પેરિસ ઓલિમ્પિકસમાં AI ની કમાલ સર્વેથી લઈને સુરક્ષા ચક્ર સુધી AI કામગીરી
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
AI માત્ર ઈનપુટ-આઉટપુટ પર નિર્ભર કરે છે એવું માનવું હવે ખોટું પડ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI ટેકનોલોજીએ દરેક પાસા કે માધ્યમ પર પોતાનો એક આગવો સ્પર્શ આપીને આખી દિશા બદલી નાખી છે.
પિક્ચરથી લઈને પ્રોસેસ સુધીના દરેક માધ્યમ પર આ નવી ટેકનોલોજીથી ફાયદો કેવો અને કેટલો થયો એ રિસર્ચનો વિષય છે, પરંતુ જે સ્પીડથી ટેકનોલોજીમાં પરિવર્તન આવી રહ્યા છે. એ ખરા અર્થમાં નોંધનીય છે. ટેકબુકમાં આ વર્ષની નોંધ કંઈક અલગ રીતથી લેવાશે એ તો નક્કી છે. વોટ્સએપ અને ફેસબુક જેવો સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે એક સ્થાન કાયમ કર્યા બાદ તે પેરિસ ઓલિમ્પિકસ્ ગેમ સુધી પહોંચી ગયું છે.
ઓલિમ્પિકસ ૨૦૨૪ ટુર્નામેન્ટ જ્યારથી શરૂ થઈ એ સમયથી આ ટેકનોલોજીને લઈ અનેક એવી ચર્ચાઓ છે. એક વાત તો ખરી અને ગમે એવી છે કે, ટેકનોલોજીના સથવારે હવે ચિટિંગ થવાના ચાન્સ નહીંવત બની રહ્યા છે. એ પછી ગેમ્સ હોય કે મનોરંજન.
વૈશ્ર્વિક સ્તર પર રમાતી આ ટુર્નામેન્ટમાં એક સાથે ઘણી બધી મેચ હોય. આ વાત તો સૌ જાણે છે કે હવે એક જ જગ્યા પર બધી મેચ તો શક્ય નથી. સ્ક્રિન રાખવી પણ મુશ્કેલ પડે. સ્વિમિંગ ટુર્નામેન્ટ હોય ત્યાં કોઈ વોટરપૂલ કે હોજમાં તો સ્ક્રિન મૂકવા ન જવાય. આ માટે એક મોટું અને મહત્ત્વનું કામ AIને સોંપવામાં આવ્યું છે. આ માટે જે તે મોનિટરિંગ કેમેરામાં AI ને કનેક્ટ કરીને એના શોર્ટ વીડિયો તેમજ હાઈલાઈટ્સ તૈયાર કરવાનું કામ AI કરે છે.
આ વર્ષની ઓલિમ્પિકસમાં રિયલટાઈમ હાઈલાઈટ્સ તૈયાર થાય છે એ પાછળ AIની બહુવિધ ફિચરવાળી ટેકનોલોજી જવાબદાર છે. શ્રેષ્ઠ, સ્પીડી અને એક્યુરેટ એમ ત્રિવેણી સંગમથી તે કામ આપે છે. સૌથી સારી અને સાચી વાત તો એ છે કે, દુનિયાના આ ખેલમહાકુંભમાં ભાષાનું નડતર નથી. AI એક સાથે એકથી વધારે ભાષાઓમાં જે તે ગેમ્સની અપડેટ, હાઈલાઈટ્સ, શોર્ટ, રિયલટાઈમ ફીડ અને મલ્ટિપલ નેટવર્ક સાથે કામ કરે છે.
આ પહેલાની ઓલિમ્પિકસ ટુર્નામેન્ટની સરખામણીએ આ વખતેની ટુર્નામેન્ટમાં જે તે મેચ પછીની ગણતરીની મિનિટમાં વીડિયો સોશિયલ મીડિયા સુધી પહોંચી જાય છે. આ માટે એક ખાસ ટીમ પેરિસમાં બેસીને ડિસેમિનેશન (સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા)નું કામ કરે છે. અહીં હવે સામાન્ય સવાલ એ થાય કે AI કોઈ ડિવાઈસ તો છે નહીં અને કેમેરા તો ડિવાઈસ છે તો સોફ્ટવેર કે ફિચર્સનો બેઝ કેવી રીતે મળશે?
