ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : ઈન્વેસ્ટમેન્ટ માટે ફાઇનાન્સિયલ પ્લાનર મહત્ત્વના, પણ ઈન્ફ્લ્યુએન્સર્સ? જરા, બચકે રહેના!

-જયેશ ચિતલિયા

ફાઈનાન્સિયલ ઈન્ફલ્યુએન્સર્સના પ્રભાવમાં આવી જવાથી નફા કરતાં નુકસાન વધુ થઈ શકે છે… શા માટે અને કઈ રીતે એ સમજવું જરૂરી છે રોકાણને લઈને તમે કોના પર વધુ વિશ્વાસ રાખો છો? પોતાના પર કે તમારા જે-તે સલાહકાર પર?
પહેલી વાત તો એ કે રોકાણ એ એવી મહત્ત્વની અને સંવેદનશીલ બાબત છે, જેમાં સલાહકાર સાચો, હોશિયાર અને કાબેલ હોવો જોઈએ. બીજી વાત, સલાહ માટે ફાઈનાન્સિયલ પ્લાનર હોવો જોઈએ. રોકાણ એટલે માત્ર શૅરબજાર જ નહીં, બલકે જીવનનું આર્થિક આયોજન, જેમાં તમારા પરિવારનો પણ સમાવેશ થઈ જાય અને તમારું ભાવિ પણ…

આજકાલ સોશ્યલ મીડિયાના માધ્યમથી ‘ઈનફ્લુએન્સર્સ’ના ટોળાં નીકળી પડયા છે, જેમાં સાચા કેટલાં એ સવાલ છે.
બાકી તમારી વિવેકબુધ્ધિ એ જ ખરો ઉપાય છે. સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર-પ્રભાવકોની સલાહને અનુસરીને અનેક સીધા-સાદા બચતકારો-રોકાણકારોએ મહામુલી મુડી ગુમાવી હોવાના કિસ્સા નિયમિત ધોરણે વધતા જાય છે. તેમ આમ છતાં આ વિષયમાં લોકોમાં હજી પણ જાગ્રતિનો અભાવ રહ્યો છે. આવા પ્રભાવકો ઘણી જાહેર કરવી જરૂરી હોય એવી બાબતોની પણ જાહેરાત કરતા નથી, કેમ કે એમનો મૂળ ઈરાદો તો રોકાણકારોને બજારમાં ઉતારી દઈ પોતે કમાઈ લેવાનો હોય છે… એ પછી રોકાણકારોને જે થવાનું હોય તે થાય.

અલબાત, આમાં અપવાદ રૂપ બહુ જુજ હોય છે. ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (સેબી)માં નોંધાયેલા-રજિસ્ટર્ડ ન હોય તેવા સલાહકારો વિશે વારંવાર ચેતવણીઓ આપવામાં આવે છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે રોકાણના નિર્ણયો લેતા પહેલા સાવચેત રહે અને આવા અનરજિસ્ટર્ડ સલાહકારો કે પ્રભાવકોના ઓળખપત્રોની ચકાસણી કરે.

ભાવ- મેનિપ્યુલેશનના કિસ્સા
તાજેતરનો એક એન્જિનિયરીંગ કંપનીનો કિસ્સો આવો આંધળો વિશ્વાસ કરનારાઓની આંખો ખોલે છે. આ કંપનીના શૅરમાં પાંચ-છ વર્ષમાં આવેલો 6000 ટકાથી પણ વધુનો ઉછાળો અને પાછળથી ભોપાળું બહાર પડતાં અને ‘સેબી’ સહીતના સત્તાવાળાઓનો તપાસનો સકંજો કસાતા ચારેક મહિનામાં શેર ઘટીને રૂ. 51.25 ની નીચી સપાટીએ પહોંચી હાલ રૂ. 65 આસપાસ ક્વોટ થાય છે.

જૂન 2024ના ‘સેબી’ ના રિપોર્ટ પ્રમાણે કંપનીના પૂણે પ્લાંટમાં ઇવી (ઈલેકટ્રિક વ્હિકલ્સ)નું ઉત્પાદન જ થતું ન હતુ અને કંપનીએ કરેલા પ્રીઓર્ડર્સના દાવાઓ નોન બાઇન્ડિંગ એમઓયુના આધારે હતા. આ શૅરને ચગાવવામાં આદિત્ય જોશી અને પ્રશાંત મિશ્રા નામના ઈનફ્લુએન્સર્સના નામ બહાર આવ્યા છે અને એમની કંપનીના પ્રમોટર્સ સાથેની સાંઠગાંઠ પણ સત્તાવાળાની નજરમાં આવી ગઇ છે.

