ઉત્સવ

ફ્રોડ કી દુનિયા: જૂઠ બોલને પર ભી યહાં કોઈ કૌઆ નહીં કાટતા…!

સાયબર ઠગની કુશળતા કરતાં આપણું ડિજિટલ અ-જ્ઞાન જ આપણને વધુ નડે છે.

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

ધારો કે તમે કોઈ ટિકિટ બુક કરાવી રહ્યા છો અને અચાનક એક લીંક ક્નેક્ટ થઈ જાય છે અને ટિકિટ માટેનું પેમેન્ટ કરવાનો વારો આવે છે ત્યારે કોઈ નિર્ધારિત અને અધિકૃત ટ્રાવેલ કંપનીના ખાતામાં પૈસા જવાના બદલે કોઈ ત્રીજી વ્યક્તિ જે કંપની બનાવી બેઠી છે એના ખાતામાં પૈસા જમા થઈ ગયા તો??

દેશી ભાષામાં કહીએ તો નાહી નાખવાનું, કારણ કે આવા ફ્રોડમાં ગયેલા પૈસા ભાગ્યે જ પાછા આવતા હોય છે. એમાં પણ જ્યારે હજાર કે પંદરસો રૂપિયા જેવી રકમ હોય ત્યારે ખાસ કંઈ પાછું આવતું નથી. આવું ફ્રોડ કરનારા પણ આવી રીતે પૈસા મળી જાય એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં પૈસા ઉપાડીને રોકડી કરી લઈને એની પેલી નકલી લિંક અને ફોન નંબર પણ બંધ કરી દે…
મહાનગર મુંબઈમાં રહેતા એક વ્યક્તિ સાથે ટ્રાવેલ ટિકિટના નામે એક ફ્રોડ થયેલો જેની ફરિયાદ કરવા જતા એ ખ્યાલ આવ્યો કે નંબર જ ખોટો હતો.

ટેક્નોેલોજીની દુનિયામાં સિક્યોરિટીના નામે હિમાલયના પહાડ જેવા સવાલ ખડા છે. જે તે સમયે ટેલિફોન લાઈન નિરીક્ષણ કેન્દ્ર (આજની ભાષામાં કંટ્રોલ રૂમ)માં જેની પણ ડ્યૂટી આવતી એને ત્યાં એક સિક્યોર લાઈન રહેતી, જેથી કોઈ ઉચ્ચ અધિકારીને એનો નિશ્ર્ચિત અને સ્પષ્ટ સંદેશો મોકલી શકાય, પણ ડિજિટલની દુનિયામાં ડેટા ફ્રોડ અને કેશફંડ ટ્રાંસફર દરરોજ બનતા ગુના છે.
સારી વાત છે કે, ગુજરાતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે અંગત રુચિ દેખાડી છે. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો’ ના એ અહેવાલોમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, મુંબઈ -હૈદરાબાદ જેવાં શહેર સાયબર ઠગના રડારમાં કાયમ રહે છે. જો કે હવે એવું નથી. કોરોનાકાળ બાદ નાનાં શહેરો-નોન મેટ્રો સિટી અને જિલ્લાકક્ષાના સેન્ટરમાં ઓનલાઈન પેમેન્ટમાં વધારો થતા સાયબર ઠગોની નજર આવા સિટી પર વધારે રહે છે. ખાસ કરીને જે તે વસ્તુઓ સરળતાથી ઓનલાઈન મળે છે એમાં સળી કરીને સંપત્તિ ખંખેરવામાં આવી ટોળકી માહિર હોય છે.

ફ્રોડની વાત હોય અને ઝારખંડના જમતારા જિલ્લાનું નામ ન આવે તો આગ્રા ગયા હોય ને તાજમહેલ ન જોયો હોય એવું લાગે. દિલ્હી- મુંબઈ- કોલકાતા અને ચેન્નઈના સાયબર ફ્રોડના ૯૫ ટકા કિસ્સામાં આ જિલ્લાનું નામ કુખ્યાત છે. ત્યાંના યુવાનોમાં ભલે કોઈ આઈટીની ડિગ્રી ન હોય, પણ કોઈના બેન્ક ખાતામાં ખાતર પાડી કેમ પૈસા ખંખેરવા એમાં વગર સર્ટિફિકેટના પીએચ.ડી હોય છે. નાના-મોટા કેસની પણ ફરિયાદનો ભાગ્યે જ કોઈ નિવેડો આવે છે. આવા માહોલમાં શું કરવું ને શું ન કરવું?

આમ તો ડિજિટલની દુનિયામાં કોઈ પણ એપ્લિકેશનના ઉપયોગ પર ‘આરબીઆઈ’ની ટેગલાઈન કહે છે : ‘જાનકાર બનીએ સતર્ક રહીએ..’

