ટ્રાવેલ પ્લસ : ગુજરાતની વિવિધ રામસર સાઈટ પ્રવાસી પંખીઓનું સ્વર્ગ સમાન શિયાળુ નિવાસ સ્થાન
-કૌશિક ઘેલાણી
ભારત દેશમાં વિવિધ સરોવરોમાં શિયાળા દરમ્યાન વિવિધ પક્ષીઓનો મેળાવડો જામે છે અને યાયાવર પક્ષીઓ પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. સેન્ટ્રલ એશિયન ફ્લાય વે એટલે કે પંખીઓનાં વિવિધ હાઈવેમાંના એક હાઈવેનો ઉપયોગ કરીને તેઓ છેક સાયબીરિયન પ્રાંતમાંથી ભારત દેશ આવે છે અને સુરક્ષિત શિયાળો પસાર કરીને ફરીથી પ્રવાસી માફક જ પોતાના વતનમાં પરત ઉડ્ડયન ભરે છે.
કુદરતે તેઓને વિશિષ્ટ દિશા ઓળખની શક્તિ આપી છે કે તેઓ પોતાના માર્ગને વળગી રહે છે અને જે તે સ્થાન પર દર વર્ષે અચૂક પણે હાજરી નોંધાવે જ છે. ઈરાન ખાતે આવેલ રામસર શહેરમાં થયેલા પ્રવાસી પંખીઓનાં સંરક્ષણ માટેનાં 1971માં થયેલ ક્નવેન્શન મુજબની ધારાધોરણો ધરાવતાં કુદરતી કે કૃત્રિમ જળાશયોના સમૂહને રામસર સાઈટ તરીકે જાહેર કરીને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ આપવામાં આવે છે અને પંખીઓ માટે તેની જાળવણી કરવામાં આવે છે.
આશરે 130 કરતાં વધુ પ્રજાતિનાં યાયાવર પક્ષીઓને સાચવી શકે અને વિવિધ જાતનાં છોડ તથા કુદરતી વાતાવરણ પૂં પાડે તેવા વિસ્તારને રામસર સાઈટમાં આવરી લેવામાં આવે છે. દુનિયાભરમાં વિવિધ સ્થળે જ્યાં જ્યાં પંખીઓ પસાર થતા હોય, રોકાતા હોય કે બ્રીડિંગ કરતા હોય એવી રામસર સાઈટ જાહેર કરાઈ છે અને ભારત દેશમાં આવી 48 રામસર સાઇટ્સ આવેલી છે. ગુજરાતમાં જ આવી 4 રામસર સાઈટ છે.
આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ: શિયાળામાં ગુજરાતનાં વિવિધ ઘાસિયાં મેદાનોમાં કલરવ કરીને થનગનતા મુસાફર જીવ – કુંજ
તાજેતરમાં જામનગર ખાતે આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. થોડા મહિનાઓ અગાઉ અમદાવાદ નજીક આવેલા થોળ પક્ષી અભ્યારણ્ય અને વડોદરા નજીક આવેલ વઢવાણા પક્ષી અભ્યારણ્યને પણ રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવી જે પક્ષી પ્રેમીઓ માટે હરખની ઘડી કહી શકાય.
આ પહેલા માત્ર નળ સરોવર પક્ષી અભ્યારણ્ય જ રામસર સાઈટ હતી પણ ગુજરાતના વિશાળ સમુદ્ર કિનારા, ખુલ્લા ઘાસનાં મેદાનો અને વિશાળ મીઠાં પાણીનાં સરોવરો યાયાવર પક્ષીઓને મુક્ત વાતાવરણ અને સુરક્ષિત જીવન પૂં પાડે છે એ જ કારણોને લઈને વિશ્વભરનાં પક્ષીઓ ગુજરાતના મહેમાન બને છે. ખૂબ જ દુર્લભ કહી શકાય તેવા પક્ષીઓ પણ ગુજરાતને પોતાનું ઘર બનાવે છે. ગુજરાતમાં આવેલ વિવિધ રામસર સાઇટ્સ વિષે ચર્ચા કરીશું.
જામનગર નજીક આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણ્ય યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ માનીતું સ્થળ છે. અહીં એક તરફ મીઠા વરસાદી પાણીનાં સંગ્રહથી બનતું નાનાં નાનાં તળાવોનું વિશાળ સરોવર અને માટીનાં પાળાથી અલગ પડતું ખારા પાણીનું વિશાળ જળ પ્લવિત ક્ષેત્ર છે. અહીં આશરે 300 કરતાં પણ વધુ પક્ષીઓની વિવિધ જાતો દેખાઈ છે. જામનગરથી માત્ર 12 કિમીનાં અંતરે આવેલ આ સ્થળ પર પક્ષી અભ્યાસુ લોકો પણ વિશ્વભરમાંથી શિયાળો આવતા જ દેખા દે છે.
આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કલા-અધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર
કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલ હોય આ વિસ્તાર પક્ષીઓ માટે ખૂબ જ સરળ માઈગ્રેશન પોઇન્ટ છે, ઈરાન-અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મોંગોલિયા, રશિયા જેવા પ્રાંતનાં પક્ષીઓ અહીં મીઠાં પાણીનાં સરોવરોમાં પોતાનું આશ્રયસ્થાન બનાવે છે. 1984માં પક્ષીવિદ ડો. સલીમ અલીએ અહીં એક જ દિવસનાં સમયમાં 104 જાતનાં પક્ષીઓને ઓળખી બતાવ્યા હતા. દર વર્ષે અહીં જલહંસ એટલે કે ઇન્ડિયન સ્કિમર આવે છે. તાજેતરમાં અહીં વર્ષો પછી મ્યુટ સ્વાન મહેમાન બન્યો જેણે જામનગરને વૈશ્વિક ફલક પર મૂકી દીધું.
પ્રવાસ આપણે કરી જાણીએ છીએ પણ પક્ષીઓથી મોટું કોઈ પ્રવાસી જીવ નથી. આપણે માત્ર વિવિધ વિશ્વને જોવા અને માણવા માટે પ્રવાસ કરીએ છીએ પણ પક્ષીઓ તો પોતાનાં જીવનને ટકાવી રાખવાનાં સંઘર્ષનાં ભાગ રૂપે પ્રવાસ કરે છે. કેટલાક પક્ષીઓ સાઇબિરિયા પ્રાંતમાંથી, તો કેટલાક રશિયાની ઓબ નદીનાં ઠંડા વિસ્તારમાંથી, કેટલાંક જાપાન વિસ્તારમાંથી તો કેટલાક હિમાલયનાં અતિ ઠંડાગાર સરોવરોમાંથી પોતાનાં બચ્ચાઓને લઈને ખૂબ જ ઊંચી અને લાંબી મુસાફરી માટે ઉડાન ભરીને ગુજરાતનાં અલગ અલગ સરોવરોને સંઘર્ષના ભાગ રૂપે જીવનનો થોડા સમય માટે હિસ્સો બનાવે છે.
ખીજડિયામાં હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંજોનું ટોળું, મધ્ય એશિયાના વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ વગેરે અહીંયા ગમતું અને સુરક્ષિત વિશ્વ મેળવી લે છે. અહીં ગુલાબી પેણનો હજારોનો સમૂહ, નાના અને મોટા હંજોનો સમૂહ, વિવિધ બતક, સમુદ્રી પક્ષીઓ ખીજડિયાને શિયાળામાં ગુંજતું કરી મૂકે છે. જામનગરનાં ખીજડિયાનાં અફાટ સૌંદર્યમાં મહાલતા મોટાં અને નાનાં હંજ જ્યારે છીછરા પાણીમાં સમૂહમાં ખોરાક શોધતાં હોય ત્યારે ક્ષિતિજ પર સફેદ આકાર સ્પષ્ટ દેખાય પણ જયારે આકાશને આંબવા ઉડાણ ભરે કે આખું આકાશ ગુલાબી રંગે રંગાઈ જાય. ગુજરાતનું રાજ્ય પક્ષી આમ મુક્તપણે વિહરતુ હોય ત્યારે એને જોયા જ કરવાનું મન થાય, એકીટશે.
આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ: ભારતનાં નૈસર્ગિક વિશ્ર્વમાં સર્જાતાં અદ્ભુત દૃશ્ય સ્મૃતિપટ
કુદરતનાં માહોલમાં રત થઇ જવાય એવા ડલ રંગોનાં કપડાં જેવા કે ઓલિવ ગ્રીન વગેરે પહેરીને પક્ષી દર્શનનો લાભ લઇ શકાય. ખીજડિયા સરોવરને સંપૂર્ણ પણે શાંતિથી જોવા માટે સવારના છ વાગ્યાથી લઈને સૂર્યાસ્ત સુધીનો સમય જોઈશે જ. અહીં એક વોચ ટાવર છે જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતા પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે. અહીંના મુખ્ય ચેક લિસ્ટમાં રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, હેરિયર્સ, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતા પેલીક્નસ, પાણીમાં ચાંચ ડુબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઊડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતા વેંત જ સિસોટી મારતું લેસર વિસલિંગ ડક વગેરે વિવિધતમ સુંદર પક્ષીઓ અહીં માત્ર થોડા જ કલાકોમાં જોઈ શકાય. પંદરમી ઓક્ટોબરથી લઈ ને છેક ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી અહીં વિવિધ પક્ષીઓ જોઈ શકાય છે.
