ઉત્સવ

‘ફેક ન્યૂઝ’ વિ. ‘નેક ન્યૂઝ’: અસત્યમેવ જયતે!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
ખબર ને કબર ખોદો એટલાં ખોદાય. (છેલવાણી)
સાચું કહું? સાચું કહેવામાં સાચે જ હવે મજા જ નથી રહી. જે મજા ફેંકવામાં છે એ સત્યમાં નથી જ નથી. અગાઉ સતયુગથી ગાંધીયુગ સુધી સત્યનો મહિમા હતો, હવે અસત્યની ઈજ્જત ઈક્વલી વધી છે, ફેંકવાની ફેશન આવી છે.

મીડિયા, ન્યૂઝ ચેનલો બિનધાસ્ત ફેક (ઋફસય) ન્યૂઝ કે બનાવટી સમાચારો ફેંકે છે ને લોકો ઝીલે પણ છે. ચૂંટણીના માહોલમાં બધી ન્યૂઝ ચેનલો કયા પક્ષને, ક્યાં ને કેટલી સીટ મળશે? એના સર્વે પબ્લિકને પીરસે છે. તો એક ન્યૂઝ ચેનલે ઉત્સાહથી કહ્યું: તામિલનાડુમાં ડી.એમ.કે.પક્ષ, ૨૪ થી ૨૮ સીટ જીતશે.જ્યારે કે ડી.એમ.કે. ૨૧-૨૨ સીટ પરથી જ લડી રહ્યો છે. છેને ફેંકંફેંકની ફાંકડી ફાંકાં ફોજદારી?!

દહેરાદૂનનાં છાપામાં ફેક ન્યૂઝ હતાં: નૈનીતાલના ખેડૂતોએ જંગલી સુવરથી છુટકારો મેળવવા અનેક ઉપાય કરી જોયા પણ આખરે ગાયક હની સિંઘના ગીતો વગાડ્યાં અને એના સૂર પેલા સુવરોને ભગાડી શક્યા!

જો સ્માર્ટ પ્રવક્તા ને વ્યવસાયે ડોક્ટર એવા સંબિત પાત્રાજી કેમેરા પર કહે કે-‘ગાયનું ગોબર કોહિનૂર હીરા કરતાં પણ વધુ મોંઘું છે, એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે!’ તો હની સિંઘના ગીતોથી સુવર ભાગી જ શકે કે હની સિંઘને સાંભળીને હની કે મધ આપવાં મધમાખીઓ સામેથી ઊડીને આવી શકેને?

ભોળી પ્રજા, ફોનમાં વોટ્સ-એપ પર આવેલ વાતોને પરમ સત્ય માની લે છે. ઘણીવાર તો ખબર ખોટી છે, એ ખબર હોય તોયે ઘણાંને એ ઘણાં બધાંને મોકલવામાં અજીબ આનંદ મળે છે. ૨-૩ વરસ પહેલા દક્ષિણ ગુજરાતની સ્કૂલમાં એક શિક્ષક, વિદ્યાર્થીને મારી રહ્યા છે- એવો વીડિયો વાયરલ થયેલો. સ્કૂલનાં પ્રિન્સિપાલને રોજના સેંકડો ફોન આવતા ને એ સૌને સમજાવતાં કે ‘એ વીડિયો અમારી સ્કૂલનો નથી. એ તો કોઇ વિદેશની શાળાનો છે!’ -પણ કોઇ માને તોને?

એક ફેક ન્યૂઝને લીધે વિના વાંકે સ્કૂલનું નામ ખરડાયું પણ નવા એડ્મિશનો પર ૨-૩ વરસ સુધી અસર પડેલી.

૨૦૦૮માં એક ન્યૂઝ ચેનલવાળાએ બિનધાસ્ત બકવાસ કરેલો : ‘ફક્ત ૭ જ મહિનાની ગરીબ બાળકી પ્રેગ્નેન્ટ છે… શું ઘોર કલિયુગ આવ્યો છે?’ વગેરે..આખરે ડૉક્ટરે કહેવું પડ્યું: ‘છોકરીને કોઇ ટ્યુમર કે ગાંઠ છે!’

એક લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલ, દિનભર સરકારી ચમચાગીરી કરતાં કરતાં, વચ્ચે વચ્ચે લોકોનું મનોરંજન કરવા એમ કહે કે ‘શું યુ.એફ.ઓ અર્થાત્ ઊડતી અવકાશી રકાબીઓએ દેશમાંની અનેક ગાયને આકાશમાં ખેંચી લીધી છે!

કે પછી શું એલિયન ગાયનું દૂધ પીવે છે?

ભારતમાં જ નહીં, અમેરિકન છાપામાં પણ એકવાર હેડિંગ આવેલું કે, ‘ફેડરલ એજંટોએ પિસ્તોલની દુકાન પર છાપો માર્યો ને ત્યાંથી પિસ્તોલ મળી!’ હવે હથિયારની દુકાનમાં પિસ્તોલ ના મળે તો શું પાણીપુરી મળે?! વળી એક વિદેશી ન્યૂઝ એજન્સીએ લખેલું-‘ચીન એની સબમરીન છુપાવવા દરિયાનો ઉપયોગ કરે છે.’

બોલો? સબમરીન દરિયામાં નહીં તો શું ખેતરમાં હોય? વળી, ‘ડેઇલી સન’નામનાં દક્ષિણ આફ્રિકાનાં અખબારમાં ફેક ન્યૂઝની હદ જુઓ: ‘એક માણસ પોતાની જ હત્યા કરીને ભાગી ગયો!’
ઇંટરવલ:
આંખ ખૂલતી હૈ લિયે અચ્છી ખબર કી ઉમ્મિદ
ખૂન કે છીંટે નઝર આતે હૈં અખબાર મેં (અલ્હડ બીકાનેરી)

હવે ફેસબુક, ઇન્સ્ટા કે ટ્વિટરને લીધે ન્યૂઝ ને ફેક ન્યૂઝમાં એવી ભેળસેળ છે, જેવી જુગાર ને ક્રિકેટમાં. આઝાદી માટે ૯ વરસ જેલમાં રહેનારા ને પ્રથમ પી.એમ. નહેરુને વ્યભિચારી સાબિત કરવા, એક પક્ષનાં અધિકૃત પ્રવક્તાએ ૨૦૧૭માં નહેરુનાં અનેક સ્ત્રીઓ સાથેનાં ફોટાઓ ગોઠવીને સોશિયલ મીડિયામાં ગંદી કોમેંટ સાથે મૂકેલાં. પણ એ ફોટાઓ નહેરુની બહેનો, ભાણીઓ ને ‘જેકલીન કેનેડી’ જેવી હસ્તીઓ સાથેનાં હતાં. પછી ઇંટરનેટ પરથી એ ફોટાઓને તરત કાઢવા પડેલા, પણ ત્યાં સુધી તો નફરત ફેલાવનારાંઓએ ફટાફટ ફેલાવી મૂકેલાં ને આજે ય એ પુન: પુન: પ્રેતની જેમ પ્રકટ થતાં રહે છે.

ખરેખર તો દેશ, હવે ખરા કે ખોટા અર્થમાં આઝાદ છે. જેને જે કહેવું હોય તે કહે છે. અગાઉ સરકારે, ફતવો બહાર પાડેલો: ‘જો કોઇ ફેક ન્યૂઝ લખશે તો એ પત્રકારની માન્યતા રદ્ કરવામાં આવશે.’ પત્રકારો ડરી ગયા કે સાચા ન્યૂઝને પણ ફેક કે નકલી ગણાવીને સરકાર હેરાન કરશે તો? પણ એ ફતવો, ૨ જ કલાકમાં પાછો ખેંચવામાં આવ્યો. તો પહેલો ફતવો હતો કે બીજો? કે બંને ફેક હતાં? ફેક ન્યૂઝ રદ કરતો ફતવો જ ફેક હોય તો? ભૂવા પાસે ભૂત ભગાડવા જઇએ ને એ ભૂવો જ ભૂત નીકળે તો? એવી આ વિચિત્ર વાત છેને? ત્યારે સરકારે ફેક ન્યૂઝ અટકાવવાનો આદેશ એટલે અટકાવેલો કે દેશમાં લોકસભાની ચૂંટણી માથે હતી. હવે જો ફેક ન્યૂઝ જ ના બચે તો જાતજાતના દાવાઓ કઇ રીતે કરાય? ભડાકાઉ વીડિયોઝ કે અફવાઓ કઇ રીતે ફેલાવાય?

જો કે મીડિયા કે ન્યૂઝ ચેનલોનો વાંક નથી. સતત ૨૪ કલાક, સાચા સમાચારો દેખાડીને લોકોને બોર થોડા કરાય? વળી, ક્યાં સુધી નાગ-નાગીનનાં લગ્નને સુશાંતનાં ભૂતનાં સમાચાર આપવાનાં? આજે અનાજ, શાક કે દવાઓમાં પણ ભેળસેળ હોય તો મીડિયાનો શું વાંક? ખરેખર તો હવે ફેક ન્યૂઝને ઓફિશિયલ જ બનાવી દેવા જોઇએ. લોકશાહીમાં રાજા કે પ્રજા, સૌને ફેંકવાનો સમાન હક્ક છેને?

જરા વિચારો, ફેક ન્યૂઝ વિના ચૂંટણી કેટલી બોરિંગ લાગશે. જાણે નાચ-ગાના વિનાની ઇંડિયન ફિલ્મો. અરે, વો ચુનાવ,ચુનાવ ક્યા? જિસ મેં વિરોધીઓ પર હમલે ઔર પબ્લિક કે લિયે જુમલે ના હો?

એંડ ટાઇટલ્સ:
આદમ: આ સમાચાર વાંચ્યા?
ઇવ: ના. ડોક્ટરે ના પાડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button