ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ફોકસ : તામિલનાડુ: ઈ-વેહિકલની રાજધાની

-નિધિ શુકલા
કેટલાક દિવસ અગાઉ તામિલનાડુના મુખ્ય પ્રધાન એસ. કે. સ્ટાલિનનો અમેરિકાનો સાઈકલિંગ પ્રવાસ ટોક ઓફ ધ ટાઉન હતો. શિકાગોમાં નદી કિનારા પાસેનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેટલાક લોકો કહે છે કે આ ટેપ તેમની ફિટનેસ પર સવાલ ઉઠાવનારા વિરોધીઓને સ્ટાલિનનો જવાબ હતો. પરંતુ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો સાથેનું લખાણ આંખ ઉઘાડનારું બન્યું હતું. ‘સુંદર સાંજ, નવા સ્વપ્નની’ આ પ્રેરણાદાયક લાઇન દ્વારા સ્ટાલિને આ પ્રવાસ દ્વારા મેળવેલ સાત હજાર કરોડના રોકાણ તરફ ધ્યાન દોર્યું. તેણે ઘણી મોટી કંપનીઓ સાથે કરાર કર્યા. પરંતુ સૌથી વધુ ચર્ચાનો વિષય હતો ફોર્ડ મોટર્સનો ભારતમાં પુનરાગમનનો.

ફોર્ડ મોટર્સે બે વર્ષ પહેલા ચેન્નઈમાં મરાઈમલાઈ નગર ખાતેની તેની ફેક્ટરી બંધ કરી દીધી હતી. આ પ્રોજેક્ટમાં ફોર્ડ આઇકોન, ફોર્ડ એન્ડેવર, ફોર્ડ ફ્યુઝન, ફોર્ડ ફિએસ્ટા જેવી કારના ઘણા મોડલ બનાવવામાં આવી રહ્યાં હતાં. તેના નામ પ્રમાણે ફોર્ડે ભવ્યતા અને એન્જિન પાવર પર ધ્યાન કેન્દ્રિત કર્યું; પરંતુ, ફોર્ડ ભારતીય ઉપભોક્તાઓના વલણને સમજવામાં નિષ્ફળ રહી. ભારતીયો માટે માઇલેજ અને કિંમત બે મહત્ત્વનાં પરિબળો છે. ભારતીય બજારમાં આ મુખ્ય મુદ્દાને સમજવામાં નિષ્ફળ જવાને કારણે ઇન્ડિયન પેસેન્જર વ્હેકલ માર્કેટમાં કંપનીને બે ટકાથી ઓછો હિસ્સો મળ્યો છે. જેના કારણે કંપનીને એક દાયકામાં ભારતમાં લગભગ બે અબજ ડૉલરનું નુકસાન થતાં ઉત્પાદન બંધ કરી દીધું.

ચેન્નઈનો આ પ્રોજેક્ટ હતો ૩૫૦ એકરમાં. તેની વાર્ષિક વાહન ઉત્પાદન ક્ષમતા બે લાખ અને એન્જિન ઉત્પાદન ક્ષમતા ૩,૪૦,૦૦૦ છે. તામિલનાડુ સરકાર દ્વારા આ ફેક્ટરીના વૈકલ્પિક ઉપયોગ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ઓલા ઈલેક્ટ્રિક, હુંડાઈ મોટર ઈન્ડિયા, ટાટા મોટર્સ અને એમજી મોટર્સ જેવી કંપનીઓએ પણ આ પ્રોજેક્ટ ખરીદવામાં રસ દાખવ્યો હતો. પરંતુ ફોર્ડ ઈન્ડિયા કંપની સાથે વાટાઘાટો કરવા છતાં કંઈ ખાસ થઈ રહ્યું ન હતું. ફોર્ડે ગુજરાતના સાણંદમાં આવેલી ફેક્ટરીને ટાટાને વેચી દીધી હતી. માત્ર તામિલનાડુનો પ્રોજેક્ટ અકબંધ રાખવામાં આવ્યો હોવાથી ફોર્ડ પુનરાગમન કરશે, એવી ચર્ચા ગયા વર્ષે જુલાઈથી ચર્ચાઓ ચાલી રહી હતી. હવે તે સાચું પડ્યું છે. ઈ-વાહનોના વૈશ્ર્વિક બજાર માટે ફોર્ડ આ પ્રોજેક્ટ દ્વારા કાર બનાવે તેવા સંકેત છે. અલબત્ત, કોઈને આશ્ર્ચર્ય થશે કે ફોર્ડે અચાનક આ નિર્ણય કેમ લીધો?