ખીજડિયા બે ભાગમાં વહેચાયેલું છે જેમાં એક વિસ્તારમાં સૂકાં ઘાસિયાં મેદાનો અને માનવ સર્જિત માટીના પાળાથી બનેલાં નાનાં નાનાં સરોવરોનો સમૂહ છે એટલે અહીં સાયબીરિયન સ્ટોનચેટ, વિવિધ જાતની લાર્ક જેવાં નાનાં પક્ષીઓ આવે છે અને શિકાર માટે બાજ, શકરો, ગડ વગેરે આવે છે. કુદરતની આહાર શૃખલાં સરળ રીતે જળવાઈ રહે એવી રચના અહીંના માનવસર્જિત સરોવરોમાં કુદરતી રીતે જ નિર્માણ પામી છે પરિણામે આજે જામનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતી રામસર સાઈટ મળી છે અને પંખીઓને વધારે સુરક્ષિત સ્થાન મળ્યું છે. ખીજડિયાનાં બીજા ભાગમાં વરસાદી પાણીનાં સંગ્રહથી બનતાં સરોવરોનો સમૂહ છે જ્યાં પાણીમાં વસતા વિવિધ પક્ષીઓની કરતબો નિહાળવા માટેની શ્રેષ્ઠ જગ્યા છે. સાંજના સમયે અહીં બેસીને સરસ રીતે પક્ષી નિરીક્ષણ કરી શકાય છે. અહીં જંગલી બિલ્લીઓ પણ અલગ જ અંદાજમાં જોવા મળે છે. બીજા ભાગમાં ગાડી લઈને જઈ શકાય છે. પહેલા ભાગમાં ચાલતા જ પક્ષી નિરીક્ષણ કરી શકાય છે. પહેલાં ભાગમાં જવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો જ છે જ્યારે સાંજનાં સમયે બીજા ભાગમાં પક્ષી નિરીક્ષણ કરી શકાય છે.
અહીં બુકિંગ વિન્ડો પરથી સરળ રીતે ટિકિટ મેળવીને અભ્યારણ્યની મુલાકાત લઇ શકાય છે. સાથે દૂરબીન હશે તો સોને પે સુહાગા. વનવિભાગને વિનંતી કરવાથી અહીં દૂરબીન પણ મેળવી શકાય છે. પક્ષી નિરીક્ષણ સમયે વિવિધરંગી કપડાં ના પહેરતા જંગલનાં વાતાવરણને અનુરૂપ પોશાક પહેરવો હિતાવહ છે. કોઈ પણ જાતની અકુદરતી સુગંધ કે પરફ્યુમ પણ પક્ષીઓની વર્તણૂંકને ખલેલ પહોંચાડે છે માટે અમુક બાબતોમાં સજાગ બનીને બાળકો સાથે પક્ષી નિરીક્ષણ કરીયે અને બાળકોને પણ નિસર્ગ સાથે મહાલવાની આદત પાડીએ તો રામસરની સિદ્ધિ જરૂર સાર્થક ગણાશે. બાળકોને નેશનલ જ્યોગ્રાફિક ચેનલનો અદ્દલ સાચો અનુભવ પ્રકૃતિ વિશ્વમાં વિહરીને જ આપી શકાય. અહીં તેઓ દેશમાં આવતા વિદેશી મહેમાનોથી માહિતગાર થશે અને વન્યસૃષ્ટિ તથા પ્રકૃતિ પ્રત્યે સંવેદના આપોઆપ જાગશે. માત્ર બાળકો જ નહિ પણ મોટેરાઓ પણ પક્ષી દર્શનનો શોખ આ રીતે જ કેળવી શકે છે. પક્ષીઓનાં મુક્ત વિશ્વમાં એક વાર ડૂબકી લગાવ્યા પછી આ વિશ્વને જાણવાની જિજ્ઞાસા આપોઆપ સહુને પક્ષી અભ્યારણ્ય ક્ષેત્રોમાં ખેંચી જશે જ.
સામાન્ય રીતે આપણે દયા દ્રષ્ટિ દાખવનારા લોકો છીએ પણ અજાણતા આપણે પક્ષીઓ સાથે અન્યાય કરી બેસીએ છીએ. યાયાવર પક્ષીઓની શારીરિક રચના અને પાચનતંત્ર તેમને લાંબું ઊડવા માટે પૂરતી તાકાત આપે એવી હોય છે અને તેઓનો ખોરાક પણ એ રીતે જ હોય છે. સામાન્ય રીતે તેઓ માંસાહાર કે માછલીઓ પર નભતા હોય છે પણ આપણે તેઓને આપણો ખોરાક જેવા કે ગાંઠિયા વગેરે આપીને તેઓનુ પાચનતંત્ર ખોરવી મૂકીએ છીએ અને તેઓની મૂળ આહાર પદ્ધતિથી એમને વિખૂટા પાડી મૂકીએ છીએ. જરાક સજાગ અને સંવેદનશીલ બનીએ તો આ નિર્દોષ અને સુંદર મહેમાનોને આપણે હંમેશાં મહાલતા જોઈ શકીશું.