ફેક ન્યૂઝનું ફેક્ટ ચેકિંગ: સુપ્રીમ કોર્ટે કેમ સરકારનું ચેકિંગ કરી નાખ્યું?
મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી
વિશ્ર્વભરમાં પત્રકારોના અધિકારો અને આઝાદીનું રક્ષણ કરવા માટે કામ કરતી સંસ્થા ‘વોચડોગ કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ’નો, પાંચ વર્ષ પહેલાં જારી થયેલો એક અહેવાલ કહે છે કે વિશ્ર્વભરની સરકારો અભિવ્યક્તિને સેન્સર કરવાના તેમના પ્રયત્નોમાં વધુ સક્ષમ બની રહી છે. તેમાં, એવા દસ દેશોની યાદી આપવામાં આવી હતી જે અભિવ્યક્તિની આઝાદીનું ગળું ઘોંટવામાં સૌથી વધુ કુખ્યાત છે; ૧. એરિટ્રિયા ૨. ઉત્તર કોરિયા ૩. સાઉદી અરેબિયા ૪. ઇથોપિયા ૫. અઝરબૈજાન ૬. વિયેતનામ ૭. ઈરાન ૮. ચીન ૯. મ્યાનમાર અને ૧૦. ક્યુબા.
કમિટીએ એ અહેવાલમાં એક નવા વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે દુનિયામાં અનેક સરકારો તેમને ન ગમતી વાતો પર સેન્સરશીપ લાદવા માટે એ જ ઈન્ટરનેટ સંસાધનોનો ઉપયોગ કરી રહી છે, જેનો મૂળ હેતુ જ અભિવ્યક્તિને સરળ બનાવવાનો છે.
ઇન્ટરનેટ સેન્સરશીપને નકામી સાબિત કરી દેશે એવું અનુમાન હતું, પરંતુ એવું નથી થયું. બલ્કે, વિશ્ર્વના સૌથી વધુ સેન્સરવાળા દેશો તેમની ટીકાનું મોઢું બંધ કરવા માટે ઓનલાઈન પર ખૂબ જ સક્રિય છે, તેમ સીપીજેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જોએલ સિમોને જણાવ્યું હતું, “આ સરકારો અસહમતીને દબાવવા અને મીડિયાને નિયંત્રિત કરવા માટે જૂની શૈલીની ક્રૂરતાની સાથે નવી ટેકનોલોજી પણ શોધી લાવ્યા છે. ભારતમાં સરકારની ‘સમસ્યા’ ઊંધી છે. તેની ફરિયાદ એવી છે કે અભિવ્યક્તિની આઝાદીના નામે, સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની કામગીરીઓને લઈને ‘ગેરમાહિતી’ અને ‘ફેક ન્યૂઝ’ ફેલાવામાં આવે છે. આવી પ્રવૃત્તિને રોકવા માટે સરકારે ગયા વર્ષે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં સુધારો કરીને ફેક્ટ ચેક યુનિટનું સર્જન કર્યું હતું.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અંતર્ગત આવતા આ યુનિટનું કામ, સરકારની નીતિઓ, પહેલ અને યોજનાઓ પર ઓનલાઈન થતી ટીકા-ટિપ્પણીઓ પર નજર રાખવાનું અને ‘ખોટી માહિતી’ને જવાબ આપવાનો અને તેને ઉતારી લેવા માટે આદેશ જારી કરવાનું હતું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ જારી કરેલી માર્ગદર્શિકામાં તેણે નાગરિકોને પણ ઈજન આપ્યું હતું કે તેઓ તેમના વાંચવામાં આવેલી ‘વાંધાજનક’ માહિતી અંગે બ્યુરોને જાણ કરી શકે છે.
જે લોકોને આ સરકારી ફેક્ટ ચેક યુનિટમાં બદઈરાદાની ગંધ આવતી હતી તેમણે તેનો વિરોધ કરીને કહ્યું હતું કે સરકાર ઇન્ટરનેટ પર સેન્સરશીપ લાવવા માગે છે અને ‘સાચા’ સમાચાર કોને કહેવાય અને ‘ખોટા’ સમાચાર કોને કહેવાય તે હવે આ ફેક્ટ ચેક યુનિટ નક્કી કરશે.
