તૂટેલાં સંબંધના મ્યુઝિયમ વિશે સાંભળ્યું છે?

ફોકસ -એસ.ચૌધરી
દુનિયા વિવિધ અજાયબીઓથી ભરેલી છે. જેને સાંભળીને-જોઈને આશ્ચર્ય જરૂર થાય છે. આવી જ એક અજાયબીથી અમે તમારો પરિચય કરાવીશું. એના માટે આપણને જવું પડશે ક્રોએશિયાની રાજધાની જગરેબ. વાત એમ છે ફિલ્મમેકર ઓલિંકા વિસ્તિકા અને તેના આર્ટિસ્ટ પાર્ટનર ડરેજન ગ્રુબિચિક વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે આ સંબંધ પર ચાર વર્ષમાં જ પૂર્ણવિરામ લાગી ગયું.
ચાર વર્ષ દરમિયાન બન્નેએ એકમેકને અનેક ભેટ-સોગાદો આપી હતી. હવે એનું શું કરવું? એની તેમને કાંઈ સમજ પડી નહીં. તેમને સલાહ આપવામાં આવી કે જે કાંઈ થયું એને ભૂલીને આગળ વધવા જણાવ્યું. આ બધાની અંદર તેમને એક એવો વિચાર આવ્યો કે આ બધી ગિફ્ટ્સને એક મ્યૂઝિયમમાં રાખવામાં આવે. બસ, તેમના આ નેક ખયાલથી ‘મ્યુઝિયમ ઑફ બ્રોકન રિલેશનશિપ્સ’ એટલે કે તૂટેલા સંબંધોનું મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું.
આ મ્યુઝિયમનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે બ્રેકઅપની સ્ટોરીઝ અને એની સાથે જોડાયેલી વસ્તુઓને એકઠી કરવાનો છે. આ મ્યુઝિયમની સ્થાપના બાદ એમાં તૂટેલા સંબંધોની સ્ટોરીઝ અને પ્રતીકો વધતા ગયા છે. દરેક વસ્તુઓને અહીં ખૂબ સરસ રીતે ગોઠવવામાં આવી છે. લોકોની સ્ટોરીઝ પણ દિલને સ્પર્શી જાય છે. અહીં ‘લવ બ્રેકઅપ્સ’ લખેલી ટી-શર્ટસ પણ વેચાય છે. આવા અનોખા મ્યુઝિયમની મુલાકાત તો એક વખત લેવા જેવી છે.
18 મેએ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. એમાં વિશ્ર્વભરના મ્યુઝિયમને એકઠા કરવાનો ધ્યેય છે. આ વર્ષની થીમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે. મ્યુઝિયમ સાંસ્કૃતિક હબના રૂપમાં શહેરના વિકાસમાં પણ યોગદાન આપે છે. એમાં આપણા વારસાનું પણ જતન થાય છે.
અંદામાનના સેલ્યુલર જેલના મ્યુઝિયમથી આપણને જાણ થશે કે આપણાં સ્વતંત્રતા સેનાનીઓએ દેશને આઝાદ કરાવવા માટે કેટલી યાતના ભોગવી હતી. તો બીજી તરફ પંજાબના વિભાજન મ્યુઝિયમમાં જશો તો ખ્યાલ આવશે કે 1947માં ભારતીય ઉપમહાદ્વીપનો માત્ર ભૌગોલિક જ નહીં, પરંતુ સંબંધો વચ્ચે પણ સીમારૂપી દીવાલ ઊભી થઈ ગઈ.
આપણ વાંચો : ફોકસ પ્લસ: બાળકો સાથે વધુ પડતું કઠોર વલણ યોગ્ય છે?