ઉત્સવ

ઉમ્મીદ સે જયાદા ડિવિડંડ!

રિઝર્વ બેંકનો અર્થતંત્રને અણધાર્યો મજબૂત ટેકો

કવર સ્ટોરી -જયેશ ચિતલિયા

આ રકમથી નવી સરકાર ડેફિસિટ ઘટાડશે કે ઈન્ફ્રાસ્ટ્રકચર કે કલ્યાણ યોજનાઓ માટે વધુ નાણાં ફાળવશે?

મોદી સરકાર ( કે પછી સત્તા પર આવનારી નવી સરકાર) ને સત્તા પર આવતા પહેલાં જ પહેલી-વહેલી ભેટ રિઝર્વ બેંક તરફથી આ વરસે સર્વોચ્ચ ડિવિડંડ સ્વરૂપે મળી છે.

તાજેતરમાં રિઝર્વ બેંકે ડિવિડંડ રૂપે કેન્દ્ર સરકારને રૂ. બે લાખ કરોડથી વધુ રકમ આપવાની જાહેરાત કર્યા પછી તેની પહેલી અસર શેરબજારમાં ૧૨૦૦ પોઈન્ટના જબ્બર ઉછાળારૂપે થઈ અને સમય જતા એની ખરી સકારાત્મક અસર ઈકોનોમી પર થશે.

આટલી મોટી રકમ રિઝર્વ બેંકે શા માટે સરકારને આપી? આ વિશે અનેક સવાલ કે સંદેહ પણ થાય કે રિઝર્વ બેંક સરકારના ઈશારે ચાલે છે સરકાર રિઝર્વ બેંકના નાણાં પોતાના હિતમાં વાપરે છે, વગેરે-વગેરે. જો કે ચૂંટણી સમયમાં આવું થાય એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી.

આમેય આ પગલું પહેલીવારનું નથી. રિઝર્વ બેંક કેન્દ્ર સરકાર (કોઈની પણ હોય)ને ડિવિડંડ પેટે નિયમિત ચોકકસ રકમ ટ્રાન્સફર કરે જ છે. આ નાણાં સરકારને આપવામાં આરબીઆઈ કોઈ મહેરબાની કરી રહી નથી. આ તો જેમ શેરધારકોને ડિવિડંડ જાય તેમ સરકારને આરબીઆઈ તરફથી ડિવિડંડ જાય છે. આ ડિવિડંડ રિઝર્વ બેંક તેના નફામાંથી આપે છે. હા, આ વરસે ડિવિડંડ રૂ. ૧.૨ લાખ કરોડનું આવવાનો બજેટ અંદાજ હતો, જેની સામે ડબલ એટલે કે રૂ.૨.૧૧ લાખ કરોડ જેવું જમા થયું એ નોંધનીય છે.

આ ડિવિડંડની અસર શું થાય?
આ વખતની રકમ ખાસ્સી મોટી હોવાથી ચર્ચા થાય એ પણ સ્વાભાવિક છે. આની પોઝિટિવ અસર સમજીએ. આ રકમ સરકારને તેની ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવામાં કામ આવી શકે, સરકાર જે આવશ્યક મૂડીખર્ચ કરવા માગે છે તેમાં ઉપયોગી થઈ શકે. એ ચોક્કસ છે કે મોદીસરકાર જો ફરી સત્તા પર આવે તો એ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ તેમ જ લોકકલ્યાણ યોજનાઓમાં નાણાં વાપરવાનું લક્ષ્ય ધરાવે છે. આ બધાં ખર્ચ માટે જંગી રકમ જોઈએ અને તે પણ આવક તરીકે આવી રકમ મળે તો વધુ સાનાકૂળ ગણાય. આ નાણાં સરકારે કોઈ ધિરાણ-ઉધારી લઈને નથી મેળવ્યા. સરકાર આ માર્ગે બોરોઈંગ ઘટાડીને યા ટાળીને વ્યાજદર ઘટાડવા પર પણ ધ્યાન આપી શકે અર્થાત, રિઝર્વ બેંક ભવિષ્યમાં વ્યાજદર માટે આગળ વધી શકે, જે હાલ ફુગાવાને ધ્યાનમાં રાખી તેને ઘટાડવામાં મુશ્કેલી પડે છે. આર્થિક વિકાસ માટે નીચા વ્યાજદરનું હોવું જરૂરી છે, જયારે કે ફુગાવા-મોંઘવારી દરની ચિંતામાં વ્યાજદર ઊંચા રાખવા પણ આવશ્યક બને છે.
રિઝર્વ બેંક આ રકમને પોતાની પાસે વધુ રિઝર્વ રૂપે પણ રાખી શકત, તેમ છતાં તેને ભારતીય અર્થતંત્ર પરના વિશ્ર્વાસે આ પગલું ભરવા પ્રેરી હોવાનું મનાય છે.

