ઉત્સવ

નોકરીના પાંચ દિવસ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

તો વાત એમ છે કે એક તો જંગલ વિસ્તાર ઉપરથી ઊંચા, ગીચ, કપાઈ જવાથી બચી ગયેલાં વૃક્ષોની વચ્ચે એક પાતળો રસ્તો જે અત્યારે તો સારો હતો, પણ ઊબડ-ખાબડ થવા માટે આવતા વરસે વરસાદની રાહ જોતા બચ્યો હતો એ રસ્તા પરથી એક જીપ જઈ રહી છે, જેનો કર્કશ અવાજ અને અલ્લડ છટા જોઈને કહી શકાય કે આ ગાડી તો નક્કી સરકારી છે. એ ગાડી નજીક આવી ત્યારે અમે જોયું કે એમાં વન વિભાગનો એક અધિકારી હતો, જે દૂરથી અદ્દલ ટારઝન જેવો લાગતો હતો. એ જંગલનું નિરીક્ષણ કરવા જઈ રહ્યો હતો. કદાચ જંગલમાં, હજી કાપવા માટે કેટલાં ઝાડ બચ્યાં છે એની ગણતરી કરવા.

આગળ એ જ રસ્તા પર વન વિભાગના મજૂરો, રસ્તાનું કામ નથી કરી રહ્યાં. બસ, બીડી પીતા પીતા એકબીજાના મોંઢા જોઈ રહ્યા છે અથવા ઉપર ખુલ્લા આકાશને અમસ્તાં જ જોઈ રહ્યા છે. અડધો બનેલો સરકારી રસ્તો છો પડ્યો એની જગ્યાએ અને બીડીઓનું સુખ લેતા મજૂરો, એય ને એમની જગ્યાએ! એ મજૂરો કાંઇ આઈ.એ.એસ તો છે નહીં. અરે, એ તો હેડક્લાર્ક કે સુપ્રિન્ટેન્ડેન્ટ પણ નથી, પણ સરકારી કામ કરી રહ્યા છે એટલે એમને કામના સમયે કામ ન કરવાનો પૂરેપૂરો હક છે, હોં! જંગલ છે એટલે એ લોકો બીડી પી રહ્યા છે. જો હમણાં જંગલની જગ્યાએ સચિવાલય હોત તો અહીં કેન્ટિન હોત અને આ જ મજૂરો ચા પી રહ્યા હોત. આ જંગલ વિસ્તાર છે એટલે રસ્તા પર બેસી બીડી પીવા સિવાય એ બીજું કરે પણ શું? એટલામાં પેલી સરકારી જીપનું આગમન થાય છે, જેમાં ટારઝન છાપ વન વિભાગનો અધિકારી છે. અધિકારી પોતે કામચોર હોય તો ચાલે પણ એ બીજાઓની કામચોરી સહન નથી કરી શકતો ને પકડીને શિક્ષા આપે છે. અધિકારીને એ જ વાતનો તો પગાર
મળે છે.

મજૂરોને કામકાજ છોડી નવરા બેઠેલા જોઈને પેલો અધિકારી, ટારઝનની જેમ જીપમાંથી કૂદીને બહાર આવ્યો અને મજૂરોને ગાળો ભાડવા માંડ્યો. એણે જે ગાળો આપી એ- ‘આળસુ બદમાસ ’ જેવી સાત્ત્વિક ગાળો કરતાં અનેક ગણી ખરાબ હતી. એક ટારઝને એના સમગ્ર જંગલી જીવનમાં ક્યારેય આટલી ગાળો નહીં આપી હોય એટલી પેલા સરકારી વન અધિકારીએ પંદર જ મિનિટમાં આપી.
આમ તેમ વાતો કરવા કરતાં આપણે સીધા ક્લાઇમેક્સ પર આવીએ. એક વૃદ્ધ માણસ બીડી ફેંકી બધાંનું પ્રતિનિધિત્વ કરતાં ઊભો થયો અને અધિકારીને કહ્યું, ‘સાહેબ, તમે કહો છો કે અમે કામ નથી કરી રહ્યા? એવું નહીં સમજતા કે અમારી પાસે કામ નથી. કામ તો બહુ છે. અમારી પાસે કામની કમી નથી. અમારે પણ ઘર-બાર છે, ખેતી-વાડી છે, ઢોર-ઢાંખર છે, અમારી પાસે ઘરે કરવા માટે ઘણાં કામ છે. પણ અહીં અમે કામ કરવા નહીં, પણ માત્ર નોકરી કરવા આવ્યા છીએ, સરકારની!’

આપણે આ ફિલોસોફીને હવે સમજી લેવી જોઈએ. જંગલનો રસ્તો હોય કે સરકારી કચેરી, પટાવાળો હોય કે અધિકારી હોય, ત્યાં બધાં કામ કરવા નહીં નોકરી કરવા આવે છે. બધાંને પોતાના ઘરે ઘણું કામ હોય છે. ઘરે કામની કોઈ કમી નથી હોતી, પણ કમનસીબે દસથી પાંચનો સમય નોકરીનો છે, જે એમણે નાછૂટકે આપવો પડે છે.

હવે સરકાર, અઠવાડિયામાં પાંચ જ દિવસ કામનાં કરવા જઇ રહી છે. લોકોને લાગે છે કે આનાથી સરકારી વિભાગોમાં કામ ઓછું થશે. ના, એવું નથી, નોકરીનાં કામકાજનો સમય ઓછો થશે. કરવા માટે તો ઘરે પણ કામ ઘણું છે જ ને? જે લોકો પહેલાં એક જ દિવસની રજામાં ઘરનું કામ કરતાં હતાં એ હવે બે દિવસ કામ કરશે. એટલે કામ તો વધી જ ગયું ને? હવે અઠવાડિયામાં બે દિવસ કામ કરવું પડશે ને બાકીના પાંચ દિવસ નોકરીનાં….!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