ઉત્સવ

સબ બંદર કા વ્યાપારી એવા બહુમુખી પ્રિતીશ નંદીને અલવિદા…

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

ભારતમાં, અંગ્રેજી ભાષાના પત્રકાર કમ એડિટર બીજી ભાષાના લોકોમાં પણ એટલા જ લોકપ્રિય હોય તેવું બહુ ઓછાં નામો સાથે બનતું હોય છે. વાસ્તવમાં, એવા અંગ્રેજી પત્રકારોને આંગળીના વેઢે ગણી શકાય. જેમ કે – કુલદીપ નૈયર, ખુશવંત સિંહ, વિનોદ મહેતા, અરુણ શૌરી, શેખર ગુપ્તા, એમ. જે. અકબર અને વીર સંઘવી. એવું જ એક નામ પ્રિતીશ નંદીનું છે. આખા દેશમાં નામના કાઢનારા પત્રકારોની એક વિશેષતા એ હોય છે કે એમનું કામ માત્ર સમાચાર સુધી સીમિત નથી હોતું. એ સારા વિચારક હોય છે અને સમાજની તાસીર અને તવારીખના અચ્છા નિરીક્ષક હોય છે એટલે એમનું લેખન સમાચાર પત્રો કે પત્રિકાઓની સામયિકતાથી ઉપર ઊઠીને સમકાલીન સમયનું સાહિત્ય બની જતું હોય છે.

પ્રિતીશ નંદી પણ પત્રકારત્વના ક્ષેત્રમાં એક મોટું નામ. એમણે પત્રકારત્વ દ્વારા સમાજનું સત્ય બહાર લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. નંદીએ `ધ ઇલસ્ટે્રટેડ વીકલી ઑફ ઇન્ડિયા’ના તંત્રી તરીકે પણ સેવા આપી હતી. એમણે ધ ઇન્ડિપેન્ડન્ટ, ફિલ્મફેર અને અન્ય અગ્રણી સામયિકોના સંપાદક તરીકે પણ સેવા આપી હતી, જેણે ભારતના સાહિત્યિક અને પત્રકારત્વના પરિદૃશ્યને આકાર આપ્યો હતો.

તંત્રી-સંપાદક તરીકે નંદીના કાર્યકાળ દરમિયાન ધ ઇલસ્ટે્રટેડ વીકલી’એ કેટલીક એક્સ્લુઝિવ સ્ટોરીઓ કરી હતી. એમના પ્રખ્યાત અહેવાલોમાં ફ્રેન્ક કેમ્પરની મુલાકાત હતી, જે એક ભાડૂતી ગુંડો હતો અને જેણે અમેરિકાનાં અલાબામાનાં જંગલોમાં તાલીમ શિબિર ચલાવી હતી. કિશોર કુમાર સાથેના નંદીના ઇન્ટરવ્યુએ આ મહાન ગાયકના મનની સમજ આપી હતી. એક સંપાદક તરીકે એમને ક્વિઝ, રમતગમત અને સિનેમા સંબંધિત વિશેષ મુદ્દાઓ માટે પણ શોખ હતો. એ પોતાના સાહસિક વિચારો માટે જાણીતા હતા. આ ઉપરાંત, નંદી 1990 ના દાયકા દરમિયાન દૂરદર્શન પરધ પ્રીતિશ નંદી શો’ નામના ટૉક-શોની યજમાની પણ કરતા હતા. આ શોમાં અનેક હસ્તીઓનો એમણે ઇન્ટરવ્યુ લીધો હતો.

પ્રિતીશદાનો મુખ્ય વ્યવસાય પત્રકારત્વ હતો, પરંતુ એમની રેંજ સમાજ, સાહિત્ય અને કળા સુધી વિસ્તરી હતી અને એટલે જ અન્ય ભાષાના વાચકો પણ એમના નામથી આકર્ષાયા હતા. નંદી એડિટર, ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન હોસ્ટ હોવા ઉપરાંત, કવિ અને લેખક પણ હતા. એમણે અંગ્રેજીમાં કવિતાનાં ચાળીસથી વધુ પુસ્તકો લખ્યાં હતાં તેમ જ સાહિત્ય અને અનુવાદ માટે પણ કામ કર્યું હતું.

