ઉત્સવ

સુખનો પાસવર્ડ : મક્કમ નિર્ધાર કરો વિકટ સંજોગોમાંય રસ્તો મળી જશે

-આશુ પટેલ

થોડા સમય અગાઉ એક યુવાને એક મિત્રના રેફરન્સ સાથે મને કોલ કર્યો હતો. પહેલાં તો એણે થોડાક દિવસો દરમિયાન અનેકવાર કોલ્સ કર્યા, પરંતુ હું અજાણ્યા નંબર રિસિવ કરતો નથી એટલે મેં એ નંબર પર મેસેજ મોકલ્યો કે ‘તમે કોણ છો એ હું જાણી શકું? મારી પાસે તમારો નંબર નથી.’

તો એણે એ મેસેજનો જવાબ આપવાને બદલે કોલ્સ કરવાનું ચાલુ રાખ્યું. પછી જે મિત્રએ એને મારો નંબર આપ્યો હતો એણે મને કહ્યું કે ‘મેં ફલાણા છોકરાને તમારો નંબર આપ્યો છે. એને ક્યાંક સારી નોકરી મળી શકતી હોય તો જોજો… એ કહે છે કે તમે એક અઠવાડિયાથી એનો કોલ રિસિવ પણ નથી કરતા અને વળતો કોલ પણ નથી કરતા!’

પહેલાં તો મને એ યુવાનની દયા આવી. એ શિક્ષિત છે ને અંગ્રેજી સમજે છે, છતાં મારા મેસેજનો જવાબ આપવાને બદલે જડતાપૂર્વક કોલ્સ કરવાનું ચાલુ રાખ્યું હતું.

મારા મિત્રએ એનો નંબર આપ્યો એટલે મેં એનો નંબર સેવ કર્યો પછી એને સામેથી કોલ કર્યો. એ વખતે પેલો યુવાન મને ફરિયાદ કરવા લાગ્યો કે ‘મેં તમને અનેકવાર કોલ કર્યા, પણ તમે મારા કોલ રિસિવ ન કર્યા!’

મને થોડી અકળામણ થઈ, પરંતુ એ યુવાન બેકાર હતો એટલે કદાચ એની મનોસ્થિતિ ખરાબ હશે એમ માનીને મેં એની સાથે શાંતિથી વાત કરી.

એની પાસે ખૂબ ફરિયાદો હતી. એણે કહ્યું કે ‘હું કૈંક કરી બતાવવા તૈયાર છું, પણ મને નોકરી મળતી નથી. મારા કુટુંબની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે મને કોચિંગ ક્લાસમાં જવાની તક મળી નહોતી, નહીં તો હું પણ ઘણું કરી બતાવત…’

મેં એને કહ્યું, ‘સારું.. મારાથી શક્ય હશે એ કોશિશ કરીશ.’ જોકે એમ છતાં પેલાએ ફરિયાદો ચાલુ રાખી. એ જે રીતે રોદણાં રડી રહ્યો હતો એને કારણે મેં એને આઈએએસ ઓફિસર દિવ્યા તંવરનો કિસ્સો કહ્યો. દિવ્યા તંવરના કુટુંબની આર્થિક સ્થિતિ તો પેલા યુવાનથી પણ અનેક ગણી વધુ ખરાબ હતી, પરંતુ કોઈ જ સુવિધા વિના એ નાની ઉંમરે આઈપીએસ અને પછી આઈએએસ ઓફિસર બની. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નિમ્બી ગામની વતની દિવ્યાએ સરકારી શાળામાં અભ્યાસ કર્યો એ પછી તેણે મહેન્દ્રગઢના નવોદય વિદ્યાલયમાં ભણવાની તક મેળવી.

દિવ્યા માત્ર આઠ વર્ષની હતી ત્યારે પિતાનું મૃત્યુ થઈ ગયું. પછી માતાએ મજૂરી કરીને દિવ્યા સહિત ત્રણ સંતાનને મોટાં કર્યાં- ભણાવ્યાં. માતા મજૂરીની સાથે દસ-દસ રૂપિયામાં સાડીના ફોલ લગાવીને પૈસા કમાતી હતી. માને સખત મહેનત કરતી જોઈ અને કુટુંબની ગરીબીને કારણે દિવ્યાએ નક્કી કર્યું હતું કે હું મોટી થઈને મારી માતાના સંઘર્ષનો અંત આણીશ અને મારા કુટુંબને ગરીબીમાંથી બહાર કાઢીશ.

