ઉત્સવ

બ્રાન્ડ માટે પોડકાસ્ટ જ્ઞાન સાથે ગમ્મત

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

વર્ષો પહેલાં ટીવી નહોતું આવ્યું ત્યારે લોકો રેડિયો સાથે જોડાયેલા હતા. મહત્ત્વના સમાચાર સાંભળવા લોકો એક જગ્યાએ ભેગા થતા. ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળવી એક લ્હાવો હતો. કોમેન્ટેટર જે રીતે કોમેન્ટ્રી કરતા તે સાંભળી લોકોની આંખો સમક્ષ મેદાન આવી જતું. આવા સમયમાં એક અલાયદો પ્રોગ્રામ વર્ષો સુધી અવિરત ચાલ્યો તે એટલે ‘બિનાકા ગીતમાલા’, જે પાછળથી જે ‘સિબાકા ગીત’ તરીકે આવતું.

આ કાર્યક્ર્મની ખાસિયત એટલે ગીતો સાથે અમીન સયાનીનો એ પ્રોગ્રામ હોસ્ટ કરવાનો અંદાજ : ‘ભાઈયો ઓર બહેનો’ કહી સંગીતની દુનિયાની વાતો કરવી. લોકોને રેડિયો સાંભળવું ગમતું. આજે પણ ઋખ પર લોકો ગીતો સાંભળે છે, પણ આજે વધુ પ્રચલિત થઇ રહ્યું છે તે છે ‘પોડકાસ્ટ’ લોકો પાછા સાંભળવા તરફ વળી રહ્યા છે અને બ્રાન્ડ્સ આનો ફાયદો ઉપાડી રહી છે. પોડકાસ્ટના બ્રાન્ડ બિલ્ડિંગની માટેના ફાયદા વિષે વાતો કરીયે તે પહેલાં ‘બિનાકા ગીતમાલા’ પણ તે સમયનો બ્રાન્ડેડ શો હતો, જેણે બ્રાન્ડ બિનાકા બનાવી હતી આ શોના સહારે. બસ, આટલું કાફી છે બ્રાન્ડ કેવી રીતે પોડકાસ્ટના સહારે બિલ્ડ થઇ શકે તે જાણવા અને તે પણ આજના સમયે જ્યારે ક્ધઝ્યુમરથી લઈને બ્રાન્ડ ઓનર્સ ઈન્વોલ થયા છે.

આપણે જાણતાજ હશું પણ આને આસાનીથી સમજીયે તો પોડકાસ્ટ એ એક ડિજિટલ માધ્યમ છે, જેમાં ઓડિયો અથવા વીડિયો એપિસોડનો સમાવેશ થાય છે, જે ચોક્કસ થીમ અથવા વિષયથી સંબંધી હોય છે.

પોડકાસ્ટના યજમાનોને/હોસ્ટને ‘પોડકાસ્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગમાં જ્યાં ડિજિટલી ઘણી બધી ચીજો ઉપલબ્ધ છે અને લોકોનું ધ્યાન ક્ષણિક છે ત્યારે પોડકાસ્ટિંગ પોતાની જગ્યા બનાવી રહ્યું છે. એની શરૂઆત ઓડિયો બૂક્સ અને સામાન્ય વાતોથી થઇ હતી અને જે ફક્ત ડ્રાઇવિંગ કરતા કે વર્કઆઉટ દરમિયાન ઉપયોગમાં આવતું તે આજે અનેકવિધ વ્યવસાય માટે એક પાવરહાઉસ છે, જે તેમની બ્રાન્ડને ઉન્નત કરવા અને તેમની કેટેગરીમાં તેમને થોટ લીડરશીપ તરીકે સ્થાપિત કરે છે. પોડકાસ્ટિંગનો ઉપયોગ માર્કેટિંગની વ્યૂહરચનામાં પોતાની બ્રાન્ડને આગળ વધારવા માટે કરી શકાય. જો આને વ્યવસ્થિત રીતે એક્સિક્યૂટ કરવામાં આવે-અમલમાં મૂકવામાં આવે તો તે ઉત્પાદન અથવા સેવાનો પ્રચાર કરવા, નવા ઘરાકોને આકર્ષવા, વેચાણ વધારવા, તમારી વેબસાઈટ અને સોશ્યિલ મીડિયા પર ટ્રાફિક વધારવા જેવાં પરિણામ
આપી શકે.

