ફોકસ પ્લસ: માઉન્ટ આબુ ગ્રીષ્મ ઉત્સવ: આદિવાસી રીત-રિવાજો ને લોકરંગી પરંપરાનું ફ્યુઝન

-ધીરજ બસાક
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં દર વર્ષે બુદ્ધ પૂર્ણિમાના સમયે ત્રણ દિવસીય ‘માઉન્ટ આબુ સમર ફેસ્ટિવલ’ આયોજિત કરવામાં આવે છે જેમાં લય અને તાલની રમઝટ બોલાવવામાં આવતી હોય છે. આ વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન 10મી મેથી 12મી મેએ બુદ્ધ પૂર્ણિમા સુધી કરવામાં આવ્યું છે. આ બહુરંગી કાર્નિવલમાં લોકનૃત્ય, સંગીત, રંગબેરંગી સરઘસ કાઢવામાં આવે છે અને વિવિધ પ્રકારની રોમાંચક સ્પર્ધાઓ યોજવામાં આવતી હોય છે. આ ત્રણ દિવસના ઉત્સવમાં માઉન્ટ આબુમાં આવેલી નખી લેકમાં નૌકાદોડ, સ્કેટિંગ રેસ, મટકા ફોડ, રસ્સાકશી જેવી સ્પર્ધાઓ અને સાંજને સુંદર બનાવતી શામ-એ-કવ્વાલીના કાર્યક્રમો યોજાતા હોય છે. રાજસ્થાની સંસ્કૃતિ, આદિવાસી રીત-રિવાજો અને લોકરંગી પરંપરાઓનું ફ્યુઝન માઉન્ટ આબુના ગ્રીષ્મોત્સવમાં જોવા મળે છે એવો લોકધર્મી આનંદોત્સવ કદાચ જ ક્યાંક જોવા મળતો હશે.
આ રાજસ્થાનના સૌથી લોકપ્રિય સાંસ્કૃતિક ઉત્સવોમાંથી એક છે જે તેની લોકસંસ્કૃતિનું પ્રતીક છે. મે મહિનામાં જ્યારે રાજસ્થાન જ નહીં, પરંતુ સંપૂર્ણ ઉત્તર પ્રદેશની ધરતી તપી રહી હોય છે ત્યારે આ રણ પ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુ લોકોને ઠંડો ખોળો પૂરો પાડે છે. આ ગ્રીષ્મોત્સવ અહીં આવનારા પર્યટકોને ચોમાસા પહેલા કલા અને સંસ્કૃતિની આનંદમય વર્ષાનો અનુભવ કરાવે છે. અહીંની ટેકરીઓ, સ્થિર સરોવરો આ ઉત્સવમાં ચાર ચાંદ લગાવે છે.
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ મહોત્સવ પહાડી ક્ષેત્રમાં રહેતા લોકોની સંસ્કૃતિ અને તેમની મહેનતનો ખજાનો રજૂ કરે છે. યુવાનો આ ઉત્સવમાં ફક્ત ખાણીપીણીથી આનંદ જ મનાવતા નથી, પરંતુ પોતાની માટે જીવનસાથીની શોધ પણ કરી લેતા હોય છે. આ લોકોત્સવમાં ગવરી, ઘૂમર, ગેર, દાંડિયા જેવી લોકપ્રિય રાજસ્થાની નૃત્ય પરંપરા જોવા મળતી હોય છે. સાંજના સમયે ભજન, કવ્વાલી, લોકસંગીતના કાર્યક્રમોથી માઉન્ટ આબુ ગૂંજી ઉઠતું હોય છે.
માઉન્ટ આબુનો ફેસ્ટિવલ રાજસ્થાની હસ્તશિલ્પ અને લોકકલાનો પણ નાયાબ મંચ છે જેમાં ઠેકઠેકાણેથી આવેલા કલાકારો પોતાની અદ્ભુત કલાકૃતિઓ રજૂ કરે છે. કલાકૃતિઓની રંગોળી સાથે ખાણીપીણીની મોજ પણ ફેસ્ટિવલમાં જોવા મળે છે. અહીંની ફેવરિટ ગણાતી ગટ્ટે કી સબજી, મિરચી વડા અને દાલબાટી ચૂરમા દૂર-દૂર સુધી લોકપ્રિય છે. રાજસ્થાનના ખૂણેખૂણે બનતી ત્રણ ડઝનથી પણ વધુ મીઠાઇઓ ચાખવાનો લાભ આ જ ફેસ્ટિવલમાં મળે છે. આ સ્વાદ હજી પણ કેટલાંક જૂના લોકોને કારણે જ ચાખવા મળે છે.
આપણ વાંચો: કેનવાસ : ટોળામાંથી ધણ થવામાં બહુ વાર લાગતી નથી! સંઘભાવનાનો જાદુ અનેરો છે
દર વર્ષે દેશ-વિદેશના લાખો પર્યટકો આ મહોત્સવમાં જરૂરથી ભાગ લેતા હોય છે. ગુજરાત, પંજાબ, દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી હજારો પર્યટકો અહીં આવતા હોય છે તથા વિદેશીઓમાં યુરોપ ક્ધટ્રીથી આવેલા પર્યટકોની સંખ્યા વધુ હોય છે. દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો જ જાય છે, કારણ કે કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયાને કારણે આ ફેસ્ટિવલની લોકપ્રિયતા વધતી જ જઇ રહી છે.
ત્રણ દિવસના આ ફેસ્ટિવલમાં ફક્ત રાજસ્થાનના ભૂતકાળની જ ઝાંખી નથી રજૂ કરવામાં આવતી, પરંતુ વર્તમાનમાં આ રાજ્યએ કરેલી ઉપલબ્ધીઓથી પણ પર્યટકોને અવગત કરાવવામાં આવે છે. તેથી જ લોકકલા, સંગીત, ભોજન અને શિલ્પનો આ માઉન્ટ આબુ ગ્રીષ્મ ઉત્સવ દુનિયામાં સૌથી લોકપ્રિય ઉત્સવોમાંથી એક બની ગયો છે.