ઓનલાઈન સમુદાયોમાં તો સરકારના આ નિર્ણયની ટીકા થઇ હતી, તે ઉપરાંત દેશમાં સમાચાર સંપાદકોના સંગઠન એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ફેક ન્યૂઝ કોને કહેવાય તે નક્કી કરવાનો અધિકાર માત્ર સરકારના હાથમાં ન હોવો જોઈએ, નહીં તો એમાં પ્રેસ સેન્સરશીપ આવશે.
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું, “આ યુનિટ અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. કોર્ટે કહ્યું હતું કે હાઈ કોર્ટ આ યુનિટની બંધારણીયતા પર નિર્ણય ન કરે ત્યાં સુધી યુનિટનો અમલ નહીં થાય.
કેન્દ્ર સરકાર થોડા સમયથી આ યુનિટની રચનાની વાત કરતી હતી. સરકારનું કહેવાનું હતું કે તેનો ઉદ્દેશ ખોટી માહિતી પર અંકુશ મૂકવાનો છે. સરકારે આ યુનિટના બચાવ કરતાં કહ્યું હતું કે “ખોટા સમાચારો ગંભીર સંકટ, જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો પેદા કરી શકે છે. સરકારનું કહેવું છે કે આ નિયમો કોઈ વ્યક્તિની વાણી અથવા અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરતા નથી.
એ નોંધવા જેવું છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરમાં જે બે મોટા ફેંસલા આવ્યા છે તે નાગરિકોના બંધારણીય અધિકારોના રક્ષણ માટે આવ્યા છે. ‘વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા’ એ લોકશાહી માળખામાં કોઈપણ દેશના નાગરિકો માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ મૂળભૂત અધિકાર છે. જ્યારે પણ કોઈ સરકાર આ અધિકારનું મહત્ત્વ ઘટાડે છે, ત્યારે તે બંધારણનું મહત્ત્વ ઘટાડવા જેવું છે.
ચૂંટણી બોન્ડ યોજનામાં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં નાગરિકોના જાણવાના અધિકારોનું ઉલ્લંઘન થતું હતું. સરકારે ચૂંટણી બોન્ડમાં કોણે કોને કેટલું દાન આપ્યું તે ગુપ્ત રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી નાખતાં કહ્યું હતું કે નાગરિકોને જેમ ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારને મત આપતાં પહેલાં તેની તમામ બાબતો જાણવાનો અધિકાર છે તેવી રીતે કોઈ પક્ષને મત આપતાં પહેલાં તે પક્ષને લગતી તમામ માહિતી જાણવાનો હક્ક છે.
કોર્ટ જાણવાના અધિકારને અભિવ્યક્તિના અધિકાર હેઠળ જ ગણે છે. તેના અગાઉના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૯ની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે બંધારણે દેશના દરેક નાગરિકને જનહિતની બાબતો પર બોલવાની આઝાદી અને માહિતી પ્રાપ્ત કરવાની તથા તેનો પ્રસાર કરવાની છૂટ આપેલી છે.
ફેક્ટ ચેક યુનિટના નવા નિયમથી એવી સંભાવના બનતી હતી કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો સરકારી કામગીરીની ટીકા કરતી પોસ્ટ્સ અથવા સમાચારોને દૂર કરવા માટે નિર્દેશ આપે અને એવું ન કરવામાં આવે તો કાનૂની પગલાં ભરે. ડર એવો છે કે ફેક્ટ ચેક યુનિટ પ્રેસની સ્વતંત્રતાને મર્યાદિત કરવા તેમજ દેશના દરેક નાગરિકના મૂળભૂત અધિકારોને નબળા પાડવા માટે એક શક્તિશાળી સરકારી સાધન બની શકે છે.
સુપ્રીમ કોર્ટે આ યુનિટ પર મનાઈ હુકમ મુક્યો છે તે આવકાર્ય છે કારણ કે ફેક ન્યૂઝ કોને કહેવાય તેની સ્પષ્ટ કાનૂની વ્યાખ્યા નથી. તેવી સ્થિતિમાં ફેક્ટ ચેક યુનિટ મનસ્વી રીતે નિર્ણય લઈને કારવાઈ કરી શકે છે.