નંદીની કવિતા કલકત્તા ઇફ યુ મસ્ટ એક્સાઇલ મી’ ખૂબ જ પ્રખ્યાત છે. તેને આધુનિક ભારતીય સાહિત્યમાં અગ્રણી ક્લાસિક માનવામાં આવે છે. ભારતીય સાહિત્યમાં એમના યોગદાન બદલ ભારત સરકારે 1977માં એમનેપદ્મશ્રી’થી સન્માનિત કર્યા હતા. સંસ્કૃત સહિત અન્ય ભાષાઓમાં પ્રાચીન પ્રેમ કવિતાઓનો અનુવાદ કર્યો છે, જેના માટે એમની પ્રશંસા પણ થઈ છે. પ્રિતીશ નંદીની સર્જનાત્મક પ્રતિભા પેઇન્ટિંગ સુધી વિસ્તરેલી હતી, એમણે આર્ટવર્કનાં ઘણાં પ્રદર્શનો પણ યોજ્યાં હતાં. નંદી `ઇલસ્ટે્રટેડ વીકલી’ના એડિટર હતા, ત્યારે 1989માં એમણે પોતે કેવી રીતે લખતા થયા તેની રસપ્રદ વાત વર્ણવી હતી…

હું17 વર્ષનો હતો અને લેખનમાં કારકિર્દી બનાવવાની આશા સાથે પ્રેસિડેન્સી કૉલેજમાંથી ડ્રૉપ આઉટ થયો હતો ત્યારે હું પી. લાલને મળ્યો હતો. એ પ્રોફેસર હતા. હું બધેથી હડધૂત થયેલો હતો. પી. લાલ પહેલા પ્રકાશક હતા, જેમણે મારા જેવા એક શિખાઉ કવિને પ્રોત્સાહિત કર્યો હતો અને કહ્યું હતું કે હું બરાબર કામ કરી રહ્યો છું. તે અર્થમાં, એમણે મને એવો આત્મવિશ્વાસ આપ્યો જે બીજું કોઈ આપવા તૈયાર ન હતું.મને હજુ પણ યાદ છે કે એમણે મારી કવિતાઓનું પ્રથમ પુસ્તક કેટલી ઝડપથી બહાર પાડ્યું હતું. એમણે અન્ય ઘણા લોકો પ્રકાશિત કર્યા, જે ક્યારેય છાપામાં આવ્યા ન હોત. એમણે પ્રથમ વખત જે પુસ્તકો પ્રકાશિત કર્યાં તેમાંનાં ઘણાં આજે મોટા લેખકો છે અને તેમાંથી એક હું પણ છું. આપણે ક્યારેય આવા લોકોનો આદર કરતા નથી. આપણે એમને ભૂલી જઈએ છીએ. આપણને શરમ આવવી જોઈએ.’ એમનું જીવન અવરોધોને તોડવામાં અને પોતાના જોશને અવિરતપણે અનુસરવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ હતું. એમણે આપણને શીખવ્યું કે સફળતા એ કોઈ એક માર્ગને વળગી રહેવામાં નથી, પરંતુ જિજ્ઞાસા અને હિંમત સાથે દરેક માર્ગને શોધવામાં છે. ગયા અઠવાડિયે રાત્રે, 73 વર્ષની વયે, નંદીના અવસાન થયાના સમાચાર આવ્યા ત્યારે મનમાં કિશોર કુમાર સાથેનો એમનો ઇન્ટરવ્યુ ચમકી ગયો. આજે યાદગાર ગણાય છે તે ઇન્ટરવ્યુમાંથી થોડો અંશ….

નંદી: મેં સાંભળ્યું છે, તમે મુંબઈ છોડીને ખંડવા જઈ રહ્યા છો…
કિશોર કુમાર: આ સ્ટુપીડ, ઉજ્જડ શહેરમાં કોણ રહી શકે, જ્યાં દરેક માણસ તમને દરેક પળે ચૂસતો જ હોય? કોઈનો વિશ્વાસ કરાય એવું છે? કોઈ ભરોસાવાળો દોસ્ત છે? હું ઉંદરોની જેમ દોડાદોડ કરવાની આ જિંદગીમાંથી નીકળી જ જવાનો છું અને મારા વતન, મારા વડવાઓના ખંડવામાં જતો રહીશ. આ ગંદા શહેરમાં થોડું મરી જવાય?
નંદી: તમારે કોઈ બહુ દોસ્ત નથી?
કિશોર: એક પણ નહીં.
નંદી: એ દિલચસ્પ કહેવાય.
કિશોર: લોકોથી હું બોર થાઉં છું. ખાસ કરીને ફિલ્મી લોકોથી. એના કરતાં મને મારાં ઝાડ સાથે વાતો કરવાનું ગમે.
નંદી: લોકો તમને ગાંડો કહે છે.
કિશોર: કોણે કહ્યું હું ગાંડો છું. દુનિયા ગાંડી છે, હું નહીં.
નંદી: આ શેની ફાઈલો છે?
કિશોર: મારા ઇન્કમ-ટૅક્સનો રેકોર્ડ.
નંદી: ઉંદરોએ કોતરી કાઢેલો?
કિશોર: અમે (આ રેકોર્ડને) પેસ્ટીસાઈડ તરીકે વાપરીએ છીએ. બહુ જ અસરકારક છે. ઉંદર એને બચકું ભરે તો તુરંત મરી
જાય છે.

નંદી: ઇન્કમ ટૅક્સવાળા માગે તો શું બતાવો છો?
કિશોર: મરેલા ઉંદર.
નંદી: અચ્છા.
કિશોર:
તમને મરેલા ઉંદર ગમે?
નંદી: ખાસ નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button