ઊડતી ઉપાધિ
ટૂંકી વાર્તા -ધનેશ હ. પંડ્યા
હું નિત્યક્રમ મુજબ બાબરાથી અમરેલીની બસ પકડવા ઘરમાંથી બહાર નીકળ્યો ત્યાં અમારાં પાડોશી શાંતામાસી (આખા ડેલાના સૌ એને ‘માસી’ કહેતા) ઓટલેથી ગુવાર વીણતાં મને જોઈ ગયાં. ઝડપથી મને અટકાવીને બોલ્યાં, ‘નવીનભાઈ, અમરેલી જાવ છો? તમારા માસાની દવા લેતા આવજોને.’ હું કાંઈ બોલું તે પહેલાં મારા હાથમાં ચિઠ્ઠી અને તેમાં વીંટાળેલા પૈસા આપી પાછાં ઓટલે બેસી ગયાં. હું હજુ માંડ એક-બે ડગલાં ચાલ્યો ત્યાં તેમણે ટકોર કરી, ‘દવા જરૂરી છે, ભૂલી જતા નહીં, તમારો સ્વભાવ પાછો…’ શાંતામાસી વાક્ય પૂરું કરે તે પહેલાં હું રવાના થઈ ગયો. રસ્તામાં વિચાર આવ્યો કે, ‘શું હું આંગડિયાની નોકરી કરું છું કે શિક્ષકની? આવું કાંઈ કહી દીધું હોત તો કાયમની લપ છૂટી જાત.
મેં અમરેલીમાં બે-ચાર દુકાનોમાં ધક્કા ખાધા ને દવા શોધી કાઢી, ઘટ્યા તે પચ્ચીસ રૂપિયા પણ ઉમેરી દીધા.
સાંજે હું ડેલામાં દાખલ થયો. શાંતામાસી બારીમાં બિલાડીની જેમ ટાંપીને બેઠાં હતાં. તે મને જોઈ ગયાં. મારી પહેલાં મારા ઘરમાં ઘૂસી ગયાં! હું જરા સ્વસ્થ થાઉં તે પહેલાં જાણે મારી ઊલટતપાસ કરતાં હોય તેમ બોલ્યાં, ‘દવા લખી હતી તે જ લાવ્યા છોને? બિલ લીધું છેને? કેટલા વધ્યા?’
મેં તંગ મુદ્રા કરી પડીકું પકડાવી દીધું, ને કહ્યું, ‘લો, આમાં બધું છે?’માસી વિવેક કર્યા વગર જતાં રહ્યાં! બીજા કે ત્રીજા દિવસે સવાર સવારમાં માસી પ્રગટ થયાં. ‘હજુ તમારા માસાને ઝાડા મટ્યા નથી.’
મારાથી બોલાઈ ગયું, ‘તેમાં હું શું કરું?’ ડૉકટરને બતાવી જુઓ તો ખબર પડે?’
પત્નીએ મારી સામે ડોળા કાઢ્યા ને કહ્યું ‘માસીને આમ કહેવાય?’
હું શાંત રહ્યો. માસી જતાં જતાં બબડતાં ગયાં. ‘નક્કી બસ પકડવાની ઉતાવળમાં કોઈ ભળતી દવા લઈ આવ્યા લાગે છે, નહીં તો ત્રણ-ત્રણ દિવસ થયા છતાં ઝાડામાં ફે કેમ ન પડે? મેં વળી ક્યાં તેમને કામ ચીંધ્યું.’ મારી પત્નીએ ટોણો માર્યો, ‘કોઈની ઊડતી ઉપાધિ લેતા ન હો તો? મળ્યાં જશ બદલે જૂતાં?’
મેં મનમાં ગાંઠ વાળી કે હવે પછી કોઈનું કામ કરવું નહીં. લોકોને આપણી કદર જ નથી હોતી.
આજે રવિવાર હતો. નહીં સંપેતરું કે સંદેશા આપવા-લેવાના, બસ આજે તો મજા-મજા. હું સવારે તૈયાર થઈ બહાર નીકળ્યો, ત્યાં મારા નામની બૂમ સંભળાણી!
‘એ નવીનભાઈ, જરા ઊભા રહોને, પ્લીઝ…’
મનમાં વાળેલી ગાંઠ ઢીલી પડવાના ભણકારા વાગ્યા. મારી લગોલગ આવી સુશીલાબહેને તેની આંગળીથી તેના કાનુડાને છોડાવી મારી આંગળીએ વળગાડી દીધો, ને બોલ્યાં, ‘આજે રવિવારે પોલિયોનાં ટીપાં પિવડાવવાનો વારો છે. તમારા ભાઈને સખત તાવ ચડ્યો છે, પ્લીઝ કાનાને ડોઝ પીવડાવી દેજોને!’ એકી શ્ર્વાસે બોલી ગયાં ને સુશીલાબહેન ઉતાવળે જતાં પણ રહ્યાં! હું સમસમી ગયો. મનમાં થયું માણસો કામ કઢાવવા કેમ કેવા કીમિયા કરે છે?
સુશીલાબહેન અમારાં પાડોશી. મારી પત્ની સાથે નોકરી કરે, પતિ માંદા છે, પોલિયોનો છેલ્લો જ ડોઝ બાકી છે. આવા કામમાં ના પણ કેમ પડાય? હું કાનાને આંગળીએ વળગાડી નિશાળ તરફ ઊપડ્યો. રસ્તામાં કાનાએ લીલા કરી. ‘અંકલ, દવા મને કડવી લાગે, એક કેડબરી લઈ આપોને!’
મેં બાળહઠ આગળ નમતું જોખ્યું. પાંચ રૂપિયાની એક કેડબરી લઈ આપી. નિશાળે પહોંચ્યા. એક કલાકે વારો આવ્યો. નર્સ બહેને પહેલાં કાના તરફ અને પછી મારી તરફ જોઇને મને વણમાગી સલાહ આપી, ‘આ તમારા બાબાનો છેલ્લો ડોઝ છે તો જરા વહેલું આવવું જોઈએ, આવા કામમાં આળસ ન કરાય. સારું છે કે એક-બે ડોઝ જ વધ્યા છે’, કહીને નર્સબહેને કાનાને ડોઝ પાઈ દીધો.
વળતાં કાનાએ પાછો ખેલ નાખ્યો: ‘અંકલ, અંકલ, મને કાંઈક થાય છે, તેડી લ્યોને!’
‘હું ગભરાણો. સફેદ કપડાંની દરકાર કર્યા વગર તેડીને કાનાને તેના ઘર સુધી મૂકી આવ્યો.
પાછો બપોરે જમવામાં મોડો પડ્યો. પત્નીએ કડક નહીં એવો ઠપકો આપ્યો; ‘રવિવારે પણ પારકી ઉપાધિ લીધી હશે, મને તમારી ટેવની ખબર હોય જ, નહીં તો મોડું કેમ થાય.’
મેં હસતાં હસતાં આખી વાતનો ખુલાસો કર્યો. પાડોશીધર્મ બજાવ્યાનો ગર્વ કર્યો. પત્નીનું મોઢું બગડી ગયું. છણકો કરતાં સંભળાવી દીધું; ‘એ સુશીલા છે જ કામચોર. ઊડતી ઉપાધિ લેવામાં શું મજા આવે છે તમને?’ સમાધાનની ભૂમિકા બાંધતાં મેં કહ્યું, ‘હવેથી કોઈનું ય કામ નહીં કરવાની પ્રતિજ્ઞા કરું છું બસ!’ ખાતરી આપ્યા બાદ શાંતિ સ્થપાઈ.
સાંજે અમારા પુત્ર સંકેતનો જન્મદિવસ ઊજવવાનો હતો. તૈયારી ચાલતી હતી, ત્યાં જેમણે મને દવા લેવા માટે ચિઠ્ઠી અને ઓછા પૈસા આપ્યા હતા, તે શાંતામાસી આવી ચડ્યાં.
ઉપકારવશ થઈ બોલ્યા, ‘નવીનભાઈ, તે દિવસે તમારા માસાની ચિંતામાં મેં ઉતાવળે તમને બે શબ્દો કહી દીધા હતા, તે બદલ માફ કરશો. હું ટેન્શનાં હતી. તમારા માસાને હવે સારું છું. ડૉકટરે પણ કહ્યું કે ઝાડા એકદમ બંધ ન કરાય. તમે ખરેખર સારા, પરગજુ પાડોશી છો. લ્યો, આ પેંડા તમારા માસાએ સંકેતના જન્મદિવસ નિમિત્તે મોકલ્યા છે, ને આ પચ્ચીસ રૂપિયા પણ.’ વિવેક કરી શાંતામાસી જતાં રહ્યાં. મેં પત્નીને કહ્યું; ‘માસી છે સજજન.’
પત્નીએ કહ્યું; ‘હું નહોતી કેતી કે ક્યારેક પડોશીનું કામ કરવું જોઈએ. જરા ઘસાઈ જવામાં શું જાય?’
‘હું નિરુત્તર રહ્યો. કેક કાપવાની તૈયારી ચાલતી હતી ત્યાં સુશીલાબહેન, તેના પતિ સેવંતીલાલ અને નટખટ કાનો આવી પહોંચ્યો. સેવંતીલાલે રમૂજ કરતાં કહ્યું, ‘ઊભા રહો, પહેલાં સંકેતને આ નવો સૂટ પહેરાવો, બધા લાઈનમાં ઊભા રહો, હું ફોટો પાડું ને તમે કેક કાપો!’
સેવંતીલાલ કેકનું બટકું ખાતાં ખાતાં બોલ્યાં; ‘નવીનભાઈ, તમારા જેવા સેવાભાવી અને સહનશીલ માણસ મેં જોયા નથી. કાનાએ તમને હેરાન કર્યાં છતાં એકપણ ફરિયાદ ન કરી. તમારા જેવો સજ્જન પાડોશી સૌને મળે. સંકેતને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ.’
રાતે સૂતી વખતે પત્નીએ ટકોર કરી, ‘કોઈનું કરેલું કામ ક્યાંય જતું નથી, જોયુંને?’ મેં સૂર પુરાવ્યો. ઓગળવા ન ઈચ્છતી મીણબત્તી પ્રકાશ આપી શકે નહીં, પ્રકાશ આપવો હોય તો પીગળવું પણ પડે.
હવે અમારું જીવનસૂત્ર બદલાઈ ગયું, ‘ઘસાઈને ઊજળા થવામાં જ ખરી માનવતા છે.’