ચીન અને યુરોપનાં બજારો પૂરતા નથી તે સમજીને, ભારતમાં વધતી માગને ધ્યાનમાં રાખી બજારમાં પગ પેસારો કરવાનો ફોર્ડનું લક્ષ્ય હશે.

અગાઉ વિયેતનામની વિનફાસ્ટ ઓટો લિ. એ તામિલનાડુમાં ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદન માટે બે બિલિયન ડૉલરના પ્રોજેક્ટનો ખાતમૂહૂર્ત હમણાં જ કર્યું છે. થૂથુકુડી ખાતેના પ્રોજેક્ટની વાર્ષિક વાહન ઉત્પાદન ક્ષમતા દોઢ લાખ છે. આ પ્રોજેક્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦,૦૦૦ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ઉપરાંત ટાટા મોટર્સ-જેગુઆર અને લેન્ડ રોવર પ્રોજેક્ટનું ભૂમિપૂજન ૨૮ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. રાણીપેઠ જિલ્લાના પનપક્કમ ખાતે અમલમાં આવી રહેલા આ પ્રોજેક્ટની કિંમત લગભગ નવ હજાર કરોડ છે. આ પ્રોજેક્ટ એક-દોઢ વર્ષમાં કાર્યરત થઈ જશે. તેમાં ટાટા મોટર્સ જેએલઆરના ઇલેક્ટ્રિફાઇડ મોડ્યુલર આર્કિટેક્ચર પર આધારિત ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને નિકાસ કરશે. આ પ્રોજેક્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા લગભગ ત્રણ લાખ વાહનોની છે. આ પ્રોજેક્ટમાં ટાટા મોટર્સ અને જેગુઆર લેન્ડ રોવર તરફથી ચાર-ચાર મોડલનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. તદુપરાંત, રાજ્યમાં રોયલ ઇન્ફિલ્ડની રૂ. ૩,૦૦૦ કરોડની અને હુંડાઇની રૂ. ૨,૦૦૦ કરોડની પ્રોજેક્ટ વિસ્તરણ યોજના છે.

આવા પ્રોજેક્ટ રાતોરાત નથી બનતા. તેના પાયાના કામ માટે વર્ષો લાગી જાય છે. સરકાર કોઈ પણ હોય, તામિલનાડુએ હંમેશાં ઔદ્યોગિક નીતિ પર ભાર મૂક્યો હોય તેવું લાગે છે. એઆઇએડીએમકેના જયલલિતાએ ફોર્ડને સામેલ કરીને રાજ્યમાં ઓટો ઉદ્યોગનો પાયો નાખ્યો હતો, જ્યારે ડીએમકેના કરુણાનિધિ, સ્ટાલિને તેને મજબૂત બનાવ્યું હોય તેવું લાગે છે. તામિલનાડુ પાસે ઉદ્યોગને અનુકૂળ નીતિ, કુશળ માનવબળ, સારી સપ્લાય ચેઈન, ચેન્નઈ અને કામરાજર બે બંદરો દ્વારા નિકાસમાં વધારો જેવા ફાયદા છે. તમિલનાડુએ છ શહેરો – ચેન્નઈ, કોઈમ્બતુર, ત્રિચી, તિરુનેલવેલી, મદુરાઈ અને સાલેમને ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદન માટે હબ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં, લગભગ ૪૦ ટકા ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન એકલા તામિલનાડુમાં થાય છે. ટોચના પાંચ ટૂ-વ્હિલર ઉત્પાદકોમાં, ઓલા ઇલેક્ટ્રિક, ટીવીએસ મોટર્સ અને અથર એનર્જીના પ્રોજેક્ટ તમિલનાડુમાં છે. તેમાંથી દેશમાં ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરનું ૭૦ ટકા ઉત્પાદન તામિલનાડુમાં થાય છે. રાજ્યની વર્તમાન ઇલેક્ટ્રિક ટૂ-વ્હિલર ઉત્પાદન ક્ષમતા વાર્ષિક આશરે એક કરોડ જેટલી છે. રાજ્યમાં દોઢ હજાર જેટલી કંપનીઓ છે જે વાહનો અને વાહનોના સ્પેરપાર્ટ્સ બનાવે છે. તેની મજબૂત સપ્લાય ચેઇનને કારણે નવી કંપનીઓ પણ આ રાજ્ય તરફ આકર્ષાય છે. દેશના કુલ ટાયર ઉત્પાદનના ૪૦ ટકા આ રાજ્યમાં થાય છે. આ રાજ્યના ઓટોમોબાઈલ ઉદ્યોગની ક્ષમતા દર્શાવે છે.