ક્યાં તો ફાઈનાન્સિયલ ઇન્ફ્લુએન્સર્સ ખરી હકીકતો જાણ્યા વગર અમુક શૅરના ભાવો મેનિપ્યુલેટ કરવામાં ફાળો આપતાં હોય છે અને ઘણીવાર જાણી જોઇને ઓપરેટરો અન પ્રમોટરો તરફથી મળેલા લાભોની હકીકત છુપાવીને શેરોના ભાવ વધવાની સલાહ આપીને રોકાણકારોને છેતરતાં હોય છે. આ એન્જિનિયરિંગ કંપનીમાં ભલે તમે ફસાયા ન હો, પણ આ કિસ્સાથી તમારી આંખ તો ખૂલી જવી જોઇએ અને ‘સેબી’ રજિસ્ટર્ડ ન હોય કે રજિસ્ટર્ડ હોવા છતાં નોંધણીની શરતોનું કડક પાલન ન કરતાં હોય એવા સલાહકારોથી બચીને રહેવામાં જ ડહાપણ છે.

ઘણાં ઇન્ફ્લુએન્સર્સને ભ્રામક વાતો ફેલાવી ખોટી ટીપ ફરતી કરી પંપ એન્ડ ડંપના ઓપરેટરો/પ્રમોટરોના હેતુમાં મદદ કરવા બદલ ચિકકાર પૈસા મળતા હોય છે. એમને આવી ફી ચૂકવી ઓપરેટરો/પ્રમોટરો પબ્લિકના ગળામાં માલ પહેરાવી નિકળી જતાં હોય છે અને રોકાણકારો ફસાઇને એવા શેરોને ઘર જમાઇ બનાવી દેતાં હોય છે.

યુવા વર્ગ જલદી દોરવાઈ જાય છે
માર્ચ 2025ના એક જાણીતી ઇન્સ્ટીટ્યૂટના અહેવાલ પ્રમાણે 59 ટકા ઇન્ફ્લુએન્સર્સ કોઇને કોઇ બ્રાન્ડ સાથે સંકળાયેલા હતા, પણ એ વાત એમણે છૂપાવી હતી. નવલોહિયા જેવો વર્ગ, નવી નવી નોકરી લાગી હોય અને તાનમાં આવી જઇને ઘણી વાર બે-પાંચ લાખ રૂપિયા આવા પ્રભાવકોની જાળમાં આવીને રોકી દેતા હોય છે અને પાછળથી રાતા પાણીએ રોતા હોય છે. ઘણાં અનરજિસ્ટર્ડ સલાહકારો પોતે ‘સેબી’ રજિસ્ટર્ડ નથી એવું સ્પષ્ટ જણાવતાં હોવા છતાં લોકો એમનામાં વિશ્વાસ મૂકી રોકાણ કરીને ફ્સાઈ છે.

ઘણી વાર ટિપ્સ ફેરવવા શિક્ષણ માટેનું છોગું લગાડીને અપાતી માહિતીનો અર્થ સમજ્યા વગર જ રોકાણ કરીને નુક્સાન ભોગવ્યા પછી જ લોકોને ખબર પડે છે કે આ શિક્ષણ ક્યો પાઠ ભણાવવા માટે હતું.એક યુવાને પિતાના પ્રોવિડંટ ફંડ અને બચતની રકમ એક ઇન્સ્ટાગ્રામ ચેનલ પર મળતી ટિપ્સ પર ભરોસો કરીને ગુમાવી દીધી. આવી ચેનલો શરૂઆતમાં નાના ફાયદા કરાવી અંતે તો મોટું નુકસાન જ કરાવતી હોવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે, પરંતુ બહાર આવતાં નથી, કેમ કે શૅરબજારમાં કમાય એ છાપરે ચડીને જાહેરાત કરે, પણ ગુમાવે એ મૂંગે મોઢે સહન કરી કમાવાના બીજા મોકાની રાહ જોતાં હોય છે.

મોટા નામના ઉપયોગ દ્વારા છેતરપિંડી
તાજેતરમાં તમે જોયું-સાંભળ્યું હશે કે સ્ટોક એકસચેંજના વડા, મોટી-જાણીતી કંપનીઓના ચેરમેનના નામે કે પછી વિખ્યાત એકસપર્ટના નામે ફેક (બનાવટી) વીડિયો ક્લિપ બનાવી વાયરલ કરાતા રહે છે, જેમાં આ ટોચના નામાંકિત લોકોને અમુક તમુક શેર્સની ભલામણ કરતા બતાવાય છે. વગદાર વ્યક્તિઓ, મોટા ઇન્વેસ્ટરોના ફેક પ્રોફાઇલ બનાવી છેતરવાનો ધંધો શરૂ થયો હોવાથી ‘સેબી’ સાવચેત રહેવાની સલાહ સતત આપતું રહે છે.

ટૂંકમાં, નાણાકીય નુક્સાનથી બચવા યુ ટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, મીમ્સ અને રીલ્સના પ્રભાવમાં આવ્યા વગર જાતે જ પૂરી માહિતી એકત્રિત કરી સમજી વિચારીને રોકાણના નિર્ણયો લેવા જોઇએ…આ સત્ય નહીં સમજો તો લોભિયા લુંટાતા રહેશે અને ધુતારા કમાયા કરશે

આપણ વાંચો : ઈકો-સ્પેશિયલ : શૅરબજારના સોદા: નકલી ટે્રડિગ એપ્સ વત્તા વોટ્સએપથી સાવધાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button