રિઝર્વ બેંકનો સાવચેતીનો અભિગમ
અહીં એ નોંધવું જરૂરી છે કે રિઝર્વ બેંક તેના વિવિધ રોકાણ મારફત અને પ્રવૃત્તિઓ મારફતઆવક રળતી રહે છે, જે તે ડૉલર, બોન્ડસ સહિતની એસેટસમાં રોકાણ કરે છે. હાલ તે ગ્લોબલ સ્તરે વ્યાજદરનો સિનેરિઓ પણ જોઈ રહી છે, જેમાં યુએસ સહિતના વિકસિત દેશો આવી જાય છે. આ દેશો હાલ આર્થિક ભીડ યા સમસ્યાથી ઘેરાયેલા છે, જે જગજાહેર છે.
બ્રિટનની મોંઘવારી તો ગ્લોબલ સ્તરે ચર્ચાનો વિષય છે તો બ્રિટન સરકાર અને ત્યાંની પ્રજા માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ ચિંતા ત્યાં અભ્યાસ માટે ગયેલા વિધાર્થીઓને પણ લાગુ પડે છે.
ભારત કોવિડના કપરા દિવસોમાંથી ઝડપથી બહાર આવી શક્યું તેનું કારણ રિઝર્વ બેંકની બહેતર પોલિસી અને મની મેનેજમેન્ટ છે. અન્ય દેશોની સેન્ટ્રલ બેંકોની તુલનાએ ભારતીય રિઝર્વ બેંક આજે બહેતર સ્થિતિમાં હોવાનું કારણ પણ રિઝર્વ બેંકની સંકુચિત છતાં સ્માર્ટ અને સાવચેતીની નીતિને આભારી છે. વર્તમાન સંજોગોમાં આરબીઆઈએ સલામતી અને સાવચેતીના ભાગરૂપ સોનાની રિઝર્વ પણ વધારી હોવાનું જાણવા મળે છે તેમ જ રિઝર્વ બેંક કરન્સી મેનેજમેન્ટ પર પણ યોગ્યપણે ધ્યાન આપી રહી છે. બાકી તો લાંબા સમયથી નબળાં રૂપિયાની પણ ટીકા થતી રહી છે. ખરેખર તો આરબીઆઈ બને ત્યાં સુધી છાશ પણ ફુંકીને પીએ છે.

રેટિંગ એજન્સીઓ માટે પોઝિટિવ સંકેત
ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ રિઝર્વ બેંકના આ પગલાંને ઈકોનોમી માટે પોઝિટિવ ગણાવ્યું છે. સરકારની ડેફિસિટ ઘટે એ ઈકોનોમી માટે સારું ગણાય, જેથી રેટિંગ એજન્સીઓ આ બાબતને એ દ્રષ્ટિએ જુએ તે પણ સ્વાભાવિક છે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બહુમતી કેવી મળે છે એ અલગ વાત છે, પરંતુ મોદી સરકારની પુન:સ્થાપના નકકી છે, તેથી આર્થિક સુધારાના પગલાં આગળ વધારવા, ઈકોનોમિક ગ્રોથને વેગ આપવાના કદમ જરૂરી બનશે. આ માટે સરકાર પાસે રાજકીય સ્થિરતા અને આર્થિક સ્થિરતા અને મજબૂતાઈ હોવાનું મહત્ત્વ વિશેષ ગણાય. જાહેર ક્ષેત્રની કંપનીઓની સારી કામગીરી અને તેમના માર્કેટ કેપમાં થઈ રહેલી વૃદ્ધિ પણ આરબીઆઈ અને સરકાર માટે રાજી થવાની બાબત છે.

અલબત્ત, રેટિંગ એજન્સીઓ સરકાર આ નાણાંનો ઉપયોગ શું કરે છે એ પણ જોશે. દેશના રેટિંગના કે આઉટલુકના સુધારામાં આ પગલું ઉપયોગી નીવડી શકે.

આ ઉપરાંત, આરબીઆઈના આ ડિવિડંડની રકમ સરકારને સત્તા પર આવ્યા બાદ જુલાઈમાં જાહેર થનાર બજેટમાં પણ સહાયરૂપ થશે. સરકાર આ નાણાંનો ઉપયોગ કયાં ને કેવી રીતે કરી શકાય છે એ નાણાં પ્રધાને જોવાનું છે. આનું પરિણામ બજેટમાં જોવા મળશે. બાકી અત્યારે તો રિઝર્વ બેંકના ઊંચા જબરદસ્ત ડિવિડંડથી સરકાર રાજી છે – રોકાણકારો તેમ જ બજાર વધુ રાજી-રાજી છે.
રિઝર્વ બેંકનાં આ પગલાંના શું છે સાત સંકેત?

ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત બની રહ્યું છે અને સારી કામગીરી કરી રહ્યું છે બાહ્ય-ગ્લોબલ પરિબળોની ભારત પર સીમિત અસર છે. સરકારે માર્કેટમાંથી ઉછીનાં નાણાં ઓછાં લેવા પડશે.
બજેટની ફિસ્કલ ડેફિસિટમાં ઘટાડો એ સારી વાત ગણાય. સરકાર મૂડીખર્ચ વધારી શકશે, વ્યાજદરના ઘટાડાનો સ્કોપ વધી શકે.

ગ્લોબલ રેટિંગ એજન્સીઓના ભારત માટેના આઉટલુક સુધરી શકે રિઝર્વ બેંકનો આત્મવિશ્ર્વાસ અને ઈકોનોમિક ગ્રોથ માટેનો આશાવાદ વધી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button