લગભગ પાંચ વર્ષ પહેલાંની વાત છે. દક્ષિણ કોરિયાની કિયા મોટર્સ કંપનીનો ભવ્ય પ્રોજેક્ટ, આંધ્ર પ્રદેશના અનંતપુરમાં શરૂ થયો. આ પ્રોજેક્ટ લગભગ ૫૩૦ એકરમાં ફેલાયેલો છે. આ પ્રોજેક્ટ વાર્ષિક ત્રણ લાખ કાર બનાવવાની ક્ષમતા ધરાવે છે. મીડિયા પ્રતિનિધિઓને પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. બેંગલૂરુ એરપોર્ટ પર ઊતર્યા બાદ કાર કર્ણાટકથી નીકળી, આ પ્રોજેક્ટના સંકેતો દેખાવા લાગ્યા. સાઉથ કોરિયન પ્લેટ્સ વગેરે જોઈને એક ક્ષણ માટે આ દેશમાં હોવાનું લાગ્યું. તત્કાલીન ચંદ્રાબાબુ નાયડુ સરકારે આ પ્રોજેક્ટ માટે કિયા મોટર્સ પર છૂટછાટો વરસાવી હતી. જોકે, એ જ વર્ષે સત્તા પરિવર્તન થયું હતું અને ઘણી છૂટછાટો રદ કરવાની યોજના હતી ત્યારે આ પ્રોજેક્ટને અન્યત્ર ખસેડવાની ચર્ચા શરૂ થઈ. તેના માટે તામિલનાડુ એકમાત્ર વિકલ્પ હતો. વાસ્તવમાં, આ પ્રોજેક્ટ ખસેડવામાં આવ્યો ન હતો.

પરંતુ જ્યારે ઓટો ઉદ્યોગની વાત આવે છે, ત્યારે તામિલનાડુ કંપનીઓની પ્રાથમિકતાઓની યાદીમાં ટોચ પર હોય છે. હવે એવા સંકેત મળી રહ્યા છે કે અમેરિકાની અગ્રણી કંપની ટેસ્લા ભારતમાં રોકાણ કરી રહી છે. ટેસ્લાના વડા એલન મસ્ક એપ્રિલમાં ભારતની મુલાકાતે આવવાના હતા. જો કે ટેસ્લાએ પ્રવાસ રદ કર્યા પછી ભારતમાં રોકાણ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ મહારાષ્ટ્રની સાથે તામિલનાડુ અને ગુજરાત રાજ્યો આ પ્રોજેક્ટ માટે દોડમાં છે. તે બધું ટેસ્લાના ગ્રાહક કયા તેના પર નિર્ભર છે. જો ભારતીય બજારમાં ઓછી કિંમતના વાહનો માટે પ્રાધાન્ય હોય તો મહારાષ્ટ્ર અને જો નિકાસ પ્રાથમિકતા હોય તો તામિલનાડુનો પર્યાય ટેસ્લા સામે આવી શકે છે. નહિંતર, ગુજરાત રેડ કાર્પેટ પાથરવા તૈયાર જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker