ઉત્સવ

વલો કચ્છ : કચ્છની કમાંગરી: શૈલી નહીં, એક વિશિષ્ટ કલાની ઉજવણી…

-ડૉ. પૂર્વી ગોસ્વામી

કચ્છની જાણીતી કમાંગરી ચિત્રકળા વિષે ઘણી વખત ‘કમાંગરી શૈલી’ તરીકે ઉલ્લેખ થાય છે, પરંતુ જાણીતા વિદ્વાન પ્રદીપ ઝવેરીના અનુસંધાન પ્રમાણે કમાંગરીને શૈલી તરીકે ઓળખાવું યોગ્ય નથી. તે એક વિશિષ્ટ, વૈવિધ્યસભર કલા છે જે કચ્છની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિશિષ્ટતાને દર્શાવે છે.

આનું એક અગત્યનું કારણ એ છે કે વિષયો લગભગ સરખા હોવા છતાં કચ્છની જુદી જુદી જગ્યાએ જોવા મળતા આ ચિત્રોમાં કોઈ સમાનતા જોવા મળતી નથી તો વળી, કોઈ જગ્યાએ જોવા મળતા વેલ અને બુટાની ભાત, જેને નિષ્ણાતો કચ્છની આ ચિત્રકળાની ખાસિયત તરીકે ઓળખાવે છે તે પણ બહુ સીમિત જગ્યાએ જોવા મળી છે. ઓગણીસમી સદીના ચોથા દાયકાની શરૂઆતથી થયેલાં ચિત્રોમાં આ પ્રમાણેના વેલબુટા જોવા મળતા નથી. આ ઉપરાંત ઘણી જગ્યાઓએ બનાવવામાં આવેલા ચિત્રોમાં તે જમાનાના અગત્યના આધુનિક ચિત્રકારો જેવા કે રવિ વર્મા તથા એમ. વી. ધુરંધરના ચિત્રોની પ્રિન્ટની કોપી જ કરવામાં આવી છે. બીબર ગામના રામ મંદિરનાં ચિત્રો તેમજ તેરા ખાતેના દરબારગઢનાં ચિત્રોમાં જોવા મળતી કલર સ્કીમ એકબીજાથી તદ્દન વિરુદ્ધ પ્રકારની છે અને બીજે જોવા મળતાં ભીંતચિત્રો કરતાં તેમની રેખાઓ પણ ઝીણવટભરી છે જે સામાન્ય રીતે કમાંગરો દ્વારા કરવામાં આવેલા અન્ય ચિત્રોમાં જોવા મળતી નથી. આ ઉપરાંત ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં બનાવવામાં આવેલા ભારાપર કુમારશાળાનાં ચિત્રો તેમજ મુન્દ્રા ખાતે કલુભા વાઘેલાના ઘરમાં બનાવવામાં આવેલાં ચિત્રોના વિષયો કંઈક અંશે મળતા આવતા હોવા છતાં તેમની રજૂઆતમાં તેમજ કલર સ્કીમમાં સમાનતા જોવા મળતી નથી. જોકે કલુભાના ઘરમાં કંપની શૈલીની અસર વધુ જોવા મળે છે. ખાસ કરીને યુરોપિયન સૈનિકોની પરેડનું ચિત્ર ભારાપરના સૈનિકોની સવારીના ચિત્રણથી ઘણું અલગ પડે છે.