સૌથી મહત્ત્વની વાત પોડકાસ્ટિંગ માટે તે કે આકર્ષક ક્ધટેન્ટની રચના કરો. તમારા દર્શકો-પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાની મુખ્ય ચાવી આકર્ષક ક્ધટેન્ટ બનાવવાની કળામાં રહેલી છે. તમારો વિચાર કે સંદેશ કેવી રીતે સંચાર કરો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો, જેથી તમારા લક્ષ્ય પ્રેક્ષકો ફરી પાછા તમારા પોડકાસ્ટ શોમાં આવે. તમારો હેતુ તમારા ગ્રાહકોની સાથે સંબંધ બાંધવાનો, તમારી બ્રાન્ડમાં વિશ્ર્વાસ બેસાડવાનો હોવો જોઈએ. અમીન સયાની સાથે લોકો પોતાને કનેક્ટ કરતા-સાંકળી લેતા હતા તેનું એક કારણ એટલે એમનો અવાજ અને સતત એ જ અવાજ હર અઠવાડિયે સાંભળવો. આ વાત લોકોમાં વિશ્ર્વાસ ઊભો કરે છે અને તમારા શોની ફક્ત રાહ ન જોતા. એ તે શોના ચાહક બની જાય છે. બસ, બ્રાન્ડે આ વાતોનો અભ્યાસ કરી શો બનાવવો જોઈએ. આજની તારીખે શોને ફક્ત બ્રાન્ડનું નામ આપી નહિ ચાલે, બ્રાન્ડે પોતાને સીધી કે આડકતરી રીતે લોકો સમક્ષ મુકવી પડશે. તમારી બ્રાન્ડનું પોઝિશનિંગ શું છે, તમારી બ્રાન્ડની વાર્તા શું છે, અને તમે શું વેચી રહ્યાં છો અથવા પ્રમોટ કરી રહ્યાં છો, તમારા વ્યવસાયની ઉત્પત્તિ વિશે, તમારાં મૂલ્યો વગેરે વાતો શ્રોતાઓને અર્થાત તમારા ગ્રાહકોને જણાવો. ગ્રાહકોને ખરેખર એવું લાગે છે કે એ જાણે છે કે તમે એક બ્રાન્ડ તરીકે કોણ છો તો એ તમારી સાથે જોડાવા વધુ તૈયાર થશે.

લોકો પોડકાસ્ટિંગ સાંભળવા સમય કાઢે છે, બીજા અર્થમાં કહીયે તો લોકો પોતાનો સમય નિશ્ર્ચિત કરે છે કે કઈ પ્રવૃત્તિ કરતી વખતે આ સાંભળવું. કોઈ મોર્નિંગ વોકમાં, તો કોઈ ડ્રાઇવિંગ કરતી વખતે તો કોઈ લાંબા પ્રવાસ દરમિયાન ટ્રેનમાં કે પ્લેનમાં તો કોઈ રસોઈ કરતાં કરતાં, રમતાં રમતાં તો કોઈ રાત્રે સૂતા પહેલા પથારીમાં. આવી ઘણી પ્રવૃત્તિઓ સાથે પોડકાસ્ટ સંભળાય છે. બ્રાન્ડે પોતાનાં ઉત્પાદનોને ધ્યાનમાં રાખી, પોતાના ગ્રાહકોને ધ્યાનમાં રાખી અને સૌથી મહત્ત્વનું કે કયા સમયે કઈ પ્રવૃત્તિ વખતે લોકો તમને સાંભળશે તેનો અભ્યાસ કરવો જરૂરી છે. વિષયો અર્થાત ક્ધટેન્ટ-સામ્રગી રસપ્રદ હોવું જરૂરી છે પણ તે ક્ધટેન્ટનો વિષય તમારી બ્રાન્ડની ઇર્દગિર્દ રાખો, જેથી લોકો બ્રાન્ડ સાથે કનેક્ટ થાય. ઉદાહરણ તરીકે, તમે સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો બનાવો છો કે પછી મેટ્રેસીસ, બેડ, રાત્રીના પહેરવાના કપડાં, રાત્રે સૂતા પહેલાં વાપરવામાં આવતા ક્રિમ વગેરે બનાવો છો તો વિષય અને સમયને તે રીતે પ્લાન કરો અર્થાત સ્વાસ્થ્યને લગતી માહિતી વિષે સંવાદ કે પછી મનને કઈ રીતે શાંત કરશો જેવી વાતો મોર્નિંગ વોક કે સૂવાના સમયે પ્લાન કરી શકાય, જેથી લોકો સાથે જોડાવું સરળ થઇ જાય.

પોડકાસ્ટ વન-વે અર્થાત એક જ વ્યક્તિ ભાષણ આપે છે તેમ ન રાખો. તેમાં વિવિધતા લાવો. ક્યારેક વાર્તા કહેવા માટે એક ચાલે પણ વચ્ચે વચ્ચે કોઈને વાર્તાલાપ માટે બોલાવી શકાય. તમારા વિષયને અથવા બ્રાન્ડને લાગતા વળગતા લોકોને બોલાવો, જેથી ક્ધટેન્ટ વધુ રસપ્રદ બને અને નાવીન્યતા આવે. લોકોને તમે વધુ માહિતી માટે તમારી વેબસાઈટ કે સોશ્યિલ મીડિયા પેજ પર જવાનું કહી શકો અથવા સબસ્ક્રાઇબ ચેનલને કરી અમુક ડિસ્કાઉન્ટ આપી સેલ વધારી શકાય. આમ, પોડકાસ્ટને એક વ્યૂહરચના તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો તેના ફક્ત ગ્રાહકો સાથે તમને જોડશે પણ તમને બેઠા બેઠા તમારી બ્રાન્ડની ઈમેજ બનાવવામાં મદદ કરશે. તમારી ચેનલ હોવાથી તમે તમારે જે મેસેજ આપવો છે તે આપી શકશો.

આમ પોડકાસ્ટ ખરા અર્થમાં જ્ઞાન સાથે ગમ્મત કરાવી લોકોમાં ચાહિતી બ્રાન્ડ બનવાની ક્ષમતા ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button