ઉત્સવ

૧૯મી સદીથી ડાયરેક્ટ ૨૧મી સદી સુધી

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

ભારત એક વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત દેશ છે. અહીં તમે જ્યાં જ્યાં વ્યવસ્થા જોશો, ત્યાં ત્યાં તમને એટલી જ વધારે અવ્યવસ્થા દેખાશે. તમે નક્કી જ નહીં કરી શકશો કે તમે જે જોઈ રહ્યા છો, એમાં વ્યવસ્થા કેટલી છે ને અવ્યવસ્થા કેટલી છે? એટલે જ તો ભારતથી ફોરેન ફરવા ગયેલો દેશી પ્રવાસી વિદેશ પહોંચતાની સાથે જ એકદમ આશ્ર્ચર્યચકિત થઈ જાય છે. યુરોપના દેશ કે અમેરિકામાં માત્ર જોવાલાયક સ્થળો જ નહીં, પણ ત્યાંના એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, સરકારી ઑફિસો, હૉસ્પિટલો, સ્કૂલો અને રસ્તાઓ બધું જ જોઈને નવાઈ પામી જાય છે. વળી આ બધું જ એણે પોતાના દેશમાં પણ જોયું છે અને વર્ષોથી જોતો જ આવ્યો છે, પણ આપણાં એ દેશી પ્રવાસીને નવાઈ એ વાતની લાગે છે કે વિદેશમાં એ બધી વ્યવસ્થાઓમાં એ એકદમ યોગ્ય વ્યવસ્થાને જુએ છે. ભારતમાં એ જ જગ્યા પર અને એ જ સ્થળોએ એણે અવ્યવસ્થા જોઈ છે. એને એક હૉસ્પિટલને હૉસ્પિટલ તરીકે અને એક સરકારી ઑફિસને સરકારી ઑફિસ તરીકે આટલી સારી જોઇને નવાઈ લાગે છે.

એક ભારતીય વિદેશની સરકારી હાૉસ્પટલને જોઈને જેટલો આશ્ર્ચર્ય પામે છે, એટલો જ એક અમેરિકી યાત્રી, જાપાનની ઉત્પાદન કરતાં કારખાનાઓને જોઈને આશ્ર્ચર્ય પામે છે. આખી વાત યોગ્ય વ્યવસ્થાની છે. જાપાનમાં કારખાના વિશેનો અભ્યાસ ફિલોસોફિકલ લેવલ પર કરવામાં આવે છે. આજકાલ, મેનેજમેન્ટનું કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેગેઝિન જાપાનના ગુણગાન ગાયા વિના બજારમાં વેચાતું નથી. બધા માટે જાપાન એક રહસ્ય છે. દરેક વસ્તુનું ઉત્પાદન અને વેચાણ માટેની જાપાનની રહસ્યમય વાર્તાઓ છે. જાપાને સ્વિત્ઝરલેંડને ઘડિયાળના ઉત્પાદન અને વેચાણમાં કેવી રીતે પછાડ્યું? જાપાને અમેરિકામાં હોન્ડા બાઈકનું વેચાણ કેવી રીતે કર્યું? કૅમેરા અને ટી.વી.ના વેચાણનું માર્કેટ કેવી રીતે જીત્યું? આમ જાપાન જાણે ‘વેપારના દેવદૂત’નો દેશ બની ગયો. બાકી ત્યાં પણ માણસો જ વસે છેને?

જે દેશમાં હડતાળની ધમકી આપ્યા વિના મજૂરોને મોંઘવારી ભથ્થું ન આપવાનો રિવાજ બની ગયો છે, જ્યાં મધ્યમ વર્ગના કર્મચારીઓને ક્યારેય સન્માન મળતું નથી અને જ્યાં મેનેજમેન્ટ ક્યારેય માનવ સંશાધન કે મજૂરના હકોને માનવતાની દૃષ્ટિથી નથી જોતું, ત્યાં તમે તો જાપાન છોડો, કોરિયાની બરોબર પણ નહીં પહોંચી શકો! ફરિયાદ કરવામાં આવે છે કે ભારતીયો પાસે પૂરેપૂરું કામ લેવું મુશ્કેલ છે, પણ હકીકત એ છે કે કોઈ ભારતીય પૂરી તાકાતથી પોતાનું સર્વશ્રેષ્ઠ આપી શકે એની મૂળભૂત વ્યવસ્થાઓ પણ નહીં હોતી. હવે સવાલ એ છે કે સુધારણાની શરૂઆત ક્યાંથી થશે?
પહેલા મજૂર સુધરશે કે વ્યવસ્થા?

સુધરશે કોઈ નહીં. આ દેશમાં મજૂરને મજૂરી કરતાં આવડે કે ના આવડે, પણ ઓફિસરોને એમનો વટ મારતા બહુ સારો આવડે છે. અને એમાં માનવતાનો તો સાવ જ અભાવ હોય છે. આ બ્રિટિશ વ્યવસ્થાએ ભારતને આપેલી ભેટ છે. ભારતને જાપાન બનાવતા પહેલાં આપણા મજૂરને માણસ તરીકે સ્વીકારવો વધારે જરૂરી છે…..જાપાન, ચીન, અમેરિકા તો બહુ પછીની વાત છે!
જો મેનેજમેંટનું લક્ષ્ય સાધવા આપણાં સાધનો અને માનવશક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં નહીં આવે તો આપણાં અનેક ખોટમાં પડેલા કારખાનાઓ, બિનઉપયોગી ઑફિસો, નહીં વેચાતા ઉત્પાદનોને આ દેશ, જે દરેક વ્યવસ્થામાં અવ્યવસ્થા ભોગવીને જીવે છે, એ હજી હમણાં સુધી ઓગણીસમી સદીમાં જ છે. આપણા દેશનું છેલ્લાં ૧૦૦ વર્ષોથી લક્ષ્ય, એવી બ્રિટિશ વ્યવસ્થાની બરોબર પહોંચવાનું છે, જે આપણા ઓફિસરો માટે અનંતકાળ સુધી આદર્શ રૂપે રહી છે. આપણે હજી સુધી આપણા પોલિસ હેડ ક્વાર્ટરને સ્કોટલેંડના યાર્ડના ચોથા ભાગ જેટલાં યે કાબેલ નથી બનાવી શક્યા.

આપણે એકવીસમી સદી સુધી એટલી પ્રગતિ કરવા ઇચ્છીએ છીએ કે દુનિયાના બીજા દેશોને પાછળ છોડી દઈએ. પાછળ ના છોડીએ તો કમ સે કમ એમની બરોબર લગી તો પહોંચીએ! આપણે તો અઢારમી સદીથી સીધા કૂદીને એકવીસમી સદીમાં આવી ગયા. વીસમી સદી તો આવી જ નહીં!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો