ફોકસ: વાહનની ચાવી ખૂંચવી લેવાનો અધિકાર પોલીસને છે?

-પ્રભાકાંત કશ્યપ
તમે ઘણી વાર જોયું હશે અથવા અનુભવ્યું હશે કે ટ્રાફિક પોલીસવાળા બાઇક અથવા કારને રોકીને સૌથી પહેલા તેના વાહનની ચાવી કાઢી લેતા હોય છે, પણ હકીકતમાં આવું કરવું એ તદ્દન ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક પોલીસનો કોઇ પણ અધિકારી, ભલે એ કોઇ પણ ઉચ્ચ રેન્કનો હોય તેને બાઇક અથવા કારચાલકના વાહનની ચાવી બળજબરીથી કાઢી લેવાનો કોઇ અધિકાર નથી.
ઈન્ડિયન મોટર વ્હીકલ એક્ટ, 1932 અથવા મોટર વ્હીકલ એક્ટ, 1988 હોય, કોઇ પણ કાનૂન હેઠળ ટ્રાફિક પોલીસ, ભલે તે કોન્સ્ટેબલ હોય, એએસઆઇ હોય, એસઆઇ હોય અથવા ઇન્સ્પેક્ટર કે કોઇ ઉચ્ચ અધિકારી હોય તે દસ્તાવેજ તપાસતી વખતે વાહનની ચાવી કાઢી શકે નહીં.
ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પર તમારા વાહનને રોકવાનો અર્થ એ નથી કે તમે કોઇ અપરાધ કર્યો હોય. તમારા વાહનના પેપર ચકાસવા માટે પણ તેઓ તમને રોકી શકે છે. તેથી જો તમે કોઇ પણ ટ્રાફિક નિયમ તોડ્યો નહીં હોય તો તમને જ્યારે તેઓ રોકે તો ગભરાવાની જરાય જરૂર નથી.
તમારા વાહનના દસ્તાવેજ ચકાસતી વખતે જો કોઇ નિયમોનું ઉલ્લંઘન થયું હોય અને તેઓ તમારી પાસેથી દંડ વસૂલે તો તેમની પાસેથી દંડની રિસિપ્ટ જરૂરથી લેવાની. આ રિસિપ્ટ પર તમે જે નિયમનો ભંગ કર્યો હોય તેની માહિતી આપી હોય છે અને તે પ્રમાણે જ દંડની રકમ વસૂલવાની હોય છે.
રસ્તા પર વાહન રોકીને દંડ વસૂલતી વખતે જો તમારી પાસે તે સમયે પૈસા ન હોય અથવા તે ટ્રાફિક પોલીસ પાસે ઓનલાઇન દંડ ચૂકવવાની સુવિધા ન હોય તો તે તમને કોર્ટમાં દંડની રકમ જમા કરવાની સુવિધા આપશે. જગ્યા પર જ દંડ ભરી દેવાથી અમુક છૂટ મળતી હોય છે, પરંતુ જો કોર્ટમાં દંડ જમા કરાવવાનો હોય તો રિસિપ્ટમાં જોઇ લેવું કે તેમાં આ અંગેની માહિતી છે કે નહીં.
રસ્તા પર ટ્રાફિક પોલીસ તમને રોકે છે અને દસ્તાવેજ દેખાડ્યા બાદ અમુક નિયમોનો ભંગ થયો હોય એમ કહીને દંડ ભરવાનું કહે ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. ચલાન કાપતી વખતે ટ્રાફિક પોલીસ પાસે ચલાન બૂક અથવા ઇ-ચલાન મશીન હોવું જરૂરી હોય છે. જો તેની પાસે આ બન્નેમાંથી કંઇ ન હોય તો તે તમારું ચલાન કાપી શકે નહીં. ચલાન કાપતી વખતે ટ્રાફિક પોલીસવાળાએ યુનિફોર્મમાં હોવું પણ જરૂરી છે. જો તે યુનિફોર્મમાં ન હોય તો તે ચાલાન કાપી શકે નહીં.
આ સિવાય તેના યુનિફોર્મમાં નામ અને બેચ નંબર હોવો પણ જરૂરી હોય છે. ટ્રાફિક પોલીસનો હેડ કોન્સ્ટેબલ તમારી પાસેથી 100 રૂપિયા જેટલો જ દંડ વસૂલ કરી શકે છે. તેનાથી વધુ દંડ વસૂલવાનો અધિકાર ફક્ત એએસઆઇ અથવા એસઆઇને જ હોય છે.
જો કોઇ ટ્રાફિક પોલીસ તમારા વાહનની ચાવી કાઢી લે છે તો તમે તેનો વીડિયો કાઢી લઇ શકો છો અને નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરી શકો છો.
લોકલ પોલીસ જો તમારી ફરિયાદ સ્વીકારવા તૈયાર ન હોય તો તમે ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન નંબર પર પણ ફરિયાદ કરી શકો છો. આ સિવાય ટ્રાફિક વિભાગનું અલગથી ઓનલાઇન પોર્ટલ હોય છે, સોશિયલ મીડિયા પર અલગથી અકાઉન્ટ હોય છે તેના પર પણ ફરિયાદ કરી શકાય છે.
દરેક રાજ્યમાં હેલ્પલાઇન નંબર અલગ અલગ હોય છે. જો કોઇ ટ્રાફિક પોલીસ તમારી સાથે બળજબરી કરતો હોય તો 100 અથવા 112 પર પોલીસ ક્ન્ટ્રોલ રૂમમાં કોલ કરી શકો છો. માનવાધિકાર પંચ અથવા સ્થાનિક અદાલતમાં પણ જઇ શકો છે. ટ્રાફિક પોલીસે તમારી પાસેથી જળજબરીથી વાહનની ચાવી લઇ લીધી હોય અથવા તમને ધમકી આપી હોય તો આઇપીસીની કલમ 341 (ગેરકાયદે રીતે રોકવું), 342 (ગેરકાયદે રીતે અટક) અને 506 (ધમકી આપવી) હેઠળ સંબંધિત અધિકારી સામે કેસ નોંધાવી શકાય છે.
આ પણ વાંચો…નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
નીચે જણાવેલી અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે…
રોડ પર ડ્રાઇવિંગ કરતી વખતે તમને પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે લાઇસન્સ, પોલ્યુશન અંડર ક્ન્ટ્રોલનું ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે હોવું જોઇએ. આ સિવાય વાહનની રજિસ્ટ્રેશન અને ઇન્શ્યોરન્સની ફોટોકોપી પણ પાસે હોવી જોઇએ.
જો તમારી પાસે જગ્યા પર દંડ ભરવા માટે પૈસા ન હોય તો ટ્રાફિક પોલીસ કોર્ટનું ચલાન જારી કરી શકે છે અને તેનો દંડ કોર્ટમાં ભરવાનો હોય છે. દંડ કોર્ટમાં ભરવા સુધી તમારું લાઇસન્સ ટ્રાફિક પોલીસ પોતાની પાસે રાખી શકે છે. દારૂ પીને વાહન ચલાવવા માટે હાલમાં કડક નિયમો બન્યા છે તેથી દારૂ પીને વાહન ન ચલાવવું તથા અન્યોના જીવ જોખમમાં મૂકવા નહીં.