહેલાંની આ સૌથી મોટી બેઠક છે તેથી પણ આ બેઠક અત્યંત મહત્ત્વની છે.
જો કે આ જી ૨૦ સમિટે એક વાત સ્પષ્ટ કરી છે કે, દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે અને આ ભાગલાને રોકવા અઘરા છે. યુક્રેન પરના આક્રમણને પગલે રશિયા પર અમેરિકા તથા તેના સાથી દેશોએ પ્રતિબંધો મૂક્યા તેના કારણે તેની શરૂઆત થઈ ગઈ હતી. ચીન રશિયાના પડખે જતું રહેતાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો પણ તણાવપૂર્ણ બન્યા છે. ભારત રશિયાની સાથે પણ છે અને અમેરિકાની સાથે પણ છે પણ ચીન ભારતની સાથે નથી. તેની અસર આ જી ૨૦ સમિટ પર પડી છે.
જી ૨૦ સમિટમાં રશિયા અને યુક્રેનના યુદ્ધનો મુદ્દો ચર્ચાયો પણ જેમને આ યુદ્ધ સાથે સંબંધ છે એવા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન હાજર નથી. રશિયા વતી વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફ જી ૨૦ સમિટમાં હાજરી આપી રહ્યા છે. પુતિન સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે વોરંટ બહાર પાડ્યું હોવાથી પુતિન રશિયાની બહાર જતા નથી.
આ જ કારણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા બ્રિક્સ દેશોના સંમેલનમાં પણ પુતિનના બદલે લાવરોફે જ હાજરી આપી હતી પણ પુતિને તેમાં વીડિયો મારફતે સંબોધન કર્યું હતું. પુતિન હાજર ના રહે એ સમજી શકાય એવી વાત છે પણ ચીનના શી જિનપિંગની ગેરહાજરી સમજાય એવી નથી.
જિનપિંગની ગેરહાજરી માટેનું એક માત્ર કારણ ભારતના વધતા પ્રભુત્વ અંગે ઈર્ષા છે અને સાથે સાથે અમેરિકા સાથેના તણાવપૂર્ણ સંબંધોના કારણે પણ જિનપિંગ ભારત નથી આવ્યા. ૨૦૧૯માં ઓસાકા ખાતે મળેલા જી ૨૦ સમિટમાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વેપાર વિવાદને ઉકેલવા માટેની વાટાઘાટો માટે તૈયાર થયા હતા.
આ પછી ઘણી બેઠકો થઈ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. જિનપિંગ માટે જી ૨૦ સમિટમાં અમેરિકાના પ્રમુખ જો બાઈડનને મળીને આ વિવાદ ઉકેલવાની જિનપિંગ પાસે તક હતી પણ જિનપિંગે એ તક ના ઝડપી તેના પરથી સ્પષ્ટ છે કે, અમેરિકા અને ચીનના સંબંધો વધારે વણસેલા છે.
ખેર, આ બધા મુદ્દા છતાં જી ૨૦ સમિટ ભારત માટે અને દુનિયા માટે પણ એક ઐતિહાસિક ઘટના છે તેમાં બેમત નથી. વરસો પછી એવું બન્યું છે કે, દુનિયાના ટોચના દેશોના વડા ભારતમાં પધાર્યા હોય. ભારત તેનો મહત્તમ લાભ ઉઠાવીને વિકાસનો નવો ઈતિહાસ લખે એવી આશા વધારે પડતી નથી. દુનિયાના બીજા દેશોની જેમ ભારતમાં પણ આર્થિક સહિતની સમસ્યાઓ છે. જી ૨૦ સમિટ ભારતના અન્ય દેશો સાથેના સંબંધોને ગાઢ બનાવીને આ સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ સાબિત થાય એવી આશા રાખીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…