દિવ્યા સ્કૂલમાં ભણતી હતી તે વખતે એની સ્કૂલમાં આસિસ્ટન્ટ કલેકટર કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. બધા એમને જે રીતે સમ્માન આપી રહ્યા હતા એ જોઈને દિવ્યાએ ત્યારે જ નિશ્ર્ચય કરી લીધો કે હું પણ આઈએસ ઓફિસર બનીશ.

અભ્યાસ કર્યા પછી દિવ્યાએ વુમન્સ કોલેજમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી. ગવર્નમેન્ટ વુમન્સ કોલેજમાં એડમિશન લીધા પછી એને યુપીએસસીની પરીક્ષાઓ વિશે જાણવા મળ્યું. દિવ્યા કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન જ એણે ઇન્ટરનેટની મદદથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. કોચિંગ ક્લાસમાં જવાની તો કલ્પના પણ કરી શકે એમ નહોતી. પોતાનો ખર્ચ કાઢવા માટે નાના બાળકોને ટ્યુશન આપવાનું એણે શરૂ કર્યું. ઊંઘવા માટેના થોડાક કલાક બાદ કરતા એ સતત પ્રવૃતિશીલ રહેતી હતી. ભણવું-ભણાવવું ને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવી એમ તે સતત વ્યસ્ત રહેતી હતી. એની મમ્મી બબીતા તંવરને ખબર નહોતી કે દિવ્યા શું ભણી રહી છે. જોકે એ દીકરીને પ્રોત્સાહન આપતી રહી.

૨૦૨૨નાં વર્ષમાં માત્ર ૨૧ વર્ષની ઉંમરે દિવ્યાએ પહેલી જ વખત યુપીએસસીની પરીક્ષા આપી. પ્રથમ પ્રયાસમાં જ ૪૩૮મી રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી. જોકે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ તે આઈએએસ બની શકે એમ નહોતી. એની નીચી રેન્કને કારણે એની આઈપીએસ ઓફિસર તરીકે પસંદગી થઈ ગઈ. દિવ્યા તો આઈએએસ ઓફિસર બનવા ઈચ્છતી હતી એટલે તેણે વધુ તૈયારી કરીને બીજા વર્ષે – ૨૦૨૩માં ફરી વખત યુપીએસસીની પરીક્ષા આપી. અને એ વખતે તે ૧૦૫ નંબરની રેન્ક પર ઉત્તીર્ણ થઈ ને આઈએએસ ઓફિસર તરીકે એ પસંદગી પામી!

દિવ્યા તંવરની મણીપુર કેડરમાં આઈએસ ઓફિસર તરીકે નિમણુક થઈ. તે માત્ર ૨૨ વર્ષની ઉંમરે આઈપીએસ ઓફિસર બની અને ૨૩ વર્ષની ઉંમરે આઈએએસ ઓફિસર બની ગઈ.

જે લોકો સતત રોદણાં રડતા હોય એમણે દિવ્યા તંવર જેવી વ્યક્તિઓના દૃષ્ટાંત નજર સામે રાખવા જોઈએ. માણસ ગરીબ કુટુંબમાં જન્મે કે એને કોચિંગ ક્લાસમાં જવાની તક ન મળે કે ઉચ્ચ અભ્યાસની તક ન મળે એને કારણે એ જિંદગીભર રોદણાં રડતો રહે તો ક્યારેય આગળ વધી ન શકે. સફળતા ન મળે ત્યારે બીજા બધાં કારણ-બહાનાં આગળ ધરવાને બદલે વધુ મહેનત કરવી જોઈએ. માણસ મક્કમ નિર્ધાર કરી લે તો એને ગમે એવા વિકટ સંજોગો વચ્ચે પણ રસ્તો મળી જ રહેતો હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button