મુન્દ્રાના દેવસી સારંગના ઘરમાં જોવા મળેલાં ચિત્રો સંપૂર્ણપણે કંપની શૈલીની અસર નીચે વર્ષ 1940ની આસપાસ ગોવિંદજીભાઈ પઢિયાર દ્વારા આલેખવામાં આવ્યાં હતાં જે કમાંગર સમુદાયના ન હતા પરંતુ કચ્છમાં કોઈપણ વ્યક્તિ જે ચિત્રકામ કરતી હોય તેને કમાંગર તરીકે ઓળખવાનું ચલણ હતું. આ ઉપરાંત પ્રારંભિક ચિત્રોમાં પ્રાકૃતિક રંગો વાપરવામાં આવ્યા હતા જ્યારે ઓગણીસમી સદીના ચોથા દાયકાથી જે ચિત્રો થવા માંડ્યા તેમાં તૈલીય રંગો વડે લાકડાની છત પર યુરોપિયન મોટીફ બનાવવાનું શરૂ થયું હતું. જૈન દેરાસરો અને સ્વામિનારાયણ મંદિરોમાં પણ મહદ અંશે આવા અપ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અબડાસા તાલુકામાં થયેલાં ચિત્રોમાં અને ત્યારબાદ મુન્દ્રા અને માંડવી તાલુકાના ઘરોમાં થયેલા ચિત્રણમાં લોકકલાની અસરની નીચે ચિત્રોની રેખાઓ બળૂકી છતાં જાડી તેમજ બરછટ જોવા મળે છે તેમજ રંગપુરણીમાં ઘણો બધો ફરક જોવા મળે છે.

કોઈ એક પ્રદેશની એક વિશિષ્ટ શૈલીમાં જોવા મળતા ચિન્હોનો કચ્છના ભીંતચિત્રો તેમજ અન્ય ચિત્રોમાં અભાવ જોવા મળે છે. આ ઉપરાંત આઈના મહેલ તેમજ ભુજ ખાતેના કચ્છ મ્યુઝિયમમાં જોવા મળતા પટચિત્રો (તભજ્ઞિહહ) કમાંગર ચિત્રકારો દ્વારા બનાવવામાં આવ્યા હોવા છતાં તેમાં પ્રચુર માત્રામાં કંપની શૈલીની અસર જોવા મળે છે. કચ્છના એક અગત્યના ચિત્રકાર કમાંગર દ્વારા બનાવવામાં આવેલા ત્રણ ચિત્રો જે શ્રીરાવ ખેંગારજી હહહના લગ્ન પ્રસંગે બનાવવામાં આવ્યાં હતાં તે સંપૂર્ણપણે કંપની શૈલીની અસર તળે બનાવવામાં આવ્યા છે. કમાંગર ચિત્રકારો ઉપરાંત કચ્છના અન્ય ચિત્રકારો જે સોની તેમજ કંસારા જ્ઞાતિના હતા તેમણે પણ કાગળ પર ચિત્રો બનાવ્યા છે જે ભીંતચિત્રોથી સંપૂર્ણપણે અલગ પડે છે. કચ્છ મ્યુઝિયમના સંગ્રહમાં રહેલા એક ફોલિયોમાં કચ્છની વિવિધ કળાઓમાં વપરાતી પેટર્નનું નિરૂપણ થયેલું જોવા મળે છે જે લગભગ સોની અથવા કંસારા સમુદાયમાંથી આવતા ચિત્રકાર દ્વારા બનાવવામાં આવ્યા છે.

સ્થળપ્રવાસ કર્યા પછીના આ તમામ અવલોકનો પ્રદીપભાઈ સાથે અમારા પ્રકાશિત કલાતીર્થ ગ્રંથ ‘ગુજરાતનો વિસરાતો ભીંતચિત્રોનો કલાવૈભવ’માં પણ માણી શકાશે અને અહીં પણ ઉપર ઉલ્લેખિત કરેલ સ્થળોના ચિત્રો સરખામણી માટે ફોટોમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે ભલે વર્ષોથી એવું કહેવાતું આવે કે કમાંગરીને એક શૈલી તરીકે નહિ, પરંતુ કચ્છની એક અનોખી અને વૈવિધ્યસભર ચિત્રકળા તરીકે ઓળખવી વધુ યોગ્ય છે. પ્રખર ચિત્રવિદ શ્રી રવિશંકર રાવળે પણ કચ્છની કમાંગરીનું વર્ણન એ જ રીતે, એક વિશિષ્ટ કળા તરીકે કર્યું હતું.

આપણ વાંચો : વલો કચ્છ : બહુરૂપી કલા લોકજીવનનો મૂલ્યવાન વારસો છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button