AIની વાર્તા અહીંથી શરૂ થાય છે. કેમેરામાં ઝીલાતા વીડિયો કે ફોટો ગણતરીની મિનિટમાં AI પ્લેટફોર્મ સુધી પહોંચે છે. એના પછી ૩ડી ઈમેજ તૈયાર થાય છે. AI ખેલાડીના મુવ, સ્ટેપ, સ્પીડ, રોટેશન, તીવ્રતા, ખેલાડીઓના સાધનો, એની લંબાઈ, પહોળાઈ, સ્પીડ, ફેંકવાની કે ફરવાની ગતિથી લઈને મતિ કામ ન કરે ત્યાં સુધીના આંકડાકીય ડેટાને એક નિર્ધારિત સોફ્ટવેર સાથે નક્કી કરેલા માપદંડમાં મેચ કરીને એક રિપોર્ટ તૈયાર કરે છે.
ધારો કે જિમ્નેશિયમ કરતો એક ખેલાડી ગુલાંટ મારે છે, દોડ લે છે. એના શરીરને ચોક્કસ ગતિથી ગુલાંટ માટે તૈયાર કરે છે. ગુલાંટમાં પણ ઊંચાઈ કેટલી અને કેટલી સ્પીડથી લેન્ડ થાય છે. આ બધાની ગણતરી AI કરે છે. એવી જ રીતે ભાલા ફેંકમાં આપણા નીરજ ચોપરા થ્રો કરે છે તો એની સ્પીડ, થ્રો કર્યાની જગ્યા, થ્રોમાં ઊંચાઈ, તીવ્રતા માપવાનું કામ AIકરે છે.
ટૂંકમાં રિયલટાઈમ અને લાઈવ કેલ્ક્યુલેટર પણ માત્ર કેલ્ક્યુલેટર જ નહીં. આનાથી ફાયદો એ થાય છે કે, બીજી મેચ જ્યાં પણ ચાલું હોય ત્યાં જે તે ગેમ્સનું પરિણામ લાઈવ થઈ જાય છે. કોણ લીડ કરે છે અને કોનો કેવો રેકોર્ડ બન્યો એ ઘડીના છઠ્ઠા ભાગમાં ખ્યાલ આવી જાય છે. દરેક ખેલાડી પોતાની કેરિયરમાં એક નવી ઊંચાઈ સિદ્ધ કરે છે. જ્યારે આ આખી ઈવેન્ટ પાછળ તૈયારીઓ ચાલું હોય એ સમયે પણ AIજેવી ટેકનોલોજી આશીર્વાદ બનીને ઊભરે છે. હવે આ તો થઈ માત્ર ગણતરી અને ચોક્કસાઈની વાત. જે તે ખેલાડીઓને તાલીમ આપતા કોચ પણ અઈંનો ઉપયોગ કરીને સેફઝોન અને જોખમી એરિયા ગણીને તાલીમ આપતા થયા છે.
અમેરિકા અને ચીન જે ગેમ્સમાં સૌથી આગળ છે, હવે ત્યાં તાલીમ ટેકનોલોજીની મદદથી અપાઈ રહી છે. ફાયદો એ થાય છે કે, ખેલાડીઓને માત્ર હવે શરીરને જ કસવાનું અને માઈન્ડથી રમવાનું રહે છે.
કેટલાક બેઝિક તો AI જ શીખવાડી દે છે. કોઈ સ્વિમર પૂલમાં ડાઈવ મારે છે, મુવમેન્ટ કરે છે. હાથના છાબકા મારે છે. આ તમામ વસ્તુઓમાં સ્પીડ અને તીવ્રતા કેટલી એનું વર્ગીકરણ AI જ કરી આપે છે. આ પરથી પ્રેક્ટિસ વખતે જ ખ્યાલ આવી જાય છે કે, ઈજા થશે તો કેવી રીતે અને કેમ? આવી ઈજામાંથી બચવાના રસ્તા એ સમયથી જ ખુલી જતા હોય છે. જે માત્ર મનોરંજન માટે જ અઈં નો ઉપયોગ કરે છે એ લોકો માટે આવાAI ફિચર્સ ખરા અર્થમાં રિસર્ચ પેપરના વિષય બરોબર છે. દરેક વિષયને આવરી લેતી અઈં ટેકનોલોજીએ સાબિત કર્યું કે, યોગ્ય ઈનપુટ સાથે તે આવે તો સો ટકા તે સુરક્ષિત છે.
આઉટ ઓફ ધ બોક્સ
સાઉથ કોરિયાના સુવાનમાં સેમસંગનું ઈન્ટરનેશનલ હેડક્વાર્ટર છે. આ હેડક્વાર્ટરનું નામ છે ‘વેલકમ ટુ ડિજિટલ સિટી સેમસંગ’. આ કંપની આઈટી ક્ષેત્રમાં આવી એ પહેલા ફૂડ બિઝનેસમાં હતી.