જ્યારે પણ કોઈને પણ પેમેન્ટ કરવાનું હોય ત્યારે પાસવર્ડ ટાઈપ કરતી વખતે મોબાઈલની બ્રાઈટનેસ થોડી લો-ઓછી કરી દો. તમે ટાઈપ કરેલું બીજાને દેખાશે, પણ બરાબર સૂઝશે નહીં….
જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું થાય ત્યારે કોઈ પણ સોશિયલ મીડિયા પરથી આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરવાનું ટાળો. બને ત્યાં સુધી જે તે વ્યક્તિનો નંબર વેરિફાઈ કરીને ટ્રાંસફર કરો અને પૈસા ટ્રાંસફર કરતા પહેલાં બે વાર ચકાશો…

ટિકિટ બુકિંગ વખતે સૌથી વધારે ફ્રોડ થાય છે. ખાસ કરીને લાઈફ ઈન્સ્યોરન્સ- બેંક, ટ્રાવેલ કંપની રીચાર્જ સ્કિમ અને ફ્રી નામે આવી લીંક આવતી હોય છે. જ્યારે પણ આવી લીંક આવે ત્યારે એના પર ક્લિક કરતા પહેલાં એનું ઓરિજિનલ ડોમેઈન તપાસો. જેમ કે, થોડા સમય પહેલાં ‘યાત્રા ડોટકોમ’ ની લીંકની જગ્યાએ ‘યાત્રા ઓનલાઈન’ એવી લીંક ફોરવર્ડ થઈ હતી, જેમાં ભેજાબાજો ખાલી સ્લોટ બુક કરાવવાના પૈસા આપતા હતા,પણ બેંકખાતાના નંબર એક લિંક પર આપવાનું ખાનું આવ્યું એટલે આ ખેલની પોલ ખૂલી ગઈ…

ક્યારેક ફેક કંપની થકી નોકરી દેવાના બહાને પૈસા પડાવવાનો રીતસરનો ન દેખાય એવો ડિજિટલ ધંધો થાય છે. આવું થાય ત્યારે જે તે ટ્રાવેલ એજન્ટને સંપર્ક કરી શકાય…
આ ઉપરાંત સરકારી વેબસાઈટ પર સર્વિસના ફ્રોડ થાય છે. ગત મહિને જ દિલ્હીમાં સિવિક સેન્ટરમાં ટેક્સ પેને લઈને ખોટી લિંક ફરતી થઈ હતી. જે પછીથી બ્લોક કરી દેવાતા હજ્જારો લોકોના લાખો રૂપિયા બચી ગયા એટલે ચૌકન્ના રહેશો તો જ ચિટિંગથી બચશો એના જેવું છે. બાકી આ ફ્રોડની દુનિયા એક એવું અંધારિયું જંગલ છે, જેમાં ધોળા દિવસે પણ કોઈનો પત્તો લાગે એમ નથી. હિંમત અને આવડતની યશોગાથા ગાનારા પણ એક વાર તો આમાં કાચું કપાવી ચૂક્યા છે. યાદ કરો એ સમય કાજોલ જેવી સ્ટાર્સના પર્સનલ મોબાઈલ નંબર લીક થઈ ગયા હતા. જો કે, પછીથી એ બધું ભીનું સમેટાઈ ગયું.

આ બધા વચ્ચે હવે તો એવા ‘વોઈસ એઆઈ’ આવ્યા છે કે સામે છેડે કોઈ પીઢ અને ગંભીર વ્યક્તિ વાત કરી રહી છે એવું લાગે.ખાસ કરીને ટ્રાવેલ્સ સંબંધિત વેબસાઈટમાં જુદાં જુદાં નામે ડોમેઈન (કાર્યક્ષેત્ર) હોય છે. રાજ્ય બદલે એટલે એ જ નામથી થોડા ફેરફાર સાથે એવી બીજી પણ ટ્રાવેલ કંપની હોય છે. ઉદાહરણ તરીકે, હીરો અને હોન્ડા બન્ને કંપની અલગ થઈ, પણ કેટલાક હજું હીરોહોન્ડાને એક જ વેન્ચર માને છે અને આવું અજ્ઞાન સામાન્ય માણસને નુકસાનકારક સિદ્ધ થાય છે.

આઉટ ઓફ ધ બોક્સ
ડિજિટલની દુનિયામાં નીતિમતા અતિ મહત્ત્વની છે.એની સાથે મળતી સફળતા ડાયમંડ જેવી છે. એ કાયમ કિંમત વધારે જ આપી જાય. શેરમાર્કેટમાં મંદીથી ધોવાણ થાય પણ ડાયમંડના ભાવ ન ગગડે….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